પુરુષ

વાત એક મનોવિકૃત વૃદ્ધની…

નીલા સંઘવી

એક વૃદ્ધશ્રમમાં ગઈ. બગીચામાંથી પસાર થઈને આવેલી વૃદ્ધાશ્રમની ઓફિસમાં મારે ત્યાંના મેનેજરને મળવાનું હતું. બગીચામાંથી પસાર થતી હતી. બાંકડા પર એક વૃદ્ધ બેઠાં હતા. એમને જોઈને મને કવિશ્રી રમેશ પારેખની પંક્તિઓ યાદ આવી :

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શું ચીજ છે?’
કવિવર રમેશ પારેખની આ પંક્તિઓમાં વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત થાય છે. જોકે, કેટલાંક વૃદ્ધો સહાનુભૂતિને પાત્ર હોતા નથી એ પણ એક હકીકત છે.

બાંકડે બેઠેલા પેલા વૃદ્ધ પણ મને કાંઈક વિચિત્ર લાગ્યા, કારણ કે એ મારી સામે એકીટશે તાકી રહ્યા. એવું લાગતું હતું કે એમની નજર શરીરના અંગેઅંગ પર ફરી રહી છે. મને એમનું આ રીતે તાકવું ગમ્યું નહીં. હું ત્યાંથી પસાર થઈને ઓફિસમાં પહોંચી. મેનેજરે મને આવકાર આપીને બેસવા કહ્યું. થોડા આડાઅવળા સવાલો પૂછ્યા પછી મેનેજરને મેં બગીચામાં બેઠેલા વૃદ્ધ વિષે પૂછ્યું અને મને એમનું વર્તન વિચિત્ર લાગ્યું તે પણ જણાવ્યું.

મેનેજરે કહ્યું: ‘બહેન, તમારી વાત સાચી છે. આ કાકાનું ચસકી ગયું છે. એમની સાઠે બુદ્ધિ નાઠી છે. એમની આ કુ-ટેવને કારણે જ આજે એ અહીં છે. અહીં વૃદ્ધાશ્રમમાં બધી જ વૃદ્ધાઓ છે, છતાં એ બધા સામે આમ જ ટીકીટીકીને જોયા કરે છે.’
‘આ કાકા વિષેની વાત જાણવામાં મને રસ છે, આપ કહેશો મને?’
‘જરૂર, આપને માંડીને વાત કરું.’

એ પછી મેનેજર ભાઈએ વાત શરૂ કરી:
છ એક મહિના પહેલાં આ કાકા જેમનું નામ સુરેશભાઈ છે એમને લઈને એમનો દીકરો આવેલો. દીકરાના કહેવા પ્રમાણે કાકાની આ ઉંમરે ના છાજે એવી હરકતોથી પરિવાર કંટાળી ગયો છે. સુરેશભાઈના પત્ની ત્રણ વર્ષ પહેલાં સ્વર્ગસ્થ થયા પછી સુરેશભાઈની ડાગળી જાણે ચસકી ગઈ. સૌ પ્રથમ પાડોશી નીરુબહેને ફરિયાદ કરી: ‘તમારાં પપ્પાને સીધાં રહેવાનું કહેજો, નહીંતર બે લાફા ચોડી દઈશ પછી મને કહેતા નહીં કે મારા પપ્પા સાથે આવું કેમ કર્યું?’ સુરેશભાઈના દીકરાએ આવી રીતે વાત કહેવાનું શરૂ કર્યું: નીરુ બહેનની વાત સાંભળીને હું તો ડઘાઈ જ ગયો. પપ્પાએ એવું શું કર્યું કે નીરુબહેન લાફા મારવાની વાત કરે છે? એટલે મેં પૂછ્યું: નીરુબહેન, શાંત થાવ એવું શું થઈ ગયું?

