પુરુષ

ભારતીય ક્રિકેટમાં શનિવારથી નવા ‘સૂર્ય’નો ઉદય

૩૬૦ ડિગ્રી બૅટિંગ-સ્ટાઇલ માટે જગવિખ્યાત સૂર્યકુમાર યાદવની બૅટિંગ-ફીલ્ડિંગની સંયુક્ત કાબેલિયતને સૌથી પહેલાં શેન વૉર્ને પારખી લીધેલી

સ્પોર્ટ્સમેન – અજય મોતીવાલા

શનિવાર, ૨૭મી જુલાઈએ સાંજે ૭.૦૦ વાગ્યે શ્રીલંકાના પલ્લેકેલમાં ભારતની ટી-૨૦ મૅચ શરૂ થશે એ સાથે ભારતીય ક્રિકેટમાં નવા સૂર્યનો ઉદય થયો કહેવાશે.

સૂર્યકુમાર યાદવ ધૂંવાધાર બૅટિંગ માટે થોડાં વર્ષોથી જાણીતો છે જ, ટી-૨૦માં ઘણા અઠવાડિયા સુધી વર્લ્ડ નંબર-વન પર રહી ચૂક્યો છે, ૨૯મી જૂને તેણે બાર્બેડોઝમાં સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્દિક પંડ્યાની ૨૦મી ઓવરમાં બાઉન્ડરી લાઇનને આરપાર જઈને ડેવિડ મિલરનો અભૂતપૂર્વ કૅચ પકડીને ભારતને બહુમૂલ્ય ટ્રોફી અપાવી અને હવે તો તે ટી-૨૦ ફૉર્મેટનો કૅપ્ટન બની ગયો છે. તેના સુકાનમાં ભારતીય ક્રિકેટનો શનિવારથી જાણે નવો યુગ શરૂ થઈ રહ્યો છે.

નવા હેડ-કોચ ગૌતમ ગંભીર વિશે અગાઉ આપણે ઘણું જૂનું-નવું જાણી ગયા, પરંતુ સૂર્યકુમાર વિશે અમુક રસપ્રદ બાબતો એવી છે જે ક્યારેય બહાર આવી જ નહોતી.

સૂર્યકુમાર ખાસ તો ૩૬૦ ડિગ્રી સ્ટાઇલની બૅટિંગ માટે અને મેદાન પર ચારેકોર બૉલ મોકલવાની અનોખી કાબેલિયત માટે જાણીતો છે. જોકે વર્લ્ડ કપની ફાઇનલમાં મિલરનો કૅચ પકડીને તે વર્લ્ડ ફેમસ થઈ ગયો છે.

સૂર્યકુમારને આપણે અત્યાર સુધી ખાસ તો સુપર-ડુપર બૅટિંગને લીધે જ ઓળખતા હતા, પણ મિલરનો વર્લ્ડ કપ વિનિંગ કૅચ પકડીને તે ફીલ્ડિંગની કુશળતાને કારણે પણ કરોડો ક્રિકેટપ્રેમીઓનો લાડલો થઈ ગયો છે.

સૂર્યકુમારની ફીલ્ડિંગની વાત નીકળી છે તો ખાસ કહેવાનું કે કરીઅરની શરૂઆતમાં તેની ફીલ્ડિંગ ખૂબ નબળી હતી. જોકે તેણે ફીલ્ડિંગ સુધારવા અથાક પરિશ્રમ કર્યો હતો. તાજેતરમાં એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલમાં જણાવાયા મુજબ સૂર્યકુમારની કરીઅરની શરૂઆતમાં રાજસ્થાન રૉયલ્સના ભૂતપૂર્વ કૅપ્ટન શેન વૉર્ને મુંબઈમાં આઇપીએલ પહેલાં એક દિવસ પારસી જિમખાનામાં પ્રૅક્ટિસ દરમ્યાન સૂર્યકુમારની ફીલ્ડિંગની કચાશ પકડી પાડી હતી. શેન વૉર્ન તેની બૅટિંગથી તો પ્રભાવિત થયો જ હતો, પણ તેની ફીલ્ડિંગમાં તેને નબળાઈ જોવા મળી હતી જે (વૉર્નના માનવા મુજબ) સુધારી શકાય એમ હતું. ત્યારે રાજસ્થાન રૉયલ્સના હાઈ પર્ફોર્મન્સ સેન્ટરના ચીફ ઝુબિન ભરૂચા સૂર્યકુમારને ટ્રાયલ માટે રાજસ્થાનના કૅમ્પમાં લઈ જવા માગતા હતા. શેન વૉર્નની નજર ત્યારે સૂર્યકુમારની બૅટિંગ-ફીલ્ડિંગ પર હતી. પ્રૅક્ટિસ દરમ્યાન બૉલ જ્યારે પણ સૂર્યકુમાર તરફ જતો ત્યારે શેન વૉર્ન નજીકમાં ઊભેલા ઝુબિન તરફ વળીને તેમને કંઈક ઇશારો કરતો હતો. વૉર્ન તેમને એવું કહેવા માગતો હતો કે આપણને જોઈતો હતો એ પ્લેયર મળી ગયો!

