સૌરભ નેત્રાવળકર: ક્રિકેટરમાંથી સૉફ્ટવેર એન્જિનિયર બનેલો વર્લ્ડ કપ સ્ટાર
ક્રિકેટના આ કર્તવ્યનિષ્ઠ અમેરિકી ખેલાડીમાં ઑફિસના કામકાજ પ્રત્યે પણ ગજબની નિષ્ઠા છે: વિશ્ર્વ કપમાં મૅચ પછી હોટેલમાંથી લૅપટૉપ પર ઑફિસનું કામ કરતો હતો
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા
સૌરભ નેત્રાવળકર નામ આજે દરેક ક્રિકેટપ્રેમીના દિલોદિમાગમાં છવાઈ ગયું છે. મુંબઈમાં જન્મેલા આ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલરે તાજેતરમાં જ અમેરિકા વતી ટી-૨૦ વર્લ્ડ કપમાં રમીને અમેરિકાની સાથે મુંબઈનું નામ પણ રોશન કર્યું છે. નાનપણથી ક્રિકેટ રમવાના પૅશનને તેણે મોટા સ્તરના ક્રિકેટર બનવાના સપનામાં ફેરવ્યું અને ગણતરીના વર્ષોમાં એ સપનું સાકાર પણ કર્યું. ક્રિકેટમાં કરીઅર બનાવવાની સાથે નેત્રાવળકર પરિવારના ગુજરાન માટે પ્રતિષ્ઠિત કંપનીમાં જૉબ કરે છે અને જીવનમાં એકસાથે બે મોરચે સફળતા મેળવી રહ્યો છે.
અમેરિકાની ટીમ વર્લ્ડ કપની બહાર થઈ ગઈ છે અને નેત્રાવળકર (બૅક-ટૂ-પૅવિલિયન) પાછો જૉબ પર લાગી ગયો છે.
સામાન્ય રીતે નેત્રાવળકરનો દર અઠવાડિયાનો નિત્યક્રમ એ છે કે તે દર શુક્રવારે સાંજે ઑફિસમાં કામ પૂરું કરીને ફ્લાઇટ પકડીને બીજા શહેરમાં ક્રિકેટની પ્રૅક્ટિસ કરવા તેમ જ સ્થાનિક મૅચો રમવા જાય અને એકાદ દિવસ ફૅમિલી સાથે વીતાવ્યા પછી સોમવારે સવારે પાછો ઑફિસમાં પહોંચીને કામ શરૂ કરી દે છે. એ તો ઠીક, પણ વર્લ્ડ કપ દરમ્યાન પણ તેણે પોતાના કામકાજ પ્રત્યે નિષ્ઠા બતાવી હતી. તેની બહેન નિધિ નેત્રાવળકરે જ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘સૌરભ ક્રિકેટ અને વર્ક વચ્ચે બહુ સારી સમતુલા જાળવે છે. વર્લ્ડ કપ દરમ્યાન મૅચને દિવસે રમત પૂરી થયા બાદ હોટેલમાંથી જ લૅપટૉપ પર કામ કરતો હતો. ટૂર્નામેન્ટ દરમ્યાન તેણે લૅપટૉપ પોતાની સાથે જ (હોટેલની રૂમમાં જ) રાખ્યું હતું અને ક્રિકેટમાંથી ફુરસદ મળતાં ઑફિસનું કામ કરવામાં વ્યસ્ત થઈ જતો હતો. નસીબજોગે, મારા ભાઈને વર્લ્ડ કપમાં રમવા બાબતમાં તેમ જ ક્રિકેટની કરીઅરને આગળ વધારવામાં તેની કંપનીનો અને સહ-કર્મચારીઓનો બહુ સારો સાથ મળ્યો છે. કંપનીના માલિકોએ સૌરભને ક્યાંયથી પણ ઑફિસનું કામ કરવાની છૂટ આપી છે. તે મુંબઈ આવે ત્યારે પણ તે લૅપટૉપ સાથે લેતો આવે છે અને મુંબઈથી ઑફિસનું કામ કરે છે.
નેત્રાવળકર ૩૨ વર્ષનો છે. તેનો જન્મ ૧૯૯૧ના ઑક્ટોબરમાં મુંબઈમાં થયો હતો. નાનપણથી મુંબઈમાં જ ક્રિકેટ રમ્યો અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં બૅચલર્સ ડિગ્રી મેળવવાની સાથે ક્રિકેટમાં કરીઅર બનાવવા પણ તેણે ખૂબ મહેનત કરી. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેણે સ્કોલરશિપની મદદથી અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીમાંથી ભણવાનું પૂરું કર્યું હતું. ભારત વતી અન્ડર-૧૯ મૅચોમાં રમ્યા બાદ દસેક વર્ષ પહેલાં (અજિત આગરકર, ઝહીર ખાન, આવિષ્કાર સાળવી અને ધવલ કુલકર્ણી જેવા પેસ બોલરની હાજરીમાં) નેત્રાવળકરને મુંબઈ વતી રમવાની બહુ ઓછી તક મળતાં તેણે અમેરિકા જઈને કારકિર્દી ડેવલપ કરવાનું નક્કી કર્યું હતું અને એમાં તે વર્લ્ડ કપ સુધીની મંઝિલે પહોંચ્યો જે આપણે તાજેતરમાં જ જોઈ ગયા.
