
-ટીના દોશી
બુન્દેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થી
ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી
અંગ્રેજો વિરુદ્ધ લડીને શહીદી વહોરનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પરાક્રમ અને સાહસનું વર્ણન કરતું અને એને ઘેર ઘેર ગુંજતું કરનાર આ વીરકાવ્ય કોણે રચ્યું છે, એ જાણો છો ?
એનું નામ સુભદ્રાકુમારી ચૌહાણ… સ્વતંત્રતા સેનાની અને અસહયોગ આંદોલનમાં અને ઝંડા સત્યાગ્રહમાં ધરપકડ વહોરનાર નાગપુરની પહેલી મહિલા સત્યાગ્રહી. જોકે સુભદ્રાકુમારીને પ્રસિદ્ધિ મળી ‘ઝાંસીની રાણી’ રચનાથી. રાણી લક્ષ્મીબાઈની પરાક્રમગાથાને આલ્હા કે પવાડારૂપે ગૂંથીને સુભદ્રાએ એને ઘેર ઘેર પહોંચાડી. આલ્હા અને પવાડા એટલે વીરોની ગાથા, યશગાન કે કીર્તિકથા… ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અંગેના યશગાને સુભદ્રાકુમારીને પણ એટલો જ યશ અપાવ્યો છે ! ભારત સરકારે 6 ઓગસ્ટ 1976ના પચીસ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડીને સુભદ્રાકુમારીની સ્મૃતિને ચિરંજીવી બનાવી છે !
આ સુભદ્રાકુમારી ચૌહાણનો જન્મ ઉત્તર પ્રદેશના અલાહાબાદ સ્થિત નિહાલપુર ગામમાં થયેલો. માતા ધીરજકુંવરી. પિતા ઠાકુર રામનાથસિંહ. જુનવાણી સમાજ હોવા છતાં સુભદ્રાને ભણવાનો મોકો મળેલો. જોકે નિહાલપુરથી ક્રાસ્થવેટ શાળા સુધીનો રસ્તો લાંબો હોવાથી પરદા લાગેલા એક્કામાં બેસીને ભણવા જવું પડતું. એ સમયની રૂઢિચુસ્ત સામાજિક પરિસ્થિતિને કારણે રસ્તામાં કોઈ એક્કાનો પરદો ખેંચી ન કાઢે એ માટે સુભદ્રાના ભાઈ રજજુભૈયા સાઈકલ પર એક્કાની સાથે જતા અને શાળા છૂટવાના સમયે પણ એ જ રીતે લેવા જતા. સુભદ્રાને નાનપણથી જ કવિતામાં રસ પડતો. એ કાવ્ય રચતી. 1913માં નવ વર્ષની ઉંમરે લીમડાના વૃક્ષ અંગે ‘નીમ’ શીર્ષક સાથે એણે લખેલી કવિતા ‘મર્યાદા’ પત્રિકામાં પ્રકાશિત થયેલી.
પંદર વર્ષની ઉંમરે, 1919માં સુભદ્રાનાં લગ્ન ખંડવાના ઠાકુર લક્ષ્મણસિંહ સાથે થયાં. લક્ષ્મણસિંહ એમ.એ. કર્યા પછી કાનૂનનો અભ્યાસ આગળ વધારવા ઉત્સુક હતા. માધ્યમિક શિક્ષણ પૂરું વિદ્યાલય સુધીનું ભણેલી સુભદ્રા પણ આગળ ભણવા માગતી હતી, પણ ગાંધીજીએ વિદ્યાર્થીઓને દેશ માટે કામ કરવાનું આવાહન કરેલું. દેશપ્રેમી દંપતીએ ભણવાનું છોડીને આઝાદી આંદોલનમાં ઝુકાવ્યું. રાષ્ટ્રીય વિચારોના પ્રચારપ્રસાર માટે મધ્ય પ્રદેશના જબલપુરમાં 1920માં ‘કર્મવીર’ પ્રકાશનનો પ્રારંભ થયો. લક્ષ્મણસિંહ આ પત્રિકાના સાહિત્ય સંપાદક થયા. સુભદ્રા અને લક્ષ્મણસિંહ જબલપુર જઈ વસ્યાં. દરમિયાન, સુભદ્રાની કવિતાઓ પત્રિકાઓમાં પ્રકાશિત થયા કરતી. તેનાં કાવ્યોમાં પરાધીન ભારતમાતાને ગુલામીમાંથી આઝાદ કરવાનો સૂર ઊઠતો.
અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આક્રોશનો સ્વર બુલંદ થતો. સુભદ્રાની રચનાઓમાંથી દેશપ્રેમનો સાદ સંભળાતો અને અંગ્રેજો સામે રોષ વ્યક્ત થતો.
જલિયાંવાલા બાગ હત્યાકાંડના એક વર્ષ પછી, 1920માં લોકમાન્ય બાલ ગંગાધર તિલકનું અવસાન થયું. એમની સ્મૃતિમાં તિલક સ્વરાજ્ય ફંડ માટે એક લાખ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય હતું. જોકે માત્ર લાખ રૂપિયા ભેગા કરવાનો ઉદ્દેશ નહોતો. એ તો શેઠ અને શાહુકારો પાસેથી બે દિવસમાં ઉઘરાવી લેવાય. એક-એક, બે-બે પૈસા ઉઘરાવીને ફંડફાળો એકત્ર કરવાનું મૂળ કારણ એ હતું કે વધુમાં વધુ લોકો સુધી પહોંચીને કૉંગ્રેસનો પ્રચાર કરી શકાય. સુભદ્રા પોતાની ચારપાંચ સહકર્મી સાથે ઘેર ઘેર ફરીને ફાળો ઉઘરાવતી. સુભદ્રા પરાધીનતામાંથી મુક્તિ, સ્વદેશીનો પ્રચાર, અસહયોગ અને અહિંસાના સંદેશ સાથે નીકળી પડેલી. એણે ઘેર ઘેર ફરીને એક-એક બે-બે પૈસા ઉઘરાવીને ફાળો એકત્ર કર્યો.
