૮૬ની ક્ધયા ૩૭ નો વર!
સોશ્યલ મીડિયા પર મુલાકાત, ઓળખાણ, પ્રેમ, લગ્ન અને…
કવર સ્ટોરી -મનીષા પી. શાહ
આયરીશ જોન્સ બ્રિટનની રહેવાસી. ઉંમર વર્ષ ૮૩. મોહમ્મદ ઇબ્રાહિમ ઇજિપ્તનો રહેવાસી. ઉંમર વર્ષ ૩૭. દેશ, ભાષા, સંસ્કૃતિ અને ઉંમરમાં જમીન આસમાનનું અંતર. આ બન્ને વચ્ચે કેવો સંબંધ હોઇ શકે?
આપણામાંથી મોટાભાગના આ સવાલનો તાર્કિક રીતે નકારમાં જવાબ આપે. પરંતુ ઘણી વ્યક્તિ તર્ક અને સમજની બહારનું કરી લેતા હોય છે એ આપણે જાણીએ છીએ. આયરીશ અને મોહમ્મદ વચ્ચે ય એવું જ થયું. બન્ને ફેસબુકના એક ગ્રૂપ મળી ગયાં. આ સોશ્યલ મીડિયા પરની ઓળખાણ ઝડપભેર મૈત્રીમાં ફેરવાઇ ગઇ. હકીકતમાં આયરીશ પહેલી નજરે જ મોહમ્મદના પ્રેમમાં ગળાડૂબ થઇ ગઇ.
આમેય ૧૯૯૩માં પહેલા પતિથી છૂટાછેડા લઇ લીધા પછી તે સાવ એકલવાયું જીવન વિતાવતી હતી. ૨૬ વર્ષથી તો તેણે જૂના પતિને જોયો કે ન એના સંપર્કમાં રહી. જોકે આયરીશનો એક દીકરો હતો ખરો. પરંતુ ૫૫ વર્ષનો પુત્ર પોતાના સંસારમાં ખોવાયેલો હતો. આમેય પશ્ર્ચિમમાં મોટા થયા બાદ સંતાનો ભાગ્યે જ માબાપ સાથે રહેતાં હોય છે.
આયરીશ કદાચ હૂંફ, પ્રેમ, સથવારો અને સહવાસ ઝંખતી હતી. આ વધુ મળવાની આશા મોહમ્મદ ઇબ્રાહિમમાં દેખાઇ. સાચા અને પૂરા કારણ તો આયરીશ જ જાણે પણ એને મોહમ્મદ એટલો બધો ગમી ગયો કે ન પૂછો વાત. બધા અંતરની લેશમાત્ર પરવા કર્યા વગર એ ૨૦૧૯ના નવેમ્બરમાં પ્રિયતમ મોહમ્મદને મળવા છેક ઇજિપ્તના પાટનગર કૈરોમાં પહોંચી ગઇ. સંબંધ ગાઢ થતો ગયો. એકાદ વર્ષ બાદ બન્નેએ લગ્ન કરી લીધાં. હા, ધે ગોટ. મેરીડ ઇજિપ્તના શર્મ અલ-શેખ નામના શહેરમાં હનીમૂન માટે ગયાં.
બન્નેનો સંબંધ સોશ્યલ મીડિયાની પેદાશ હતો. પતિ-પત્ની સતત પોતાના નવા જીવન અને સુખ વિશે નીતનવી માહિતી સોશ્યલ મીડિયામાં પર મૂકતાં જાય. વયમાં ખૂબ મોટા તફાવતવાળું આ યુગલ સોશ્યલ મીડિયામાં ખૂબ લોકપ્રિય થઇ ગયું છે. કોઇકને આનંદ થાય કે ચાલો એકમેકને યોગ્ય જીવનસાથી મળી ગયું. વળી થોડાને કૌતુક થાય કે આ કપલમાં પટતું કઇ રીતે હશે? તેઓ પોતાના લગ્નજીવન વિશે વિચારીએ શરમાઇ જતા કે કાશ આટલી બધી સમજદારી આપણામાં હોત.
આ એક રીતના કજોડાપણા અને સુખી દામ્પત્ય જીવનને આયરીશ જોન્સ અને મોહમ્મદ ઇબ્રાહિમને સોશ્યલ મીડિયામાં ખૂબ માઇલેજ અપાવ્યું. કહો કે બન્નેને સોશ્યલ મીડિયાએ સ્ટાર બનાવી દીધા. અનેકને ઇર્ષા આવતી હતી.
પરંતુ એક દિવસ આયરીશ જોન્સે ધડાકો કર્યો. બધાને આંચકો આપતી જાહેરાત કરી કે “હું અને મોહમ્મદ ઇબ્રાહિમ હવે છૂટાં પડી રહ્યાં છીએ. હકીકતમાં હું અને ઇબ્રાહિમ એકમેકથી ખૂબ અલગ છીએ. મને મોહમ્મદ ખૂબ ગમતો હતો. એની એક-એક વાત અને બધી વાત-વર્તણૂંક પસંદ કરતી હતી. પરંતુ એ ખૂબ જટિલ, મુશ્કેલ અને અકળ વ્યક્તિ છે. પ્રેમમાં હોવા છતાં અમે દરેક વાત પર, કોઇ પણ વાત પર વાદવિવાદમાં ઊતરી જતાં હતાં, ઝઘડો કરવા માંડતાં હતાં. હું છૂટાછેડા લેવા સિવાય બીજું કંઇ કરી શકું એમ નહોતી. હું પ્રેમમાં પાગલ થઇ ગયેલી કિશોરી તો નથી જ. હું ૮૩ વર્ષની થઇ છું.
બીજા પતિ મોહમ્મદ ઇબ્રાહિમથી છૂટા થયા બાદ એકલતા દૂર કરવા શું કર્યું એ પણ આયરીશે સોશ્યલ મીડિયા પર શેર કર્યું. તેણે બિલાડી પાળવાનો નિર્ણય લીધો. આ બિલાડીને પોતાને યોગ્ય સાથીદારનું પ્રમાણપત્ર આપતા આયરીશે લખ્યું. ‘મોહમ્મદના ગયાના થોડા દિવસ બાદ મને આ બિલાડી મળી હતી. એ શ્રેષ્ઠ સાથીદાર હોવાનું સાબિત થયું, કારણકે એ ક્યારેય મારી સાથે ઝઘડતી નથી. એ ખૂબ શાંત અને સુંદર છે. તે ખૂબ આનંદી જીવ છે. કોઇ જાતની ધાંધલ, ધમાલ, જીદ કે વિવાદ કરતી નથી. મને એ ખૂબ ગમે છે. તેણે વચન આપ્યું છે કે મને ક્યારેય મોહમ્મદની યાદ આવવા નહિ દે.
આ સ્ટોરી પર સોશ્યલ મીડિયા પર ખૂબ કમેન્ટસ આવી. મોટાભાગનાનો સૂર, લગભગ સરખો હતો: ‘આ તો થવાનું જ હતું.’