‘શું થઈ ગયું ? આ તારા બાપની સાઠે બુદ્ધિ નાઠી છે. ગઈ કાલે તારા પપ્પા સુરેશભાઈ સોસાયટીના ગાર્ડનના બાંકડા પર બેઠાં હતા. હું વોક કરતી હતી. એમણે મને બોલાવીને બાંકડા પર બેસવા કહ્યું. આપણે તો વર્ષો જૂના પાડોશી અને તારી મમ્મી મારી બહેનપણી હતી તેથી સુરેશભાઈએ મને બાંકડા પર બેસવા કહ્યું તેમાં મને કાંઈ અજુગતું ન લાગ્યું. હું જઈને બાંકડા પર તારા પપ્પાની બાજુમાં બેસી ગઈ. મને એમ કે એ કાંઈ વાત કરવા માગે છે અને ખરેખર એમણે વાત શરૂ કરી કે શારદા વગર મને ક્યાંય ગમતું નથી, ચેન પડતું નથી…

મેં પણ સહાનુભૂતિ દર્શાવી. અમે વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી તારા પપ્પા ખસતા ખસતા મારી બહુ નજીક આવી ગયા ત્યારે મને ઠીક ન લાગ્યું, પણ થયું કે બિચારા બહુ દુ:ખી છે. અચાનક એમણે મારો હાથ પકડી લીધો ત્યારે હું ભડકીને ઊભી થઈ ગઈ અને તારા પપ્પા પર બહુજ ગુસ્સો કર્યો. મારવા માટે હાથ પણ ઊંચો કર્યો, પણ પછી અટકી ગઈ . આજે તને વાત કરી છે, પણ જો હવે કદી મારી સામે આંખ ઊંચી કરીને પણ જોશે તો માર્યા વિના નહીં મુકૂં કહી દેજે તારા બાપને…!

હું તો નીરુબહેનની વાત સાંભળીને ડઘાઈ ગયો. કંઈ બોલી જ ન શક્યો પોતાના બાપ વિષે આવી વાત સાંભળીને દીકરો શું બોલે? મારી પત્નીને પણ મેં આ વાત ન કરી. પિતાની છબી ખરડાઈ જશે એ ડરથી. એ પછી એકવાર અમારે ઘેર મારી સાળી થોડા દિવસ માટે રોકાવા આવી હતી. મારી સાળી પપ્પાનું બહુ ધ્યાન રાખે એમની સાથે વાતો કરે. બહેનના ઉંમરલાયક સસરાને એ ઘણું માન આપતી હતી.

એક દિવસ મારી સાળી પપ્પા સાથે વાતો કરતી બેઠી હતી. વાત કરતાં કરતાં પપ્પાએ એના માથા પર ટપલી મારી. એ તો ઠીક, કોઈ પણ વડીલ માથા પર ટપલી મારે તો કાંઈ ખરાબ ન લાગે. એ પછી વાતો વાતોમાં પપ્પાએ એના ગાલે ટપલી મારી. એમાં પણ મારી સાળીને કાંઈ અજુગતુ ન લાગ્યું. એ બંને બાજુબાજુમાં જ બેઠાં હતા અને વાતો કરતા હતા, પણ વાતો દરમિયાન ધીરેધીરે પપ્પા મારી સાળીની સાવ નજીક આવી ગયા અને એની કમ્મર ફરતે હાથ વીંટાળી દીધો…! પપ્પાની આ હરકતથી મારી સાળી ચોંકીને ઊભી થઈ ગઈ :

‘આ શું કરો છો, અંકલ?’
‘કેમ ન ગમ્યું? પપ્પાએ નિર્લજ્જતાથી પૂછ્યું.
મારી સાળી રડતી રડતી મારી પત્ની રસોડામાં કામ કરતી હતી ત્યાં ગઈ અને રડતાં રડતાં એણે પોતાની બહેનને બધી વાત કરી એટલે મારી પત્નીએ ગુસ્સામાં મને ફોન કર્યો. મને તાત્કાલિક ઘરે બોલાવ્યો… હું ગભરાઈને ઘરે ભાગ્યો. જેવો ઘરે ગયો કે પત્નીએ ગુસ્સામાં બધી વાત કરી. મારી સાળી હજુ રડી રહી હતી. એ બોલી : ‘અંકલને તો હું મારા પપ્પા માનું છું. એ ઊઠાને આવું કરે એ તો સ્વપ્નેય વિચાર્યું ન હતું.’
મેં પપ્પાને પૂછ્યું: ‘પપ્પા, આ બધું શું છે?’

