પુરુષ

ભેજાગેપ કાયદાઓની અજબ-ગજ્બ દુનિયા

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

કાયદાની પ્રક્રિયામાં અવરોધક બનતાં ૧૫૦૦ જેટલાં જૂના -નિરર્થક કાનૂન આપણી કાયદાપોથીમાંથી રદબાતલ કરવામાં આવ્યા છે. બીજાને પણ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે… આવા ઢગલાબંધ નકામા ને હાસ્યસ્પદ કાનૂન માત્ર આપણે ત્યાં જ નહીં, વિદેશોમાં પણ છે

  • ચર્ચયાર્ડમાં શિકાર કરવા પર પ્રતિબંધ છે * ડોલર લઈને કોઈને આંખ વેંચવામાં પર પ્રતિબંધ છે * માછલીનો શિકાર તમે ગનથી ન કરી શકો?

બેવકૂફ-અર્થહીન કે પછી સાવ હાસ્યાસ્પદ કાયદાને આપણે ‘કાયદો ગધેડો છે’ એમ કહીને વગોવતા આવ્યા છીએ. વર્ષો થયાં, દુનિયા સમસ્ત પલટાઈ ગઈ,પણ ન તો ગધેડા જરાય સુધર્યા છે કે ન તો કાયદા આજની તારીખે, એ કાયદા વાંચીએ ત્યારે હસવું કે રડવું એની વિમાસણ થાય.

થોડા સમય પહેલાં આપણા વડા પ્રધાને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને સંબોધતા કહ્યું કે ‘આપણે ત્યાં બ્રિટિશ શાસનમાં ઘડાયેલા અનેક કાયદા એવા છે, જે આજની તારીખે તદ્દન નકામા છે.બાબા આદમના જમાનાના એવા અર્થહીન કાયદાને કાયદાની પોથીમાંથી સદાયને માટે નેસ્તનાબૂદ કરવાની તાતી જરૂર છે.’

આવાં ૧૮૦૦થી વધુ વાહિયત કાયદામાંથી મોદી સરકારના શાસનના છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૫૦૦ને રદબાતલ કરવામાં આવ્યા છે બાકીનાને રદ કરવા કે સુધારા-વધારા કરવાની પ્રક્રિયા ચાલુ છે.

આવો એક બહુ ચર્ચાસ્પદ કાયદો છે રાષ્ટ્રદ્રોહનો. હકીકતમાં આ કાયદો ૧૮૩૭માં બ્રિટિશરો દ્વારા ઘડવામાં આવ્યો હતો. બ્રિટિશ હકૂમત વિરુદ્ધ વધી રહેલી આઝાદીની ચળવળ પર અંકુશ મૂકવા દેશદ્રોહનો કાયદો અમલમાં આવ્યો હતો. બ્રિટનમાં તો આવો કાયદો ક્યારનો નાબૂદ થઈ ગયો છે, પણ આપણે ત્યાં થોડા ફેરફાર સાથે રાષ્ટ્રદ્રોહનો નવો કાયદો બન્યો, જે વધુ વિવાદાસ્પદ થતા અત્યારે એને કામચલાઉ સ્થગિત રાખવામાં આવ્યો છે
ગોરા શાસકોના જમાનાના ઘડવામાં આવેલા કાયદ્દાઓનો આજે અભ્યાસ કરીએ તો સહેજે ખ્યાલ આવી જાય કે એ શાસકો જાણે આપણી પ્રજાને કહેતા હતા : ‘તમે અબુધ છો- અભણ છો અને તમે અમારા ગુલામ છો એટલે તમારા માટે અમે ઘડેલા આ બધા કાનૂનોનું તમારે પાલન કરવું પડશે’ એ બધા જ કાયદામાંથી માત્ર જોહુકમીશી સત્તા જ ભોગવવાની બૂ આવતી હતી.

આમ તો ગોરાસાહેબોની વિદાય પછી એ કાયદાઓની જરૂર રહી નહીં, પરંતુ આઝાદી પછી પણ ગોરાસાહેબોના વધુ પડતા આંધળા નિષ્ઠાવાન આપણા સરકારી સાહેબો પેલા કાયદાઓને વળગી રહ્યા. કાળક્રમે એ ઓછું તો થયું, પણ ધીરે ધીરે આધુનિક બનતો જતો આપણો સામાજિક માહોલ અને ન્યાય પ્રક્રિયામા પેલા જડ કાયદા નડતર બનતા રહ્યા.
આવા જરીપુરાણા કાયદાઓનો સિનારિયો માત્ર આપણે ત્યાં નથી. જગતભરના દેશોમાંય કાયદારૂપી કાગડા કાળા જ છે.

