મોદી મેજિકનું કારણ છે આ મોદી મંત્રો

મેલ મેટર્સ -અંકિત દેસાઈ
તાજેતરમાં યોજાયેલી પાંચ વિધાનસભાઓની ચૂંટણીને આગામી લોકસભા પહેલાંની પ્રેક્ટિસ મેચ તરીકે લેખવામાં આવતી હતી. એ ચૂંટણીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં ભાજપને જીત અપાવીને નરેન્દ્ર મોદીએ સાબિતી આપી દીધી છે કે નરેન્દ્ર મોદી અજેય નેતા છે. તેઓ ભારતના રાજકારણમાં છે ત્યાં સુધી તેમનું કોઈ રિપ્લેસમેન્ટ નથી અને રિપ્લેસમેન્ટ તો શું, તેઓ જ ભારતના રાજકારણનું કેન્દ્રબિંદુ છે. જોકે નરેન્દ્ર મોદીમાં એવું તો, અનન્ય છે, જે બીજા કોઈનામાં નથી. વળી, એવી તે કઈ બાબતો છે, જે બાબતો તેમની સફળતા, તેમની લોકપ્રિયતા અને વૈશ્ર્વિક પ્રતિષ્ઠામાં દિવસે ને દિવસે વધારો કરી રહી છે?
મોદીજીની આવી સ્કિલ્સ તેમજ તેમના ગુણો વિશે તો અત્યાર સુધીમાં અનેક વખત લખાઈ ચૂક્યું છે. વળી, હવે તો આંતરાષ્ટ્રીય સ્તરે તેમની ખાસિયતો વિશે ચર્ચા થાય છે. છતાં આપણે એ બાબતને જરા જૂદી રીતે જોઈએ. એક પુરુષ મોદીજી પાસે કેટલી સ્કિલ્સ શીખી શકે એના પર નજર કરીએ. જોઈએ તો ખરા, આપણને શું શું જડે છે એકવીસમી સદીમાં બહુ ચર્ચિત રહેલી આ પર્સનાલિટીમાંથી.
પોતાના સમયની રાહ જૂઓ, પરિપક્વ બનો
જેઓ આરએસએસ સાથે સંકળાયેલા છે કે જેઓ ભાજપ સાથે એંસીના દાયકાથી જોડાયેલા છે તેઓ નરેન્દ્ર મોદીને ઓળખતા હશે. પરંતુ એ સીવાય જેને માસ કહેવાય એ તો જ્યાં સુધી નરેન્દ્ર મોદીનું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયું ત્યાં સુધી તેમનાથી અજાણ હતાં. પણ એવું તો હતું જ નહીં કે નરેન્દ્ર મોદી રાતોરાત પિક્ચરમાં આવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજા કોઈનું નહીં અને તેમનું જ નામ જાહેર થયું એ બાબત જ પુરાવો છે કે નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૦૧ સુધીમાં પોતાના પક્ષમાં અત્યંત કદાવર નામ બની ગયા હતા. પણ એ કદાવર નામ બનતી વખતેય તેઓ ફ્રન્ટ પર નહીં રહ્યા અને અને પાછળ રહીને સંગઠન વિશે કે ફન્ડ કઈ રીતે ઊભું કરવું એ વિશે રાજકારણમાં ટકી રહેવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ કઈ રીતે અપનાવી શકાય એ વિશે શીખતા રહ્યા હશે. ઈવન ત્યારે ય તેઓ તો ત્યારનાં ભાજપના દિગ્ગજોની અત્યંત નજીક હતા. વાજપેઈજી હોય કે અડવાણી હોય, બધાય સાથે તેઓ સંપર્કમાં અને પક્ષના અત્યંત નાનાં કહી શકાય એવા કાર્યો તેઓ કરતા રહેતા.
તો સ્કિલ થઈ? તેમણે પરિપક્વ થવા પર, શીખવા પર, પોતાનું મેરીટ વધારવા પર ધ્યાન આપ્યું. અમસ્તા જ રાતોરાત ગુજરાત ભાજપનું મોટું માથું બનીને પછી અમુક વર્ષોમાં તેઓ જતાં નથી રહ્યા. બલકે લગભગ ત્રીસથી વધુ વર્ષો તેમણે સંઘના કે ભાજપના અદના કાર્યકર તરીકે રઝળપાટ કર્યો. પોતે બોલ્યે ચાલ્યે, સપર્કોની દૃષ્ટીએ કે જમીની રીતે એમ બધી રીતે પોતે સક્ષમ થયા અને પછી પવન પોતાની તરફ વાઈ રહ્યો છે એવું તરાસ્યા-ચકાસ્યા પછી તેઓ એક્ટિવ પોલિટિક્સમાં કૂદયા. જેનો તેમને સીધો લાભ એ મળ્યો કે પક્ષમાં કે પક્ષની બહાર તેમનો કોઈ વિકલ્પ નહીં રહ્યો!
