નામ ગૂમ જાયેગા… ચહેરા યે બદલ જાયેગા !
આ શીર્ષક શા માટે છેતરામણું છે એ અહીં જાણો..!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
આ શીર્ષક છેતરામણું છે, કારણ કે આપણે અહીં હમણાં પેલા બહુચર્ચિત સાયબર ક્રાઈમ ‘ડીપફેક’ વિશે વાત કરવાના નથી…
‘ડીપફેક’ એટલે આજકાલ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એક એવી ગેરકાયદે પ્રવૃત્તિ, જેમાં કોઈ ભળતી જ વ્યક્તિના ચહેરા અને કાયા પર કોઈ જાણીતી વ્યક્તિનો ચહેરો ચોટાડીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવે છે. આ ચહેરા-મહોરાની રમતે આજે ઊહાપોહ મચાવ્યો છે અને એટલે જ આપણને લતાજીનું પેલું જાણીતું ગીત: ‘નામ ગૂમ જાયેગા… ચહેરા યે બદલ જાયેગા !’ યાદ આવી જાય એ સહજ છે.
જો કે આપણે અહીં જે બીજા વિષય વિશે વાત કરવી છે એમાંય, જોગાનુજોગ ચહેરા-ફેસની વાત છે : ‘ફેસબુક’ની વાત છે…
સોશિયલ મીડિયા પર પોતાની વાતના આદાન-પ્રદાન માટે વિભિન્ન સાઈટ- પ્લેટફોર્મ્સનો પ્રારંભ થયો ત્યારથી સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ રહ્યું છે ‘ફેસબુક’. વીતેલા વર્ષ ૨૦૨૩ના છેલ્લામાં છેલ્લાં આંકડા અનુસાર આજે ત્રણ અબજ લોકો ‘ફેસબુક’ના ફોલોવર્સ છે. એની સરખામણીએ ‘ઈન્સ્ટાગ્રામ’ના ૬૦ કરોડ તો “X’ (ટ્વિટર)ના ૩૮ કરોડ અકાઉન્ટસ છે.
‘ફેસબુક’ જેવા વિખ્યાત સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મની અપૂર્વ સફળતા પાછળ એના સર્વેસર્વા માર્ક ઝુકરબર્ગની કાર્યનિષ્ઠાથી લઈને એના સંઘર્ષ-પુરુષાર્થને સફળતા વિશે પણ આપણે થોડું જાણવું જોઈએ…
પોતાનાં કાર્યમાં માર્ક એવા સતત વ્યસ્ત રહે છે કે એ કામની એક પણ ક્ષણ નકામી વેડફી દેવામાં માનતા નથી. એ પોતાની ઑફિસમાં આવે ત્યારે મોટાભાગે બ્લેક કે ગ્રે ટી-શર્ટ અને એ જ રંગના પેન્ટમાં સજ્જ હોય છે.
એક પત્રકારે પૂછ્યૂં : ‘આવું કેમ?’
તો માર્કનો જવાબ કઈંક આવો હતો. એ કહે: ‘ઑફિસ આવવા નીકળું ત્યારે રોજ થાય કે આજે શું પહેરીને જાઉં ? ડ્રેસ બાબત નિર્ણય લેવામાં હું બહુ નબળો છું. એની અવઢવમાં વધુ સમય જતો એટલે મેં બ્લેક અને ગ્રે ટી-શર્ટ તથા એવાં જ પેન્ટની ૨૦-૨૫ પેર-જોડ તૈયાર રાખી છે. એ રોજ ચઢાવીને કામભેગા.. કોઈ પણ ડ્રેસ પહેરું-મને ઓળખનારા ઓળખે છે એટલે ફરક પડતો નથી.. કંઈ પણ પહેરું તો ન ઓળખનારા નહીં જ ઓળખે તો મનેય કશો ફરક નથી પડતો..! હા, બન્ને કિસ્સામાં મારો ટાઈમ જરૂર બચે છે, જેમાં હું ઘણાં બીજાં કામ પતાવી શકું છું…!’
