મનને આરામ આપો ને શરીરને કામ આપો…
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
હમણાં એક સરસ વાક્ય વાંચવા મળ્યું :
‘જો લાંબું અન નિરોગી જીવવું હોય તો શરીર ચાલતું રાખો ને મનને શાંત રાખો!’
પહેલી નજરે આ વાક્ય સરળ લાગે, પરંતુ એનો અર્થ અત્યંત ગહન છે. આપણે આજકાલ એ વાક્યથી અવળું કરીએ છીએ. આપણે મનને ચાલતું રાખીએ છીએ અને શરીરને શાંત કરી દીધું છે!
એ કારણે આપણા જીવનમાં અનેક ભવાઈઓ ઊભી થઈ છે. વળી, એકવીસમી સદીના લોકોમાં જે મુખ્ય સમસ્યાઓ સર્જાઈ છે એ બધી પણ આપણી આ અવળચંડાઈને કારણે જ ઊભી થઈ છે.
આ સદીની એ સમસ્યાઓ કઈ? તો કે ઓવરથિકિંગને કારણે થતાં માનસિક પ્રશ્ર્નો, જેમાં આત્મહત્યા સુધીની વાત આવી જાય છે તો વધુ પડતું વજન, ઓછી કાર્યક્ષમતા અને શરીરમાં રહેતા પચાસ પ્રકારના રોગ! આ સમસ્યાઓનો સામનો આજનો માણસ કોઈ ને કોઈ રીતે કરી જ રહ્યો છે. વળી, આવી સમસ્યાઓને આપણે અત્યંત આકર્ષક ટર્મ્સ સાથે જોડી દઈએ છીએ કે મારે તો જીવનમાં આમ સંઘર્ષો છે ને એટલે મને આમ થયું!
જો કે, આપણે સમજી લેવું પડશે કે આપણા જીવનની હાલની મોટાભાગની સમસ્યાના મૂળમાં ઉપરોકત જે વાક્ય કહ્યું એનું અવળું અનુસરણ છે. આપણે એ શીખવું પડશે કે શરીરને શ્રમની જરૂર છે. સવારના કે સાંજના સમયે આપણે ફરજિયાત અમુક કસરત કે યોગ કરવા જ જોઈએ. જો એમ કરતા રહીશું તો આપણે આસાનીથી અનેક શારીરિક રોગથી દૂર રહીશું. આમાં પાછો આપણે એક ક્લોઝ પોતાનો ઉમેરી દેવાનો કે જો આપણે કસરત અને યોગ કરીએ જ છીએ તો દિવસે કારણ વિનાનું સુગર લેવાનું ટાળવું., જેથી આપણે વધુ સ્વસ્થ્ય રહી શકીએ અને ખાસ તો વધારાના વજનથી દૂર રહી શકીએ.
અલબત, એવું પણ નહીં કે એક વાર કસરત કરી લીધી એટલે પછી આખો દિવસ સોફા પર આડા પડીને રિલ્સ જોયા કરીએ! વધારામાં આપણે હવે એવા અત્યંત આળસુ પણ થઈ ગયા છીએ કે ઘરનાં નાનાં- મોટાં કામો પણ આપણે કરવાનાં ટાળીએ છીએ. સ્ત્રી હોય કે પુરુષ એણે ઘરનાં અમુક કામ જાતે જ કરવાનો આગ્રહ રાખવો. ભલેને પછી ઘરે સહાયકોની ફોજ કેમ ન હોય! જો અમુક કામ પોતે નહીં કરીએ તો ચાળીસીમાં આવીશું એ પહેલાં જ આપણને વાંકા વળવામાં વાંધા પડશે કે આપણી કમ્મર દુખશે કે પછી આપણને ચાલતા ચાલતા હાંફ ચઢશે!
આ તો શારીરિક સ્વાસ્થ્યની વાત થઈ. લોકોનું માનસિક સ્વાસ્થ્ય પણ આજના સમયમાં અત્યંત ચિંતાજનક સ્તરે કથળી રહ્યું છે. આજે દરેક માણસને ક્યાંતો ઉચાટ છે અથવા કારણ વિનાનો ઉશ્કેરાટ છે કે પછી ડિપ્રેશન છે. ખબર નહીં કેમ, પરંતુ આજે મોટાભાગના લોકોને એમ લાગે છે કે પોતે રહી ગયા છે અને બીજા એમનાથી આગળ નીકળી ગયા છે કે પછી આજે મોટાભાગના લોકોને કારણ વિના એકલતા સતાવી રહી છે.
શેના કારણે આવું થાય છે? એનું કારણ એ કે આપણે આજકાલ મગજ પાસે વધુ પડતું અને કારણ વિનાનું કામ લઈએ છીએ. સોશિયલ મીડિયાને કારણે આપણે હવે વધુ ઝડપે તેમજ વધુ પડતું વિચારતા થઈ ગયા છે. આ કારણે આપણી ધીરજ પણ ખૂટી રહી છે. આપણને હવે બધુ ફટાફટ કરવું છે અને ઈન્સ્ટંસ્ટ તો ભાઈ, માત્ર મેગી જ બને… બાકી તો ધીરજ રાખવી પડે. બધુ કંઈ તરત ન થાય. ધીરજના અભાવને કારણે કે પછી વધુ પડતું વિચારતા રહેવાને કારણે થયું એ કે આજે મોટાભાગના લોકો માનસિક બીમારીનો ભોગ બન્યા છે. આ કારણે એમના અને સ્વજનોના જીવનમાં કલેશ અને કકળાટ વધી ગયો છે. લોકોને ઘરે કે પોતાનાં કામના સ્થળે ગમતું નથી, કારણ કે એમના જીવનમાં શાંતિ નથી, પરંતુ જીવનમાં અશાંતિનું મૂળ મનની અશાંતિ છે.
આપણે સૌએ મનને શાંત કરતાં -રાખતાં શીખવું પડશે. દરેક વાતમાં મગજ ઘસવાનું બંધ કરવું પડશે. એની જગ્યાએ સારું વાંચવામાં, સ્વજનોને પ્રેમ કરવામાં, એમની સાથે વાતો કરવામાં કે પછી માત્ર આપણું કામ કરવામાં આપણે ધ્યાન આપવું. આમ કરીશું તો આપણી પર્સનલ લાઈફ પણ અત્યંત સારી રહેશે અને આપણા કામના મોરચે પણ આપણે અવ્વલ રહીશું.
જો કે, આપણે ગામ આખાને લઈને અત્યંત સજાગ રહીએ અને આપણી જાતને લઈને સજાગ રહેતા નથી એટલે મનની પાસે સતત કામ કરાવીએ છીએ અને શરીરને આરામ દઈએ છીએ ને પછી કારણ વિના ભોગવતા રહીએ
છીએ.