પુરુષ
મુખ્બિરે ઈસ્લામ: અલ્લાહનો સંદેશ સુરહ ફાતિહાની સાત આયતોમાં

-અનવર વલિયાણી
પવિત્ર કુરાનમાં માત્ર મુસલમાનોને જ સંબોધ્યા છે એવું નથી. કોઈ પણ રાષ્ટ્ર અને પ્રજાના ભેદભાવ વગર તેમજ સ્થળ અને સમયની સીમાઓથી પર સમગ્ર વિશ્ર્વના લોકો માટે એક માર્ગદર્શક બનીને એક એવો પયગામ – સંદેશ તેમાં બક્ષવામાં આવ્યો છે જે સર્વ સામાન્ય છે.
- ‘સુરહ ફાતિહા’ હઝરત મુહમ્મદ સાહેબની પયગંબરીના પ્રાથમિક કાળમાં ઊતરી હતી. આની સાત આયતો (કથનો; વાક્યો) છે. ‘સુરહ’ એટલે પ્રકરણ.
- આ સુરહનું સ્થાન કુરાનની પ્રસ્તાવના સમાન છે, તેથી જ આનું નામ ‘સુરહ’ રાખવામાં આવ્યું છે એટલે કે સાત પ્રકરણો.
- આ પ્રકરણોમાં આપેલી હિદાયત અર્થાત્ ધર્મજ્ઞાનની વિશેષતા એ છે કે અત્યંત તે સંક્ષિપ્ત – મુદ્દાસર, ટુંકમાં હોવા છતાં આમાં આખા; સંપૂર્ણ કુરાનનો સારાંશ સમાયેલો છે અને એટલે જ તે ‘કુરાનનું મૂળ’ હાર્દ કહેવાય છે.
- આ સુરહ પ્રાર્થનાની શૈલીમાં છે.
- એવી જ પ્રાર્થના જે એક નિર્મળ પ્રકૃતિના માનવીના અંતરના અવાજને હૃદયની ઊંડાણમાંથી ઉદ્ભવેલ પ્રશંસાનું ગીત છે.
- વિદિત હશે કે પવિત્ર કુરાન આજથી 1400/1500 વર્ષો પૂર્વે અરબસ્તાનમાં અરબી પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ પર અરબી ભાષામાં ઈલાહી, અર્થાત્ આકાશવાણી દ્વારા નાઝિલ થયું, ઉતર્યું હતું.
- દુનિયામાં લખાતી – બોલાતી એવી કોઈ ભાષા નહીં હોય જેમાં તેનો અનુવાદ થયો નહીં હોય.
- સુરહ ફાતિહાની અનુક્રમે આ સાત આયતોનું ગુજરાતીમાં ભાવાનુવાદ આ મુજબ છે:
- ‘અલ્લાહ અત્યંત રહમાન (દયાળુ) અને અનહદ રહીમ (કૃપાળુ)ના નામથી શરૂ કરું છું: 1 થી 7 સુરહની આયત આ પ્રમાણે છે:
- પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો રબ (સ્વામી) છે.
- અત્યંત રહમાન (દયાળુ) અને અનહદ રહીમ (કૃપાળુ) છે.
- માલિકે યવ્મે દિન (ન્યાયના દિવસનો માલિક) છે.
- અમે તારી જ ઈબાદત (ઉપાસના) કરીએ છીએ અને તારી જ સહાય માગીએ છીએ.
- સીધા માર્ગ તરફ અમારી દોરવણી કર.
- તે લોકોનો માર્ગ જેમને તે ઈમાન (ઈશ્ર્વર – અલ્લાહ પ્રત્યેની શ્રદ્ધા)થી ધન્ય કર્યાં, અને જેઓ ન તો તારા ક્રોધનો ભાગ બન્યા કે ન પદભ્રષ્ટ થયા.
- કોઈપણ સારું (શુભ) કાર્ય શરૂ કરતી વખતે આનાથી વધુ યોગ્ય અને સુંદર શબ્દોની અને હૃદયના ઊંડાણમાંથી આવતી; ઉદ્ભવતી અવાજની કલ્પના પણ શકય નથી અને એથી જ દરેક સારા કાર્યની આરંભે તે એટલે સુધી કે, ખાવા પીવાની શરૂઆત પણ આ શબ્દો ‘બિસ્મિલ્લાહહિ ર્રહમાન રહીમ’ જે બેહદ દયાળુ અને અનહદ કૃપાળુ છે…થી કરવી ઈસ્લામી સંસ્કૃતિનું લક્ષણ છે.
