મેલ મેટર્સ : ક્વિનપતિ ગુકેશ-સ્વરોત્તમ પુરુષોત્તમ-વાહ ઉસ્તાદ ઝાકિર હુસૈન મર્દ તેરી તાસીર ક્યા હૈ આખીર…
-અંકિત દેસાઈ
પાછલા અઠવાડિયામાં ત્રણ પુરુષે સમાચાર અને સોશિયલ મીડિયામાં પોતાનો દબદબો જમાવ્યો. એ ત્રણ પુરુષ એટલે ચેસ પ્લેયર ડી. ગુકેશ, સંગીતકાર- ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય અને તબલાવાદક ઝાકિર હુસૈન.
એ ત્રણમાં એક પુરુષે વિશ્વના સૌથી ઓછી વયે ચેસ ચેમ્પિયન તરીકેનો તાજ પહેરી લીધો તો બીજા બેએ ઘણું સિદ્ધ કર્યા પછી દેહ ત્યાગીને અનંતનો વિસામો લીધો.
આ ત્રણેય પુરુષના ક્ષેત્ર જુદાં છે- હતાં. આ ત્રણેય વચ્ચે ઉંમરનો પણ તફાવત. આયુના ત્રણ તબક્કે પહોંચેલા એ પુરુષ…૧૭ પ્લસ – ૯૦ પ્લસ અને ૭૦ પ્લસ…! જોકે, આ ત્રણેયમાં એક સામ્ય હતું: પોતાનું ગમતું કરવાની ધૂન … પોતાનાં ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન, બલકે પોતાનું આગવું અસ્તિત્વ ઊભું કરવાનું ઝનૂન!
આ ત્રણેય આપણને એ શીખવી ગયા કે પુરુષ જો તેનું પેશન- જુસ્સાને ફોલો કરતો રહે, દુન્યવી વાતમાં ન પડે તો પુરુષને ઇતિહાસ સર્જતા કોઈ રોકી શકતું નથી. આ ત્રણેયે આપણને એ પણ શીખવ્યું કે બાહ્ય ચકાચૌંધથી અંજાઈને એના રવાડે ચઢવું કે રખડી ખાવું તો સર્વસામાન્ય છે, પરંતુ અસામાન્ય વાત એ છે કે બીજું બધુ પડતું મૂકીને માત્ર પોતાના ગમતાં કામમાં જ ધીરજપૂર્વક ખંત કરવો!
આપણે એવું માનીએ છીએ કે જે ફરે તે ચરે… કહેવતના દૃષ્ટિકોણથી એ વાત સાચી પણ ખરી, પરંતુ ગુકેશ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઝાકિર હુસૈને સિદ્ધ કરી બતાવ્યું કે માત્ર એક ચેસ બોર્ડની સામે, એક હાર્મોનિયમની સામે કે બે તબાલાની સામે બેસીને જો એકાગ્ર ચિત્તે સાધના કરવામાં આવે તો આખી દુનિયા આપણી સામે આપોઆપ આવીને ગોઠવાઈ જાય છે.
જોકે આ ચેસ નામના, હાર્મોનિયમ નામના કે તબલાં નામના પેશનની સામે ધીરજપૂર્વક બેસી રહેવું એ કંઈ ખાવાના ખેલ નથી. એ પણ ત્યારે, જ્યારે અડધી દુનિયા ‘ફોમો’ એટલે કે ‘ફીલિંગ ઑફ મિસિંગ આઉટ’
(અમે રહી ગયા..તમે લઈ ગયા!)નો સામનો કરતી હોય! હવે આપણે સાધના કરતા જ નથી હોતા અથવા જો સાધના શબ્દ મોટો લાગતો હોય તો આપણા કામને લઈને આપણે જરૂર મુજબનો ખંત કરતા જ નથી હોતા. બલકે આપણે તો દેખાડો કરીએ છીએ. આપણા મોટાભાગના પ્રયત્નો એવા હોય છે કે એમાં બીજાને કેવું લાગશે, બીજા શું વિચારશે અથવા તો બીજાને બતાવી દેવું છેની જ ભાવના આપણી અંદર રમતી હોય છે!
આ કારણે જ આપણે આપણા કામમાં નિપુર્ણ નથી થઈ શકતા અને જો આપણે આપણા કામમાં માસ્ટરી નથી મેળવી શકતા તો પછી આપણને આપણું કામ ગમવાનું કઈ રીતે?
આ ત્રણેય પુરુષને કામ કરતા જોવા જેવા છે. ગુકેશ લઈ લો, પુરુષોત્તમ ઉપાધ્યાય લઈ લો કે પછી ઝાકિર હુસૈન લઈ લો… એ ત્રણેય જ્યારે પોતાના સાધન સાથે હોય ત્યારે ખુશીની ચરમસીમાએ હોય છે. એમના ચહેરા પર આગવું તેજ આવી જાય છે અને એમના ચહેરા પર સંતુષ્ટિ માળો બાંધી દે છે. જાણે એમને પણ એમ થાય કે આ દુનિયામાં એમનાં તબલાં, એમનું ચેસબોર્ડ કે એમના હાર્મોનિયમ સિવાય સુખ અને કમ્ફર્ટ બીજે ક્યાંય છે જ નહીં!
આપણે એ મેળવવાનું છે. એ ત્રણેયને મળેલી સફળતા તો કદાચ જૂજ લોકોના નસીબમાં જ હોય, પરંતુ આપણે સૌ એક કૌશલ તો એમની પાસે શીખી જ શકીએ કે આપણે પણ જ્યારે આપણા કમ્પ્યુટર સામે બેસીએ ત્યારે આપણી આંગળીઓ જાણે હાર્મોનિયમ વગાડતી હોય એમ જ ફરે અને એનો અપાર આનંદ આપણા દિલમાં અને ચહેરા પર ડોકાય!
Also read: લાફ્ટર આફ્ટર ઃ જનરલ દવાખાનું ‘જનરલ’ શબ્દને આપણે મન ફાવે તે શબ્દની આગળ મૂકી દઈએ
આપણે મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે કે આપણને આપણું કામ એક સમય પછી રૂટિન અને કેટલાક કિસ્સામાં સાપનો ભારો લાગવા માંડે છે, જેને કારણે જ આપણી અંદર અત્યંત ફ્રસ્ટ્રેશન-હતાશા ઉદ્ભવે છે અને આપણે ઉચાટમાં જીવીએ છીએ, પરંતુ કામ તો આપણે આમેય કંઈક કરવાનું છે અથવા તો આપણું પેશન પણ આપણે ફોલો તો કરવાનું જ છે તો પછી પૂરી સંતુષ્ટિ -પૂરી મૌજ સાથે કેમ ન કરીએ?!