પુરુષ

‘ઉદય’નો સૂર્યોદય થઈ ચૂક્યો છે

અન્ડર-૧૯ વર્લ્ડ કપનો ભારતીય કૅપ્ટન અને સર્વશ્રેષ્ઠ બૅટર ઉદય સહારન ભારે સંઘર્ષ કરીને જુનિયર ક્રિકેટ સુધી પહોંચ્યો છે અને હવે ભારત વતી કારકિર્દી બનાવવા તત્પર છે

સ્પોર્ટ્સમેન -સારિમ અન્ના

સાઉથ આફ્રિકામાં ગઈ ૧૧મી ફેબ્રુઆરીએ મેન્સ ક્રિકેટમાં ભારતના અન્ડર-૧૯ ખેલાડીઓ બહુ મહત્ત્વની મૅચ હારી ગયા, પણ એ ટૂર્નામેન્ટમાંથી ભારતને, ડોમેસ્ટિક ક્રિકેટને અને ઑફ કોર્સ સંભાવ્ય રીતે આઇપીએલના ફ્રૅન્ચાઇઝીઓને બૅટિંગનો નવો ઊભરતો સિતારો મળી ગયો હતો. એનું નામ છે, ઉદય સહારન. ફેબ્રુઆરીના એ દિવસે જુનિયર વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ભારતીય ટીમે પરાજય સ્વીકારીને કરોડો ભારતતરફી ક્રિકેટપ્રેમીઓને નિરાશ કર્યા હતા, પરંતુ ઉદય સહારને જે પર્ફોર્મ કર્યું એ બદલ ઘણાને ગર્વ થતો હશે. એ આખા વર્લ્ડ કપમાં ઉદયના ૩૯૭ રન હાઇએસ્ટ હતા.

શુભમન ગિલ અને ઉદય સહારન વચ્ચે કેટલીક આશ્ર્ચર્યજનક સમાનતાઓ છે. ગિલ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં ભારતનો સ્થાપિત થઈ ચૂકેલો બૅટર છે. એક બાજુ તેની આ સ્થાપિત થયેલી ક્ષમતા છે તો બીજી તરફ ઉદયે તાજેતરના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કૅપ્ટન્સી સંભાળવાની સાથે સૌથી વધુ ૩૯૭ રન બનાવ્યા હતા. ગિલ અને ઉદય બન્નેએ પંજાબ વતી જુનિયર ક્રિકેટમાં રનનો ઢગલો કર્યો છે અને બન્નેએ તેમના ક્રિકેટ-ક્રેઝી પિતા પાસે ઘરમાં જ તાલીમ લીધી છે. બીજી એક સામ્યતા એ છે કે ગિલ અને ઉદય બન્નેએ કરીઅર બનાવવા સારી સુવિધાઓ મેળવવા પોતાનો બેઝ શિફ્ટ કર્યો હતો.

ગિલ ૨૦૧૮ના અન્ડર-૧૯ વર્લ્ડ કપનો પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો અને હવે સિનિયર ટીમનો મેમ્બર છે. ઉદય તાજેતરના અન્ડર-૧૯ વિશ્ર્વ કપમાં સર્વશ્રેષ્ઠ બૅટિંગ પર્ફોર્મન્સ પછી હવે ભારતીય ટીમમાં આવવા થનગની રહ્યો છે.

ઉદયનો ઉછેર રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયો હતો. તેના આયુર્વેદિક ડૉક્ટર પિતા પોતાની ઍકેડેમી ચલાવતા હતા અને ઉદય નાનો હતો ત્યારે તેમણે તેને ક્રિકેટના પાઠ ભણાવવાની શરૂઆત કરી દીધી હતી. સંજીવ સહારન કહે છે, ‘હું ઉદયને તેડીને ઍકેડેમીમાં લઈ જતો હતો. હું ક્રિકેટર ન બની શક્યો, પરંતુ હું ઇચ્છતો હતો કે મારો દીકરો ક્રિકેટર બને અને દેશનું નામ રોશન કરે. ઉદયે પણ નાનપણથી ક્રિકેટમાં રુચિ બતાવી હતી અને ક્યારેય પણ મારા આદેશનું પાલન કરવાનો ઇનકાર નહોતો કર્યો.’