- કૃતજ્ઞતા અલ્લાહ માટે જ છેનો અર્થ છે કે ઈન્સાનને જે અસંખ્ય ભેટ અને દાન અર્પણ થયા છે તે ફક્ત અને ફક્ત અલ્લાહનો ઉપકાર છે, જેમ કે જીવન સમાન મહાન ભેટ ખાધપાનની ઉચ્ચ અભિરૂચિને અનુરૂપ ખાધ સામગ્ર નયનરમ્ય સંતા બુદ્ધિ ને જ્ઞાનની સંપત્તિ અને બીજ પ્રગટ ને અપ્રગટ ભેટો…
- એ તમામ બાબતો જે ઈન્સાનને આદાન-પ્રદાન કરી જીવનને ખુશહાલી – હર્યુંભર્યું બનાવવા અર્પણ કરી છે તે માટે આભાર ફકત તેનો માનવો જોઈએ.
- તેના જ કૃતજ્ઞદાસ થઈ જીવન પસાર કરવું માનવી માટે યાગ્ય ગણાય આભારની આ લાગણી ઈસ્લામના પાયાની ઈંટ છે.
- કલામે પાક (અલ્લાહની વાણી) કુરાનમાં ઠેકઠેકાણ અલ્લાહના સર્વોચ્ચ અધિકાર, ન્યાય ને જ્ઞાનનાં લક્ષણો મારફત, ન્યાયના દિવસની અનિવાર્યતા સિદ્ધ કરી છે.
- જેનું તાત્પર્ય એ છે કે જ્યારે અલ્લાહે સર્જેલ નિર્વાહ અને આશીર્વાદોની વિવિધ સામગ્રી દૃષ્ટિ સમક્ષ ચોખ્ખી રીતે ઈન્સાન જુએ છે તો તેનું અંતર પોકારે છે કે, ઈનામ અને શિક્ષાનો એક દિવસ ચોક્કસ હોવો જ જોઈએ જેથી સત્યપંથીઓને પૂરેપૂરું ઈનામ અને દુરાચારીઓને ન્યાયસર સજા મળી શકે.
- કુરાન કહે છે કે, જેણે તમારા માટે ધરતીની જાજમ પાથરી, આકાશ જેવી સુરક્ષિત છત બનાવી, પ્રકાશ આપવા સૂર્ય અને ચંદ્ર ચમકાવ્યા.
- તમારી સૌંદર્ય લાગણીને સંતોષવા મનમોહક તારાઓની ઝબૂકતી આકાશગંગાઓ શણગારી, પવનને તમારી ચાકર બનાવી, વર્ષા મારફત પાણીની હેરતભરી ગોઠવણ કરી, વનસ્પતિ ને અનાજ પેદા કરી તમારા ખાનપાનનો બંદોબસ્ત કર્યો, પ્રાણીઓને તમારે તાબે કર્યા, તમારા પહેરવેશ તેમ જ શોભા માટે પોશાક મેળવી આપ્યા… વગેરે વગેરે. અર્થાત્ જીવનને ખુશહાલ જેવું બનાવ્યું.
- પ્રસ્તુત લેખના વિષયનો સારાંશ એટલો જ છે કે, જેણે આ સૃષ્ટિનો શણગાર કરી આપણે માનવો પર ઉપકારોની વર્ષા કરી છે તેના વિષે તમે ધારો છો કે આ ધમધમતું કારખાનું રમતગમત ખાતર ઊભું કર્યું છે? અને કોઈ વિશેષ લક્ષ્ય એની પાછળ નથી?શું આનો હિસાબ તમારે આપવો નહીં પડે?
પરમ સત્ય:
- કર્તવ્યની ભાવના જ પરલોક વિશે શ્રદ્ધાથી
- વ્યક્તિ, * ખુદા અને * લોકોના ઋણ ચુકવવા પ્રેરાય છે. * પરિણામે વ્યક્તિ જવાબદારીભર્યું જીવન વિતાવવા માંડે છે. * જાણે કે આખેરત (પરલોક – મૃત્યુલોકના અમર જીવન)માં માન્યતાઓના આશીર્વાદ અને કલ્યાણ આ લોકમાં જ પ્રગટવા શરૂ થઈ જાય છે.
- હા, શરત માત્ર એટલી જ કે જાણી-વિચારીને આ પરમ સત્યનો સ્વીકાર કરવો જોઈએ.
સાપ્તાહિક સંદેશ:
- તકલીફથી વધીને અનુભવ શીખવવાવાળી શાળા આજ દિવસ સુધી નથી ખૂલી.
- પ્રેમચંદ