પુરુષ

અંતે સગાં તો સૌ સ્વાર્થનાં જ…!

નીલા સંઘવી

એક વૃદ્ધાશ્રમની મુલાકાતે પહોંચી. અહીં મારી બીજી મુલાકાત હતી. પહેલાં પણ મને અહીંથી થોડી વાર્તા મળી હતી. વૃદ્ધાશ્રમના મેનેજરની ઑફિસમાં બેસીને વૃદ્ધજનોની સમસ્યાઓ, અત્યારની પરિસ્થિતિ, સંતાનોની વર્તણૂક વિષે વાતો કરી હતી. એ દરમિયાન વૃદ્ધાશ્રમના સંચાલક – ટ્રસ્ટી પણ આવ્યા. એમણે પણ અમારી વાતોમાં ઝૂંકાવ્યું અને થોડીવાર પછી મેનેજરને પૂછ્યું: ‘તમે પેલા મનોરમાબહેન વિશે વાત કરી કે નહીં?’

‘આ બહેન હમણાં જ આવ્યાં છે. હવે એમને મનોરમાબહેન વિશે કહીશ…’ મેનેજરે કહ્યું. એટલે મેં પ્રશ્ર્નાર્થ નજરે મેનેજર સામે જોયું. એ કહે : ‘આપણે હમણાં સંતાનોની વર્તણૂક વિષે વાત કરતા હતા એનો બહુ જ ખરાબ અનુભવ મનોરમાબહેનને થયો છે.’ ‘શું છે એમનો અનુભવ ?’ ‘જી..લગભગ ત્રણેક મહિના થયા મનોરમાબહેનને અહીં દાખલ થયાને. મનોરમાબહેનના ભાઈ એમને અહીં મૂકવા આવ્યા હતા. મનોરમાબહેનને સંતાનમાં એક જ દીકરો સંદીપ, ખાધેપીધે સુખી પરિવાર. મનોરમાબહેનના પતિ મગનભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પ્રામાણિક અને મહેનતુ હોવાને કારણે મગનભાઈ પર એમના શેઠ ખુશ હતા. પગાર સારો આપતા હતા. નાનો પરિવાર અને મનોરમાબહેનની કરકસરથી ઘર ચલાવવાની આવડતને કારણે કદી પૈસાની ખેંચ વર્તાતી નહીં. સામાન્ય મધ્યમ વર્ગના પરિવારની જેવી જિંદગી હોય તેવી એમની પણ જિંદગી હતી. સંદીપને ભણાવ્યો, પરણાવ્યો – વરાવ્યો. ઘરમાં પુત્રવધૂનું આગમન થયું. મગનભાઈ હજી રિટાયર્ડ નહોતા થયા. સંદીપને પણ સારી જોબ હતી. પુત્રવધૂ પણ જોબ કરતી હતી. અને સરસ જીવન વ્યતીત થતું હતું. મનોરમાબહેન પુત્રવધૂને ઘરકામમાં બની શકે તેટલી મદદ કરતાં. દેવદર્શને જતાં. સરસ ચાલી રહ્યું હતું, પણ સુખ ક્યાં કોઈનેયે લાંબું ટકે છે? સુખની પાછળ લાઈનમાં દુ:ખ તો ઊભું જ હોય છે. વિશ્ર્વભરમાં કોરોના ત્રાટક્યો. ભારતમાં પણ કોરોનાએ કાળો કેર વતાવ્યો. મગનભાઈ કોરોનાની ચપેટમાં આવી ગયા. સખત તાવ, ખાંસી અને તકલીફ વધતી ચાલી. ચાર દિવસ ઘરમાં કવોરેન્ટાઈન થયા, પણ તકલીફ વધવાને કારણે હોસ્પિટલ ખસેડવા પડ્યા. હોસ્પિટલની ગાડી આવીને મગનભાઈને લઈ ગઈ. જતી વખતે દૂરથી ફકત ‘આવજો’ કરીને મગનભાઈ હોસ્પિટલ ગયા. મનોરમાબહેનની રડી રડીને આંખો સૂઝી ગઈ. હોસ્પિટલમાં ન જઈ શક્યાં, ન મગનભાઈને મળી શક્યાં. મગનભાઈની તકલીફ વધતી ચાલી, પણ કાંઈ ઉપાય ન હતો. હતી તો હતી ફકત લાચારી અને એક રાતે મગનભાઈના અવસાનના સમાચાર હોસ્પિટલમાંથી આવ્યા.