‘અરે, મેં પણ દીકરી સમજીને જ એને વહાલ કર્યું હતું.’ પપ્પાએ જરાય વિચલિત થયા વિના કહ્યું. મને પણ હવે બહુ ગુસ્સો આવ્યો હતો એટલે મેં ગુસ્સામાં કહ્યું કે આની પહેલાં નીરુમાસીએ પણ તમારી ફરિયાદ કરી હતી, પણ હું કાંઈ બોલ્યો નહીં. હવે જો આવું કાંઈ કર્યું છે તો તમારી ખેર નથી…એ બનાવ પછી પત્નીએ તો પપ્પા સાથે બોલવાનું બંધ જ કરી દીધું હતું. પોતાની ફરજના ભાગરૂપે એ એમને જમવાનું આપી દેતી હતી.

પણ પછી તો અડોસ-પડોસ અને સગાં-સંબંધીઓ તરફથી પપ્પા માટે ફરિયાદો આવવા માંડી પપ્પાની આ કુટેવ વિશે લોકો વાતો પણ કરવા લાગ્યા એટલે મારી પત્ની વિફરી: ‘હવે, પપ્પા આ ઘરમાં ન જોઈએ. ઘરમાં હું આખો દિવસ એકલી હોઉં છું. આપણી દીકરી પણ મોટી થવા માંડી છે. પપ્પાનો વિશ્વાસ ન કરાય. એમને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. પરિવારજનોના વિરોધને કારણે અને પપ્પાની આવી કુટેવને કારણે હું એમને અહીં લઈ આવ્યો છું….’

સુરેશભાઈના દીકરાએ કહેલી વાત મેનેજરે મને જણાવી એટલે મેં પૂછ્યું: ‘પણ સુરેશભાઈની આ કુટેવ અને સ્ત્રીઓના શરીર સામે આ રીતે જોવાની એમની નજરને કારણે તમારે ત્યાં રહેતી સ્ત્રીઓને પણ તકલીફ થાય ને?’
‘હા, પણ અમે સુરેશભાઈને સખત શબ્દોમાં તાકીદ કરી છે કે જો કોઈ પણ ગેરહરકત કરી છે તો એ ઘડીએ જ તેમને અહીંથી હાંકી કાઢીશું એટલે હવે એ સ્ત્રીઓની સામે જોયા કરે છે- તાક્યા જ કરે છે, પણ કોઈ સાથે વાત કરતા નથી કે કોઈને હાથ અડાડતા નથી…’ મેનેજરે કહ્યું.

Also Read – દીકરીનું આગમન… સહજીવનનાં શુકન

‘એ પણ સારું ન કહેવાય.’ મેં કહ્યું.
‘બહેન, આપની વાત ખરી છે, પણ જ્યાં સુધી કોઈ ગેરહરકત કરતા નથી ત્યાં સુધી અમે એમને ચલાવી રહ્યા છીએ. અહીંની બહેનો પણ એમનો સ્વભાવ જાણે છે એટલે કોઈ એમની સામે જોતું નથી કે વાત પણ કરતું નથી. એકલા બાંકડા પર બેઠાં રહે છે. માનસિક પ્રોબ્લેમ છે શું કરી શકાય? અહીં આવતા મનોચિકિત્સક એમની સારવાર કરી રહ્યા છે. શું કરીએ અમે પણ એમને કાઢી મૂકીએ તો ક્યાં જાય? અહીં અમારા ડરથી સીધાં રહે છે. ઘરમાં તો કોઈનું માને એમ નથી…’

ઢળતી ઉમરે આવા એક મનોવિકૃત વડીલની આવી વાત સાંભળીને મને ચકિત થવા સાથે દુ:ખ પણ થયું,પણ એમનું હવે શું થઈ શકે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button