પુરુષ

ત્રણ અમર જહાજની માર્મિક મરણકથા

‘વીજળી’ – ‘ટાઈટેનિક’ – ‘ઈન્ડયૂઅરન્સ’… આ ત્રણેય વૈભવી વહાણ સાગર સાહસિકો તથા પ્રેમીઓનાં મનમાં સદાકાળ સાબૂત રહેશે, કારણ કે સાગર ઈતિહાસમાં આ ત્રણેય જહાજની આગવી કથા કંડારાયેલી છે

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

‘વૈતરણા’ ઊર્ફે ‘વીજળી’ , ‘ઈન્ડયૂઅરન્સ’ જહાજ

તમે ‘વીજળી’ વહાણનું નામ સાંભળ્યું હશે..ટાઈટેનિક જેવી લકઝરી લાઈનરનું નામ પણ જાણતા જ હશો અને જો એની મૂવી જોઈ હશે તો ‘ટાઈટેનિક’ નામ ક્યારેય નહીં ભૂલી શકો.

આમેય ‘ટાઈટેનિક’ તો એક યા બીજા કારણસર સમાચારોમાં ગાજતું રહે છે. આ જહાજ સાથે સમુદ્રનાં પેટાળમાં પ્રવાસીઓની અનેક કિંમતી ચીજ-વસ્તુઓ ગરક થઈ ગયેલી. એને જો કોઈ મરજીવો શોધી લાવે તો એની હરાજીમાં સારા દામ મળે છે.

‘ટાઈટેનિક’ ફિલ્મની હિરોઈન રોઝ (કેટ વિન્સ્લેટ) ફિલ્મના અંતે ડૂબી રહેલા શીપના એક પાટિયાના સહારે ઊગરી જાય છે એવું દ્રશ્ય છે. ફિલ્મમાં જે પાટિયું વપરાયું એ હકીકતમાં ડૂબી ગયેલા મૂળ ‘ટાઈટેનિક’ શીપના કાટમાળમાંથી બન્યું હતું. અને એ જ પાટિયાનું તાજેતરમાં લિલામ થયું ત્યારે એના પાંચ કરોડ રૂપિય ઉપાજ્યા.! આમ ફરી એક વાર વૈભવી વહાણ ‘ટાઈટેનિક’ સમાચારમાં ચમક્યું છે..

સાગરખેડાણના ઈતિહાસમાં ‘વીજળી’ અને ‘ટાઈટેનિક’, એ બન્ને શીપ શંકાસ્પદ સંજોગોમાં કેટલાંય કોયડા મૂકીને અફાટ સમુદ્રમાં અલોપ થઈ ગઈ હતી…

આટલાં વર્ષો બાદ એ બન્ને નામ લોકોને આજકાલ ફરી કાને પડવા માંડ્યાં છે, કારણ કે એ બન્ને સાથે એક ત્રીજું નામ પણ ઉમેરાયું છે. એ છે : ‘ઈન્ડયૂઅરન્સ’. (આનો અર્થ છે સહનશક્તિ) આજથી એકાદ શતાબ્દી પહેલાં હિમાચ્છિદ એન્ટાર્ટિકાનાં જળમાં એ ડૂબી ગયું હતું અને હવે એનો ક્ષતિગ્રત કાટમાળ-ભંગાર સમુદ્રમાં ક્યાં પડ્યો છે એની ભાળ મળી છે, જેને શોધી સમુદ્રમાંથી બહાર પરત લાવવાનાં પ્રયાસ શરૂ થઈ ગયા છે…

આ જગતનાં કેટલાંક રહસ્ય સદીઓથી અકબંધ છે. એ કોયડા ઉકેલવા માટે અનેક રીતે યત્ન-પ્રયત્ન થતાં રહે છે, પણ ગળે ઊતરે તેવાં એનાં ભેદ-ભરમનો તાગ મળતો નથી.
માનવી માટે પહેલેથી જ આકાશ અને દરિયો અકળ રહ્યાં છે. આમ છતાં સમુદ્ર કરતાં ધરતીથી દૂર દૂર છેટે રહેલા અંતરિક્ષનો તાગ મેળવવો અઘરો છે એટલે અફાટ દરિયા નીચેનાં રહસ્ય પામવા માટે માનવી વધુ તલસતો રહે છે. એમાંય સમુદ્ર ખૂંદવા માટે શરૂઆતમાં હાલક-ડોલક થતાં હોડકાંથી લઈને સ્ટીમર અને તોતિંગ જહાજના ઉપયોગ સાથે શરૂ થયા ને દરિયાઈ અકસ્માતો અને આવી હોનારતો સાથે દરિયાલાલના પેટાળમાં ગરક થઈ ગયાં અનેક રહસ્ય…

