પુરુષ ને યોગ યોગદિન પૂર્વે એક ગહન સમીક્ષા

મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આવતી કાલે વિશ્ર્વયોગ દિવસ છે. એવા સમયે આપણે યોગ પુરુષોને કઈ રીતે ખપમાં આવે એ વિશે આમ ટૂંકમાં, પરંતુ ઊંડા અર્થો ધરાવતી ચર્ચા કરવી જરૂરી છે. કારણ સ્પષ્ટ છે. કામમાં વ્યસ્ત અને ખાણીપીણીમાં મસ્ત એવો પુરુષ જો કોઈ એક વાતે આળસ કરતો હોય તો એ છે શારિરીક કસરત…
જોકે પુરુષ એવું બહાનું જરૂર કાઢી શકે કે મારી પાસે તો સમય જ નથી એટલે હું જિમ તો જઈ શકું એમ નથી.. પણ પુરુષના આવા બહાનાનો ઉત્તર પણ યોગ જ છે. કેમ ભઈ, જિમ ન જવાય તો કંઈ નહીં, તમે ઘરે થોડી મિનિટ માટે તો યોગ કરો ! આખરે યોગ એ માત્ર શારીરિક કસરતનો પ્રકાર નથી, પરંતુ તે જીવનની એક પ્રણાલી પણ છે, જે આરોગ્ય, તંદુરસ્તી અને માનસિક શાંતિનું પ્રદાન કરે છે. વળી પુરુષ માટે યોગ તાણ અને અવસાદ જેવી પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આપી શકે છે.
પુરુષ માટે યોગના પ્રાથમિક ફાયદાઓમાં શારીરિક શક્તિ અને સહનશક્તિનો વિકાસ છે. યોગના વિવિધ આસનો, જેમ કે વીરભદ્રાસન (યોદ્ધા પોઝ) અને નાવાસન (હોડી પોઝ), શરીરના વિવિધ ભાગોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ આસનો પુરુષનાં મસલ્સ અને મજ્જા તંતુઓને મજબૂત બનાવે છે, જે ફિટનેસ અને શારીરિક સ્વાસ્થ્ય માટે અતિઆવશ્યક છે.
યોગ શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ માનસિક આરામ પણ આપે છે. પુરુષ ઘણી વાર વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનના તણાવને કારણે માનસિક શાંતિ ગુમાવી બેસે છે. યોગમાં ધ્યાન (મેડિટેશન) અને શ્ર્વાસની કસરત (પ્રાણાયામ) દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. પ્રાણાયામ શ્ર્વાસની વિવિધ કસરતોનો સમૂહ છે ,જે શરીરમાં ઓક્સિજનના સ્તરને સુદ્ધર બનાવે છે, મનને શાંત કરે છે અને પુરુષની અંદર એક ફીલગુડ ફેક્ટર ઊભું કરે છે.
બીજી તરફ, આજનો પુરુષ આધુનિક જીવનશૈલી જીવી રહ્યો છે. એ વ્યસ્ત ભલે અત્યંત હશે, પરંતુ જે કરે છે એ બેસીને કરે છે. આ કારણે એનું જીવન અત્યંત બેઠાડું થઈ ગયું છે. આ કારણે પુરુષો ઘણીવાર પીઠ અને કમરની સમસ્યાઓથી પીડાય છે. યોગના મર્કટાસન અને પશ્ર્વિમોતાનાસન જેવાં આસનો પીઠને મજબૂત બનાવે છે અને પીઠની તકલીફો ઘટાડે છે. વળી, આ આસનોથી પણ સ્ટ્રેસ દૂર થાય છે એ લટકામાં!
આજના પુરુષની ખાણી-પીણીની ખરાબ આદતોને કારણે એને માટે હાર્મોનેલનું બેલેન્સ રહેવું પણ મહત્ત્વપૂર્ણ છે. પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન સ્તર મહત્ત્વપૂર્ણ છે અને યોગના નિયમિત અભ્યાસ દ્વારા હાર્મોનેલ બેલેન્સ જળવાય છે. સર્વાંગાસન અને શીર્ષાસન જેવાં આસન હાર્મોનેલ બેલેન્સમાં મદદરૂપ થાય છે તો પુરુષ માટે યોગનો વધુ એક ફાયદા એ છે કે તે હૃદયરોગ અને બ્લડ પ્રેશર જેવી બીમારીથી બચાવે છે.
યોગ પુરુષોને માત્ર શારીરિક અને માનસિક આરામ જ નથી આપતું, પરંતુ એની આધ્યાત્મિક ઉન્નતિમાં પણ મદદરૂપ થાય છે. યોગના અભ્યાસ દ્વારા પુરુષ પોતાના આંતરિક સ્વરૂપને સમજી શકે છે અને જીવનના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરી શકે છે. છેલ્લે કંઈ નહીં તો પુરુષ આંતરિક રીતે શાંત થઈને એકાગ્ર થઈ શકે છે, જે એકાગ્રતા એની પર્સનલ લાઈફમાં અત્યંત ખપમાં આવી શકે છે.
એવા સમયે યોગ કરવું કે યોગના જ એક ભાગ એવા પ્રાણાયામ અને ધ્યાન કરવું અત્યંત જરૂરી બની જાય છે. આખરે સ્વાસ્થ્ય એ આજના સમયની લક્ઝરી છે. આજે જીવનશૈલી અને આહારશૈલી એ હદે બગડી ગઈ છે કે આપણે ચાહીને પણ અમુક બીમારીઓ કે શારિરીક સમસ્યાઓથી બચી શકતા નથી તો પછી એવા સમયે જો એક યોગથી અનેક લાભ લઈ શકાતો હોય તો શું કામ એ લાભ ન લેવો!