પુરુષ

ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ ચમકી રહ્યા છે ગુજરાતના ત્રણ સિતારા

હાર્દિક, બુમરાહ, અક્ષરના યોગદાનને ટીમ ઇન્ડિયા કદી નહીં વિસરે, હરીફ ટીમો ક્યારેય નહીં ભૂલે અને ક્રિકેટપ્રેમીઓના દિલમાં તેઓ સદા માટે અંકિત રહેશે

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

અક્ષર પટેલ , જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા

ક્રિકેટજગતમાં ભારતીય ક્રિકેટ ટીમની બોલબાલા છે, ટી-૨૦ વર્લ્ડ કપના અપરાજિત ભારતનો જયજયકાર થયો છે, બીસીસીઆઇ (બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)ની તેમ જ સિલેક્શન કમિટીની વાહ-વાહ થઈ રહી છે અને કરોડો લોકોના દિલોદિમાગમાં ભારતીય તિરંગો છવાઈ ગયો છે. ૧૭ વર્ષે ટી-૨૦ ફૉર્મેટમાં આપણે ફરી એકવાર સિંહાસન પર બેસી ગયા છીએ. આખી ભારતીય ટીમ આ ઐતિહાસિક વિજય માટે પ્રશંસાને પાત્ર છે. જોકે ગુજરાતના ત્રણ સપૂતો હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ સૌથી વધુ અભિનંદનના હકદાર છે.

રોહિત શર્માએ કાબિલેદાદ કૅપ્ટન્સીથી ભારતને ચૅમ્પિયનપદ અપાવ્યું હતું. વિરાટ કોહલી આખી ટૂર્નામેન્ટમાં ઓપનિંગમાં ફ્લૉપ રહ્યો, પણ ફાઇનલના ખરા સમયે અસલ ઇનિંગ્સ (૭૬ રન, ૫૯ બૉલ, બે સિક્સર, છ ફોર) રમ્યો. સૂર્યકુમાર યાદવે ટૂર્નામેન્ટની અંતિમ ઓવરમાં ડેવિડ મિલરનો બાઉન્ડરી લાઇનને આરપાર જઈને અદ્ભુત કૅચ પકડ્યો હતો અને તેના એ કૅચને લીધે જ ભારતને ચૅમ્પિયન બનવા મળ્યું એમ કહીએ તો પણ ખોટું નથી. પેસ બોલર અર્શદીપ સિંહે ક્વિન્ટન ડિકૉક (૩૯ રન) અને કૅપ્ટન એઇડન માર્કરમ (૪ રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી તેમ જ આખી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ૧૭ વિકેટ લીધી હતી. વિકેટકીપર રિષભ પંતે માર્કરમનો તેમ જ મૅચમાં ટર્નિંગ પૉઇન્ટ લાવતો હિન્રિચ ક્લાસેન (૨૭ બૉલમાં બાવન રન)નો કૅચ પકડ્યો હતો. શિવમ દુબેએ એકંદરે ફ્લૉપ રહ્યા બાદ ફાઇનલમાં ૧૬ બૉલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. રવીન્દ્ર જાડેજાએ હંમેશની જેમ ફીલ્ડિંગમાં કમાલ દેખાડી હતી. કુલદીપ યાદવનો પણ ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં અમૂલ્ય ફાળો હતો.

જોકે વડોદરાના હાર્દિક પંડ્યા, અમદાવાદના જસપ્રીત બુમરાહ અને આણંદમાં જન્મેલા અક્ષર પટેલના વખાણ કરીએ એટલા ઓછા છે.

