પુરુષ

વાત બે નોખી-અનોખી નારીની

મિની સ્કર્ટ સર્જક મેરી કવાંટ અને અપરાધી લેખિકા એની પેરી

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

આજની આ ‘પુરુષ’ પૂર્તિમાં આપણે બે નારીની વાત કરવી છે. ક્યારેક અમુક નારીની વિશિષ્ઠતા માત્ર એક-બે પુરુષનું જ નહીં, સમગ્ર પુરુષજગતનું ધ્યાન દોરતું હોય છે.

આ બન્ને નારીએ લગભગ એક જ સમયગાળામાં પોતાના ક્ષેત્રમાં પોતાની કુશળતા દેખાડી – પોતાની આગવી આવડતથી ખ્યાતિ મેળવી ને બે વર્ષ પહેલાં આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી.
ઘણા ખરા લોકો એમેને જાણતા નથી અને જે એમને નામથી પણ જાણતા-ઓળખતા હતા એમણે પેલી બન્ને નારીના પ્રદાનને યાદ કરીને મનોમન વિદાય આપી છે. એ બન્નેએ પોતાના જીવનકાળ દરમિયાન એવું તો કંઈક યાદગાર કામ કર્યું હતું કે દુનિયાના ઘણાં અખબાર-ટીવી ચેનલો અને ડિજિટલ મીડિયાએ પણ એમની વિદાયની નોંધ લઈને એમની સ્મૃતિને પણ તાજી કરી હતી.

આ બે નારીમાંથી એક હતી ફેશન- ગ્લેમરની દુનિયા ગજાવનાર સેક્સી મિની સ્કર્ટની અલ્લડ ફેશન ડિઝાઈનર મેરી કવાંટ અને બીજી હતી ખુદ હત્યાની સજા ભોગવી ચૂક્યા પછી બનેલી મર્ડર – મિસ્ટ્રી કથાની મહારાણી એવી લેખિકા એની પેરી.

વાતની શરૂઆત આપણે મેરી ક્વાંટથી કરીએ.આજનું ફેશનજગત પણ મેરીને યાદ કરે છે મિની સ્કર્ટના ડિઝાઈનર તરીકે..‘મધર ઑફ મિની સ્કર્ટ’ તરીકે ઓળખાતી આ ડિઝાઈનરે શોર્ટ સ્કર્ટની સ્ટાઈલ માર્કેટમાં મૂકીને ફેશનની દુનિયામાં રીતસરનો તહેલકો મચાવી દીધો હતો.

નારીનું પ્રત્યેક અંગ લોકોની નજરથી ઢંકાયેલું રહેવું જોઈએ એવી માન્યતા-મર્યાદાના વિકટોરિયન યુગના એ જમાનાના રૂઢિચુસ્ત પુરુષો વિરુદ્ધ જાણે એ બળવો હતો. તનબદન ઢ્ંકાઈ રહે એવાં લોંગ ડ્રેસ – ગાઉન ત્યારે ફેશન ગણાતા. અરે,ત્યારે તો ગોઠણ સુધીના સ્કર્ટ પહેરવાં પણ ‘ક્રાન્તિકારી’ ગણાતા. મિની સ્કર્ટના આગમન પછી પુરુષોને ‘ખબર’ પડી કે સ્ત્રી નમણાં-નાજૂક બે સેકસી પગ પણ ધરાવે છે…!

જગતની અમુક ઘટના સાવ અનાયાસ જ થતી હોય છે.આ મિની સ્કર્ટના આગમન પાછળ પણ એક તસવીર કારણભૂત હતી. કહે છે કે ૧૯૫૦ની આસપાસ એક જર્મન ફોટોગ્રાફરે પેરિસની અવાવરુ સ્ટ્રીટમાં જેકેટ ધારણ કરેલી એક યુવતીની તસવીર ઝડપી હતી. એ અલ્લડ યુવતીએ ગોઠણથી પણ ઘણું ઊંચું સ્કર્ટ પહેર્યું હતું . એ જમાનામાં આવી કોઈ ફેશન કે ટ્રેન્ડ પણ નહોતો,પણ પેલીએ આવો ડ્રેસ એ વખતે કેમ પહેરેલો એ પણ કોઈને ખબર નહોતી. એ વખતે આજના જેવું સોશિયલ મીડિયા પણ નહોતું કે પેલી તસવીર ઝડપથી વાઈરલ થાય,છતાં અનાયાસ ઝડપાયેલી એ તસવીરે ઘણાનું ધ્યાન ખેંચ્યું હતું.