કર્તા-હર્તાની આવી વિચારધારાથી એની કંપની – પ્રોડક્ટ શ્રેષ્ઠ બને એ સહજ છે. એવું થયું પણ ખરું. વર્ષો સુધી ‘ફેસબુક’ (એફબી)એ સાઈબર સ્પેસમાં સોશિયલ નેટવર્કિંગ ફિલ્ડમાં એકચક્રી રાજ પણ કર્યું છે. ‘એફબી’નો પ્રારંભ – પુરુષાર્થ ને અનન્ય સફળતા વિશે ઘણું લખાયું છે. ફિલ્મ – ડોક્યુમેન્ટ્રીસ પણ બની છે. એફબી પર સક્રિય હોવું- ઢગલાબંધ મિત્રો બનાવવા-પોતાના પેજના હજારો ફોલોવર્સ – અનુસરનારા હોય એ ઓનલાઈન પર એક ‘સ્ટેટસ સિમ્બોલ’ મનાતું. કેલિફોર્નિયાનાં એના હેડક્વાટર્સની વિઝિટ કરવી – ત્યાંની ફેસબુક વોલ પર જઈને મેસેજ લખવો-સેલ્ફી ક્લિક કરવી – ફોટા પડાવવા એ પણ મોભાનું એક પ્રતીક ગણાતું.
જો કે, જેમ દરેક ક્ષેત્રમાં થાય છે તેમ ક્રમશ: સમય વીતતા ‘ફેસબુક’ની દીવાલ પર તિરાડ દેખાવા માંડી હતી..
સોશિયલ મીડિયા પર શરૂઆતમાં થોડાં વર્ષ સાવ એકલા રાજ કર્યા પછી ‘ઈન્સ્ટાગ્રામ’ અને હવે જે “X’ તરીકે ઓળખાય છે એ ‘ટ્વિટર’ જેવાં પ્લેટફોર્મ સાથે ‘ફેસબુક’ એ સ્પર્ધામાં ઊતરવું પડ્યું.
આમ તો એ ત્રણેયની તાસિર અલગ અલગ છે. ‘ફેસબુક’ (એફબી)ને અનુસરનારા ૬૮% લોકો તરુણથી લઈને આધેડ વયના લોકો છે, જ્યારે “X’ ને ફોલો કરનારા પોતાના પ્રોફેસન -વ્યવસાયમાં અમુક અંશે ઠરીઠામ એવા લોકો છે. રાજકારણીઓ અને યુવા વેપાર સાહસિકો પણ એમની વાત “X’ દ્વારા રજૂ કરવી વધુ પસંદ કરે છે.
આ બન્ને વચ્ચે ‘ઈન્સ્ટાગ્રામ’ની દુનિયા જ જાણે અલગ છે. ૧૮થી ૨૪ વર્ષની આયુ ધરાવતા ૭૧% યુવાપેઢી ‘ઈન્સ્ટાગ્રામ’ અકાઉન્ટ ધરાવે છે.
અહીં સિનિયર સ્ટાર્સની સાથે તાજા તાજા જાણીતા થયેલાં ફિલ્મસ્ટાર્સ-ફેશન ડિઝાઈનર્સ અને હાઈ-ફાઈ પાર્ટીઓમાં જેમની હાજરી બોલાતી હોય એવી પેજ – ‘થ્રી’ સેલિબ્રિટિશ, જેવાની ‘ઈન્સ્ટા’માં હાજરી અચૂક હોય છે. બીજા શબ્દોમાં કહો તો ‘ઈન્સ્ટા’માં ગ્લેમરનો માહોલ વધુ હોય છે ‘ઈન્સ્ટાગ્રામ’ના આગમન પછી એ ‘ફેસબુક’ની એવી તગડી હરીફ બની ગઈ કે ‘ફેબી’ના ફોલોવર્સ – ચાહકો બહુ ઝડપથી તૂટવા માંડ્યા. એનાથી તગડું આર્થિક નુકસાન પણ ‘ફેબી’એ ભોગવવું પડ્યું. એ વખતે ‘એફબી’ના માર્ક ઝુકરબર્ગે વાણિયાગીરી વાપરીને ‘ઈન્સ્ટાગ્રામ’ને એક અબજ ડોલર કેશ વત્તા શેર્સ આપીને ખરીદી લઈને દુશ્મનને જ દોસ્તમાં પલાટાવી નાખ્યો…! આવું જ માર્કે પાછળથી અતિ લોકપ્રિય મેસેજિંગ સર્વિસ ૧૯ અબજ ડોલરમાં ખરીદી લીધી હતી..!
