પુરુષ

રમન સુબ્બારાવ: ક્રિકેટર, અકાઉન્ટન્ટ, બિઝનેસમૅન, વહીવટકાર ને મૅચ-રેફરી

ઇંગ્લૅન્ડના ભારતીય મૂળના ભૂતપૂર્વ ખેલાડીએ ૯૨મા વર્ષે જિંદગીની ઇનિંગ્સ પૂરી કરી: ટૂંકી કરીઅરના છેલ્લા દાવમાં તેમણે સદી ફટકારી હતી

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

મોટા ભાગે ક્રિકેટર ટૂંકી કે લાંબી કારકિર્દી પૂરી કર્યા પછી અન્ય કોઈ ક્ષેત્રે વ્યસ્ત થઈ જાય છે અથવા ક્રિકેટ સાથે જ સંકળાઈ રહેવાની પૅશનને કારણે કૉમેન્ટેટર અથવા કોચ બને છે અને એમાં રસ ન હોય તો વહીવટકાર બને છે. દોઢ દાયકાથી તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને બીજી ઘણી ફ્રૅન્ચાઇઝી-આધારિત લીગ ટૂર્નામેન્ટ રમાય જેની કોઈને કોઈ ટીમના મેન્ટર કે કોચ તરીકે તેને નોકરી મળી જ જતી હોય છે.

જોકે તાજેતરમાં જિંદગીની ૯૨ વર્ષની લાંબી ઇનિંગ્સ બાદ ફાની દુનિયાને અલવિદા કરનાર ઇંગ્લૅન્ડના ભારતીય મૂળના ભૂતપૂર્વ ક્રિકેટર રમન સુબ્બારાવની સ્ટોરી કંઈક નોખી જ હતી. તેઓ ૧૯૫૮થી ૧૯૬૧ દરમ્યાન ટેસ્ટ-ક્રિકેટ રમ્યા હતા. રમવાની સાથોસાથ તેઓ અકાઉન્ટન્સીની કંપનીમાં નોકરી પણ કરતા હતા તેમ જ બૅટિંગ-પર્ફોર્મન્સની ટોચ પર હતા ત્યારે અચાનક તેમણે રિટાયરમેન્ટ જાહેર કરીને સિલેક્ટર્સને ચોંકાવી દીધા હતા. તેમણે બિઝનેસમાં કારકિર્દી બનાવવાનું કારણ આપ્યું હતું અને પબ્લિક રિલેશન્સના ક્ષેત્રે પણ વ્યસ્ત થઈ ગયા હતા. જોકે ક્રિકેટની ઘેલછાથી પોતાને અલગ રાખી ન નહોતા શક્યા એટલે કાબેલ વહીવટકાર બન્યા તેમ જ પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મૅચ-રેફરી તરીકેની પણ નામના મેળવી હતી.

સામાન્ય રીતે આધુનિક ક્રિકેટમાં બહુ ઓછા ખેલાડીઓ પોતાના સફળ પર્ફોર્મન્સના શિખર પર હોય ત્યારે ક્રિકેટ છોડી દેવાનું પસંદ ન કરે. એમાં પણ કરીઅર શરૂ થયાને માંડ ત્રણ વર્ષ થયાં હોય ત્યારે તો નિવૃત્તિ લેવાનું પસંદ ન જ કરે, પરંતુ રમન સુબ્બારાવે એવું કર્યું હતું.

છ-સાત દાયકા પહેલાં વન-ડે ક્રિકેટ નહોતી અને ટેસ્ટ મૅચો બહુ ઓછી રમાતી તેમ જ વળતર પણ ઓછું મળતું એટલે ખેલાડીને અન્ય કોઈ ક્ષેત્રે જતા રહેવાનો નિર્ણય લેવો પડતો હતો અને એમાંના એક હતા રમન સુબ્બારાવ. જોકે જે ખેલાડીએ ૧૩ મૅચમાં ૪૭.૦૦ની બૅટિંગ સરેરાશે ૧,૦૦૦ જેટલા રન બનાવ્યા હોય અને હજી તો છેલ્લી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી હોય તેઓ નિવૃત્તિ જાહેર કરી દેશે એવું તો કોઈએ ધાર્યું પણ ન હોય. જોકે રમન સુબ્બારાવે આશ્ર્ચર્યજનક નિર્ણય લીધો હતો.

