પુરુષ

મેલ મેટર્સ -: છાકટા થવામાં ને આનંદ કરવામાં ફરક છે

અંકિત દેસાઈ

એકવાર એક વ્હોટ્સએપ' ફોરવર્ડમાં સરસ મજાનું વાક્ય વાંચવા મળ્યું હતું. એમાં લખ્યું હતું કે જલસા અને આનંદ વચ્ચે ફરક છે.જલસા લોકને પૈસે થાય, આનંદ પોતાના પૈસે થાય!’

જોકે ફોરવર્ડ્સની પણ એક તાસીર તો હોય છે. મીડિયોકર હોવું- ઉપરછલ્લું હોવું એ ફોર્વર્ડ્સ મેસેજનું મૂળભૂત લક્ષણ છે એટલે એ સમયે એ વાક્ય વાંચીને ભૂલી ગયેલો, પરંતુ એ વાક્ય મને અચાનક મગજમાં ઝબકી ઉઠ્યું, જ્યારે મેં સુરતથી બેંગ્કોક ઉડેલી ફ્લાઈટનાં દૃશ્યો અને સમાચારો વાંચ્યા.

એ ફ્લાઈટમાં કુલ પંદર લિટર દારૂ હતો એમ સમાચારો કહી રહ્યા હતા, પરંતુ ન્યૂઝ એમ બન્યા કે લોકો એ ફ્લાઈટમાં હતો એટલો દારૂ પી ગયા અને હાહા હોહી થયું.

જોકે અંગત રીતે મને એ પબ્લિસિટી સ્ટંટ વધુ લાગ્યો, કારણ કે એ ન્યૂઝ જે રીતે `વ્હોટ્સએપ’ પર વાયરલ થયા અને પછી મોટાં મોટાં અખબારોમાં એનું રિપોર્ટિંગ થયું એમાં પબ્લિસિટીની ગંધ વધુ આવતી હતી. આખરે એમાં સમાચાર જેવું હતું શું ?

હવે આ જલસા અને આનંદની વાતને આપણે કનેક્ટ કરીએ. ફ્લાઈટમાં જે થયું એ થયું, એના તરફ ઝાઝું ધ્યાન આપવા જેવું નથી, પરંતુ ફ્લાઈટમાં પણ કેટલાક લોકો જે રીતે વાતો કરી રહ્યા હતા, મોટેમોટેથી રાડારાડ કરતા હતા જાણે કે કોઈ બેકયાર્ડ કે રેસ્ટોરાંમાં પાર્ટી ચાલતી હોય એમ ફ્લાઈટમાં આંટાફેરા કરીને જોરજોરથી વાતો કરી રહ્યા હતા. એવું જ આપણે સામાન્ય સંજોગોમાં પણ કરીએ છીએ.

જાહેરમાં ઉજાણીઓ કઈ રીતે કરવી એની આપણને લગભગ કિસ્સામાં પડી નથી હોતી. અહીં આપણે જલસા લોકને પૈસે થાય અને આનંદ પોતાને પૈસે થાય' વાળું વાક્ય ભૂલી જઈએ. આ હિસાબે આપણે આપણી જાહેરમાં થતી ધમાલોને કંઈ અવગણી નહીં શકીએ કેઅમે તો ભઈ અમારા પૈસે મજા કરીએ છીએ! એટલે અમારો તો આનંદ કહેવાય….! ‘ અલા ભઈ, આપણી કોઈ પણ મજા કે ઉજાણી જો બીજા માટે ત્રાસ બનતી હોય એને પણ જલસો જ ગણી લેવો. અલબત્ત, શબ્દકોશ મુજબ તો જલસો' કેજલસા’ શબ્દ પણ હકારાત્મક અર્થ જ ધરાવે છે.

જોકે, કોઈની પણ ઉજાણી ભેળા મળીને કરાતી હોય એને જલસો કહેવાય અને ભેગા મળેલા લોકો ટોળું ક્યારે બની જાય એની કોઈ સરત નથી રહેતી. આપણે ત્યાં એમ પણ કહેવાય જ છે ને કે ટોળામાં ક્યારેય અક્કલ નથી હોતી! એટલે જ પછી એ ટોળું કોઈકની બર્થ-ડે પાર્ટી હોય ત્યારે રાત્રે બાર વાગ્યે દસ પંદર કેક્સ એક સાથે લઈને `બર્થ- ડે ઢાંઢા’ને હાથમાં તલાવાર પકડાવીને કેકસ કાપેને ઉહાપોહ મચાવે! આવું જ ટોળું પાછું ઉજાણીને નામે રસ્તાઓ પર આઠ- દસ બાઈક્સ કે એવી જ આઠ- દસ ગાડીઓ લઈને હોર્નાહોર્ન કરીને સરઘસ જેવું કાઢતી હોય છે.

Also Read – દીકરી લાડકવાયી છે, કારણ કે….

પછી એ લોકો જો કોઈ રેસ્ટેરાં કે બારમાં ભેગા થયા હોય તો આજુબાજુના ટેબલ્સનો વિચાર કર્યા વિના આખું પબ- રેસ્ટોરાં કે બારને માથે લેતા હોય છે.
એક રીતે જોવા જઈએ તો આ બેસિક સિવિક સેન્સનો પ્રશ્ન છે. એક પ્રકારની નાગરિક સભ્યતાનો સવાલ છે. દેશમાં જાહેર ઉજાણીઓ, રાષ્ટ્રીય કાર્યક્રમો કે સરકારના કાર્યક્રમો પણ એક ચોક્કસ પ્રોટોકોલ્સ – શિષ્ટાચાર મુજબ થતાં હોય છે,
પરંતુ સમાજ તરીકે આપણે ચૂકી જઈએ છીએ કે જલસાને નામે છાંકટા થઈ જઈએ છીએ અને બીજાનો વિચાર કર્યા વિના હો-હલ્લો કરીએ છીએ- ટ્રાફિક જામ કરીએ છીએ- બીજાનો જીવ મુશ્કેલીમાં આવી જાય એવી જંગલી હરકતો કરીએ છીએ. એને ન ચલાવી લેવાય. આપણને સૌને જાહેર શિસ્ત વિશેનો ખ્યાલ હોવો જ જોઈએ. આપણો આનંદ એ કંઈ રાષ્ટ્રીય ઘટના નથી કે એના જાહેરમાં આવા દેખાડા થાય.

દેખાડા થાય ત્યાં સુધી તો ઠીક છે. એ દેખાડા જો ભવાડા થાય તો બહુ મોટી તકલીફ પડે. ખાસ તો પ્રજા તરીકે આપણા સૌનું ભૂંડું દેખાય! આવા સંજોગોમાં આપણે સૌએ ભેગા થઈને આ જાહેર શિસ્ત પર કામ કરવું પડશે, જેની શરૂઆત આપણાથી કરવી પડશે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button