
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીઓમાં મહાયૂતિના મહાવિજય વચ્ચે પણ કોઈ એક સમાચારે બધાનું વિશેષ ધ્યાન દોર્યું હોય તો એ છે ક્રિકેટ ખેલાડી રિષભ પંત.
હમણાં જ થયેલી ખેલાડીઓની હરાજીમાં આ રિષભ IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા ક્રિકેટર તરીકે ૨૭ કરોડમાં વેચાયો.
૨૭ કરોડમાં વેચાયેલો આ જ એ આદમી છે, જેનો ૨૩ મહિના પહેલાં ગંભીર અકસ્માત થયો હતો…
અકસ્માત એટલે કેવો કે એના પગની ગંભીર ઈજાઓ બાદ ડૉક્ટર્સ અને ક્રિકેટ નિષ્ણાતોએ ભાખ્યું હતું કે આ ખેલાડી ફરી પાછો કયારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમી શકે અને જો એ રમવા ચાહે તો પણ એની ઈજાઓ એટલી ગંભીર છે કે પંત આવનારા દોઢ-બે વર્ષ સુધી તો ઊભો સુદ્ધાં નહીં થઈ શકે!
પરંતુ બધા સર્જનો-તબીબી અને ખાંટી ક્રિકેટ નિષ્ણાતો બધાને સાગમટે ખોટા ઠરાવીને એ બંદો-પંત ઈજાના પંદર જ મહિના પછી મેદાન પર હતો… !
એ પછી તો એ ઈન્ટરનેશનલ મેચો પણ રમ્યો-નવાં વિક્રમો રચ્યા અને હવે એ IPLનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે.
ભલે IPLમાં પૈસાની છોળો ઉડતી હોય કે એના જેવી રમત દેશના યુવાનોને જુગાર અને સટ્ટાને રવાડે ચઢાવે, પરંતુ સાથોસાથ IPL એ કાબેલિયતનો મહાકુંભ પણ છે. એવી લીગમાં પોતાનું આવું સ્થાન બનાવવું-જમાવવું અને અવ્વલે પહોંચવું એ કંઈ પંત માટે આસાન તો નહોતું જ…. ખાસ તો ત્યારે એ પોતે પથારીવશ હતો એ વખતે એક એક નાનકડું ડગલું માંડવા માટે પણ કેવાં સાંસાં પડતા હશે એ કલ્પના માત્ર ધ્રુજાવી દે એવી છે અને ત્યારે અખબારોમાં કે ટેલિવિઝન પર કે સોશિયલ મીડિયામાં પોતે ફરી કદી બેઠો થઈ શકશે કે નહીં એના સમાચાર એ ખુદા જોતો હશે ત્યારે !
હાથમાં કશું જ નથી હોતું કે પછી બધુ પડી ભાંગ્યું હોય ત્યારનો સંઘર્ષનો સમય, કોઈ પણ માણસ માટે અત્યંત કપરો હોય છે.
આ સમયમાં ઘડિયાળ પણ ધીમું ચાલતું હોય છે ને ચોમેરથી નકારાત્મક વાતો, નકારાત્મક વિચારો અને ક્યારેક તો નજીકના લોકોના નકારાત્મક પ્રતિભાવો પણ માણસને તોડી નાંખતા છે. ખાસ તો એની અંદર એવો ડર પેસી જતો હોય છે કે એ હવે ક્યારેય ઊભો નહીં થઈ શકે !
હવે બધું પૂરું…પૂર્ણવિરામ .. હવે કોઈ જ નવી શરૂઆત -નવો પ્રારંભ નહીં થઈ શકે !
જોકે, રિષભ પંતે કંઈક જુદી માટીનો માણસ હતો. પોતાના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી આપ્યું છે કે જ્યારે મનમાં હવે ‘આપણી વાર્તા પૂરી’ની વાત દૃઢ થાય એવા સંજોગો રચાય પછી પણ ફરી ઊભા થઈ શકાય છે. અને ઊભા એટલે કેવા ઊભા? ક્રિકેટના મેદાન પર શ્રેષ્ઠ પરફોર્મન્સ એવું આપવાનું કે તમારી કિંમત- બોલી સૌથી ઊંચી બોલાય !
પંત અહીં આપણા જેવા કરોડો લોકોને પ્રેરણા આપે છે કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
તમે મચેલા જ રહેશો, સતત તમારા લક્ષ્ય તરફ આગળ વધતા જ રહેશો અને તમારી ગેમમાં સાતત્યપૂર્ણ દેખાવ કરતા રહેશો તો તમારો પગ ૧૮૦ ડિગ્રીએ વળી પણ ગયો હશે તો ય તમે મેદાન પર તમારી ધાક જમાવીને અક્કડ -ટટ્ટાર ખડા રહી શકો !
Also Read – ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: આવા આવેગ-આવેશને કોણ સમજાવશે – સુધારશે?
આપણી સ્થિતિ તો કંઈ પંત જેવી નહીં હોય એક પથારીવશ થઈ જવું પડ્યું હોય. આપણે તો ઘણી સારી સ્થિતિમાં હોઈશું. છતાં ય આપણે અનેક વખતે, અનેક પડકારો વખતે કે અનેક વળાંકો વખતે એવું વિચારતા હોઈશું કે હવે આપણી વાત પૂરી.
હવે આપણાથી આગળ નહીં વધી શકાય, હવે આપણું કોઈ નથી. જોકે જેનું કોઈ નથી હોતું એનો ય ભગવાન તો હોય જ છે અને એથીય આગળ જો તમામ પરિબળ પોતાનાથી વિપરીત હોય ત્યારે જો આપણે આપણી મહેનત અને આપણી જાતમાં શ્રદ્ધા રાખીશું તો પણ આપણે એક દિવસ આપણે માટે ઇતિહાસ રચી શકીશું.
લાચારી આવી પડવી અને લાચારીમાં જીવવું એ બંને જુદી સ્થિતિ છે. કેટલાય લોકોને તો ઊભી કરેલી લાચારીમાં વિક્ટિમ બનીને જીવવાની ટેવ હોય છે-પડી જાય છે..તો કેટલાક એવા પણ હોય, જે ભલભલી લાચારીને પોતાની ગજબની તાકાત બનાવીને પોતાની જિંદગીનો પ્રવાહ પલટાવી નાખે છે !