સવારે પરિવાર હોસ્પિટલ ગયો. હોસ્પિટલની બહાર માસ્ક પહેરીને ઊભા. હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં મગનભાઈના મૃતદેહને સ્મશાન લઈ જતા હતા. બહુ જ વિનંતી કરવાને કારણે પ્લાસ્ટિકમાં પૂર્ણપણે લપેટેલા દેહનો ફકત ચહેરો જોવા દીધો અને પછી મગનભાઈને સ્મશાન હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં જ લઈ જવાયા. પરિવારના બે-ત્રણ જણ પાછળ કારમાં ગયા અને દૂરથી જ જોઈને પાછા આવ્યા. મનોરમાબહેન તો સાવ પડી ભાંગ્યાંં. આખો દિવસ રડ્યા કરતાં. પણ કહેવાય છે ને કે ‘દુ:ખનું ઓસડ દહાડા’ તેમ દિવસો વીતતા થોડા સ્વસ્થ થયાં . દીકરો-વહુ ઘરેથી કામ કરતા હતા. એમને ત્યાં પણ નાનકડી પરી જન્મી. પરી સાથે મનોરમાબહેનનો દિવસ સારી રીતે પસાર થઈ જતો.

કોરોના કાળ વિત્યા પછી જનજીવન સામાન્ય થવા લાગ્યું. મગનભાઈ – મનોરમાબહેનનું પોતાનું ઘર હતું. મગનભાઈના મૃત્યુ બાદ કંપની તરફથી સારી એવી રકમ મળી હતી, જે મનોરમાબહેનના નામે એફડી કરી દીધી હતી. કોઈવાર સંદીપને પૈસાની જરૂર પડે તો તે મનોરમાબહેન પાસે સહી કરાવીને બેંકમાંથી પૈસા લઈ આવતો. મનોરમાબહેન કદી બેંકમાં જતાં નહીં. સંદીપ કહે ત્યારે સહી કરી દેતા હતાં .

થોડા સમય પછી મનોરમાબહેનના ભત્રીજાના લગ્ન હતા. એમના ભાઈએ બહેનને એકાદ મહિનો પહેલાં પોતાના ઘેર બોલાવી લીધાં હતાં, જેથી લગ્નના કામમાં બહેન મદદરૂપ થઈ શકે, વળી વ્યવહારિક બાબતોમાં પણ એમની સલાહ કામ આવે. મનોરમાબહેન તો ભત્રીજાના લગ્નમાં મહાલતાં હતાં. બધાં ફોઈબાનું બહુ જ માન જાળવતા હતાં. મનોરમાબહેનને ગમતું હતું. રંગેચંગે લગ્ન સંપન્ન થયા પછી મનોરમાબહેન પોતાને ઘેર પાછાં આવ્યાં.

-પણ આ શું? પુત્રવધૂનું વર્તન સાવ બદલાયેલું લાગ્યું. વાતવાતમાં એ સાસુને ટોકવા લાગી હતી : ‘મમ્મી તમે પરી સાથે આમ નહીં કરો, તમે એને બહુ બગાડી છે…’ આગળ વધીને કહેતી :

‘મમ્મી હમણાં તમારી રસોઈ જરાય સારી થતી નથી. કોઈવાર મીઠું વધારે હોય છે તો કોઈવાર ગળપણ’ તો કોઈ વાર કહેતી‘તમારે તો ઠીક છે. અમે ઘર કેવી રીતે ચલાવીએ છીએ તેની તમને ક્યાં ખબર છે? વળી તમારી દવાનો ખર્ચ પણ કેટલો બધો છે.’

