પુરુષ

ટીમ ઇન્ડિયાના હેડ-કોચ: દેશી કે વિદેશી?

દ્રવિડને ફરી જવાબદારી સોંપાશે? લક્ષ્મણ-ગંભીરના નામ પણ બોલાય છે, પરંતુ વિદેશીઓમાંથી પૉન્ટિંગ, ફ્લેમિંગ, લૅન્ગર સૌથી વધુ ચર્ચામાં છે

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા ૨૦૦૮ની સાલના એપ્રિલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ કરવામાં આવી એના એક જ મહિના પહેલાં સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ ગૅરી કર્સ્ટનને ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકેનો બે વર્ષનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. એ સમયગાળા દરમ્યાન ભારત ટેસ્ટમાં નંબર-વન બન્યું અને ૨૦૧૦ પછી કરાર એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો અને ૨૦૧૧માં કર્સ્ટનના કોચિંગમાં વન-ડેનો વર્લ્ડ કપ જીતી લીધો હતો.

અહીં ગૅરી કર્સ્ટનની જ વાત કરવાનું કારણ એ જ છે કે ફરી ભારતીય ટીમને વિદેશી કોચ આપવામાં આવશે એવા અહેવાલો ફેલાયા છે.

કર્સ્ટનને ત્યારે (માર્ચ ૨૦૦૮માં) ટીમ ઇન્ડિયાનું કોચિંગ મળવાની કલ્પના પણ નહોતી, પણ મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે તેમને એક ઇ-મેઈલ કરીને એમાં પૂછ્યું કે ‘તમે ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું પસંદ કરશો?’ કર્સ્ટને થોડા દિવસ તો જવાબ ન આપ્યો, કારણકે તેમને થયું કે ગાવસકર મજાક કરી રહ્યા છે.

થોડા દિવસ બાદ ગાવસકરે તેમને બીજો ઇ-મેઈલ મોકલી અને એમાં તેમને પૂછ્યું, ‘તમે ઇન્ટરવ્યૂ માટે આવી શકો?’ આવું વાંચીને કર્સ્ટનને ખાતરી થઈ અને તેઓ બીસીસીઆઇમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યા. બીસીસીઆઇની ઇમારતમાં તેમને એ સમયનો ભારતીય કૅપ્ટન અનિલ કુંબલે મળ્યો જેણે તેમને પૂછ્યું, ‘અરે, ગૅરી! તમે અહીં શું કરી રહ્યા છો?’ કર્સ્ટને જવાબમાં કહ્યું, ‘હું તમને અને તમારી ટીમને કોચિંગ આપવા વિશે તમારા ક્રિકેટ બોર્ડને ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છું.’ કર્સ્ટનનો જવાબ સાંભળીને કુંબલે હસવા લાગ્યો અને ખુદ કર્સ્ટન પણ તેની સાથે જોડાયા અને બન્ને વચ્ચે ઘણી મૈત્રીભરી વાતો થઈ.

કર્સ્ટનને એ પહેલાં કોચિંગનો અનુભવ નહોતો એટલે કુંબલેને આશ્ર્ચર્ય થયું હતું, પરંતુ કર્સ્ટનની પ્રતિભાને ધ્યાનમાં લઈને પણ કુંબલેએ તેમને હૃદયપૂર્વક શુભેચ્છા આપી હતી.

કર્સ્ટનને કોચિંગનો અનુભવ તો નહોતો જ, બીસીસીઆઇના ટોચના અધિકારીઓ સાથે શું ચર્ચા કરવી એનું બરાબર હોમવર્ક પણ કરીને પણ નહોતા આવ્યા. જોકે ઇન્ટરવ્યૂ દરમ્યાન તેમના વિચારો અને યોજનાઓથી અધિકારીઓ પ્રભાવિત થયા અને તેમને કૉન્ટ્રૅક્ટ આપવાના ગુડ ન્યૂઝ આપ્યા. બસ, ત્યારથી ભારતીય ક્રિકેટમાં ગ્રેગ ચૅપલ સાથેના કડવા અનુભવને ભૂલાવી દેવા બીજા વિદેશી કોચની નિયુક્તિ કરવામાં આવી.

હવે વાત એમ છે કે અત્યારે ભારતીય ક્રિકેટમાં નવા હેડ-કોચની નિયુક્તિ કરવાનો સમય આવી ગયો છે. રાહુલ દ્રવિડ ૨૦૨૧થી હેડ-કોચ હતો અને તેની મુદત આગામી જૂનના ટી-૨૦ વર્લ્ડ કપના અંત સુધીની જ છે, તેની નવી મુદત શરૂ કરવાની ઇચ્છા બહુ ન હોવાથી બીસીસીઆઇ નવા કોચની તલાશમાં છે. વીવીએસ લક્ષ્મણનું નામ બહુ સંભળાતું હતું, પણ હવે અહેવાલ આવ્યો છે કે તેનું નામ પણ ઓછું ચર્ચામાં છે એટલે ક્રિકેટ બોર્ડની નજર સંભવિત વિદેશી પ્રશિક્ષકો
પર છે.

