કેટલી વાર મળ્યા બાદ નક્કી થાય કે…

કૌશિક મહેતા
ડિયર હની, હમણાં હું ડેટિંગ એપ વિશેનો એક લેખ વાંચતો હતો. એમાં પ્રેમ કેમ કરવો એની ટીપ વિશેય વાત હતી. હિન્દી ફિલ્મો ‘છોટી સી બાત’થી માંડી ‘પાર્ટનર’ યાદ આવી ગઈ. જોકે, મને એ સમજાતું જ નથી કે, કોઈ પ્રેમમાં માર્ગદર્શક કઈ રીતે બની શકે?
કવિ તુષાર શુક્લે બહુ સાચું કીધું છે કે, દરિયાના મોજાં કઈ રેતી ને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? એમ પૂછી ને થાય નહિ પ્રેમ.. જોકે, આજે એફએમ રેડિયોથી માંડી ડેટિંગ એપ સુધી માર્ગદર્શન મળે છે કે, પ્રેમ કેમ કરવો, પ્રેમી સાથે વાત કઈ કરવી, બ્રેક અપ થયું હોય તો પેચ અપ કેમ કરવું, વગેરે, વગેરે… આપણા બંનેનો સંબંધ થયો ત્યારે આપણે કેટલી વાર મળ્યાં હતાં ને પછી નક્કી કર્યું હતું: ડન….
મને યાદ છે કે, એક વાર હું મારાં ભાભી સાથે તને જોવા આવેલો અને એ પછી એક વાર મળ્યાં એમ બે વાર આપણે બંને એકાંતમાં મળેલાં. હું ઘેર આવ્યો તો ભાભીએ બાને કહેલું કે, બહુ બધું પૂછતાં નહિ એમને છોકરી ગમી છે… આ ‘ગમી જવું’ એ કઈ પ્રકારની ઘટના છે એનું વિશ્ર્લેષણ કઈ રીતે થઈ શકે? એ તો અનુભવવાની વાત છે. મને લાગે છે કે, બે મીટિંગમાં જ આપણે બંનેએ નક્કી કરી લીધું હતું કે, આપણે એકબીજા સાથે જિંદગી વિતાવી શકીશું.
જોકે, આ વાત બધાને લાગુ નથી પડતી. આજે તો બે ચાર મીટિંગ થાય પછીય છોકરા કે છોકરી એકબીજાને કહે છે: ‘ના.. નહીં ફાવે.’ કેટલાક કિસ્સા અનોખા હોય છે. આપણા પરિવારનો જ એક કિસ્સો છે. એ એન્જિનિયર યુવાન, એક છોકરી સાથે વાત ચાલી. બંને પક્ષે વડીલો એટલે કે બંનેનાં મા-બાપની હા હતી, પણ છોકરા અને છોકરીએ કહ્યું કે, ‘અમને સમય જોઈએ.’
મજાની વાત એ છે કે, બંનેનાં મા-બાપે હા પાડી. બંનેએ મળવાની શરૂઆત કરી અને એ ક્રમ લગભગ ચાર-પાંચ મહિના ચાલ્યો ને પછી બંનેએ હા પાડી કે, અમે સાથે જીવવા માટે તૈયાર છીએ…હા, આવું બહુ ઓછા કિસ્સામાં બને છે, કારણ કે, હજુય સમાજમાં કોઈ છોકરા છોકરી સંબંધ વિના એકબીજાને મળતાં રહે તો એ ટીકાને પાત્ર બને છે.
આ જ છોકરાની બીજી એક વાત બહુ મજાની છે. એક જગ્યાએ છોકરી જવા ગયા અને હું એની સાથે હતો. અમે થોડી વાતચીત કરી પછી છોકરા-છોકરીને એકલાં વાત કરવા સગવડ કરી. હું છોકરીના પરિવાર સાથે વાતો કરતો રહ્યો. લગભગ પોણો કલાક વીત્યો. અમારી વાત ખૂટી પડી. મને થયું કે, આટલી બધી વાર બંને શું વાત કરતાં હશે? વળી, છોકરી છોકરાના હિસાબે થોડી જાડી હતી એટલે હું તો એમ જ ધારતો હતો કે, હમણાં થોડી વારમાં છોકરો બહાર આવી જશે. મારી ધીરજ ખૂટી એટલે મેં એને મેસેજ કર્યો કે: ‘હાલો બાપુ, નીકળો બહાર, મારો છુટકારો થાય.’
બહાર આવ્યા બાદ અમે પાછા ફરતા હતા મેં પૂછ્યું કે, છોકરી જાડી હતી, તને ગમવાની નહોતી એ મને ખબર હતી તો આટલી બધી વાર વાત શું કરી? તો એ કહે, અમે એમ જ વાતો કરતાં હતાં. આ છોકરાનો સંબંધ નક્કી થયો એ પછી સગાઈ હતી. હું એ પ્રસંગમાં વહેલી સવારે પહોંચ્યો તો એ છોકરાના રૂમમાં જ થોડીવાર માટે સૂતો હતો. અડધી પડધી ઊંઘમાં મને એટલું કાને પડ્યું કે કોઈ વાત કરે છે. પછી ખબર પડી કે, એ બંને ફોન પર વાત કરતાં હતાં. ઊંઘમાંથી ઊઠ્યા બાદ ખબર પડી કે, એ બંને આખી રાત એકબીજાં સાથે ફોન પર વાત કરતાં હતાં. એટલી કલાકો શું વાત હોય?
આપણે બંને સગાઈ થયાં બાદ ઘણીવાર બહાર સાથે ગયા, પણ એટલી બધી વાતો ક્યારેય થઈ નથી. આજેય એટલી બધી નથી થતી. હું આમ તો ઘણું બધું બોલું છું, પણ તારી સાથે હોઉં તો મૌનના સહારે હોઉં એમ લાગ્યા કરે છે અને તુંય એ મૌનને સારી રીતે સમજે છે. મારું કે તારું મૌન એકબીજા માટે ભાષા બનતું આવ્યું છે. એ આપણા બંનેમાં કેટલાક રંગો ભરતું રહે છે. બે જીવનસાથી એકબીજાં સાથે બોલતાં જ રહે એ જરૂરી નથી. જરૂરી છે એકબીજાને સમજતાં રહે. જેમ કે, તું મારા ચહેરા પરથી સમજી જાય છે કે, હું કેવા મૂડમાં છું. મને પણ હવે તારા વિશે ખ્યાલ આવી જ જાય છે. ક્યારેક ના બોલીને એકબીજાને સાંભળવાની મજા છે. નીલેશ રાણાની એક ગમતો શેર લખી વાત અહી અટકાવું છું… મૌન કહો તો એક શબ્દ છે: આમ જુઓ તો વાણી. આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી
તારો બન્ની