સમય જતા આ તસવીર પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ૬૦ના દાયકામાં આવનારી મિની ડ્રેસ ફેશન માટે કારણભૂત બની હતી. એ તસવીર ભલે પેરિસમાં ઝડપાયેલી, પરંતુ મિની સ્કર્ટની માસ્ટરમાઈન્ડ ‘સર્જક’ બની બ્રિટિશ ફેશન ડિઝાઈનર મેરી ક્વાંટ.

૧૯૫૫ની આસપાસ મેરીએ ૨૧ વર્ષની વયે એના અમીર પરિવારના બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર ગ્રીન સાથે લંડનમાં એક ફેશન ‘બુટિક બાઝાર’ શરૂ કર્યું. નાનપણનો એનો ફ્રેન્ડ એલેકઝાન્ડર અને મેરી એ જમાનામાં બિન્ધાસ્ત વિચારધારા ધરાવતા. શરૂઆતમાં વગર પરણે સાથે રહેતાં અને પાછળથી એકેમેક્ને પરણી ગયાં પછી એ બન્ને ફેશનના નામે અનેક ચિત્ર-વિચિત્ર પ્રયોગ કરતાં રહેતાં.

જાતભાતના કાપડ ખરીદી લાવીને એમાંથી ડ્રેસ ખુદ સીવીને તૈયાર કરતા.આ દરમિયાન, મેરીની કાતર એની ધુનકીમાં એવી ચાલી કે સ્કર્ટની લંબાઈ ઘટતી ગઈ એમાંથી સર્જાયું મિની સ્કર્ટ..
એને જોઈને પરંપરાગત ફેશનવાળા ટેલર -દરજી ચોંકી ઊઠ્યા- રૂઢિવાદી ગોરાઓએ ઊહાપોહ મચાવ્યો,પણ મેરીનાં આવાં બિન્ધાસ્ત ડિઝાઈનર્સ ડ્રેસ ત્યારની યુવા પેઢીમાં સુપરહીટ પુરવાર થયા. એમનું ‘બુટિક બાઝાર’ ફેશન સેન્ટર બની ગયું. નવી ફેશનનો ડ્રેસ માર્કેટમાં મુકાય એ પહેલાં મેરીના ‘બાઝાર’માં યોજાતી વાઈન -ચીઝ અને જાઝ મ્યુઝિકની પાર્ટીઓ ‘ટોક ઑફ ધ ટાઉન’ બની ગઈ ને જોતજોતાંમાં મેરી ક્વાંટનાં ડિઝાઈનર્સ ડ્રેસની સાથે ફેશનને લગતી અનેકવિધ ચીજ-વસ્તુઓ (accessory) ગ્લોબલ બ્રાન્ડ બની ગઈ.

સૌથી ટૂંકા સ્કર્ટ સરજીને ફેશનની વિશ્ર્વબજારનો પ્રવાહ પલટાવી ૯૩ વર્ષની લાંબી આવરદાએ મેરી ક્વાંટે બે વર્ષ પહેલાં છેલ્લાં શ્ર્વાસ લીધાં એ પહેલાં બ્રિટિશ સરકારે એની પોસ્ટલ સ્ટેમ્પ સહિત અનેક પ્રતિષ્ઠિત માન-અકરામ એને એનાયત કર્યા હતા. મજાની વાત એ છે કે મેરી કવાંટના મિની સ્કર્ટે જગતભરના આર્થિક ક્ષેત્રે અનેક ‘પરાક્રમ’ પણ કર્યા છે. ઉદાહરણ તરીકે, ‘તમને કોઈ પૂછે કે ટૂંકા સ્કર્ટને શેરબજાર સાથે શું લાગેવળગે?!’ તો તમને આ સવાલ અચરજભર્યો લાગશે, પણ કેટલાંક જ્ઞાની અર્થશાસ્ત્રીઓએ યુવતીના એ મોડર્ન ડ્રેસ અને શુષ્ક શેરમાર્કેટ વચ્ચે રંગીલો સંબંધ શોધી કાઢ્યો છે!