તેઓ ટેસ્ટ ઍન્ડ કાઉન્ટી ક્રિકેટ બોર્ડના ચૅરમૅન બનવા સહિતના કાબેલ વહીવટકાર હતા અને ક્રિકેટના કાયદા ઘડતી મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી) તેમ જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) સાથે પણ તેમણે બહુ નજીકથી કામ કર્યું હતું.

રમન સુબ્બારાવનો જન્મ સાઉથ લંડનમાં થયો હતો. તેમના પિતા પૅન્ગૂલુરી સુબ્બારાવ આંધ્ર પ્રદેશના હતા અને વ્યવસાયે બૅરિસ્ટર હતા. રમન સુબ્બારાવના માતાનું નામ દોરિસ (પિન્નર) હતું. છ ફૂટ ઊંચા રમન સુબ્બારાવ લેફ્ટ હૅન્ડ બૅટર હતા. ૧૯૫૦ના દાયકામાં કૅમ્બ્રિજની ટીમમાં તેમની સાથે રમી ચૂકેલા બીજા બે જાણીતા ખેલાડીઓમાં પીટર મે અને ડેવિડ શેફર્ડનો સમાવેશ હતો. દસ વર્ષની ફર્સ્ટ-ક્લાસ કરીઅરમાં ૩૦ સેન્ચુરીની મદદથી ૧૪,૧૮૨ રન બનાવનાર રમન સુબ્બારાવ નૉર્ધમ્પ્ટનશર અને સરે કાઉન્ટી વતી પણ રમ્યા હતા. એક વાર તો તેમણે સરે સામેની જ મૅચમાં એક ઇનિંગ્સમાં ૩૦૦ રન ફટકાર્યા હતા. તેમનો એ કાઉન્ટી-રેકાર્ડ ત્રણ દાયકા સુધી નહોતો તૂટ્યો.

૧૯૫૮માં રમન સુબ્બારાવે ટેસ્ટ-કરીઅર શરૂ કરી હતી અને તેમની બીજી જ ટેસ્ટ ભારત સામે રમાઈ હતી. તેઓ લેગ-સાઇડમાં ઘણું સારું રમી શક્તા હતા તેમ જ સિંગલ દોડવામાં તેમના ચપળ જેવા કોઈ જ નહોતા. તેમના ફૂટવર્કની મૂવમેન્ટ વિચિત્ર હતી એટલે તેઓ કઈ દિશામાં શૉટ મારશે એ બોલર કે તેનો કોઈ સાથી કળી નહોતો શક્તો.

૧૯૫૯માં ઓવલમાં તેઓ ભારત સામે કરીઅરની બીજી ટેસ્ટ રમ્યા એમાં ૯૪ રને ફાસ્ટ બોલર રમાકાંત દેસાઈના બૉલમાં આઉટ થઈ જતાં છ રન માટે પ્રથમ સદી ચૂકી ગયા હતા. ઇંગ્લૅન્ડની એ જ ઇનિંગ્સમાં માઇક સ્મિથને રમાકાંત દેસાઈએ ૯૮ રને આઉટ કરી દીધા હતા. જોકે ભારત એ ટેસ્ટ એક દાવથી હારી ગયું હતું. રમન સુબ્બારાવ ભારત સામે એ એકમાત્ર ટેસ્ટ રમ્યા હતા.

