પુરુષલાડકી

લાફ્ટર આફ્ટર : વેકેશનના ઘંટનો રણકાર…

-પ્રજ્ઞા વશી

હા… વેકેશનના ઘંટનો રણકાર તો ભાઈ, વાલી, વિદ્યાર્થી, રિક્ષાવાળા અને શિક્ષકો સહિત આચાર્યને પણ ખૂબ જ ગમે છે, કારણ કે વેકેશનના ઘંટનો રણકાર જ કોઈપણ પ્રકારનાં મ્યુઝિક કરતાં (સહુથી વધારે) કર્ણપ્રિય હોય છે અને સાથે હોય છે છેલ્લું એલાન કે… ‘કાલથી વેકેશન શરૂ થાય છે.’!

એ એલાન અને તે પણ અમારા એન્ટિક પિત્તળના ઘંટ દ્વારા શાળામાં થતું, ત્યારે સાંજનો છેલ્લો ઘંટ છ વાગ્યે પડતો હોય, તો વિદ્યાર્થીઓ લગભગ બપોરથી નોટ – ચોપડાનાં પડીકાં વાળીને તૈયાર થઈને બેસી ગયા હોય છે. એ છેલ્લા દિવસે, કોણ ક્યાં ફરવા જવાનું છે એની રસપ્રદ સાચી- જૂઠી વાતોના ગપગોળા આખી શાળામાં ચાલતા હોય.

વિદ્યાર્થી કરતાં પણ શિક્ષકો તો અઠવાડિયા પહેલાં પેકઅપ કરતાં નજરે ચડે. કેટલાક લગભગ છેલ્લા મહિનાથી જ સરકારી એલ. ટી. સી. નો લાભ લેવા (ફરવા જવાની ટિકિટના પૈસા પૂરા કરવા) ઊંટી, મસૂરી, નૈનિતાલ જેવાં હવા ખાવાનાં સ્થળોની ટિકિટ લઈને છેલ્લા એક મહિનાથી ગામ, ઘર અને સ્કૂલના તમામ શિક્ષકો, પટાવાળા સહિત સહુને એમનો જોરદાર ફરવા જવાનો પ્લાન અને બુકિંગ કરી દીધાના (વિજય પતાકા) સમાચાર કહીને આખા વરસે છોકરાઓએ જે હવા કાઢી નાખી હતી, તે હવા પૂરવા હવા ખાવાનાં સ્થળે જઈ રહ્યાની ઘોષણા કરતાં ફરે છે.

કેટલાક શિક્ષકો તો ‘વેકેશનમાં હવા ખાવાનાં સ્થળો, હવા ખાવાના ફાયદા, વેકેશનના લાભાલાભ અને માનસિક શાંતિ માટે ક્યાં જશો?’ એવા નિબંધો ભલે અભ્યાસક્રમમાં ન હોય, તો પણ લખાવે અથવા તો વ્યાસપીઠ ઉપરથી ચાલીસ મિનિટ સુધી બાળકોના માથા ઉપર ફરજિયાત ‘મોસ્ટ આઇ. એમ. પી. ‘રૂપે રજૂ કરી, પોતે પણ ક્યાં જવાના છે એ અંતે રજૂ કરી ધન્યતાનો અનુભવ (લ્હાવો) પ્રાપ્ત કરે છે. એમ પણ શિક્ષકોને બાળકો સિવાય સાંભળે છે પણ કોણ?!

કેટલાંક બાળકો શિક્ષકનો સારો મૂડ જોઈને ઊભા થઈને પ્રેમથી કહે છે: ‘ટીચર, ટીચર, તમે તો હવા ખાઈને તાજા માજા થઈને આવશો. પણ અમારી દશાની તો તમને કંઈ ખબર જ નથી.’ (નાનું મોં લટકાવીને પૂરી આર્દ્રતાથી રજૂ થાય છે.)
એટલે ટીચર પૂછે, ‘કેમ? તમે પણ ફરવા જશો જ ને?’

‘ટીચર, અમારી પાસે એટલા પૈસા નથી ને, એટલે.’

ટીચર ફરી કહેશે, ‘તો મામાના ઘરને હિલ સ્ટેશન સમજીને ત્યાં જઈને રહેવાનું. એ તમારો જન્મસિદ્ધ હક છે.’

‘પણ ટીચર, અમારામાંથી ઘણાને મામા પણ નથી.’

‘ઓહ…! તો હું તમને શું મદદ કરી શકું?’

‘ટીચર પ્લીઝ, એક કામ કરશો તો આપનો ખૂબ ખૂબ આભાર.’

‘હા, બોલો જોઉં. હું તમને મારાથી બનતી બધી મદદ કરીશ.’