રિકી પૉન્ટિંગ, સ્ટીફન ફ્લેમિંગ અને
જસ્ટિન લૅન્ગરની સાથે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ ગૌતમ ગંભીરનું નામ પણ બોલાય છે.

૨૦૧૧માં કર્સ્ટનની એક્ઝિટ બાદ ઝિમ્બાબ્વેના ડંકન ફ્લેચરને હેડ-કોચ તરીકે નીમવામાં આવ્યા હતા, પરંતુ ચાર વર્ષમાં તેમના કોચિંગથી ખાસ કંઈ ફાયદો ન થયો એટલે વચગાળાના કોચ તરીકે સંજય બાંગડની અને પછી અનિલ કુંબલેની નિયુક્તિ થઈ હતી. કુંબલે-કોહલી વચ્ચેના
ઘર્ષણના સમયકાળમાં કુંબલેએ કોચિંગની જવાબદારી છોડી અને ત્યાર બાદ ૨૦૧૭માં રવિ શાીને કોચિંગની મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી. ૨૦૨૧થી દ્રવિડનું ડ્રેસિંગ-રૂમમાં કોચ તરીકે આગમન થયું હતું.

હવે નવા હેડ-કોચની નિયુક્તિ ૧ જુલાઈ, ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૭ સુધીની હશે. જો બીસીસીઆઇનો ખરેખર વિદેશી ભૂતપૂર્વ ખેલાડીને જ કોચિંગની જવાબદારી સોંપવાનો ઇરાદો હશે તો એ માટે રિકી પૉન્ટિંગ, સ્ટીફન ફ્લેમિંગ તથા જસ્ટિન લૅન્ગર સૌથી મોટા દાવેદાર કહી શકાય.

બન્નેને આઇપીએલમાં ઘણા વર્ષો સુધી રમવા ઉપરાંત કોચિંગ આપવાનો પણ બહુ સારો અનુભવ છે. પૉન્ટિંગ અગાઉ કોચિંગની બાબતમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે સંકળાયેલો હતો અને હાલમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ કે જેણે તળિયાના સ્થાને રહ્યા બાદ સાત મૅચ જીતીને ઉપરના સ્થાને જમાવટ કરી છે અને પ્લે-ઑફ માટેની આશા વધારી છે એ ટીમનો ડિરેકટર છે.

સ્ટીફન ફ્લેમિંગ વર્ષો સુધી ચેન્નઈ સુપર
કિંગ્સને કોચિંગ આપ્યું હતું અને તેના કોચિંગમાં ચેન્નઈની ટીમે એક પછી એક ટ્રોફી પર કબજો કર્યો હતો.

જસ્ટિન લૅન્ગર પણ ભારતીય ટીમનો હેડ-કોચ બનવા માગે છે. તે શિસ્તપાલનનો આગ્રહી છે. આઇપીએલમાં તેના કોચિંગનું આ પહેલું જ વર્ષ છે. તેના કોચિંગમાં લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ આઇપીએલની વર્તમાન સીઝનમાંથી એક્ઝિટ કરવાની તૈયારીમાં છે, પણ ૧૦૫ ટેસ્ટમાં ૭,૬૯૬ રન બનાવનાર લૅન્ગરને ઑસ્ટ્રેલિયન ટીમને કોચિંગ આપવાનો ચાર વર્ષનો અનુભવ છે. યાદ રહે, ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયા લૅન્ગરના કોચિંગમાં પહેલી જ વાર ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યું હતું.

૨૦૧૧ના વર્લ્ડ કપના ટાઇટલ પછી ભારત કોઈ જ મોટી ટ્રોફી નથી જીતી શક્યું એટલે પૉન્ટિંગ કે લૅન્ગર કે ફ્લેમિંગ જેવા સફળ કૅપ્ટન-કોચને બીસીસીઆઇ જવાબદારી સોંપશે તો નવાઈ નહીં લાગે.
૧૯૭૧માં કેકી તારાપોર ભારતના પ્રથમ કોચ હતા અને ૨૦૨૪માં રાહુલ દ્રવિડ કોચ છે. ૫૩ વર્ષના આ સમયગાળામાં આંગળીને વેઢે ગણાય એટલા વિદેશી કોચ (જૉન રાઇટ, ગ્રેગ ચૅપલ, કર્સ્ટન, ફ્લેચર) ભારતને મળ્યા છે. જોઈએ હવે કોઈ પાંચમા વિદેશી ખેલાડી ટીમ ઇન્ડિયાના કોચ બને છે કે પછી ભારતના જ કોઈ સફળ ખેલાડી પર કળશ ઢોળવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button