પુરુષ

સ્ટીવ બકનર: નિવૃત્તિના પંદર વર્ષ પછી પણ અમ્પાયરિંગમાં અસરદાર

જમૈકાના આ અમ્પાયર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર થયા પછી ૭૮ વર્ષની ઉંમરે પણ અમેરિકામાં પહેલાંની જેમ જ અમ્પાયરિંગમાં સક્રિય છે

સ્પોર્ટ્સમેન -યશ ચોટાઈ

અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની રમત નવી કહેવાય, પરંતુ આ દેશના મેદાનો પર ક્રિકેટજગતના સૌથી જૂના અમ્પાયરોમાં કહી શકાય એમાંના એક સ્ટીવ બકનર અમ્પાયરિંગ કરી રહ્યા છે એ અમેરિકા માટે મોટું ગૌરવ કહેવાય. અમ્પાયર તરીકેની ૨૦ વર્ષની કરીઅરમાં અનેક મહત્ત્વના નિર્ણયો આપવા માટે જાણીતા બકનરની કારકિર્દી વિવાદાસ્પદ નિર્ણયોથી પણ ભરપૂર ચર્ચાસ્પદ રહી હતી, પરંતુ ૭૮ વર્ષની ઉંમરે યુવાન અમ્પાયરોની જેમ કલાકો સુધી મેદાન પર ઊભા રહીને સક્રિય અમ્પાયરિંગ કરવું એ કોઈ સામાન્ય વાત ન કહેવાય.

વૅન કૉર્ટલૅન્ડ પાર્ક ન્યૂ યૉર્કનું ત્રીજા નંબરનું સૌથી મોટું પાર્ક છે. ખાસ કરીને ઉનાળા દરમ્યાન લગભગ દરેક વીકએન્ડમાં ૧૧૦૦ એકર જમીન પરના આ પાર્કના મેદાન પર ક્રિકેટની મૅચો ભરપૂર રમાય છે. અનેક લોકો પરિવાર સાથે અહીં પિકનિક માણવા આવતા હોય છે, પણ જો એમાંના કોઈને ક્રિકેટનું મેદાન ક્યાં છે? એવું પૂછવામાં આવે તો ફટ દઈને જવાબ મળી જાય કે ‘પેલી તરફ.’ કહેવાનો ભાવાર્થ એ છે કે ન્યૂ યૉર્કમાં કમસે કમ આ વિસ્તારમાં ક્રિકેટની રમતથી કોઈ પણ વ્યક્તિ અજાણ નથી. આ પાર્કમાં વીકએન્ડ દરમ્યાન વિવિધ મૅટિંગ પિચ પર એકસાથે આઠ ક્રિકેટ મૅચ રમાતી હોય છે. અહીં એટલા બધા ખેલાડીઓ રમવા આવે છે અને એટલી બધી ટીમો રમતી હોય છે કે એક મૅચ પૂરી થાય કે એ મૅટિંગ પિચ પર તરત જ બીજી મૅચ શરૂ થઈ જતી હોય છે. આઠમાંથી છ પિચ કૅરિબિયન ક્રિકેટ સમુદાયની છે, જ્યારે બાકીની બે પિચ પર ખાસ કરીને ભારતીય, બંગલાદેશી અને પાકિસ્તાની મૂળના ખેલાડીઓ રમતા હોય છે.

આટલી બધી મૅચો રમાતી હોય અને સૌથી અનુભવી અમ્પાયરમાં ફરી અમ્પાયરિંગ કરવાની ઇચ્છા ન જાગે એવું બને! હા, આપણે પાંચ મેન્સ વર્લ્ડ કપમાં તેમ જ કુલ મળીને ૧૨૮ ટેસ્ટમાં તથા ૧૮૨ વન-ડેમાંં અમ્પાયરિંગ કરી ચૂકેલા બકનરની આપણે વાત કરી રહ્યા છીએ. તેઓ હજી પણ ન્યૂ યૉર્કમાં પહેલાની જેમ અમ્પાયર તરીકે સક્રિય છે.

બકનરનું બૅકગ્રાઉન્ડ ટૂંકમાં જાણી લઈએ…ગણિતના ભૂતપૂર્વ શિક્ષક, ભૂતપૂર્વ ફૂટબૉલ ગોલકીપર, ૧૦૦મી ટેસ્ટમાં અમ્પાયરિંગ કરનાર વિશ્ર્વના પ્રથમ અમ્પાયર અને દરેક ટેસ્ટ-પ્લેઇંગ દેશ માટે ઓછામાં ઓછા એક વાર ટેસ્ટમાં અમ્પાયરિંગ કરનાર અમ્પાયર.

ઘણી વાર ભારતીય ખેલાડીઓ સામેની અને જેમાં ખાસ કરીને સચિન તેન્ડુલકરને લગતી અપીલમાં (ભારતની વિરુદ્ધમાં) વિવાદાસ્પદ નિર્ણય આપી ચૂકેલા ૭૮ વર્ષના બકનર ન્યૂ યૉર્કની મૅચો દરમ્યાન સચોટ નિર્ણય આપવા માટે જાણીતા છે જ, યુવા અમ્પાયર્સ માટે તેઓ માર્ગદર્શક અને પ્રેરણામૂર્તિ પણ છે.

