બેતાલીસમા વર્ષે પણ બેમિસાલ: એમએસ ધોની
નિવૃત્તિની લગોલગ પહોંચી ગયેલા આ ફ્લાઇંગ વિકેટકીપરે ઘૂંટણની સર્જરીને બે ઘડી ભૂલીને ચિત્તાની ઝડપે ડાઇવ મારી અને ગુજરાત ટાઇટન્સના વિજય શંકરને પૅવિલિયન ભેગો કરી દીધો
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા
એક મહેન્દ્રસિંહ ધોનીની ઓળખ છે અનેક.
વિકેટકીપર, બૅટર, કૅપ્ટન-કૂલ, લેજન્ડ, મેન્ટર, લીડર, સાથીઓનો સલાહકાર અને યુવા વર્ગ માટે પ્રેરકબળ, ક્રિકેટિંગ ગૉડ, વગેરે.
માહીની આ કદાચ છેલ્લી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) છે અને એની શરૂઆતમાં જ તેણે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું સુકાન ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધું છે. તેણે કૅપ્ટન્સી છોડી દેતાં સીએસકે માટે તેનો યુગ પૂરો થઈને નવા યુગનો આરંભ થયો છે, પરંતુ ફીલ્ડિંગમાં હજી પણ એ જ અસ્સલ ધોની જોવા મળી રહ્યો છે.
૪૨ વર્ષનો ધોની ચેન્નઈના ક્રિકેટચાહકોમાં થાલા (લીડર) તરીકે લોકપ્રિય છે. ૨૦૨૩ની આઇપીએલમાં તેણે છેવટે મુંબઈ ઇન્ડિયન્સ જેટલું પાંચમું ટાઇટલ જીતીને વિક્રમની બરાબરી કરી હતી અને આઇપીએલને ગુડબાય કરી દેવાની તૈયારી કરી લીધી હતી. અમદાવાદમાં ૨૮મી મેનો એ દિવસ બધાને ભાવુક કરી મૂકે એવો હતો, કારણકે ભારતીય ક્રિકેટના તેમ જ ક્રિકેટજગતની સૌથી પૉપ્યુલર લીગ ટૂર્નામેન્ટ આઇપીએલના લેજન્ડરી કૅપ્ટન અને પ્લેયરની નિવૃત્તિનો સમય નજીક આવી ગયો હતો. જોકે મિત્રોને, વિશ્ર્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો પ્રેક્ષકોને અને સાથી ખેલાડીઓની લાગણીઓને પારખીને ધોનીએ એ અભૂતપૂર્વ માહોલમાં જાણે નક્કી કરી લીધું કે પોતે વધુ એક આઇપીએલ રમશે જ.
ધોનીએ ત્યારે રિટાયરમેન્ટની જાહેરાત ટાળી, બીજા અઠવાડિયે મુંબઈમાં કોકિલાબેન હૉસ્પિટલમાં ડૉ. દિનશા પારડીવાલા પાસે ઘૂંટણની સર્જરી કરાવી અને રાંચી પાછા ગયા બાદ થોડા દિવસમાં સંકેતો આવ્યા કે ધોની હમણાં નિવૃત્ત નહીં થાય અને સાજા થયા બાદ પ્રૅક્ટિસ શરૂ કરીને વધુ એક આઇપીએલ રમશે.
અહીં મૂળ વાત એ કરવાની કે ધોની બેતાલીસમા વર્ષે પણ બાવીસ વર્ષના યુવા ફીલ્ડરને પણ શરમાવે એવી ચપળ ફીલ્ડિંગ કરી જાણે છે. હજી ગયા વર્ષે તેણે જમણા ઘૂંટણમાં ઑપરેશન કરાવ્યું હતું અને હવે આઇપીએલના આરંભકાળમાં જ હંમેશની માફક ફીલ્ડિંગ શરૂ કરી દીધી. તેણે ચેન્નઈમાં મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં ડેરિલ મિચલના ફુલ લેન્ગ્થ બૉલમાં વિજય શંકરના બૅટની એજ વાગતાં બૉલ પોતાની તરફ આવતાં જ ધોનીએ ચિત્તાની ઝડપે ડાઇવ મારીને (એ જ ઘૂંટણ પર વજન આવ્યું હોવા છતાં) બન્ને હાથે શાનદાર કૅચ પકડી લીધો હતો. સાથીઓ તેને અભિનંદન આપવા તેની પાસે દોડી આવ્યા હતા, ચેન્નઈના કૅમ્પમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો, હરીફોની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો, પરંતુ આખા સ્ટેડિયમમાં ધોનીની આ કરામત જોઈને ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. ચેન્નઈના તો ઠીક, ગુજરાત-તરફી પ્રેક્ષકો પણ ધોનીની આ કરામત જોઈને વાહ-વાહ પોકારી ગયા હતા.