ઝુબિને પણ વૉર્નની જેમ સૂર્યકુમારમાં રહેલી કાબેલિયત પારખી લીધી હતી, પણ રાજસ્થાન રૉયલ્સનું મૅનેજમેન્ટ સહમત નહોતું અને તેણે સૂર્યકુમારને સિલેક્ટ કરવાનું માંડી વાળ્યું હતું. ત્યાર પછી સૂર્યકુમારને મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો અને પછી કોલકાતા નાઇટ રાઇડર્સે મેળવ્યો હતો. થોડાં વર્ષોથી તે મુંબઈ ઇન્ડિયન્સનો મહત્ત્વનો ખેલાડી છે, શારીરિક રીતે અગાઉ કરતાં વધુ ફિટ થઈ ગયો છે અને તેની ફીલ્ડિંગ પણ વર્લ્ડ-ક્લાસ થઈ ગઈ છે.

સૂર્યકુમાર વન-ડે ક્રિકેટ છેલ્લે ગયા વર્ષના નવેમ્બરમાં અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની મૅચમાં રમ્યો હતો, પરંતુ ટી-૨૦ ટીમમાં થોડાં વર્ષોથી ફિક્સ છે. તેણે ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સમાં જેટલા રન (૨,૩૪૦) બનાવ્યા છે એનાથી બમણા જેટલા રન (૫,૬૨૮) ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં અને એનાથી પણ વધુ રન (૭,૫૧૩) આઇપીએલ સહિતની ટી-૨૦ મૅચોમાં બનાવ્યા છે.

સૂર્યકુમારની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ૨૦૨૧માં શરૂ થઈ હતી, પરંતુ ડોમેસ્ટિક મૅચોમાં તેણે છેક ૨૦૧૦ની સાલમાં રમવાની શરૂઆત કરી હતી. એ વખતે આઇપીએલ નવી-નવી હતી અને એમાં તે ચમકવા લાગ્યો હતો, પરંતુ ડોમેસ્ટિક મૅચોમાં પુષ્કળ રન બનાવવા છતાં તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન નહોતું મળતું એટલે તે હતાશ થઈ જતો હતો. ત્યારે તે પારસી જિમખાનાના સેક્રેટરી ખોદાદાદ યઝદેગર્દીને કહેતો કે ‘મેં એવું શું ખોટું કર્યું છે કે તેને ભારતીય ટીમમાં જગ્યા જ નથી મળતી? મુંબઈ જ્યારે પણ હારે છે ત્યારે દોષનો ટોપલો કેમ મારા પર જ ઢોળવામાં આવે છે?’ ત્યારે ખોદાદાદ તેને કહેતા કે તું તારે રન બનાવવા પર ધ્યાન આપ, સમય આવશે ત્યારે જરૂર તારી ગણના થશે અને તને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળશે.’

૨૦૧૯માં સૂર્યકુમારને મુંબઈની ટીમની કૅપ્ટન્સી સોંપાઈ હતી અને પછી તેની કરીઅરનો સૂર્યોદય થતો ગયો હતો.

અજિત આગરકરના અધ્યક્ષ-સ્થાનમાં સિલેક્શન કમિટીએ હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, કેએલ રાહુલ વગેરેને બાજુ પર રાખીને સૂર્યકુમાર યાદવ પર ભરોસો રાખીને તેને ટી-૨૦ ટીમનું સુકાન સોંપ્યું છે. આશા રાખીએ એમાં તે સફળ થશે. જોકે આઇપીએલ પહેલાંની બે સિરીઝની વાત કરીએ તો તેના માટે ટી-૨૦નું સુકાન સફળતાથી સંભાળવું બહુ મુશ્કેલ નથી. કારણ સરળ છે. ડિસેમ્બર, ૨૦૨૩માં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સિરીઝમાં ભારતે તેના સુકાનમાં સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી અને એમાં ભારતીયોમાં સેક્ધડ-હાઇએસ્ટ ૧૪૪ રન બનાવ્યા હતા. ત્યાર બાદ સાઉથ આફ્રિકામાં સૂર્યકુમારના જ સુકાનમાં ભારતે બે મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ કરી હતી અને એમાં સૂર્યાએ ૫૬ રન તથા ૧૦૦ રન બનાવ્યા હતા. કહેવાનો ભાવાર્થ એ છે કે કૅપ્ટન્સી સંભાળવાની સાથે સારી બૅટિંગ પણ કરવાની ક્ષમતા સૂર્યકુમારમાં છે.

આશા રાખીએ, શનિવારે શ્રીલંકા સામે શરૂ થતી ત્રણ મૅચની ટી-૨૦ સિરીઝમાં તે ભારતને જિતાડે અને પોતાની રેગ્યુલર કૅપ્ટન્સીને તેમ જ હેડ-કોચ ગૌતમ ગંભીરની નવી ઇનિંગ્સના શ્રીગણેશ કરાવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button