જમૈકાના સ્ટીવ બકનરની વીસ વર્ષની કરીઅરની શરૂઆત અને અંત વિચિત્ર રહ્યા હતા. સૌથી પહેલાં તેમણે ૧૯૮૯માં ટેસ્ટમાં અને વન-ડે મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું. યોગાનુયોગ, તેમની એ બન્ને મૅચમાં વેસ્ટ ઇન્ડિઝે વિજય જોયો હતો, પરંતુ ૨૦૦૯માં બકનરે જે છેલ્લી ટેસ્ટમાં અને અંતિમ વન-ડેમાં અમ્પાયરિંગ કર્યું એમાં કૅરિબિયન ટીમનો પરાજય થયો હતો. જોકે કેપ ટાઉનમાં કરીઅરની છેલ્લી ટેસ્ટમાં તેમણે શાનદાર કારકિર્દી બદલ ઈશ્ર્વરનો આભાર માન્યો હતો.

૨૦૦૯માં ઇન્ટરનૅશનલ અમ્પાયરિંગ છોડ્યા પછી આઠેક વર્ષ તેઓ જમૈકા ટાપુ પર મૉન્ટેગો બે નામના વતનમાં રહ્યા હતા. તમે નહીં માનો, પણ એ આઠ વર્ષ દરમ્યાન તેમણે ટીનેજર્સને ફૂટબૉલનું કોચિંગ આપ્યું હતું, ૬૫ વર્ષથી મોટી ઉંમરના રનર્સમાં નવો નૅશનલ રેકૉર્ડ નોંધાવ્યો હતો. તેમણે એક ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ૨૦૦ મીટરની દોડ લગભગ ૨૯ સેક્ધડમાં પૂરી કરી હતી. ૨૦૦ મીટરમાં ૨૪.૬૫ સેક્ધડનો વર્લ્ડ રેકૉર્ડ છે એટલે આ ઉંમરે પણ બકનરની ક્ષમતાનો અંદાજ આવી શકે છે. એ દોડમાં ભાગ લીધા પછી તેઓ રનિંગમાંથી પણ રિટાયર થઈ ગયા હતા અને ત્યાર બાદ તેમના પરિવારજનોએ તેમને અમેરિકા જઈને સ્થાયી થઈ જવા કહ્યું હતું.

બકનર અમેરિકામાં સ્થાયી થયા બાદ એક સ્કૂલમાં ફૂટબૉલનું અને ક્રિકેટનું કોચિંગ આપવા બાયો-ડૅટા (રિઝયૂમ) લઈને ગયા ત્યારે ઇન્ચાર્જે તેમનો બાયો-ડૅટા એવું કહીને રિજેક્ટ કરી દીધો કે ‘તમારો બાયો-ડૅટા જોઈને મને થયું કે તમે અમારાથી એટલા બધા ચડિયાતા છો કે તમને જૉબ આપવો અમને પરવડી શકે એમ નથી.’

કોચિંગમાં કરીઅર બનાવવામાં કોઈનો સહકાર ન મળતાં બકનરે ફરી અમ્પાયરિંગ શરૂ કર્યું હતું અને યુવા પેઢીના ખેલાડીઓમાં (ખાસ કરીને સ્કૂલ-ક્રિકેટની ઇવેન્ટ્સમાં) છવાઈ ગયા હતા.

સ્ટીવ બકનર અમ્પાયરિંગ ઉપરાંત મૅચ-રેફરી તરીકેનું કામ પણ કરે છે. તેમના પત્ની (લીઑનોરા) તેમની સાથે અમેરિકામાં સ્થાયી થયા છે, પણ પરિવારના બીજા સભ્યો હજી જમૈકામાં જ છે. બકનર ક્રિકેટમાં અમ્પાયર તરીકે અને ફૂટબૉલ મૅચમાં રેફરી તરીકે એટલા બધા સક્રિય છે કે તેમના પત્ની તેમને એ કામ કરતા રોકી નથી શક્તા. નવાઈની વાત એ છે કે બકનર અને તેમનાં પત્ની વર્ષો પહેલાં પહેલી વાર ફૂટબૉલના મેદાન પર મળ્યાં હતાં. બકનર ત્યારે લીઑનોરાના ગામમાં સૉકરની મૅચના રેફરી તરીકે ગયા હતા. ત્યારે કૉમન ફ્રેન્ડ સાથેની વાતચીત દરમ્યાન બકનર અને લીઑનોરા એકમેકને મળ્યાં હતાં અને પછી વારંવાર મળતાં રહ્યાં હતાં. એક ફૂટબૉલ ટૂર્નામેન્ટની ફાઇનલના દિવસે સવારે તેમણે લગ્ન કરી લીધા હતા અને પછી ફાઇનલમાં રેફરી તરીકે મેદાન પર ઊભા રહી ગયા હતા.

બકનર હજી આજે પણ ક્રિકેટના મેદાન પર અમ્પાયર તરીકે અને સૉકરના ગ્રાઉન્ડ પર રેફરી તરીકે સક્રિય છે. તેમને મેદાન પર ચશ્માની જરૂર નથી પડતી અને માત્ર વાંચતી વખતે જ ચશ્મા પહેરે છે.

બકનરને ‘રિટાયરમેન્ટ’ શબ્દ દીઠ્ઠો નથી ગમતો. તેમને જો કોઈ વ્યક્તિ પૂછે કે તમે ક્યારે રિટાયર થશો? તો તેમનો એક જ જવાબ હોય છે કે, ‘રિટાયરમેન્ટ જેવો કોઈ શબ્દ મારી ડિક્ષનરીમાં છે જ નહીં!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button