અગાઉ વેપાર-ધંધા માટે દેશ-દેશાવર વહાણવટું થતું એમાં અકસ્માતે વહાણ ડૂબી જતાં ત્યારે માલસમાન સાથે ધન પણ જતું. એમાંય ખાસ કરીને બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન શસ્ત્રો-દારૂગોળા સાથે લાખો રૂપિયાના સોના-ચાંદી કે પછી દુશ્મન દેશમાંથી લૂંટેલો ખજાનો પણ સમુદ્રમાં ગરક થઈ જતો. પાછળથી આવા મૂલ્યવાન ખજાની શોધમાં અનેક સાગર સાહસિકો નીકળી પડતા અને એમાંથી ઘણાને લાખોની કિંમતનો દલ્લો પણ હાથ લાગતો.

આવા ખજાના શોધક્ સાગરખેડૂ સાહસિકો-મરજીવાની અનેક ટીમ એક વ્યવસાય તરીકે આજે કાર્યરત છે. ડૂબેલો ખજાનો જો સરકારી હોય તો કેટલીક સરકાર ખુદ આવી દરિયાઈ ખજાનાની શોધમાં આર્થિક સહાય પણ કરે છે.

યુદ્ધમાં કે અકસ્માતે જળસમાધિ લેનારા અનેક જહાજ છે. જો કે એમાંથી બે વધુ જાણીતા થયા. એક હતું આપણું શીપ ‘વૈતરણા’ ઉર્ફે ‘વીજળી’ અને બીજું, મૂળ બ્રિટિશ વૈભવી જહાજ ‘ટાઈટેનિક’, જેને જળગ્રસ્ત થયાને આજે ૧૧૨ વર્ષ થયા અને આપણી ‘વીજળી’ અકસ્માતનો ભોગ બનીને ડૂબી એને થયાં આશરે ૧૩૫ વર્ષ.

નોંધવા જેવી વાત એ છે કે આ બન્ને જહાજને અકસ્માત નડ્યો એ વચ્ચે ૨૩ વર્ષનો ફરક છે. આમ છતાં, આજની તારીખે પણ એ બન્નેની સરખામણી થતી જ રહે છે.એટલું જ નહીં, એ બન્નેની જળસમાધિ પછી રચાયેલાં-રજૂ થયેલાં ગીત પણ ખાસ્સા લોકપ્રિય થયા છે.

‘વૈતરણા’ ઉર્ફે ‘વીજળી’ જે સંજોગોમાં જળમાં અલોપ થઈ એ પછી એ દુર્ઘટના વર્ણવતાં અનેક ગીત લખાયાં- ચૌરેચોટે ગવાયાં. એક તો યાદગાર લોકગીત બની ગયું. એ ગીત એટલે… ‘હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ..’

એ જ રીતે, વિખ્યાત પોપ સિંગર સેલીન ડાયોનના સ્વરે રજૂ થયેલું ‘ટાઈટેનિક’ ફિલ્મનું ટાઈટલ સોંગ ‘માય હાર્ટ વીલ ગો ઑન’ આજે પણ એટલું જ લોકપ્રિય છે.

અહીં એક જાણવા જેવી વાત આપણી ‘વીજળી’ વિશે એ છે કે એનું સત્તાવાર નામ મહારાષ્ટ્રની જાણીતી નદી વૈતરણી પરથી ‘સ્ટીમ શીપ -એસ.એસ. વૈતરણા’ રાખવામાં આવ્યું હતું. એ પ્રવાસે નીકળતી ત્યારે સંધ્યા ટાણે એના ડેક પર વીજળીના ગોળા-બલ્બથી લાઈટ થતી એટલે સમુદ્રનાં ઉછળતાં મોજાં વચ્ચે મસ્તીમાં હાલક-ડોલક થતી એ શીપની શોભા ગજબની ખીલી ઊઠતી માટે આ ‘વૈતરણા’ વહાણ એના લાડકા નામ ‘વીજળી’ થી વધુ જાણીતું થયું હતું.

૧૮૮૫માં તરતું મૂક્વામાં આવેલું આ શિપ ૧૭૫ ફૂટની લંબાઈ ધરાવતું હતું. ૮ નવેમ્બર -૧૮૮૮ના માંડવીથી મુંબઈ જવા નીકળેલી શિપ ‘વીજળી’ છેલ્લે માંગરોળથી પ્રવાસીઓને લઈને આગળ વધી અને દરિયાઈ તોફાનમાં સપડાઈને ગરક થઈ ગઈ ત્યારે એમાં ૭૫૦ જેટલા લોકો હતા. (એક અહેવાલ મુજબ છેલ્લે ૧૨૦૦થી વધુ પ્રવાસી હતા). વીજળીના વિલાપ લોકગીતમાં જે હાજી કાસમનો ઉલ્લેખ છે એ આ જહાજના કેપ્ટન-માલિક હાજી કાસમને કહે છે કે કોઈ ઓલિયાના આશીર્વાદ હતા કે એની માલિકીનાં ૯૯ જહાજ થશે અને જોગાનુજોગ વીજળી આ ૧૦૦મું વહાણ હતું અને એક કમનસીબ રાતે સમુદ્રી તોફાનમાં ગુમ થઈ ગયું, જેની પાછળથી પણ ભાળ ન મળી…