એટલે થોડાં સમ્પર્કો થાય કે થોડી સક્ષમતા આવે એટલે કંઈ પોતાની જાતને બહુ મોટી માનવા નહીં લગાય. કારણ કે સફળતા ક્યારેય ઓવર નાઈટ નથી મળતી. સફળતા પોતાનો સમય લેતી જ હોય છે! એના કરતા પોતાના મેરિટ પર ખૂબ ધ્યાન અપાય. અને પૂરતી તૈયારીઓ કરી લેવાય. જેથી બાર વર્ષ મુખ્યમંત્રી તરીકે કે નવ વર્ષ વડા પ્રધાન તરીકે રહ્યા પછી પણ તમારો જાદૂ બરકરાર રહે અને તમારો દૂર દૂર સુધી કોઈ વિકલ્પ નહીં હોય.
પોતાના કામની રિક્વાર્યમેન્ટને સમજો
દુનિયામાં મોટાભાગના લોકોનો, ખાસ તો પુરૂષોનું કામ કરવાનું કારણ એક જ હોય છે કે તેમણે પૈસા કમાવા છે. તેઓ જેતે કામમાં એટલા માટે નથી હોતા કે જેતે કામ એ તેમનું પેશન છે! અને એટલે જ જો દુનિયામાં એવી કોઈ સ્કિમ આવે કે દર મહિને અમુક સારી એવી અમાઉન્ટ તમને ઘરે બેઠા જ મળી જશે, તો અડધા પુરુષો ઘરે બેસી જાય એમ છે! એટલે જ મોટાભાગના લોકોને પોતાને કામ નથી ગમતું. અને જેમને પોતાનું કામ નથી ગમતું એ લોકો કંઈ પોતાના કામ કે પોતાના કામની શું રિક્વાર્યમેન્ટ છે એ વિશે ક્યારેય ગંભીર વિચાર કરે ખરા?
પરંતુ મોદી એમાં નોખા છે. આપણે વર્ષ ૨૦૦૧થી જોયું છે કે તેઓ રાજકારણ જેવા શુષ્ક ક્ષેત્રમાં પણ સમયાંતરે અવનવા પ્રયોગો કરતા રહ્યા છે. પછી એ પોતાની હેરસ્ટાઈલ બાબતના હોય, પોતના કપડાં બાબતના હોય, ફોટો માટે પોઝ આપવાની સ્ટાઈલ હોય, સોશિયલ મીડિયા, ભવ્ય રેલીઓ હોય કે પછી
રેલીઓમાં ચોક્કસ આરોહ અવરોહ સાથે બોલવાની સ્ટાઈલ હોય. તેમને ખબર છે કે રાજકારણ એ જાહેર ક્ષેત્ર છે અને જાહેર ક્ષેત્રમાં તમારી પાસે આગવી પર્સનાલિટીનું હોવી જરૂરી છે અને એટલે જ તેમણે પોતાની પર્સનાલિટી પર સતત ધ્યાન આપ્યું. તેઓ બીજા નેતાઓની જેમ કૂરતા- ધોતિયા પેરીને માત્ર રાજકારણ ન કરતા રહ્યા. તેમણે ભવ્ય પર્સનાલિટી બનાવી, એ પર્સનાલિટી બતાવી અને એ પર્સનાલિટીથી કોમ્યુનિકેશન કરીને કરોડો લોકોનો વિશ્ર્વાસ જીતી લીધો.
આની જગ્યાએ બીજા કોઈ પુરુષ હોત તો શું કરત? તેઓ કહેત મારું કામ સરકાર ચલાવવાનું છે. મારું કામ પ્લેનમાં કે સબમરિન્સમાં કે આર્મીના જવાનો સાથે પોઝ આપવાનું નથી! અથવા કોઈ એમ પણ કહે કે મારા ક્ષેત્રમાં તો અમુક જ પ્રકારનું ડ્રેસિંગ ચાલે. અમારે ત્યાં બધા આ જ કરતા આવ્યા છે! પણ મોદી એવા નથી. તેમણે તેમના ક્ષેત્રમાં બધા એવું કરે છે કે નહીં એના પર ફોક્સ નહીં કર્યું. તેમણે ફોક્સ કર્યું કે કઈ કઈ બાબતો તેમનું યુથ અને વોટર્સ સાથે કોમ્યુનિકેશન વધારી શકે એમ છે. અને જો એ બાબતોમાં અટાયર્સ આવતા હોય તો તેમણે અટાયર્સમાં પણ ફેરફાર કર્યો છે. એનો અર્થ એ થાય કે તેઓ પોતાના કામની અત્યંત કદર કરે છે. અને પોતાના કામ માટે જે કોઈ ફેરફારની જરૂરિયાત હોય તો એ ફેરફાર તેઓ કરે છે.
(ક્રમશ:)