મદ્યપાન- દારૂ-નશાને લઈને અમુક આપણા તો કેટલાક વિદેશી કાયદાઓથી વાત માંડીએ તો એમાં અમુક તો ‘નશો’ ચઢી જાય એવા છે. એવા ખડૂસ કાયદા સાથે આપણે હળવાશથી શરૂઆત આ રીતે કરીએ.

આપણા જ દેશમાં મદ્યપાન કરવાના-તોછડી ભાષામાં કહીએ તો ‘ઢિંચવા’ના કાયદા પ્રત્યેક રાજ્યમાં ભિન્ન -વિભિન્ન છે. ઉદાહરણ તરીકે :

પંજાબ-હરિયાણા-મહારાષ્ટ્રમાં ૨૫ વર્ષથી દારૂનો નશો થઈ શકે… હા, મહારાષ્ટ્રમાં ૨૧ વર્ષી યુવાન બિયરથી ‘ચિયર્સ’ કરી શકે તો કેરળમાં ૨૩ વર્ષથી પીવાની છૂટ છે, પણ કર્ણાટકમાં ૨૧ની આયુથી ડ્રિંકની રજા, પણ ૧૮ના હો તો તમે સત્તાવાર દારૂ ખરીદી શકો ખરા.
બીજી તરફ, અગાઉ જ્યાં પૂર્ણ દારૂબંધી હતી એવાં રાજસ્થાન-હિમાચલ પ્રદેશ-પોન્ડિચરી-સિક્કિમ-આન્ધ્રપ્રદેશ-મિઝોરામમાં અત્યારે ૧૮થી વધુ આયુના યુવાનો હાર્ડ ડ્રિંકસ લઈ શકે છે તો બિહાર-નાગાલેન્ડ-લક્ષદ્રીપ (એકાદ ટાપુને બાદ કરતા)માં અત્યારે સંપૂર્ણ દારૂબંધી અમલમાં છે અને આ બધા વચ્ચે આપણા ગાંધીની ગરવી ગુજરાતમાં કેવી ‘અડિખમ’ દારૂબંધી છે એ તો તમે-અમે ને સરકાર પણ જાણે છે!

આ તો આપણી વાત થઈ. એક તાજા સર્વે મુજબ, આજે વિશ્ર્વના ૬૫ % દેશમાં ૧૮ વર્ષની આયુ ધરાવનારાઓ દારૂ પી શકે છે, જેમકે…

વર્ષો પૂર્વે ૧૮૭૨ દરમિયાન સ્કોટલેન્ડમાં એવો કડક કાયદો હતો કે દારૂ પીધાં પછી તમે ગાયને ખેતરે દોરીને સાથે લઈ ન શકો… એ જ રીતે, તમે અશ્ર્વસવારી પણ ન કરી શકો. આ બન્ને કાયદાના ભંગ બદલ તમને સત્તાવાળા ૨૦૦ પાઉન્ડનો દંડ કે પછી ૫૧ (હા, ૫૧!) સપ્તાહની કડક સજા ફ્ટકારી શકે..!

બોલીવિયાની રાજધાની લા પાઝમાં દારૂ વિશે એવો કાયદો છે કે મેરેજ પહેલાં ત્યાંની મહિલા ઈચ્છે એટલું પી શકે, પરંતુ લગ્ન બાદ હોટેલ વગેરે જેવી જાહેર જગ્યામાં એક ગ્લાસ વાઈનથી વધુ પીવા પર મહિલાને મનાઈ છે. જો જાહેરમાં એમ કરતાં એ ઝડપાઈ ગઈ તો પતિ ત્યાંના કાયદા અનુસાર પત્નીને છૂટાછેડા આપી શકે છે..!

અમેરિકાના ટેકસાસ રાજ્યના લેફોર્સ ટાઉનમાં ઢિંચવાનો આ નમૂનેદાર કાયદો જાણી લો… અહીં પબ-બારના કાઉન્ટર પર તમે બે ગ્લાસ બિયરુ ઊભાં ઊભાં પી શકો, પણ બિયરનો ત્રીજો ગ્લાસ તો ચેર પર બેસીને જ પીવો પડે, નહીંતર ચઢેલો નશો ઊતરી જાય એવો દંડ ફ્ટકારવામાં આવે છે..!

હવે હળવાશમાંથી બહાર આવીએ… આપણે ત્યાં આજે કેટલાક ગંભીર કાનૂન-કાયદા બાબાઆદમના જમાનાના છે, પણ આજની તારીખમાં ય એ કેવા અવરોધરૂપ બની શકે છે એની આ બે-ત્રણ ઝલક પૂરતી છે, જેમકે એક કાયદા અનુસાર પંજાબનાં ગામ-કસ્બાઓ (તેમજ દિલ્હીમાં પણ!)ના પુરુષોએ ઘરદીઠ રાત્રિવેળા ચોકીપહેરો કરવો એવો કાનૂન છે. આનું પાલન ન કરનારને સજા થઈ શકે..!