વહુની આવી રોજની ટકટકથી એમને બહુ જ ગુસ્સો આવ્યો, ગુસ્સામાં બોલ્યાં: ‘તું મને રોજ આટલું બધું શેની સંભળાવે છે? આ તો તને મદદ કરું છું. આભાર માનવાનો તો દૂર, ઉપરથી ટોકટોક કરે છે. હું કાંઈ તારી નોકરાણી નથી. અને દવાનો ખર્ચ તમે નથી કરતા. સંદીપ દર મહિને મારી પાસેથી સહી લઈ જાય છે અને બેંકમાંથી મારા પૈસા ઉપાડે છે. હું તારી વધારે કચકચ અને જોહુકમી સહન કરવાની નથી. તને ફાવતું હોય તો સાથે રહે નહીં તો તમારી વ્યવસ્થા કરી લો. હું તો મારાં ઘરમાં મારો રોટલો ઘડીને ખાઈશ અને રહીશ. જાવ તમે લોકો.’‘તમારું ઘર ક્યાં છે તમારું ઘર? આ તો અમારું ઘર છે.’ વહુએ છણકો કર્યો. ‘ક્યાંથી થઈ ગયું તારું ઘર? તારા સસરાએ મારા નામ પર લીધેલું છે આ ઘર.’‘ઊભાં રહો, સંદીપને બોલાવું છું. તમને પેપર બતાવશે’ કહીને વહુએ સંદીપને બોલાવ્યો. સંદીપે કહ્યું: ‘હા, મમ્મી આ ઘર હવે મારા નામ પર છે. મેં ઘર મારા નામ પર ટ્રાન્સફર કરાવી લીધું છે.’

‘પણ ક્યારે? કેવી રીતે? આપણે તો ક્યારેય વાત નથી થઈ. નથી આપણે સહી સિક્કા કર્યાં.’ ‘મમ્મી, તું ભૂલી ગઈ છે. પેપર પર તેં જ તો સહી કરી હતી’ સંદીપે નફફટાઈથી કહ્યું. મનોરમાબહેન સમજી ગયાં. દીકરાએ છેતરપિંડીથી પોતાનું ઘર હડપી લીધું હતું. એ બહુ રડ્યાં , પણ હવે કાંઈ થઈ શકે તેમ ન હતું. દીકરા પર વિશ્ર્વાસ મૂક્યો. સહી કરતા પહેલાં પેપર વાંચ્યા નહીં એ એમની મોટી ભૂલ હતી. પછી તો મનોરમાબહેન સાથે પુત્રવધૂનું વર્તન બગડતું જ ગયું. વાતવાતમાં અપમાન કરતી અને કહેતી:

‘ન ફાવતું હોય તો નીકળી જાવ અમારા ઘરમાંથી.’ વહુની આ વાત સાંભળીને મનોરમાબહેનના રુંવે રુંવે આગ લાગતી. હવે અહીં રહેવું અસહ્ય હતું. મનોરમાબહેને પોતાના ભાઈને બધી વાત કરી. ભાઈએ કહ્યું, ‘બહેન, તું મારે ઘેર આવી જા. મને ભારે નહીં પડે.’ પણ મનોરમાબહેન ભાઈ પર બોજ બનવા માગતાં ન હતાં. એમણે ભાઈને કોઈ યોગ્ય વૃદ્ધાશ્રમની તપાસ કરવા કહ્યું અને પછી એમના ભાઈ મનોરમાબહેનને અહીં મૂકી ગયા. મનોરમાબહેન અહીં શાંતિથી રહે છે અને એમનાથી બને તેટલી કિચનમાં મદદ કરે છે.’ મેનેજરે વાતની સમાપ્તિ કરી. પેટના જણ્યાં હોય કે પછી અન્ય સ્વજન…ખરેખર, અંતે સગાં સૌ સ્વાર્થના જ…!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button