જીવનની અશાંતિનું કારણ માત્ર એક જ છે, ચિત્તની અશાંતિ
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
અનાસક્તિયોગના માધ્યમથી આપણે શ્રીમદ ભાગવદ ગીતાને આજના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એનો હવે આ છેલ્લો લેખ. આ લેખ અત્યાર સુધીના તમામ લેખોના અર્ક સમાન છે. કારણ કે આજે આપણે ચિત્તની શાંતિની વાત કરવાના છીએ. ગીતામાં એક જગ્યાએ ધ્યાન વિશે રસપ્રદ વાત થઈ છે. જોકે આપણે આજે ધ્યાન વિશે કશું નથી જાણવું. પરંતુ જ્યાં ધ્યાન વિશેની વાત થઈ ત્યાં એક વાત બહુ સરસ કહેવાઈ છે કે ધ્યાન કરવાની સૌથી પહેલી શરત ચિત્તની શાંતિ છે. એટલે જો ચિત્ત અશાંત હોય તો કોઈ પણ સંજોગમાં ધ્યાન શક્ય બનતું નથી.
આ બાબત માત્ર ધ્યાન માટે જ નહીં, પરંતુ જીવનમાં દરેક તબક્કે અત્યંત ખપમાં આવતી હોય છે. આખરે ચિત્તનું શાંત હોવું એ અત્યંત એક્સપેન્સિવ અને એક્સક્લુઝિવ બાબત છે. ચિત્તની શાંતિ કંઈ આઈવિનસમાંથી કે રિબોકના શોરૂમમાં નથી વેચાતી. કે ઈવન ગમે એટલા પૈસા ફેંકો તો પણ ચિત્તની શાંતિ મેળવી નથી શકાતી. આખરે મનની શાંતિને સીધો સંબંધ છે અધ્યાત્મ સાથે અને આપણે છીએ કે ભૌતિકતામાં જ રમમાણ રહીએ છીએ.
તો એનો અર્થ એ થયો કે આપણે માટે ચિત્તની શાંતિ મેળવવી અત્યંત મહત્ત્વની બાબત છે. પણ ચિત્તની શાંતિ મળે ક્યાંથી? તો કે અહીં ગાંધીજી એક સરસ મજાની રિમાર્ક્સ આપે છે કે ચિત્તનું જરા સરખું અશાંત હોવું એટલે આપણી અંદરના અહમનું અથવા કોઈ પણ પ્રકારની વાસનાનું જાગ્રત હોવું! આપણી અંદર કશીક એવી તરસ છે અથવા તો આપણે હજુ એવો નબળો એટિટ્યુડ છે, જે આપણને હજુ થોડા દોડતા રાખે છે. હજુ થોડા અશાંત રાખે છે. એ માટે ગાંધીજી અગેઈન ફળત્યાગની વાત કરે છે. જોકે આ કિસ્સામાં તો તેઓ ફળ ત્યાગથી પણ આગળ વધે છે અને કહે છે આપણી અંદર ફળ કે પરિણામો બાબતે વૈરાગ્ય જ એવું જોઈએ કે એ વૈરાગ્ય આપણી ઈચ્છાઓનું શમન કરશે.
પણ આપણે છીએ કે જીવનને, આપણાં કર્મોને, આપણાં પરિણામોને કે આપણા ઈન્ટરેક્શન્સને વૈરાગ્યભાવે નિહાળી શકતા નથી. આપણે આપણી સામે આવતી કે ઘટતી કે રજૂ કરાતી બાબતોનું એક કેલ્ક્યુલેશન લઈ લેતા હોઈએ છીએ અને પછી એ કેલ્ક્યુલેશનને હિસાબે આપણે દરેક બાબતે એક મત બાંધી દેતા હોઈએ છીએ. જે મત જ પછી આપણને બીજાં કાર્યો કે બીજા સંબંધોમાં આપણે માટે મુસીબત ઊભી કરતા હોઈએ છીએ. ઈનશોર્ટ પહેલાં તો આપણે કોઈ પણ વ્યક્તિ, સંજોગ, કામ કે બાબત વિશે મત બાંધવાનો બંધ કરવાનો. એવું કરીશું એટલે આપોઆપ જ આપણી અંદર કોઈ બીજા વિચારો કે વિદ્રોહ કે દ્વેષ કે ક્રોધ કે ઈવન મોહ નહીં જન્મે.
અને જો ઉપર ગણાવી એ બાબતો આપણા મનમાં નહીં ઉદભવે તો આપણે આપોઆપ આપણા જીવન, કામ કે સંબંધો બાબતે સમત્વ કેળવતા થઈ જઈશું. જેને કારણે આપણી સામે આવતી કોઈ પણ બાબત આપણા પર પોઝિટિવ કે નેગેટિવ ઈમ્પેક્ટ ઊભી નહીં કરે અને એ કારણે આપણી અંદર કોઈ નાહકની ઈચ્છાઓ નહીં જન્મે. કે નહીં તો આપણી અંદર કોઈ તરસનો જન્મ થાય. આ કરવું ભારે છે. પરંતુ જો આપણે આ કરી શકીશું તો આપણે આપોઆપ અંદરથી શાંત થઈશું અને એ કારણે આપણે થોડો સમય જ નહીં, પરંતુ આજીવન ધ્યાન કરી શકીશું.
ઈનશોર્ટ અહીં પણ રહી રહીને એક જ વાત આવે છે કે આપણે સ્થિતપ્રજ્ઞ રહેવું અને અંદરથી શાંત રહેવું. આ શીખીશું તો પર્સનલ ફ્રન્ટ પર કે પ્રોફેશનલ ફ્રન્ટ પર કોઈની તાકાત નથી કે તેઓ આપણને દુ:ખી કરી શકે. આમેય દુ:ખનું ટીવીના રિમોટ જેવું છે. એ આપણે નક્કી કરવાનું છે કે આપણા ટીવીનું રિમોટ આપણે આપણા હાથમાં રાખવું છે કે સામેનાના હાથમાં આપી દેવું છે. જો આપણી પાસે જ આપણું રિમોટ રહેશે તો આપણા માટે અહીં જ સ્વર્ગ છે.