પુરુષ

આ ગંગારામે બનાવેલી અશ્ર્વ-ટ્રેન ૧૩૩ વર્ષથી પાકિસ્તાનમાં દોડે છે

કવર સ્ટોરી -મનીષા પી. શાહ

ભારત કંઈ પણ કરે ત્યારે પાકિસ્તાન એ સિદ્ધિને આવકારી શક્તું નથી. એના જન્મજાત ડીએનએમાં જ પ્રૉબ્લેમ છે. વન-ડે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને જડબેસલાક હાર આપી એની કળ હજી વળી નથી એમને. દેશની પ્રજાનું ભેટ ન ભરી શકનારા પાકિસ્તાનના રાજકારણીઓને ભારત પર અણુબૉમ્બ ઝિંકવાની લુખ્ખી ધમકી આપવાની આદત છે. તાજેતરમાં ભારતે ચંદ્ર-વિજય કર્યો ત્યારે બાલીશ પ્રતિસાદ આવ્યા
હતા.

હમણાં એક નવી હકીકત બહાર આવી કે છેક ૧૩૩ વર્ષ અગાઉ એક ભારતીયે શરૂ કરેલી અશ્ર્વ-ટ્રેનમાં હજી એન્જિન જોડી શકાયું નથી, પણ ફાંકાફોજદારીમાંથી ઊંચા આવતા નથી. તાલિબાની માનસિકતા વચ્ચે અશ્ર્વ-ટ્રેન ટકી રહી એ એમની ઉદારતા નથી, લાચારી છે, પરંતુ આ કારણસર પણ પાકિસ્તાનના જૂના લીલપુર (અને હાલ ફૈઝલાબાદ) જિલ્લાના જારનવાલા તાલુકામાં બનાવાયેલી આ અનોખી ટ્રેન-સેવા બચી ગઈ એ સારું છે. લાહોરની જારનવાલા રેલવે લાઈન પર બુકિયાના રેલવે સ્ટેશનથી ગંગારામ સ્ટેશન વચ્ચે આ રેલવે લાઈન આજેય સક્રિય છે.

આઝાદી પછી વરસો સુધી આ ઘોડા દ્વારા ખેંચાતી ટ્રામ-ટ્રેનનો ઉપયોગ થતો રહ્યો. આમાં એન્જિનને બદલે ઘોડાનો ઉપયોગ કરાતો હતો. ૧૯૮૦ના દાયકામાં. સમારકામની જરૂર ઊભી થતા એ ઠપ થઈ ગઈ, પરંતુ ૨૦૧૦માં ફૈઝલાબાદ જિલ્લાના સત્તાધીશોએ સમારકામ કર્યા બાદ હાલ એને સાંસ્કૃતિક વિરાસતનો દરજ્જો અપાયો છે.

નેરોગેજ-સાંકડી-રેલવે લાઈન પર પૈડાં પર પાટિયા ટ્રોલી ગોઠવાય. એના ઉપર મુસાફરો બેસી જાય. બધા બેસી જાય એટલે એક જણ દોડીને સૌ પાસેથી ટિકિટની રકમ વસૂલ કરી લે. પછી ઘોડાને લાવીને ગાડી સાથે બાંધી દેવાય. ઘોડા પાટા વચ્ચે દોડવા માંડે. જરૂર પડે ત્યાં મુસાફર ઈમર્જન્સી લીવર ખેંચીને ગાડી રોકીને ઊતરી જાય.

ક્યારેક બે ગાડી સામસામી થઈ જાય તો? બન્ને ગાડીના મુસાફર ઊતરી જાય. પછી બન્નેના ગાડીના ઘોડા અને એની દિશા બદલાઈ જાય. સાથોસાથ પાટિયા-ટ્રોલી હટાવીને એકને માર્ગ મળ્યા બાદ બન્ને ગાડી પોતપોતાની દિશામાં જતી રહે. આ ટ્રેનની ઝડપ ખાસ ન હોવાથી ઘણાં મુસાફર દોડીને ય એમાં ચડી જાય છે.

આ અદ્ભુત કલ્પના અને વ્યવસ્થા અખંડ ભારતના એક નાગરીક અને હાલના પાકિસ્તાનીઓ માટે હિન્દુ એવા ગંગારામ દૌલતરામ અગ્રવાલની છે. આ તો નામ થયું પણ આ એન્જિનિયર, ઉદ્યોગપતિ, સમાજસેવક અને સાહિત્યકાર ગંગારામજીએ એવા અફલાતુન કાર્ય કર્યા. બ્રિટિશરોએ રાય બહાદુર અને સર સહિતના અનેક ઈલકાબથી એમને
નવાજયા હતા. પાકિસ્તાનમાં “કાફિર ગણાતા મહાનુભાવે લાહોરમાં એટલું મોટું પ્રદાન આપ્યું કે તેમને આધુનિક લાહોરના જનક
ગણાવાયા.
આજના લાહોરમાં હાઈ કોર્ટ, મ્યુઝિયમ, જનરલ પોસ્ટ ઑફિસ, કૉલેજ થકી લાહોરવાસીઓ ઈચ્છે કે ન ઈચ્છે, ગંગારામજીની યાદ આવ્યા વગર રહેતી નથી.

ભાગલા બાદ પાકિસ્તાનમાં હિન્દુ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. અમુક ધર્મઝનુનીઓ લાહોરમાં મહાન હિન્દુ પરોપકારી સર ગંગારામની મૂર્તિ તોડી પાડવા ધસી ગયા. એક જણ જુતાનો હાર લઈને મૂર્તિ પર ચડી ગયો. પોલીસની ગોળી લાગતા એ નીચે પડી ગયો.

ત્યાં ભીડમાંથી બે-ચાર જણે બૂમ પાડી: ‘એને સારવાર માટે તરત સર ગંગારામ હૉસ્પિટલ લઈ જાઓ.’ કેવી વિડંબના. જેની મૂર્તિ અને નામનો નાશ કરવા નીકળ્યા હતા તેમણે જ બનાવેલી હૉસ્પિટલમાં જીવ બચાવવા જવાના હતા. આ ઘટનાને સંવેદનશીલ સર્જક સાદત હસન મંટોએ આ ઘટના પર વેધક કટાક્ષ પોતાની ટૂંકી વાર્તા ‘ગારલેન્ડ’માં કર્યો હતો.

ભાગલા બાદ સર ગંગારામ અગ્રવાલનો પરિવાર ભારત આવીને દિલ્હીમાં સ્થાયી થયો. ગંગારામ (૨૨ એપ્રિલ, ૧૮૫૧-૧૦ જુલાઈ, ૧૯૨૦) દ્વારા ભારતમાં ય ઘણાં મોટા કામ થયા, પણ પાકિસ્તાન જેટલા નહીં. નગુણા પાકિસ્તાને રહીરહીને શેઠ ગંગારામના સ્મારકનું સમારકામ કરાવ્યાના અહેવાલ વચ્ચે આવ્યા હતા ખરા. એમનું કામ એટલું તોતિંગ અને નોંધપાત્ર હતું કે પાકિસ્તાન સરકાર અને પ્રજા ગમે તેટલું જોર કરવા છતાં તેમના નામ ભૂંસી શકે એમ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button