બીજી તરફ, લક્ઝરી લાઈનર ટાઈટેનિકની ગમખ્વાર ઘટના જાણીતી છે. એના આધારિત હોલીવૂડ ફિલ્મમાં બે જુવાન હૈયાંની રજૂ થયેલી (કાલ્પનિક) પ્રેમકથાની અધૂરપ-મધુરપ પણ મનસ્પર્શી છે.
આમ છતાં, ‘ટાઈટેનિક’ની સાચુકલી કથા આપણે અહીં ઝડપથી જોઈ જઈએ, જેમકે ૩૧ મે ૧૯૧૧માં તરતી મૂકવામાં આવેલી બાવન હજાર ટનનું વજન ધરાવતી ‘ટાઈટેનિક’ ૮૮૩ ફૂટ લાંબી હતી. બ્રિટનના સાઉથેમ્પટન પોર્ટથી ન્યૂયોર્કના પ્રથમ પ્રવાસે નીકળેલી ટાઈટેનિક્ ૧૪-૧૫ એપ્રિલ -૧૯૧૨ની ગોજારી રાતે એની સાથે સમુદ્રની તોતિંગ હિમશિલા અથડાઈ પછી એ ઝડપથી ડૂબવા માંડી હતી. એ વખતે શિપ પર મ્યુઝિક-ડાન્સની સાથે કોકટેલ પાર્ટી એની પરાકાષ્ઠા પર હતી. ૩૫૦૦ પેસેન્જરની ક્ષમતા ધરાવતી ‘ટાઈટેનિક’માં અકસ્માતની રાતે નાવિકોનો સ્ટાફ તથા પ્રવાસી સહિત ૨૦૦૦ જેટલા લોકો હાજર હતા. આ દારુણ ઘટના વખતે એ બધાને ૨૩ જેટલી લાઈફ બોટ્સ દ્વારા ઉગારી લેવાના પ્રયાસ થયા. આમ છતાં ૧૫૦૦ જેટલાં એ પ્રાણ ગુમાવ્યા. એટલાન્ટિક મહાસાગરના અકસ્માત પછી આશરે ૩ કલાકમાં એ જમાનાનું સૌથી વૈભવી વહાણ ‘ટાઈટેનિક’ દરિયામાં ચારેક કિલોમીટર (આશરે ૧૩ હજાર ફૂટ) ઊંડાણમાં ગરકાવ થઈ ગયું હતું ડૂબ્યાના ૭૩ વર્ષ પછી પહેલી વાર ૧૯૮૫માં એના અવશેષ-કાટમાળ નજરે પડ્યા હતા. આટલાં વર્ષ પછી જે ઝડપથી એનો કાટ્માળ સમુદ્રના ખારા પાણીમાં ‘ઓગળી’ રહ્યો છે એ જોતાં સમુદ્ર શાસ્ત્રીઓ કહે છે કે થોડાં વર્ષમાં એક અદ્ભુત લોકકથા જેવું આ પાત્ર ‘ટાઈટેનિક’ હંમેશને માટે મૃત્યુ પામશે…