ખુદ સંજીવ સહારન સારું ક્રિકેટ રમતા હતા અને જો તેઓ ઉદયપુરને બદલે જયપુરમાં સ્થાયી થયા હોત તો રાજસ્થાન વતી કદાચ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યા હોત.

ઉદય ૧૧ વર્ષનો હતો ત્યારે તેણે પોતાનો બેઝ બદલ્યો હતો. બીજી રીતે કહીએ તો તેના પપ્પાએ તેને પંજાબના ફજ્લિકામાં ક્રિકેટની તાલીમ માટે મોકલી આપ્યો હતો. સંજીવ સહારનના મિત્ર ત્યારે જિલ્લા સંઘના અધ્યક્ષ હતા તે તેમના ગામથી માત્ર ૮૦ કિલોમીટર દૂર રહેતા હતા. ઉદય જે બેઝમાં હતો ત્યાંથી તે દરરોજ ક્રિકેટની ટ્રેઇનિંગ માટે જતો હતો. તાલીમ શરૂ કર્યાના એક જ વર્ષમાં તે પંજાબ અન્ડર-૧૪ ટીમમાં સિલેક્ટ થઈ ગયો જેને લીધે તેણે મોહાલી કૅમ્પમાં રહેવું પડ્યું હતું. ત્યારે તેણે પહેલી વાર પરિવારથી અલગ રહેવું પડ્યું હતું. તેના પપ્પા તેને મોહાલી છોડીને પાછા આવતી વખતે હજી લુધિયાણા પણ નહોતા પહોંચ્યા ત્યાં તેમને કૉલ આવવા લાગ્યા કે તમારો દીકરો તમારી પાસે પાછો આવવા જીદે ચડ્યો છે. જોકે સંજીવ સહારને મચક ન આપી અને ‘બેટા, તને કાલે લઈ જઈશ’ એવું બહાનું કાઢતા રહ્યા. તેમની એ તરકીબ કામ કરી ગઈ. અઠવાડિયામાં જ ઉદયનું મન કૅમ્પમાં પરોવાઈ ગયું હતું. કૅમ્પમાંથી પાછા આવીને ઉદયે ફિટનેસ માટે એરોબિક્સના ક્લાસ જોઇન કરવાની ઇચ્છા બતાવી હતી. આ સાંભળીને સંજીવ સહારનને સુખદ આશ્ર્ચર્ય થયું.

ગિલના પિતા લખવિંદર ગિલની જેમ સંજીવ સહારને પણ પુત્ર ઉદયની પ્રારંભિક તાલીમ માટે પોતાના બૅકયાર્ડમાં નેટ તૈયાર કરી હતી. શ્રીગંગાનગરમાં તાપમાન એક ડિગ્રી સુધી નીચે ઊતરી જતું હતું છતાં ત્યારે પણ ઉદય પોતાની ટ્રેઇનિંગમાં જવાનું ચૂકતો નહોતો. ઉદય નાનપણમાં જ સમજી ગયો હતો કે તેના પપ્પા તેના માધ્યમ દ્વારા પોતાનું સપનું સાકાર કરવા માગે છે. પુત્ર ઉદયનું તેના પપ્પા એટલી હદે ઘડતર કરવા માગતા હતા કે તે સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરવાના સંકલ્પ સાથે જ મેદાન પર ઊતરે.

એક વાર તો તાલીમ દરમ્યાન ઉદય તેના પિતા પર ગુસ્સે થઈને બોલ્યો, ‘યાર પપ્પા, તમે ક્યારેય મારા પર્ફોર્મન્સથી ખુશ નથી થતા. હું ૧૦૦ રન કરું તો તમને મારી પાસેથી ૨૦૦ રનની ઇનિંગ્સ જોઈએ છે અને ૨૦૦ રન બનાવું તો તમે ઇચ્છો છો કે હું નૉટઆઉટ રહીને પૅવિલિયનમાં પાછો
આવું.’

