પુરુષ

હવે પુરુષો પણ વર્ક-લાઈફ બેલેન્સ જાળવવા સંઘર્ષ કરે છે

ધ નેશનલ સ્ટડી ઓફ ધ ચેન્જિંગ વર્કફોર્સ-ફેમિલીઝ એન્ડ વર્ક ઇન્સ્ટિટ્યૂટના ૩૦ વર્ષના લાંબા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૯૭૭ અને ૨૦૦૮ની વચ્ચે, બંને જણા કમાતા હોય તેવા યુગલોમાં કામ-પારિવારિક સંઘર્ષમાં માતાઓની ટકાવારી ૪૧ ટકાથી સહેજ વધીને ૪૭ ટકા થઈ છે. જ્યારે કાર્ય-પારિવારિક સંઘર્ષ અનુભવનાર પિતાઓની ટકાવારી ૩૫ ટકાથી ૬૦ ટકા સુધી નોંધપાત્ર રીતે વધી છે

કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક

ઇન્ફોસિસના કો-ફાઉન્ડર શ્રી નારાયણ મૂર્તિએ હમણાં કહ્યું હતું કે, “ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્ર્વમાં સૌથી ઓછી છે અને ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા માટે, દેશના યુવાનોએ બીજા વિશ્ર્વયુદ્ધ પછી જાપાન અને જર્મનીની જેમ કામના વધારાના કલાકો આપવા પડશે.

આપણે સહુ જાણીએ છીએ કે પરંપરાગત રીતે સમગ્ર દુનિયામાં પરિવારની આર્થિક જવાબદારી પુરુષોની હોય છે. આધુનિક સમયમાં ચોક્કસ મહિલાઓ પણ તેમાં યોગદાન આપે છે અને તે પણ ઘણું મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે, પણ તેની સાથે જ એક ચર્ચા જોડાયેલી છે, તે છે વર્ક-લાઈફ બેલેન્સ અર્થાત વ્યવસાય અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવવાની. આ ચર્ચા મોટે ભાગે મહિલાઓ કેન્દ્રિત રહી છે. તેનું ખાસ કારણ પણ છે. કેમકે મહિલાઓ પાસેથી એવી અપેક્ષા રખાય છે કે વ્યવસાયીક રીતે તેનું કામ ગમે તેટલું મહત્ત્વનું, સમય માગી લે તેવું અને મહેનતનું હોય, તો પણ ઘર, પરિવાર અને રસોડું સાચવવાની જવાબદારી તેની જ છે. તેથી તેમના માટે તંગ દોરડા પર ચાલવાની કસરત જેવું છે. દુનિયાભરની મહિલાઓ આ કરી પણ બતાવે છે અને તેને માટે તેમને સલામ!
પણ પુરુષો પણ આ જ સમસ્યાથી પીડાય છે, જેને વિશે ન તો પુરુષો પોતે વધુ ચર્ચા કરે છે અને ન તો સમાજ કે નીતિ ઘડનારાઓ તેની સામે લક્ષ આપે છે. આધુનિક સમયમાં જેમ મહિલાઓ આર્થિક જવાબદારીઓ ઉપાડવા લાગી છે, તેવી જ રીતે આધુનિક પુરુષ પણ પરિવારની જવાબદારીઓ ઉપાડવા લાગ્યો છે. ચોક્કસ, તેમાં ડિવિઝન ઓફ વર્કનો સિદ્ધાંત બાજુએ રહી ગયો છે, પણ જે થયું છે તે તો હકીકત છે જ ને? એટલે આધુનિક પુરુષ પણ ક્યાંક ને ક્યાંક આ વર્ક-લાઈફ બેલેન્સની સમસ્યાથી પીડાય છે. તાજેતરના વર્ષોમાં, પુરુષો પણ વધુને વધુ નાના બાળકો માટે પ્રાથમિક સંભાળ રાખનારા બની ગયા છે, અને સરેરાશ પિતાઓ તેમના બાળકોની સંભાળ રાખવામાં અને ઘરના કામકાજ પૂર્ણ કરવામાં વધુ સમય વિતાવી રહ્યા છે, જોકે સ્ત્રીઓ હજુ પણ બંને કાર્યોમાં વધુ સમય વિતાવે છે. એક બાજુ મહિલાઓ વિશે એવી ગેરસમજણ પ્રવર્તે છે કે તેઓ કામ પ્રત્યે ઓછી સમર્પિત હોય છે કેમકે તેમનું ધ્યાન પરિવાર અને બાળકો તરફ વધારે હોય છે, તો બીજી બાજુ પુરુષો માટે એવું માની જ લેવાય છે કે એમણે ક્યાં ઘરે જઈને રોટલા ઘડવાના છે? કલાક- બે કલાક ઓફિસમાં વધારે સમય આપે તો શું થઇ જવાનું છે? જોકે નારાયણ મૂર્તિએ જયારે “ઉત્પાદકતાની વાત કરી ત્યારે તેનો એક અર્થ એ પણ છે કે જેટલા કલાક કામ કરો તે હકીકતમાં કેટલું ઉત્પાદક હોય છે? આ એક અલગ મુદ્દો છે. પણ આપણે ત્યાં તો વધારે કલાક ઢસરડા કરાવે ત્યારે જ બોસને એમ લાગે કે કર્મચારી કામ કરે છે! તેમાં કેટલાય વર્ષોથી પુરુષો મહદ અંશે પીડાય છે.

