દીકરીનું આગમન… સહજીવનનાં શુકન
કૌશિક મહેતા
ડિયર હની,
આપણા લગ્નના ચોથા વર્ષે સારા સમાચાર આવ્યા હતા. તું ગર્ભવતી બની એ માટે આપણે બન્નેએ પ્લાનિંગ કર્યું હતું.
તું સગર્ભા થઈ એના પહેલા ખબર મળ્યા ત્યારે આપણા બંનેની ખુશીનો પાર નહોતો. તારા મા બનવાના એ નવ માસનો ગાળો બહુ મજાનો હતો. ક્યારેક તારી તબિયત બગડતી તો તારી સાથે મારું બીપી પણ વધી જતું હતું.
એક વાર તને વેણ ઊપડ્યું. ત્યારે તારી ડિલિવરીને હજુ થોડો સમય બાકી હતો. રાત્રે જ આપણે હોસ્પિટલે જવું પડ્યું હતું. ગાયનેકોલોજીસ્ટે ચેક કર્યા પછી કહ્યું કે, હજુ વાર લાગે એમ છે. થોડીવાર તો મારો ય જીવ અધ્ધર થઇ ગયો હતો, પણ ડોકટરે કહ્યું કે, ગભરાવા જેવું નથી. આપણે મા- બાપ બન્યા વિના પાછા આવ્યા હતા. કોઈને કાઈ સમાચાર આપવા જેવું બન્યું નહોતું.
પછી થોડા દિવસ બાદ ફરી લેબર પેઈન અને હોસ્પિટલ પહોંચ્યા. તને અંદર લઇ જવામાં આવી અને ડિલિવરી થઇ રહી હતી અને થઇ એ વચ્ચેનો જે સમય હતો એ મારા માટે પસાર કરવો મુશ્કેલ હતો. શું શું થશે? એ સવાલ કોરી ખાતો હતો. શું આવશે? એનો ઇન્તજાર પણ હતો. મને ખબર છે કે, તું દીકરો ચાહતી હતી અને હું દીકરી. આ ઇચ્છા સામાન્ય છે. કારણ કે, દીકરો માની અને દીકરી બાપની નજીક હોય છે.
લગભગ દોઢેક કલાકે ખબર આવ્યા કે, નોર્મલ તો નહિ પણ ફોરસેપથી ડિલિવરી થઇ ગઈ છે અને મા – બાળક બંનેની તબિયત સારી છે ત્યારે મારો જીવ હેઠે બેઠો હતો. જોકે પછી એ જાણવાની ઈંતેજારી હતી કે કોનું આગમન થયું. નર્સે કહ્યું કે દીકરી આવી છે. મેં એને તુરંત ૧૦૦ રૂપિયાની નોટ આપી હતી. મારા હરખનો પાર નહોતો. હું ચાહતો હતો એમ દીકરી આવી હતી. દીકરીનો આગમન એ આપણા સહજીવનના જાણે શુકન હતા.
તારી ડિલિવરી થઇ એ દિવાળીની નજીકનો સમય હતો, પણ મારી દિવાળી તો થોડી વહેલી આવી ગઈ હતી. એ વખતે મારે મુંબઈ જવાનું હતું. અમારા વાર્ષિક મેળાવડા માટે. રેલવેની ટિકિટ પણ બૂક થઇ ગઈ હતી, પણ મેં એ કેન્સલ કરાવી હતી. ત્યારે બોસે પૂછ્યું હતું: કેમ? ને મેં સારા સમાચાર આપ્યા ત્યારે એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, એવું હોય તો પાર્ટી છે ત્યારે ફ્લાઈટમાં આવી જજે. મેં ના પાડી હતી. મારે તારી સાથે રહેવું હતું. એ રાતે હું તારી સાથે જ હતો. એ રાત મારા જીવનની એ યાદગાર રાતમાંની એક હતી.
આપણે દીકરી સાથે ઘેર આવ્યા ત્યારે સૌથી વધુ રાજી બા હતાં. કારણ કે, એમને ત્રણ દીકરા હતા અને કોઈ દીકરી નહોતી એટલે એ દીકરી ચાહતા હતાં. મારા બંને મોટાભાઈને ત્યાં પણ દીકરી નહોતી અને તે દીકરી આપી એટલે સાસુમા તારા પર ખુશ હતાં. ઘરના દરવાજે તારું બહુ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. મોટાભાઈએ તો એની ઓફિસમાં પેંડા વહેંચ્યા હતા. સામાન્ય રીતે લોકો દીકરી આવે તો જલેબી વહેંચતા હોય છે.
ઘરમાં આનંદનું વાતાવરણ હતું. દીકરી ઘોડિયામાં સૂતી હોય અને એ એકાએક ઊઠી જાય ત્યારે ઘોડિયાની દોરી પકડી એને ઝુલાવવાની એ ક્ષણો આજે મને બરાબર યાદ છે. એ રોતી હોય તો એનું રોવું પણ એક ઘટના બની જતી. આપણા રૂમમાં એ વધુ રૂએ તો બા નીચેથી કહેતા કે, બંને સૂઈ ગયા કે શું ? છોકરી કેમ રડે છે …. મેં એને પહેલીવાર મારા હાથમાં લીધી હતી ત્યારે શું થયું હતું એ શબ્દોમાં કેમ બયાન કરવું….? દીકરી મોટી થતી ગઈ. એની સાથે આપણે નાના થતા રહ્યા હતા. એની નાની નાની હરકતો આપણા માટે ઉત્સવ જેવું વાતાવરણ સર્જી જતું. પછી એનું નામ પાડ્યું ત્યારે પણ બધાએ કેટલી કસરત કરી હતી કે, કયું નામ રાખવું? પછી નામ નક્કી થયું પણ હજુ ય એને આપણે ચકુ ને દીકું કહીને જ બોલાવીએ છીએ. મૂળ નામ કરતાં આ નામ વધુ વહાલા લાગે છે.
Also read: મુખ્બિરે ઈસ્લામ: જબાન સંભાલકે: દિલને તંદુરસ્ત રાખવા, જીભને અંકુશમાં રાખો
હું રાત્રે મોડો આવું. પણ એ મારા સ્કૂટરનો અવાજ સાંભળી સૂતી હોય તો ય ઊઠી જાય. અને જમવા બેસું તો જમી લીધું હોય તો ય એકાદ કોળિયો મારી સાથે ભરે. એ કોળિયો મારે કાળજે લાગતો. એને શું ગમે છે અને શું નથી ગમતું એનું આપણે કેટલું ધ્યાન રાખતા હતા? રાત્રે મોડે સુધી જાગવું પડે કે ઊંઘ પૂરી ના થાય તો પણ એનો થાક લાગતો નહોતો. કહે છે કે, સ્ત્રી મા બને પછી જ સંપૂર્ણ બને છે. મેં એ તારા મા બન્યા બાદ જોયું છે. બાપની લાગણીઓ જરા જુદી હોય છે પણ મા તો મા છે.
મા જે સંતાનોને આપી શકે છે એ બીજું કોઇ આપી શકતું નથી. તારું મા બનવું અને મારું પિતા બનવું એ આપણા જીવનની મહત્ત્વની ઘટના. એ ઘટના કોઈએ મોટી સોગાદ આપી હોય એવી છે. આજીવન એ યાદગાર જ રહે છે.
તારો બન્ની.