ઉદયે આ વખતના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં હાઈએસ્ટ ૩૯૭ રનનો જે પર્ફોર્મન્સ બતાવ્યો એ જ તેના પિતાના અથાક પરિશ્રમનો પુરાવો છે.

ફેબ્રુઆરી, ૨૦૨૨ના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં યશ ધુલના સુકાનમાં ભારતે ચૅમ્પિયનપદ મેળવ્યું
હતું. ત્યારે ઉદય સહારન ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડી હતો. ત્યારે તે વેસ્ટ ઇન્ડિઝથી પાછો આવ્યો ત્યારે તેના પપ્પાને તેનામાં મોટું પરિવર્તન જોવા
મળ્યું હતું.

ઉદય રાત્રે ૧૧ વાગ્યે ઘરે પાછો આવ્યો હતો અને બીજા દિવસે વહેલી સવારે ૬.૦૦ વાગ્યે તે ઍકેડેમી જવા માટે તેના પપ્પા કરતાં પહેલાં તૈયાર થઈ ગયો હતો. સંજીવ સહારન કહે છે, ‘મેં તેને આરામ કરવા કહ્યું તો તેણે મને કહ્યું કે મને વેસ્ટ ઇન્ડિઝમાં ખબર પડી કે પોતાને અમુક ઊંચા સ્તર સુધી લઈ જવા માટે ખૂબ મહેનત કરવી પડતી
હોય છે.’

બેન્ગલૂરુની નૅશનલ ઍકેડેમીમાં વીવીએસ લક્ષ્મણના હાથ નીચે પ્રૅક્ટિસ કરીને ઉદયમાં આત્મવિશ્ર્વાસ ઑર વધી ગયો હતો. લક્ષ્મણ તેને જે રીતે તાલીમ આપી રહ્યો હતો અને તેને જે રીતે પ્રેરિત કરતો હતો એનાથી ઉદયને ખાતરી થઈ કે ક્રિકેટમાં તે કંઈ પણ હાંસલ કરી શકે એમ છે.

ઉદય અન્ડર-૧૪ અને અન્ડર-૧૬ની મૅચો પંજાબના ફજ્લિકામાં રમ્યો અને પછી અન્ડર-૧૯માં રમવા ભટિંડામાં જતો રહ્યો હતો. અલગ રાજ્યમાંથી આવ્યો હોવા છતાં ઉદયને પંજાબમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહોતી નડી. ઉદયને યુવરાજ સિંહના આ શબ્દો હંમેશાં પ્રેરિત કરે છે, ‘જબ તક બલ્લા બોલતા હૈ, તબ તક હર કોઈ સલામ કરતા હૈ.’

હવે ઉદય પોતાની પ્રતિભાના જોરે ભારતની અન્ડર-૧૯ ટીમનો કૅપ્ટન છે તેમ જ ટીમનો મુખ્ય બૅટર પણ છે. વિરાટ કોહલી તેનો આઇડૉલ છે અને તેની જેમ મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરે છે. કોહલીની માફક ઉદયને પણ પરાજય જરાય પસંદ નથી, પછી ભલે એ મૅચ ઍકેડેમીની હોય કે ભારતની. ઉદયમાં રન બનાવવાની ભૂખ સદા રહે છે અને એને કારણે જ તે અન્ય બૅટર્સથી અલગ છે. પંજાબનો કૅપ્ટન મનદીપ સિંહ કહે છે, ‘ઇસ ચંગા મુંડા (સારો છોકરો)ને જોઈને મને શુભમન ગિલ સાથે તેની સરખામણી કરવાનું તરત મન થઈ જાય છે.

ઉદયથી મનદીપ સિંહ એટલા બધા પ્રભાવિત થયા છે કે તેણે તેને એક બૅટ ભેટમાં આપ્યું છે. ઉદયે વર્લ્ડ કપમાં એ બૅટથી જ સેન્ચુરી ફટકારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button