દરમિયાન, 1921માં લક્ષ્મણસિંહ અને સુભદ્રા અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગયાં. ગાંધીજી અને કસ્તૂરબાને મળ્યાં. સુભદ્રા શૃંગારની શોખીન હોવા છતાં સાજશણગાર કર્યા વિના જ ગયેલી. સફેદ, કિનારી વગરની સાડી પહેરેલી સુભદ્રા પતિ સાથે જોઈને કસ્તૂરબાએ કહ્યું, ‘તું પરણેલી છો તો આવો વેશ કેમ બનાવ્યો છે ? ચૂડી પહેરીને, સિંદૂર લગાવીને અને કિનારીવાળી સાડી પહેરીને મળવા આવજે…’ જોકે હળવીફૂલ વાતો પછી ગાંધીજીથી પ્રભાવિત થયેલાં પતિપત્નીના મનમાં ખરલમાં પીસાતા સુખડની પેઠે દેશપ્રેમ વધુ ને વધુ ઘૂંટાયો. એનાં દેશપ્રેમનાં કાવ્યોમાં પણ એવો જ નિખાર આવ્યો.
સુભદ્રાનો દેશપ્રેમ માત્ર લેખની પૂરતો સીમિત નહોતો. એ પોતે આઝાદી આંદોલનમાં આગળ પડતો ભાગ લેતી. જબલપુર મહાપાલિકામાં વર્ષ 1923માં કૉંગ્રેસની બહુમતી થયેલી. એ સમયે કોઈ પણ સાર્વજનિક સ્થાન પર ત્રિરંગો ફરકાવવા પર પ્રતિબંધ હતો. પરંતુ બહુમતી મળવાથી કૉંગ્રેસીઓ જબલપુર મહાપાલિકા ભવન પર ત્રિરંગો ફરકાવવા માગતા હતા. મહાપાલિકા સમિતિએ હકીમ અજમલ ખાનના હાથે ભવન પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અંગ્રેજ અમલદારે તરત જ ધ્વજ ઉતારી લીધો. કોઈ કર્મચારીએ વધુ પડતા ઉત્સાહમાં ધ્વજને પગતળે કચડ્યો.
રાષ્ટ્રીય ધ્વજનું અપમાન દેશનું અપમાન હતું અને તેનો તત્કાળ પ્રતિકાર કરવો અનિવાર્ય બની ગયું. આંદોલનના નેતા પંડિત સુંદરલાલે લક્ષ્મણસિંહ ઠાકુરને કહ્યું હમણાં જ સુભદ્રાને બોલાવો. સુભદ્રા ત્વરાથી હાજર થઈ. પંડિત સુંદરલાલે સુભદ્રા સહિત દસ માણસોની એક સત્યાગ્રહ સમિતિ રચી. આ સમિતિ ત્રિરંગો લઈને કેન્ટોન્મેન્ટ તરફ આગળ વધી. જોકે સત્યાગ્રહીઓ કેન્ટોન્મેન્ટમાં પ્રવેશે એ પહેલાં અંગ્રેજ પોલીસે એમની ધરપકડ કરી. પંડિત સુંદરલાલને છ મહિનાની સજા કરાઈ. અન્ય તમામ સત્યાગ્રહીઓને એક રાત પોલીસની કેદમાં રાખ્યાં પછી બીજે દિવસે છોડી મુકાયા. દેશનો પહેલો ઝંડા સત્યાગ્રહ અને સુભદ્રાને કેદનો એ પહેલો અનુભવ !
એ પછી નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ધરપકડ વહોરનાર પહેલી મહિલા સુભદ્રા બની. ત્યાર બાદ 1942ના ભારત છોડો આંદોલનમાં લક્ષ્મણસિંહ અને સુભદ્રા, બન્નેને જેલવાસ થયેલો. જેલમાં સુભદ્રાનું સ્વાસ્થ્ય કથળ્યું. બીમારીને પગલે સુભદ્રાને જેલમુક્ત કરવામાં આવી. એ જેલમાંથી તો છૂટી, પણ નાદુરસ્તીની બીજી કેદમાં સપડાઈ. દિવસે દિવસે બગડતી તબિયત વચ્ચે સુભદ્રા કામ કરતી રહી. રાજ્ય વિધાનસભાની સભ્ય તરીકે કામ કર્યું. 15 ફેબ્રુઆરી 1948ના એક માર્ગ અકસ્માતમાં સુભદ્રાનું અકાળે અવસાન થયું.
સુભદ્રાનો દેહવિલય થયો, પણ એણે રચેલું રાણી લક્ષ્મીબાઈ અંગેનું વીરકાવ્ય ભારતના કણ કણમાં ગુંજતું રહેશે: ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી…!
આપણ વાંચો : ભારતની વીરાંગનાઓ: હાથશાળની મા: કમલાદેવી ચટ્ટોપાધ્યાય