વિજય શંકરે તો મિચલના બૉલમાં કંઈ જ ફૂટવર્કની તસ્દી નહોતી લીધી, પરંતુ ધોનીની મૂવમેન્ટે બધાને ચોંકાવી દીધા હતા.
ધોનીએ વધુ એક વાર સાબિત કર્યું છે કે ક્રિકેટના મેદાન પર ક્યારેય ઉંમર કોઈ પણ રીતે બાધારૂપ નથી હોતી. વિજય શંકરનો કૅચ પકડતી વખતે તેણે પોતાને જેટલા ખેંચીને ડાઇવ મારી હતી એમાં ટોટલ સ્ટ્રેચ ૨.૨૭ મીટર રેકૉર્ડ થયો હતો.
જાણે ધોનીના આ ડાઇવિંગ કૅચ પરથી થોડી જ વારમાં સીએસકેના અજિંક્ય રહાણેએ પ્રેરણા લીધી હતી. તેણે ગુજરાતને વિજયની દિશામાં લઈ જઈ રહેલા ડેવિડ મિલરનો અફાલતૂન કૅચ પકડ્યો હતો. મિલર ૨૧ રન પર હતો ત્યારે તુષાર દેશપાંડેના બૉલમાં તેણે ફ્લિકની કરામતથી બૉલને મિડવિકેટ તરફ મોકલ્યો હતો. રહાણે આક્રમક મૂડમાં દોડી આવ્યો અને આગળની દિશામાં ડાઇવ મારીને નીચો કૅચ આબાદ ઝડપી લીધો હતો.
સાતમી જુલાઈએ જિંદગીના ૪૩ વર્ષ પૂરા કરનાર ધોનીની આ વખતની આઇપીએલમાં હજી બૅટિંગ નથી આવી, પણ ફીલ્ડિંગમાં એવરગ્રીન રહ્યો છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધોનીએ કુલ ૬૩૪ કૅચ પકડ્યા છે અને ૧૯૫ સફળ સ્ટમ્પિંગ કરી છે. આઇપીએલની મૅચો સહિતની તમામ ટી-૨૦ મૅચીઝમાં ધોનીએ ૨૧૭ કૅચ પકડ્યા છે અને ૮૭ બૅટરને સ્ટમ્પ-આઉટ કર્યા છે.
આઇપીએલમાં પણ રેકૉર્ડ ધોનીના નામે છે. તેણે ૧૪૧ કૅચ પકડ્યા છે અને ૪૨ બૅટરને સ્ટમ્પ-આઉટ કર્યા છે. એ રીતે તેણે પોતાના બોલર્સને સ્ટમ્પ્સની પાછળથી ૧૮૩ વિકેટ અપાવી છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સ્ટમ્પ્સની પાછળથી ધોનીએ જે કુલ ૮૨૯ શિકાર કર્યા છે એ વિશ્ર્વવિક્રમ છે. ૦.૦૮ સેક્ધડનો તેનો ફાસ્ટેસ્ટ સ્ટમ્પિંગનો રેકૉર્ડ છે જેમાં તેણે ૨૦૧૮ની સાલમાં વેસ્ટ ઇન્ડિઝના કીમો પૉલને આઉટ કર્યો હતો. ક્રિકેટના ઇતિહાસમાં આ ફાસ્ટેસ્ટ સ્ટમ્પિંગનો રેકૉર્ડ હજી પણ અતૂટ છે. બીજી રીતે કહીએ તો ધોની વિશ્ર્વનો ફાસ્ટેસ્ટ વિકેટકીપર છે.
લોકો ધોનીની સ્ફૂર્તિ અને ફિટનેસના વખાણ દિવાના છે અને સદા રહેશે. ધોની જેવો બીજો કૅપ્ટન, વિકેટકીપર, બૅટર ભારતને તો નથી જ મળવાનો, કોઈ પણ ક્રિકેટિંગ રાષ્ટ્રને એકસાથે આટલી બધી ખાસિયતો ધરાવતો ખેલાડી ક્યારેય નહીં મળે એ વાતને કોઈ જ નકારી ન શકે.