‘ટીચર, તમે જે સો સો વાર કવિતા, સવાલ – જવાબ અને ટૂંકનોંધ લખવા આપી છે, એ લખવા નહીં પણ ખાલી વાંચવા આપી દેશો તો અમારી પાસે થોડો સમય બચશે. અને તો જ, કંઈ નહીં તો થોડીવાર ફળિયામાં રમીને ચોખ્ખી હવાનો આનંદ માણી શકીશું. બાગ બગીચામાં જઈ આવશું. અમારાથી નૈનિતાલ કે દાર્જિલિંગ તો જઈ શકાવાનું જ નથી. હા, સપનામાં કદાચ એકાદ વાર… પણ ટીચર, તમે તો સારી રીતે ફરી આવજો. યુ આર સો લકી ટીચર…’

અને ભલી ભોળી ટીચર ભીની આંખે લેસન માફ કરી દે, એમ પણ ક્યારેક બનતું.

આવા જ ઇમોશનલ ડ્રામા, વારાફરતી દરેક શિક્ષકો લેસન આપતા હોય, ત્યારે બાળકો ‘પ્લીઝ ટીચર, દયા કરો. પ્લીઝ ટીચર… આખું વર્ષ તો લખી લખીને અમારા હાથ દુ:ખી ગયા છે. હવે આ હાથોને બેટ બોલ પકડવાનો લ્હાવો લેવા દો. પ્લીઝ ટીચર…’ અને ટીચરને પલળી જતાં પણ જોયાં છે. જોકે, એમાં અપવાદ ટીચર પણ હતાં. જે શ્રેષ્ઠ ટીચરનો ઍવોર્ડ જીતવા સો સો વાર આખા પાઠો જ લખવા આપીને કોલર ઊંચા કરતાં અથવા પોતે બાળકોનાં હિતમાં (હકીકતમાં અહિતમાં ! ) કામ કરી રહ્યાં છે, એવો અહમ અંદરોઅંદર પોષતાં રહેતાં.

આ છેલ્લો વેકેશન એલાન કરતો ઘંટનો રણકાર જેમણે જોયો હશે, એમને આ બાળકોનાં મુખ ઉપરની હાશનો, હૃદયના દબાયેલા ડૂમાનો અને વર્ષોથી પુરાયેલા કેદીઓનો ચિત્કાર મિશ્રિત અવાજ ‘ઓ… ઓ… ઓ… ઓ…’ છૂટતી વેળાએ સાંભળ્યો હશે. ઘંટ પૂરો થાય તે પહેલાં કેટલાક તો શિક્ષકને ક્લાસરૂમમાં એક તરફ ધક્કે ચડાવીને, ખભે ચોપડાનો કોથળો, વોટર બોટલનો ભાર લઈને વાયુવેગે દોડીને રિક્ષા, વાન, બસ કે મા- બાપના સ્કૂટર પર બેસીને નાસી છૂટતાં જોયા હશે.

આમાંના માંડ દસ ટકા બાળકો આ વિદ્યામંદિરોમાંથી હસતાં હસતાં કે પછી સ્કૂલ ઝૂરાપો વ્યક્ત કરતાં બહાર નીકળતાં. આ તરફ લેવા આવનાર વાલીઓ એક મહિનાથી પોતપોતાના તોફાની ટપુડાઓને કેમના જોતરવા, કયા ખીલે બાંધવા, કયા મામાને આ વરસે એમના ભાણિયાઓનો લાભ આપવો… એ વિચારી વિચારી ડિપ્રેશનમાં સરી જતાં આ લખનારે જોયાં છે તો વિવિધ સ્કિલ ગુરુઓ વેકેશનના બે મહિના પહેલાં બિલાડીના ટોપની જેમ વરસાદ પડતાં પહેલાં જ (વેકેશન પહેલાં) પોતાના સ્કિલ વર્ગમાં મૂકવાથી બાળક કેટલો ચીંધો (અણીદાર, હોશિયાર, ચબરાક, પથ્થરમાંથી પાણી કાઢે એવો) બની જશે! એનાં બેનરો આખા શહેરમાં, શાળાની દીવાલો પર, પૈસા ખર્ચીને શહેરના થાંભલે કે દીવાલે પોસ્ટર્સ લગાવીને, મા – બાપને હાશ કરાવીને પોતાનાં ખિસ્સાં ભરવાની સ્કીમ જાહેર કરે છે તો મા – બાપ રાતોરાત પોતાનાં બાળકને સર્વાંગ સંપૂર્ણ અને ઉત્તમ
બાળક બનાવવા તરફના મરણિયા પ્રયાસમાંના આ છેલ્લા પ્રયાસ હેઠળ બાળકને વેકેશન ક્લાસના અઢળક પૈસા ખર્ચી બાળકને ખોળે રમાડવા કરતાં,

એ ક્લાસમાં ફરી ગોંધીને પોતે ફરજ મુક્તતાનો અહેસાસ કરી નિરાંતે ઊંઘી જાય છે. અડધો સ્કૂલમાં ને અડધો આવા ક્લાસમાં વહેરાતો, પીસાતો બાળક કરે તોય બીજું તો શું કરે?

આપણ વાંચો : લાફ્ટર આફ્ટર: મહેમાન માટે અભ્યાસક્રમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button