પુરુષ

ઓહ ઉનાળો, આહ ઉનાળો પણ જરા સાચવજો !

આ ઋતુમાં શરીર સાજુમાજુ રહે એ માટે આપણે કેટલીક તો તકેદારી લેવી જ પડે…

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

ઉનાળો તો મૂળે આકરો હતો, એમાં ક્લાયમેટ ચેન્જ-આબોહવામાં થતાં ફેરફારને કારણે ઉનાળો હવે પહેલાંથી વધુ આકરો બન્યો છે. પહેલી નજરે લાગતી આ ગરમી કે તડકો એ માત્ર ગરમી નથી, પરંતુ આપણા માટે જીવનભર યાદ રહી જાય એવી આફતો નોતરી શકે છે, કારણ કે આ સમય સ્વાસ્થ્ય માટે પણ અત્યંત આકરો સાબિત થતો હોય છે, જે સમયમાં લૂ લાગવાથી લઈ સ્ટ્રોક આવવા સુધીની ગંભીર સમસ્યાઓના સૌથી વધુ કેસ બનતા હોય છે. બીજી તરફ, પુરુષને તો શિયાળો હોય કે ઉનાળો, એના કામ કે એની જવાબદારીઓમાં કોઈ ફરક આવવાનો નથી. એણે તો દોડ્યે જ રાખવાનું છે. આમ છતાં, આ સમયમાં એ કેટલીક તકેદારી રાખે એ અત્યંત મહત્ત્વનું છે.

આપણે અહીં એમ ચર્ચા નહીં કરીએ કે તમે સનસ્ક્રિન લોશન ચોપડીને બહાર નીકળજો કે ઉનાળામાં આવા કપડાં પહેરજો.. પરંતુ તો યે એણે ખાવા-પીવાને લઈને અમુક વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

જેમ કે પુરુષ મોટાભાગે ઘરેથી વહેલો નીકળે છે અને સાંજે મોડો ઘરે આવે છે તો દિવસ દરમિયાન પણ તે અહીંથી તહીં ફરતો રહે છે.આવા સમયે ક્યાં તો પુરુષ ઘરેથી જમવાનું નથી લઈ જતો અથવા તો તે ઘરનું લઈ ગયો હોય તો પણ બહાર કંઈ ને કંઈ તો ખાતો રહે છે.

એક ગાઈડલાઈનમાં સરકારે સુધ્ધાં કહ્યું છે કે ગરમીના દિવસોમાં બહારનું ખાવાનું ટાળવું, કારણ કે બહારનો ખોરાક વાસી હોય છે તેમજ તળેલો અથવા મસાલેદાર હોય છે. આ ખોરાકથી ગરમીના દિવસોમાં આસાનીથી તબિયત બગડી જતી હોય છે એટલે આ દિવસો દરમિયાન બહારનું ખાવાનું સદંતર ટાળવું.

એક હેલ્થ એક્સપર્ટ એમ પણ કહે છે કે પુરુષ મોટાભાગે કોઈ ને કોઈ વ્યસનનો બંધાણી હોય છે. ક્યાં તો એને માવા અને પાનમસાલા કે સિગારેટની ટેવ હોય છે. અથવા તો આલ્કોહોલ લેતો હોય છે, પરંતુ ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેડ રાખવાની અત્યંત જરૂર હોય છે એટલે કે શરીરમાં પ્રવાહી પૂરતા પ્રમાણમાં રહે એ જરૂરી છે, કારણ કે આલ્કોહોલ કે કેફીન માણસને વધુ પડતા પસીના કે પેશાબથી ડિહાઈડ્રેડ કરી દે છે. વળી, ગરમીના સમયે શરીરની આંતરિક ક્રિયાઓમાં અત્યંત દબાણ સર્જાતું હોય છે. એવા સમયે કેફીન કે આલ્કોહોલ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે માટે આ દિવસો દરમિયાન પુરુષોએ કોઈ પણ પ્રકારનું વ્યસન ટાળવું. આખરે જાત મહત્ત્વની છે. શોખ નહીં!

આ ઉપરાંત ડાયેટિશિયન-આહારશાસ્ત્રી એમ સલાહ આપે છે કે આ દિવસોમાં પાણી પીતા રહેવું. સાથે છાસ કે લીંબુપાણી જેવાં દ્રાવણનો પણ મારો ચલાવવો. આ દિવસોમાં ચા- કોફી પણ પીવું ટાળવું. જો કે , પુરુષ આ વાતને લઈને લઘરો હોય છે. ઘણી વાર તો સવારે ઘરેથી લીધેલી પાણીની બોટલ પણ અડધી જ પીધી હોય છે. આ પણ યોગ્ય નથી. ગરમી દરમિયાન શરીરમાં દિવસના બેથી ત્રણ લિટર પાણી ઠલવાવું જોઈએ. એમાં આળસ નહીં કરવાની. .

આખરે આ આપણી પોતાની જાત છે. આપણને આપણા સિવાય એને બીજું
કોણ સુખી કરી શકવાનું ? અને આપણું સુખ આપણા સ્વાસ્થ્ય સાથે જ સંકળાયેલું છે.

ડાયેટિશિયનની બીજી સલાહ એ છે કે ઉનાળા દરમિયાન અનાજ કે ભારે ખોરાક ઓછો ગ્રહણ કરો. એની જગ્યાએ હળવો ખોરાક દિવસમાં થોડા થોડા અંતરે લેતા રહો. એમાં ય ઉનાળાનાં ફળ જેવા કે તરબૂચ, જાંબુ, તાડગિલ્લી, ચીકુ કે કેરીને પોતાના ખોરાકમાં વધુ સામેલ કરો, જેથી શરીરની આંતરિક સિસ્ટમ અત્યંત સરસ રીતે ચાલે, શરીરમાં ઠંડક રહે અને તમે એકદમ તરોતાજા રહો. બાકી વર્ષનો આ અત્યંત કપરો સમય ચાલે છે. એમાં જરા સરખી બેદરકારી આપણે માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે માટે આપણું સ્વસ્થ રહેવું પણ અત્યંત આવશ્યક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button