સૌરભ નેત્રાવળકર અમેરિકાના કૅલિફોર્નિયા શહેરમાં ઑરેકલ કંપનીમાં કમ્પ્યૂટર સૉફ્ટવેર એન્જિનિયર તરીકેની જૉબ કરે છે. ઑફિસમાં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે ઘણા ક્લાયન્ટ્સની ટેક્નિકલ સમસ્યાઓ ઉકેલનાર નેત્રાવળકર ઘરઆંગણે (અમેરિકામાં) યોજાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં યુએસએની ટીમનું નામ રોશન કરી ચૂક્યો છે.
નેત્રાવળકર ઑરેકલ કંપનીમાં ‘વાઇલ્ડકાર્ડ સર્ચિંગ’ નામની ટેક્નૉલોજી પર કામ કરી ચૂક્યો છે. એમાં નેત્રાવળકર અને તેના સહ-કર્મચારીઓ કંપનીઓના ડૅટા સ્ટોર કરે છે અને સર્ચ એન્જિનની ઝડપ જળવાઈ રહે એની તકેદારી રાખે છે. નેત્રાવળકર કહે છે કે ‘દરેક પ્રૉજેક્ટ માટે એક ડેડલાઇન નક્કી થઈ હોય છે એટલે કામનું પ્રેશર તો રહેતું જ હોય છે. ક્રિકેટનું શેડ્યૂલ અગાઉથી નક્કી હોવાથી હું મારા મૅનેજર સાથે પ્લાન નક્કી કરીને ઑફિસનું બાકી રહેલું કામ મોડી રાત સુધી પણ કરી લેતો હોઉં છું. વર્લ્ડ કપ માટેની પ્રૅક્ટિસ શરૂ કરતાં પહેલાં મેં ઑફિસમાં મારું બાકી રહેલુંં કામ પૂરું કરી લીધું હતું.’
નેત્રાવળકર ઑફિસમાંથી રજા લઈને વર્લ્ડ કપમાં રમવા આવ્યો હતો. તેના કેટલાક સાથી કર્મચારીઓના માનવામાં જ નહોતું આવતું કે તેમનો કલીગ ક્રિકેટના વર્લ્ડ કપમાં રમી રહ્યો છે. અમેરિકાની ટીમનો આ પહેલા જ વર્લ્ડ કપમાં પર્ફોર્મન્સ બહુ સારો હતો. એ માટે અમેરિકાની ટીમ નેત્રાવળકર ઉપરાંત ભારતીય મૂળના અન્ય ખેલાડીઓ ઑલરાઉન્ડર હરમીત સિંહ, નીતિશ કુમાર અને પેસ બોલર જસદીપ સિંહને પણ આભારી છે.
પાકિસ્તાનને સુપર ઓવરમાં અમેરિકાએ હરાવ્યું હતું જેને કારણે પાકિસ્તાનની ટીમ સુપર-એઇટમાં પણ નહોતી પહોંચી શકી.
ઊલટાનું, અમેરિકાની ટીમે સુપર-એઇટમાં એન્ટ્રી કરી લીધી હતી. મોનાંક પટેલ-આરોન જોન્સના નેતૃત્વમાં યુએસએની ટીમે લીગ રાઉન્ડમાં કૅનેડાને હરાવીને ટૂર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો. ચારમાંથી ફક્ત એક જ લીગ મૅચ હારનાર યુએસએની ટીમે સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડ સામે પરાજય જોયો એને કારણે સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. જોકે એક હકીકતથી સૌકોઈ વાકેફ છે કે અમેરિકાએ સાઉથ આફ્રિકાને છેલ્લા બૉલ સુધી નહોતું જીતવા દીધું અને વેસ્ટ ઇન્ડિઝને પણ સારી લડત આપી હતી.
નેત્રાવળકરનું થોડું ક્રિકેટ બૅકગ્રાઉન્ડ પણ જાણી લઈએ. માર્ચ, ૨૦૧૯માં તે પહેલી વાર અમેરિકા વતી રમ્યો હતો અને એ પહેલી જ મૅચમાં તેને અમેરિકાની કૅપ્ટન્સી સોંપાઈ હતી. માર્ચ, ૨૦૧૯માં તેણે અમેરિકા વતી પહેલી જ ટી-૨૦માં યુએઇ સામે કૅપ્ટન્સી સંભાળી હતી અને એપ્રિલ, ૨૦૧૯માં પ્રથમ વન-ડેમાં પણ સુકાન સંભાળ્યું હતું.
અમેરિકા વતી તે કુલ ૮૧ ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂક્યો છે જેમાં તેણે કુલ ૧૦૬ વિકેટ લીધી છે અને ૧૭૦-પ્લસ રન બનાવ્યા છે.
વન-ડે ઇન્ટરનૅશનલ્સમાં અમેરિકા વતી વેસ્ટ ઇન્ડિઝના રૉસ્ટન ચેઝ તથા બ્રેન્ડન કિંગ તેમ જ ટી-૨૦માં વિરાટ કોહલી, રોહિત શર્મા, એઇડન માર્કરમ, પૉલ સ્ટર્લિંગ, મહમુદુલ્લા, સૌમ્ય સરકાર વગેરે જાણીતા બૅટર્સની વિકેટ લઈ ચૂકેલા સૌરભ નેત્રાવળકરનું નામ થોડા મહિના બાદ ૨૦૨૫ની આઇપીએલ માટે યોજાનારા મેગા પ્લેયર્સ ઑક્શનમાં ચર્ચામાં નહીં હોય તો એ બહુ મોટી નવાઈ કહેવાશે.