આમ છતાં, એ વખતે જુવાન હૈયાંઓમાં ‘ઈન્સ્ટા’ વધુ લાડકું બની રહ્યું અને ‘ફેસબુક’ પાછળ ધકેલાઈને અંકલ લોકોનો ચોરો બની ગયું. ‘એફબી’ની આણ ઘટવા માંડી તેથી કંપની જે તગડો નફો રળતી હતી એમાં ઓટ વર્તાવી શરૂ થઈ. એક તરફ્, ‘એફબી’ના સક્રિય મેમ્બર્સ ખતરનાક ગતિએ પ્રતિદિન ઓછા થઈ રહ્યા હતા ત્યારે એફબીનાં શેર્સનાં ભાવમાં પણ ૨૬ થી વધુ ટકા ઘટાડો થયો પરિણામે એફ્બીએ એ વખતે ૨૩૨ અબજ ડોલર ગુમાવ્યા ! (આજે એક ડોલર = આપણા ૮૩ રૂપિયા) કોઈ પણ કંપની નુકસાનીમાં જઈ રહી છે એનો અંદેશો સ્ટાફને પહેલાં આવે. કંપની તરફથી નિ:શુલ્ક સુવિધા પર કાપ આવે અથવા તો સદંતર બંધ થઈ જાય. ‘એફબી’માં પણ એ જ થયું હતું. કામના કલાકો દરમિયાન ઑફિસ કેન્ટીનમાં જે ખાણી-પીણી કલાકો સુધી ફ્રીમાં મળતી હતી એનો સમય મર્યાદિત થઈ ગયો. માર્ક ઝુકરબર્ગ સ્ટાફને અનેકવિધ સુવિધા મફતમાં પૂરી પાડીને જે ફૂલગુલાબી મિજાજમાં રાખતા હતા એમાં કોરોનાનું જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ એ સગવડ બંધ થતાં સ્ટાફરના મૂડ-મિજાજ ખાટાં થઈ ગયા હતા.
તમે નહીં માનો, કોવિડ પહેલાં ‘એફબી’ સ્ટાફનાં ક્પડાં સાવ મફતમાં લોન્ડ્રી – ડ્રાઈ ક્લિનિંગ થતાં હતા. એ સુવિધા કંપનીએ સાવ બંધ કરી દીધી ! એટલું જ નહીં, કોરોનાનો ભય ઓછો થતાં અત્યાર સુધી મોટાભાગનો સ્ટાફ વર્ક ફ્રોમ હોમ કરતો હતો એમને ફરી ઑફિસે પરત આવી અગાઉની જેમ જ ડ્યૂટી બજાવવાની સૂચના આપી દેવામાં આવી.
હા, માર્ક ઝુકરબર્ગે આવા બધા ફેરફારો વચ્ચે એક કામ વખાણવા લાયક કર્યું . કોરોના પછી અગાઉ સ્ટાફ્ને જે ૭૦૦ ડોલર સુધીની તબીબી સહાય ફ્રી મળતી હતી એ કોરોના પછી વધારીને ત્રણ હજાર ડોલર સુધી કરી આપી !
માર્કના સમયસરના આવા ફેરફાર અને ઉપાયોને કારણે ‘એફબી’ના ફરી અચ્છે દિન આવી ગયા છે અને છેલ્લાં વર્ષમાં કંપનીએ ૨૩ અબજ ડોલરનો ચોખ્ખો નફો કર્યો છે..!
બાય ધ વે, આપણે એ પણ જાણી લઈએ કે વર્ષોથી પગાર રૂપે માત્ર એક ડોલર લેતા ‘ફેસબુક’ના કર્તાહર્તા એવા માર્ક ઝુકરબર્ગ આજે ૧૧૩ અબજ ડોલર એટલે કે આશરે ૯૩,૬૪૫ કરોડ રૂપિયાના સધ્ધર આસામી છે…!