મદ્રાસના એક પશુપાલન કાયદા (૧૯૪૦) અનુસાર વાછરડું આગળ જતા સીધોસાદો બળદ બનશે કે સાંઢ એ નક્કી કરવાનો હક્ક એના માલિક-પશુપાલકને નથી. એનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર સરકારને છે અને સત્તાવાળા એ અનુસાર માલિકીના લાઈસન્સ બનાવી આપે છે!

આપણે ત્યાં જો કોઈની પાસે પણ ૨.૪૩થી લઈને ૩.૫૨ મિલીમીટર જેટલો પાતળો તાર-વાયર મળી આવે તો એ ગેરકાયદે ગણાય. એની માટ ેસજા થઈ શકે… આમાં વક્ર્તા એ છે કે આપણે ત્યાં ટેલિગ્રાફ સેવા ૨૦૧૩થી બંધ થઈ ગઈ છે, પરંતુ ૧૯૫૦નો આ કાયદો હજુ અમલમાં છે!

આવા તો અનેક વાહિયત-હાસ્યપદ કાનૂન હજુ આપણી કાયદાપોથીમાં મોજૂદ છે. જો કે ,આવા હાસ્ય નહીં, અટ્ટહાસ્ય કરવા પ્રેરે એવા વિદેશના કેટલાક કાનૂનના ‘નંગ’ પણ માણીએ, જેમકે અમેરિકાના વાયોમિંગ રાજયમાં ફિશિંગ કરવાની-માછલી પકડવાની મનાઈ છે. એની સાથોસાથ, માછલીની તમે ગનથી પણ હત્યા ન કરી શકો! ટેકસાસ સ્ટેટમાં આંખ વેંચવા પર મનાઈ છે.

હેમ્પશાયરના ચર્ચયાર્ડ- કબ્રસ્તાનમાં શિકાર કરવાની સખ્ત મનાઈ છે, કારણ કે એનાથી જમીનની નીચે કોફિનમાં દફન કરેલાં મૃતાત્માને શાંતિભંગ થાય!

અલબામાના રસ્તા પર છત્રી ઉઘાડવાની મનાઈ છે… વર્ષો પૂર્વે આ કાયદો અમલમાં એટલા માટે આવ્યો હતો એ જમાનામાં અશ્ર્વ પર બધા આવન-જાવન કરતા હતા. જો કોઈ છત્રી ઉઘાડે તો અશ્ર્વની આંખમાં વાગી ન જાય માટે આવો પ્રતિબંધ હતો. આજે પણ આ કાયદો સત્તાવાર રીતે રદબાતલ કરવામાં નથી આવ્યો…

ઓરેગનમાં રવિવારે આઈસક્રીમ ખાવા-માણવા પર પ્રતિબંધ છે. શું કામ? ગોડ જાણે!
જો કે, સૌથી વિચિત્ર-વાહિયાત લાગતો એક કાયદો અલાસ્કાનો છે. આકાશમાં ઊડતા વિમાનમાંથી જીવતા ઉંદરને બહાર ફગાવવા પર મનાઈ છે! અહીં વર્ણવેલા મોટાભાગના વિચિત્ર કાયદા અમેરિકાના છે. આ વર્ષો જૂના કાનૂન કયા કારણે-કઈ રીતે ઘડાયા અને અમલમાં આવ્યા એના કોઈ ખાસ પૂર્વા પર સંબંધ કે કારણ આજે જાણવા નથી મળતા. એમાંથી મોટાભાગનો અમલ આજે ભાગ્યે જ થાય છે, છતાં સત્તાવાર રીતે અસ્તિત્વમાં છે.
બીજી તરફ, અનેક દેશમાં આજે જયારે પણ કોઈ નવા કાયદા-કાનૂન બને ત્યારે એની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને એને કેટલા સમય સુધી જ અમલમાં રાખવો ને પછી આપોઆપ રદ્દ થઈ જાય એવી ગોઠવણ પણ ન્યાયતંત્ર આગોતરા નક્કી કરી રાખે છે. કાનૂની ભાષામાં આને ‘સનસેટ ક્લોઝ’ કહે છે. એથી વિરુદ્ધ આપણે ત્યાં તો અસંખ્ય કાયદા આડેધડ ઊગે છે,પણ એનો સૂર્યાસ્ત ક્યારેય થતો નથી..!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button