ધ નેશનલ સ્ટડી ઓફ ધ ચેન્જિંગ વર્કફોર્સ-ફેમિલીઝ એન્ડ વર્ક ઇન્સ્ટિટ્યૂટના ૩૦ વર્ષના લાંબા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૯૭૭ અને ૨૦૦૮ની વચ્ચે, બંને જણા કમાતા હોય તેવા યુગલોમાં કામ-પારિવારિક સંઘર્ષમાં માતાઓની ટકાવારી ૪૧ ટકાથી સહેજ વધીને ૪૭ ટકા થઈ છે. જ્યારે કાર્ય-પારિવારિક સંઘર્ષ અનુભવનાર પિતાઓની ટકાવારી ૩૫ ટકાથી ૬૦ ટકા સુધી નોંધપાત્ર રીતે વધી છે. તાજેતરના વર્ષોમાં ઉદ્ભવેલા પિતાના નવા આદર્શની સાથે પુરુષો દ્વારા નોંધાયેલા કામ-પારિવારિક સંઘર્ષમાં આ વધારો થયો છે. આ નવા આદર્શમાં, એક સારા પિતાની વ્યાખ્યા “આર્થિક જવાબદારી પુરી કરનારથી ઘણી વધુ છે. આજે પિતા પાસેથી બાળકની સંભાળ અને ઘરેલું જવાબદારીઓમાં સામેલ થવાની અપેક્ષા રાખવામાં આવે છે, જરૂર પડ્યે માત્ર મદદ કરવાને બદલે તેમના ભાગીદારો સાથે સંભાળનું કામ વહેંચે છે.

સક્રિય અને વ્યસ્ત માતા-પિતા બનવાના સામાજિક દબાણમાં વધારાનો અર્થ એ છે કે હવે વધુ પુરુષોને પણ મહિલાઓની જેમ જ સ્પર્ધાત્મક માગણીઓનો સામનો કરવો પડે છે. પિતા પરના સંશોધન સૂચવે છે કે તેઓ આ અપેક્ષાઓ પોતાના માટે પણ રાખે છે; બોસ્ટન કૉલેજના સેન્ટર ફોર વર્ક એન્ડ ફેમિલીમાંથી મોટાભાગે પ્રોફેશનલ ફાધર્સના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના પિતા માત્ર પરંપરાગત બ્રેડવિનર બનવા માગતા નહોતા, પરંતુ તેઓ તેમના બાળકોની સંભાળ રાખવામાં તેમની ભૂમિકાને પણ મહત્ત્વ આપતા હતા.

જયારે બીજી બાજુ આદર્શ કર્મચારીના દ્રઢ થયેલા ધોરણો મુજબ, આદર્શ કર્મચારીની વ્યાખ્યા શું? કામની પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કરે તેવી કૌટુંબિક જવાબદારીઓ વિના કામ કરવા માટે સંપૂર્ણ સમર્પિત કાર્યકર! પિતૃત્વ અને પુરુષત્વની આસપાસના બદલાતા ધોરણો સાથે સંયોજિત હોવાનો અર્થ એ છે કે પુરુષો કામ પર અને ઘરમાં વધતા દબાણનો સામનો કરી રહ્યા છે. એક હકીકત એ છે કે હજી પણ પુરુષ પરિવાર માટે આર્થિક વ્યવસ્થા કરનાર મુખ્ય વ્યક્તિ જ છે, તેની પત્ની કમાતી હોય, તો પણ. એટલે પુરુષ કાર્યસ્થળની અપેક્ષાઓ, પોતાની આર્થિક ઉન્નતિની અપેક્ષાઓ, પરિવાર માટે સ્વયં પાસેથી રાખેલી અપેક્ષાઓ અને પરિવારે પુરુષ પાસેથી રાખેલી અપેક્ષાઓ બધા સાથે એક સાથે ઝઝૂમે છે. હવે કામના કલાકો સીમિત કરીને અથવા કામના સમયમાં ફેરફાર કરીને અથવા મહિલાઓની જેમ પુરુષોને પણ પેટર્નીટી લિવ જેવી વ્યવસ્થાઓ આપીને આ પરિસ્થિતિમાં સુધારો કરવા પ્રયત્નો થઇ રહ્યા છે, પણ આધુનિક સમયમાં વધી રહેલી હરિફાઈમાં કાર્યસ્થળે પણ દબાણ ઘટવાને બદલે વધી જ રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button