આ તો લોકહૈયે વસી ગયેલાં બે વહાણની વાત છે,જ્યારે આજકાલ જેના વિશે વધુ સાંભળવા મળે છે એ ‘ઈન્ડયૂઅરન્સ નામ આપણા માટે ભલે અજાણ્યું છે, પરંતુ સમુદ્ર્રી સાહસકથાઓ કે દરિયાઈ અકસ્માતોમાં રસ ધરાવતા લોકો માટે રસપ્રદ વિષય છે.જેનો અર્થ ‘સહનશક્તિ’ થાય છે એ ‘ઈન્ડયૂઅરન્સ’ શિપ.
૧૯૧૪માં કેપ્ટન અર્નેસ્ટ શેકલ્ટોન અને એના ૨૭ નાવિકો (સાથે કેપ્ટનની એક પાળેલી બિલાડી પણ ખરી !) એન્ટાર્ટિકાના સાહસ-પ્રવાસે નીકળ્યા હતા. ૧૧૪ ફૂટ લંબાઈ ધરાવતા આ ત્રણ શઢવાળા શિપની આ સાહસયાત્રા કઠિન રહેવાની છે એ તો કેપ્ટનને પહેલેથી જ અંદાજ હતો,કારણ કે એન્ટાર્ટિકાના બર્ફિલા સમુદ્રી તોફાન એમના માટે વિલન બની શકે તેમ હતા. આમ છતાં, શરૂઆતના ૧૨- ૧૩ મહિના ઠીક ઠીક વીતી ગયા,પણ પછી દરિયાનાં અતિ શીત વા-વંટોળમાં શિપ એવું સપડાયું કે ૨૧ નવેમ્બર-૧૯૧૫ની મધરાતે એણે જળસમાધિ લેવી પડી,પણ અહીં ન ધારેલી એક ઘટના બની. કેપ્ટન અને એના ૨૭ નાવિકોની ટીમ જહાજ પૂરેપૂરું ડૂબે એ પહેલાં એમાંથી છટકીને-બચીને નીકળી ગયા. પછી તો સમુદ્રમાં તરીને-એનાં થીજી ગયેલાં પાણી પર સતત ચાલી એક ટાપુ પર પહોંચ્યા. એ બાદ મદદરૂપે મળેલી લાઈફબોટસ દ્વારા કુલ ૧૪૦૦ કિલોમીટરના પ્રવાસ પછી એ સમગ્ર ટીમ બ્રિટનના ફોકલેન્ડ ટાપુ પર સહિસલામત પહોંચી શકી,જે એક ચમત્કાર તેમજ એક વિક્રમ હતો…

આ તરફ, ‘ઈન્ડયૂઅરન્સ’ સમુદ્રમાં ગુમ થયું પછી વર્ષો સુધી એને દરિયામાં શોધવાના પ્રયાસ થયા, પરંતુ ન જાણે કેમ એનો અતોપતો મળતો ન હતો. આમ છતાં, એની શોધ પાછળ વર્ષો દાયકામાં અને દાયકા શતાબ્દીમાં પલટાઈ ગયાં ત્યાં હવે અચાનક ‘ઈન્ડયૂઅરન્સ’ના વાવડ મળ્યાં..

જેના કેપ્ટન અને એની કેટ-બિલાડી સહિતના બધા જ ૨૭ નાવિકો જાનના જોખમે જીવતા ઉગરી ગયા એવા આ ઐતિહાસિક શિપ ‘ઈન્ડયૂઅરન્સ’ની શોધ માટે વર્ષોથી ખોજ ચાલતી હતી. છેલ્લે છેલ્લે બે વર્ષ પહેલાં બે અનામી દાતાએ આપેલી અધધ ૧૦ મિલિયન ડૉલર (આશરે રૂપિયા ૭૬ કરોડ)ની રકમ પછી સમુદ્ર શોધમાં નિષ્ણાત ગણાતી ૪૫ વ્યક્તિની ‘ઈન્ડયૂઅરન્સ-૨૨’ તરીકે ઓળખાતી એક ટીમે એક સદીથી વધુ લાપતા પેલા જાજરમાન જહાજને આખરે શોધી કાઢ્યું!

એન્ટાર્ટિકાના બર્ફિલા વેડેલ નામના સમુદ્રમાં જ્યાં આ અકસ્માત થયો હતો એનાથી ૬ કિલોમીટરના અંતરે ૧૦ હજાર ફૂટની ઊંડાણમાં એ શિપનો કાટમાળ મળી આવ્યો છે. એને કાટમાળ પણ ન કહેવાય, કારણ કે બે-ત્રણ અપવાદ સિવાય ‘ઈન્ડયૂઅરન્સ’ શિપ એકદમ અકબંધ મળી આવ્યું છે! ૧૦૦થી વધુ વર્ષ સુધી ઠંડાગાર પાણીમાં સતત રહ્યા પછી પણ જહાજની એ જમાનાની બાંધણી કેવી સશક્ત હશે કે એને ઊની આંચ પણ આવી નથી…!

આ ઐતિહાસિક જહાજના કેપ્ટન અર્નેસ્ટ શેકલ્ટોને જે નેતૃત્વ – સાહસથી એની સમગ્ર ટીમને સફળતાપૂર્વક બચાવી એની ચર્ચા આજે પણ થાય છે. અહીં ફાંટાબાજ કુદરતની કરામત જુઓ કે ૧૦૦ વર્ષથી પણ જૂના ‘ઈન્ડયૂઅરન્સ’ શિપને બે વર્ષ પહેલાં શોધી કાઢવામાં આવ્યું એ જ પાંચ માર્ચના એના કેપ્ટન અર્નેસ્ટ શેકલ્ટોનની મરણતિથિને પણ ૧૦૦ વર્ષ થયાં હતા!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…