આજે કોરોના પહેલાં અને કોરોના દરમિયાનનો આર્થિક સિનારિયો જોયા પછી ઘણા અર્થશાસ્ત્રીઓ આજે ફ્લેશબેકમાં જઈને છેક ૧૯૨૦નો દાયકો યાદ કરે છે.

એ સમયે જાણીતા ઈકોનોમિસ્ટ જ્યોર્જ ટેલરે એક વિચિત્ર થિયરી વહેતી કરી હતી કે યુવતીના સ્કર્ટની લંબાઈ- ટૂંકાઈ પર શેરમાર્કેટની મંદી-તેજીનો આધાર હોય છે !
જ્યોર્જ ટેલરની આ ‘હેમલાઈન ઈન્ડેક્સ’ થિયરીએ ત્યારે આર્થિક જગતમાં તહેલકો મચાવી દીધો હતો.. આ ટેલર (ઉર્ફે દરજી!) સાહેબે સાવ આડેધડ કેંચી ચલાવીને સાવ ઊંધું વેંતરી નહોતું નાખ્યું. એ વખતે એમની ‘ગાંડી’ ગણાતી આ થિયરીમાં કંઈક તો શાણપણ હતું.

એમનાં સંશોધન કે નિરીક્ષણ અનુસાર હેમલાઈન એટલે સ્કર્ટની ઓટેલી કિનાર જેટલી લાંબી એટલું શેરબજાર નબળું-મંદું અને હેમલાઈન જેટલી ટૂંકી એટલી શેરમાર્કેટ તેજીમાં..!
એ અનુસાર ૧૯૨૦-૨૧માં યુવતી-મહિલાઓ લાંબાં સ્કર્ટ પહેરતી હતી ત્યારે માર્કેટમાં મંદી હતી અને પછીના ગાળામાં તેજી આવી ત્યારે યોગાનુયોગ યુવતીઓમાં ટૂંકા -શોર્ટ કે મિની સ્કર્ટની ધૂમ ફેશન ચાલતી હતી..!

બીજી તરફ, કોરોનાની મહામારીને લીધે જગતભરનું આર્થિક માળખું અસ્તવ્યસ્ત થઈને લગભગ પડી ભાંગ્યું ,છતાં બધાના આશ્ર્ચર્ય વચ્ચે શેરમાર્કેટ અડીખમ ખડું છે ત્યારે આપણને સહેજે જિજ્ઞાસા એ જાગે કે તો પછી વૈશ્ર્વિક ફેશન બજારમાં અત્યારે આ મિની સ્કર્ટના હાલચાલ શું છે ?

વેલ, લેટેસ્ટ ફેશનના સમાચાર માટે વિખ્યાત મેગેઝિન ‘વોગ’ અનુસાર વીતી ગયેલા વર્ષ-૨૦૨૩માં પણ મિની સ્કર્ટનો અગાઉ જેટલો જ દબદબો રહ્યો. એટલું જ નહીં, આગામી વર્ષોમાં તો સ્કર્ટની લંબાઈ મિડી નહીં-મિની પણ નહીં, પણ માઈક્રો સુધી ઘટી જવાના વાવડ છે!

આ ઉત્તેજક સમાચારથી ફેશન શોખીન જુવાન હૈયાંઓ તો ઝૂમી ઊઠશે અને એની સાથે શેરબજારના ખાંટી ખેલાડીઓ પણ નવા નવા ખેલ માટે ખુશી ખુશી તૈયાર થઈ જશે..