જોકે તેઓ ૧૯૬૧માં ૨૯ વર્ષની ઉંમરે હતા ત્યારે ઇંગ્લૅન્ડની ટીમમાં ધાર્યું હોત ત્યાં સુધી તેઓ સ્થાન જાળવી શક્યા હોત, પણ તેમણે અચાનક જ રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું.

રમન સુબ્બારાવે વહીવટકાર અને મૅચ-રેફરી તરીકેની કારકિર્દી દરમ્યાન કેટલાક આકરા અને આશ્ર્ચર્યજનક પગલાં લીધાં હતાં. ૧૯૮૧માં તેઓ ભારત ખાતેની ટૂરમાં ઇંગ્લિશ ટીમના મૅનેજર હતા અને જ્યૉફ બૉયકૉટે તબિયત બગડી જવાની ફરિયાદ કરી હતી ત્યારે તેમને ઇંગ્લૅન્ડ પાછા મોકલી દીધા હતા. એમસીસીની કમિટીમાં હતા ત્યારે તેમણે ક્રિકેટમાં વધુ આધુનિક કક્ષાનો અને કમર્શિયલ અભિગમ અપનાવવાનો આગ્રહ રાખ્યો હતો. ૧૯૮૭માં ફૈસલાબાદની ટેસ્ટ દરમ્યાન ઇંગ્લૅન્ડના કૅપ્ટન માઇક ગૅટિંગ અને અમ્પાયર શકૂર રાણા વચ્ચે જોરદાર ઝઘડો થયો અને બન્ને દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધો બગડવાની તૈયારીમાં હતા ત્યારે રમન સુબ્બારાવે સમાધાન કરાવ્યું હતું જેમાં તેમણે શકૂર રાણાની લેખિતમાં માફી માગવાની ગૅટિંગને ફરજ પાડી હતી અને મૅચ ફરી શરૂ થઈ હતી. જોકે એ ટૂરમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ જે માનસિક યાતના ભોગવવી પડી એ બદલ તેમને ૧,૦૦૦ પાઉન્ડનું બોનસ રમન સુબ્બારાવે પોતાના ક્રિકેટ બોર્ડ પાસેથી અપાવડાવ્યું હતું. ગ્લેન મૅકગ્રા હરીફ ખેલાડી સામે થૂક્યો ત્યારે રમન સુબ્બારાવે જ મૅકગ્રા સામે રમવા પરનો પ્રતિબંધ લાગુ કરાવ્યો હતો તેમ જ ૨૦૦૦ની સાલમાં ભારતમાં સાઉથ આફ્રિકાની સિરીઝ દરમ્યાન અભૂતપૂર્વ મૅચ-ફિક્સિગં કૌભાંડ ફૂટ્યું હતું અને ત્યારે મૅચ-રેફરી રમન સુબ્બારાવે બન્ને ટીમના કૅપ્ટન (હન્સી ક્રૉન્યે, અઝહરુદ્દીન) સાથે લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. જોકે એ પ્રકરણમાં પોતાને આઇસીસી તરફથી જોઈએ એવો સપોર્ટ નહોતો મળ્યો એવી ફરિયાદ રમન સુબ્બારાવે કરી હતી. સુબ્બારાવે ભારતીય ક્રિકેટ તંત્ર દ્વારા ‘રાજકારણ’ રમાતું હોવાની ફરિયાદ વ્યક્ત કરી હતી. જોકે ક્રિકેટ સંબંધમાં તેમ જ પારિવારિક કારણસર તેમણે ભારત સાથેના સંબંધો જાળવી રાખ્યા હતા.

ગૅટિંગ-શકૂર રાણા વચ્ચેની એ ઘટનાને પગલે જ રમન સુબ્બારાવની આગેવાનીમાં ટેસ્ટમાં ન્યૂટ્રલ અમ્પાયર રાખવાની પ્રથા શરૂ થઈ હતી. છેલ્લે તેઓ ૪૧ ટેસ્ટ અને ૧૧૯ વન-ડેમાં મૅચ-રેફરી હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button