ફાઇનલમાં એક તબક્કે સાઉથ આફ્રિકાએ ૩૦ બૉલમાં ૩૦ રન બનાવવાના બાકી હતા અને છ વિકેટ પડવાની બાકી હતી ત્યારે સાઉથ આફ્રિકાની જીતની સંભાવના ૯૦ ટકા અને ભારતની ૧૦ ટકા હતી. પહેલાં તો ક્લાસેનને વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરીને બાજી ભારતની તરફેણમાં લાવી દીધી હતી. હાર્દિકે ૧૭મી ઓવરમાં ક્લાસેન અને મિલર વચ્ચેની પાંચમી વિકેટ માટેની ૪૫ રનની ભાગીદારી તોડી એ સાથે ભારતનો ૧૭ વર્ષે ફરી ટી-૨૦ ચૅમ્પિયન બનવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો હતો. જો ક્લાસેન-મિલરની પાર્ટનરશિપ થોડી પણ લાંબી ચાલી હોત તો અત્યારે ટ્રોફી સાઉથ આફ્રિકાના ખેલાડીના હાથમાં હોત. ક્લાસેન પૅવિલિયન ભેગો થયો ત્યાર બાદ ભારતીય બોલર્સે બીજી કોઈ મોટી ભાગીદારી થવા જ નહોતી દીધી. ક્લાસેનના ગયા બાદ રમવા આવેલા માર્કો યેનસેનને બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો અને છેલ્લી ઐતિહાસિક ઓવરમાં હાર્દિકે મિલર અને કૅગિસો રબાડાની વિકેટ લઈને ભારતને ચૅમ્પિયન બનાવી દીધું હતું.

બુધવારે આઇસીસીના નવા ટી-૨૦ રૅન્કિંગમાં ઑલરાઉન્ડર્સની કૅટેગરીમાં નંબર-વન બનીને ભારત માટે નવો ઇતિહાસ રચનાર હાર્દિકે વર્લ્ડ કપ-૨૦૨૪ની અંતિમ ઓવરમાં
૧૬ રન ડિફેન્ડ કરવાના હતા અને એ તેણે કર્યા હતા. કૅપ્ટન રોહિત શર્માએ એ નિર્ણાયક ઓવર માટે હાર્દિક પર ભરોસો મૂક્યો હતો. સૌથી પહેલાં તેણે ડેવિડ મિલરને ક્ધટ્રોલમાં રાખવાનો હતો, તેને પૅવિલિયન ભેગો કરવાનો હતો. આઇપીએલમાં
ગુજરાત ટાઇટન્સ વતી મિલર ૨૦૨૨ અને ૨૦૨૩માં રમી ચૂક્યો હતો અને હાર્દિક ત્યારે તેનો કૅપ્ટન હતો એટલે મિલરને કેવી રીતે આઉટ કરવો એ હાર્દિકથી વધુ સારું કોઈ નહોતું જાણતું. ખુદ હાર્દિકે મૅચ પછી કહ્યું, ‘છેલ્લી ઓવરમાં મેં નક્કી કરી રાખેલા પ્લાન બરાબર અમલમાં મૂકવાના હતા. ભારતને ચૅમ્પિયન બનાવી શકે એવી આ ઓવરમાં અચાનક બોલિંગ રન-અપ પર મારી ઝડપ વધી ગઈ હતી. મને પ્રેશરમાં રમવું ખૂબ ગમે છે એટલે મેં આ કટોકટીભરી સ્થિતિનો પણ સમજદારી અને હિંમતથી સામનો કર્યો હતો.’

હાર્દિકે મિલરને નીચો, વાઇડ ફુલ-ટૉસ ફેંક્યો હતો. એમાં મિલરના બિગ શૉટમાં વાઇડ લૉન્ગ-ઑફ પરથી દોડી આવેલા સૂર્યકુમારે બાઉન્ડરી લાઇનને આરપાર જઈને અદ્ભુત કૅચ પકડ્યો હતો. સૂર્યકુમારનો એ કૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ બની ગયો હતો.

હાર્દિકે આઠ મૅચમાં ૧૪૪ રન બનાવ્યા હતા અને ૧૧ વિકેટ લીધી હતી. આ પર્ફોર્મન્સને કારણે જ તેને ટી-૨૦ના ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં મોખરે થનાર પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ મળ્યું હતું. સાઉથ આફ્રિકા સામે ત્રણ વિકેટ લેતાં પહેલાં હાર્દિકે સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે બહુમૂલ્ય ૨૩ રન અને ઑસ્ટ્રેલિયા સામે અણનમ ૨૭ રન બનાવ્યા હતા.