મિની સ્કર્ટની સર્જક -ડિઝાઈનર મેરી ક્વાંટ પછી હવે આપણે વાત કરીએ એવી મહિલાની,જેને એક હત્યા માટે સજા પણ થઈ હતી અને કારાવાસ ભોગવ્યા પછી એણે મર્ડર – મિસ્ટ્રી-સસ્પેન્સની કુશળ લેખિકા તરીકે અણધારી નામના પણ મેળવી હતી.

ગયા વર્ષે- ૨૦૨૩ના લોસ એન્જિલસમાં ૮૪ વર્ષની વયે જેનાં છેલ્લા શ્ર્વાસ ખૂટ્યાં એ લેખિકા એની પેરીનું આમ તો મૂળ – સાચું નામ હતું જુલિયટ હુલ્મ. એ બ્રિટનમાં જન્મેલી,પણ પોતાની એક સહેલીની માતાની હત્યાના આરોપસર સહેલી સાથે એને પણ પાંચ વર્ષની સજા થઈ હતી. હત્યા વખતે એ અને સહેલી બન્ને તરુણાવસ્થામાં હોવાથી એમણે લાંબી સજા ન ભોગવવી પડી.

કારાવાસમાંથી નીકળીને જુલિયટે થોડો સમય ઍર હોસ્ટેસની જોબ કરી એ દરમિયાન વાચવાની શોખીન જુલિયટે વાર્તાઓ લખવાની શરૂ કરી અને લેખિકા તરીકે પોતાનું ઉપનામ નામ રાખ્યું ‘એની પેરી’ . ૧૯૭૯માં પ્રગટ થયેલી એની પહેલી નવલકથા ‘કાર્ટર સ્ટ્રીટ હેંગમેન’ને જબરી સફળતા મળી. મર્ડર-સસ્પેન્સ કથાઓ પર એની અચ્છી હથોટી હતી. એનાં બે ડિટેક્ટિવ પાત્ર થોમસ પીટ અને વિલિયમ મોન્કની કથાઓ બહુ લોકપ્રિય નીવડી. આ બે મુખ્ય પાત્ર ધરાવતી એની નોવેલ્સની અઢી કરોડથી વધુ નકલ વેંચાઈ હતી.

        થોડાં વર્ષ અગાઉ લંડનના ‘ટાઈમ્સ’ દૈનિક દ્વારા આ સદીના ‘હન્ડ્રેડ માસ્ટર્સ ઑફ ક્રાઈમ્સ’ની એક યાદી પ્રગટ કરી એમાં જાસૂસ શેરલોક હોમ્સના સર્જક આર્થર ડોનલ કોયલ અને ડિટેક્ટિવ પોયરોના સર્જક આગાથા ક્રિસ્ટી જેવા મશહૂર સસ્પેન્સ - ક્રાઈમ લેખકોની હરોળમાં એની પેરીનું પણ નામ હતું ! એની પેરી લેખિકા તરીક આટલી બધી જાણીતી થઈ ગઈ,પણ ભાગ્યે જ સામાન્ય લોકો કે એના લાખો ચાહકોને જાણ હતી કે એની ઉર્ફે જ્યુલિયટે એક હત્યા માટે જેલની સજા પણ ભોગવી છે!

પાછળથી અમેરિકા વસી ગયેલી એનીની એક નવલકથા પરથી ૧૯૯૪માં એક ફિલ્મ બની રહી હતી. આ ફિલ્મ ‘હેવનલી ક્રિચર્સ’માં કેટ વિન્સેટ (‘ટાઈટેનિક’ ફેમ ) મુખ્ય ભૂમિકામાં હતી.એનું શૂટિંગ ચાલુ થયું ત્યારે બધાને જાણ થઈ કે એ ફિલ્મની કથા તો હત્યારી તરીકે સજા ભોગવી ચૂકવેલી ખુદ લેખિકા એની પેરીના બદનામ ભૂતકાળની છે.!
ક્યારેક લોકપ્રિયતા માટે એની પેરી જેવા હત્યા- રહસ્યના સર્જકે પણ પોતાના આસપાસ આવો ગેબી માહોલ ઊભો કરવો પડતો હોય છે..!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button