વર્લ્ડ કપના બીજા ગુજરાત રાજ્યના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહની ૧૫ વિકેટ આ વર્લ્ડ કપમાં બીજા સ્થાને હતી. તેણે એકમાત્ર અમેરિકા સામેની મૅચને બાદ કરતા તમામ સાત મૅચમાં વિકેટ લીધી હતી. એમાં પણ પાકિસ્તાન સામે ૧૪ રનમાં ત્રણ વિકેટ અને અફઘાનિસ્તાન સામે સાત રનમાં ત્રણ વિકેટનો તેનો પર્ફોર્મન્સ સર્વોત્તમ હતો.

શનિવારે ફાઇનલમાં બુમરાહ પોતાના ત્રીજા જ બૉલમાં સાઉથ આફ્રિકન ઓપનર રીઝા હેન્ડ્રિક્સની વિકેટ લઈ ચૂક્યો હતો. મૅચની છેલ્લી પળોમાં તેની વધુ આકરી કસોટી હતી જેમાં પણ તે પાર ઉતર્યો હતો. ૧૮મી ઓવરમાં હરીફ ટીમે બાવીસ રન બનાવવાના હતા ત્યારે તેની એ ઓવરમાં માત્ર બે રન બન્યા એ પણ સાઉથ આફ્રિકાની ટીમ માટે મોટો આઘાત હતો. એમાં પણ માર્કો યેનસેનની વિકેટથી હરીફ ટીમ પર દાઝ્યા પર ડામ લાગ્યો હતો.

અક્ષર પટેલે આમ તો આખી ટૂર્નામેન્ટમાં જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું હતું, પરંતુ ફીલ્ડિંગમાં પણ તેણે કમાલ કરી હતી. સુપર-એઇટમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિચલ માર્શનો તેણે કુલદીપ યાદવના બૉલમાં બાઉન્ડરી લાઇન નજીક જમણા હાથે પાછળની દિશામાં ડાઇવ મારીને જે કૅચ પકડ્યો એ બેમિસાલ હતો. એ કૅચ સાથે જ ઑસ્ટ્રેલિયાના પતનની શરૂઆત થઈ હતી અને છેવટે ૨૦૬ રનના લક્ષ્યાંક સામે ૨૪ રનથી હારી ગયા હતા.

અક્ષરે આખી ટૂર્નામેન્ટમાં ૯૨ રન બનાવ્યા હતા અને નવ વિકેટ પણ લીધી હતી. ચાર કૅચ પણ તેના નામે છે. ટૂંકમાં, રવીન્દ્ર જાડેજાની જેમ અક્ષર પણ હરીફ ટીમ માટે ત્રણેય રીતે ખતરારૂપ સાબિત થયો. સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં તેણે પાંચમા નંબરે પ્રમોટ કરવામાં આવ્યા બાદ જો ધમાકેદાર બૅટિંગમાં ૩૧ બૉલમાં ચાર સિક્સર, એક ફોરની મદદથી ૪૭ રન ન બનાવ્યા હોત, ચોથી વિકેટ માટે ૭૨ રનની બહુમૂલ્ય ભાગીદારી ન કરી હોત અને ૨૦૨૪ની સાલમાં આઇપીએલમાં છવાઈ ગયેલા ટ્રિસ્ટેન સ્ટબ્સ (૨૧ બૉલમાં ૩૧ રન)ની મહત્ત્વની વિકેટ ન લીધી હોત તો પણ બાજી કદાચ સાઉથ આફ્રિકન ટીમની તરફેણમાં ગઈ હોત. અક્ષરે ટીમ ઇન્ડિયાને મોટા ભાગની મૅચોમાં શરૂઆતમાં અથવા શરૂઆતના બૅટરની વિકેટ અપાવી હતી. પાકિસ્તાનને તે ૨૦ રન બનાવ્યા પછી વનડાઉન બૅટર ઉસમાન ખાનની વિકેટ લઈને ભારે પડ્યો હતો.

ટૂંકમાં, લેફ્ટ-હૅન્ડ સ્પિનર અને ઑલરાઉન્ડર અક્ષરે આ વખતે જાડેજાની હાજરીમાં જાડેજા જેવી જ ભૂમિકા ભજવી હતી. અક્ષર આ વર્લ્ડ કપનો એવો સ્ટાર છે જેના જોઈએ એટલા ગુણગાન નથી ગવાયા. જોકે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ચૅમ્પિયન ખેલાડીઓમાં અક્ષરનું નામ સોનેરી અક્ષરે જરૂર લખાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા