પુરુષ

નામ નામ કી બાત હૈ બડી કામ કી બાત હૈ

શેક્સપિયરના સૈકાઓથી લઈને આજ સુધી નામનું મહત્ત્વ કેટલું એની ચર્ચા અવિરત ચાલતી જ રહી છે ત્યારે એ ચર્ચાને જરા હળવી નજરે પણ જોઈ જઈએ.

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

સંદર્ભ કોઈ પણ હોય,પણ જેવી નામની વાત નીકળે એટલે આપણને નાટ્યકાર વિલિયમ શેક્સપિયરનું પેલું સનાતન વાક્ય યાદ આવે :
વોટ’સ ઈન અ નેમ?’

આ નામમાં વળી શું રાખ્યું છે (કે શું બળ્યું છે ! ) એ વાક્ય સાથે આપણાં લતાજીનું મનસ્પર્શી પેલું ગીત : ‘નામ ગૂમ જાયેગા.’ પણ અચૂક યાદ આવી જાય. કહો ન કહો, નામમાં કઈંક વજૂદ તો છે કેટલાંક નામથી ફદિયાનોય રણકાર ન થાય તો અમુક નામના ઉલ્લેખ માત્રથી દસે દિશામાંથી જયજયકાર થાય. મારા- તમારા જેવાંનાં નામથી દરવાજાનો નકુચોય ન ખૂલે, પણ મુકેશ અંબાણીના નામથી ‘ખૂલ જા સિમ સિમ’ની જેમ અલીબાબાના ખજાનાના બધા દરવાજા પણ ફટાક કરતાં ખૂલી જાય
થોડા સમયથી ચિત્ર-વિચિત્ર લાગે એવાં નામની ચર્ચા શરૂ થઈ છે પ્રિયંકા ચોપરા અને એના હબ્બી નીકને લીધે. કૃત્રિમ ગર્ભાધાન દ્વારા એમને ત્યાં લક્ષ્મીની પધરામણી થઈ. એ પુત્રીનું નામ કંઈક વિચિત્ર લાગે એવું પાડવામાં આવ્યું છે : ‘માલતી મેરી ચોપરા જોનાસ’. આમાં ‘માલતી’ એ પ્રિયંકાની મમ્મીનું નામ છે,જ્યારે ‘મેરી’ નામ છે પતિ નીકની મમ્મીનું. આમ બે વેવાણનાં નામ પરથી બન્યું પ્રિયંકાની નવજાત પુત્રીનું નામ!

આવું એક અન્ય ધ્યાન ખેંચે એવું નામ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનું છે. ક્ધનડ-તમિળ ફિલ્મો માટે જાણીતી રકુલ હવે હિન્દી ફિલ્મોમાં પણ આવી છે. કરાટે ચેમ્પિયન અને રાષ્ટ્રીય સ્તરે ગોલ્ફની અચ્છી ખેલાડી રકુલ એની પ્રથમ હિન્દી ફિલ્મ ‘યારિયાં’ પછી રજૂ થયેલી અમિતાભ-અજય દેવગનની ફિલ્મ ‘રનવે ૩૪’ માં પણ અગત્યની ભૂમિકામાં હતી. પોતાનું નામ વિચિત્ર કેમ લાગે છે એનો ફોડ પાડતા રકુલ ખુદ જ કહે છે કે મારા આર્મી સાથે સંકળાયેલા પપ્પાનું નામ છે રાજેન્દ્ર સિંહ તથા મમ્મી છે કુલવિંદર અને એમનાં પ્રેમની નિશાની છું હું એટલે એ બન્નેનાં નામ પરથી મારું નામ છે ‘રકુલ પ્રીત’!

આજે આવાં બીજાં કેટલાંક નામની પણ ચોતરફ ચર્ચા છે અવનવાં નામની અને જાતભાતનાં નામ પાડનારાની. આપણે ત્યાં અગાઉ નવજાતનું નામ પાડતી ફૈબાને હવે ભૂલી જાવ. હવે તો શિશુનાં નામ પાડી આપતી એજન્સી શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલાં બહુ જ ચમકેલા પેલા સમાચાર તો તમે વાંચ્યાં જ હશે કે ન્યૂયોર્કમાં બાળકનાં નામ પાડી આપતી એક ક્ધસલ્ટન્સી કંપનીની સર્વેસર્વા એવી ટેલર હન્ફ્રે નામની મહિલા તાજાં જન્મેલાં બાળકનું નામ પાડવાની ફી રોકડા ૩૦ હજાર ડોલર લે છે. આશરે આપણા ૨૩ લાખ રૂપિયાની ફી લેતી આ લેડીની નામ પાડવાની રીત નિરાળી છે. બાળકની જન્મ તારીખ-જન્મ સમય એ બધું ઠીક, પણ શિશુનું નામની સલાહ આપતા પહેલાં એ લેડી નવજાત બાળકનાં મમ્મી-પપ્પાનો એક દીર્ધ ઈન્ટરવ્યુ લે છે,જેમાં એમનાં વ્યવસાયથી લઈને શોખ વિશે પ્રશ્ર્નો પૂછે છે. પછી બાળકને ભવિષ્યમાં શું બનાવવા ઈચ્છો છો એ વિશે જાણી લે. આટલી માહિતી મેળવ્યા પછી માતા-પિતાના પૂર્વજોની પણ એ નામાવલિ તપાસી જાય. આ બધું પત્યાં પછી લેડી ટેલર હન્ફ્રે પોતે અમૂક નામ સૂચવે. નવજાતનાં મા-બાપ આમાંથી એક નામ પર પસંદગી ઉતારે એટલે પેલી લેડી નામકરણ વિધિનો વ્યવસ્થિત સમારંભ પણ યોજી આપે. આટલી બધી કડાકૂટ કરવાની જહેમતનો પણ એની તગડી ફીમાં સમાવેશ થઈ જાય આ રીતે શિશુનાં નામ પાડી આપતી ટેલર હન્ફ્રે પરણી છે, પણ ખુદ નિ:સંતાન છે,પણ એનાં સૂચવેલાં નામ લોકોને બહુ ગમે છે. એટલે બાળકનાં નામ પાડવાની એને સતત વરદી મળ્યાં જ કરે છે. કોવિડ કાળ દરમિયાન પણ એણે ૧૦૦થી વધુ નવજાતનાં નામ પાડી આપ્યાં હતાં.

આપણે ત્યાં આ રીતે નામ પાડી આપતી કોઈ એજન્સી ચલાવે છે કે નહીં એ તો રામ જાણે,પણ આપણે ત્યાં નવજાતનું નામ પાડવાનો પહેલો હક ફૈબાને આપવામાં આવ્યો છે. આમ છતાં, મા-બાપને ગમતાં નામ પર જ મોટાભાગે ફૈબા મત્તુ મારી આપી નામકરણ વિધિ સંપન્ન કરી આપે. દરેક મા-બાપ પોતાનાં સંતાનને અલગ તરી આવતું કોઈ વિશિષ્ટ નામ આપવા ઈચ્છે છે. આવા વખતે રાશિ મુજબ નવજાત શિશુનાં નામની ‘ઉઘરાણી’ લેખક કે કવિમિત્રો પાસે થાય.પત્રકારોની પણ મદદ લેવાની વાત સહજ છે.

એક જમાનામાં બંગાળી લેખકોનાં પાત્રોનાં નામ પરથી સંતાનનાં નામ પાડવાનો આપણે ત્યાં ખાસ્સો ક્રેઝ કે ફેશન હતી. એ વખતે કોલકાતામાં વસતા જાણીતા નાટ્યકાર-સાહિત્યકાર શિવકુમાર જોશીને બંગાળી સાહિત્ય અને સાહિત્યકારો સાથે અચ્છો ઘરોબો. એમની કૃતિઓમાં પણ બંગાળી નામોની ભરપૂર
છાંટ રહેતી અને એ જ કારણે ગુજરાત-મુંબઈના વાચકો શિવુદાને આવાં બંગાળી નામ સૂચવવાની ખાસ ડિમાન્ડ કરતાં ! તેજાબી કલમધારી ચન્દ્રકાંત બક્ષી કોલકાતામાં વર્ષો રહ્યાં.સંતાનનાં નામ માટે એમને પણ વાચકો ખાસ પુછાવતા.. બક્ષીબાબુએ તો સંતાનનાં અવનવાં નામોનું એક પુસ્તક (‘નવાં નામ’ ) પણ પ્રગટ કરેલું !

પોતાનાં સંતાનને નવાં-અવનવાં- આધુનિક નામ આપવાની ઈચ્છા ધરાવતાં મમ્મી-પપ્પાના લાભાર્થે અમુક પ્રકાશકોએ નામનાં અર્થની સમજણ સાથે પુસ્તક પણ પ્રગટ કર્યાં છે.

વચ્ચે એક સમય એવો પણ આવ્યો કે બંગાળી નામ સાથે સંસ્કૃતની છાંટવાળા નામ રાખવાની જાણે ફેશન શરૂ થઈ ગઈ હતી. આજની સેલિબ્રિટીઝ-ખાસ કરીને – ફિલ્મી હસ્તિઓનાં સંતાનનાં નામ ક્યારેક પહેલી નજરે પલ્લે ન પડે કે ન સમજાય અથવા તો એ નામ મુસ્લિમ હોય એવું પણ લાગે. ઉદાહરણ તરીકે : કાજોલ -અજય દેવગનની પુત્રીનું નામ છે નાયસ્સા. આ મૂળ ગ્રીક-હિબ્રુ નામ છે,જેનો અર્થ થાય છે : મંજિલ અથવા તો પ્રારંભ. અરબીમાં આનો એક અર્થ મહિલા પણ થાય છે.

આ જ રીતે શ્ર્વેતા બચ્ચનની પુત્રી નાવ્યા નવેલી
(હરહંમેશ યુવાન એવી) નામ પણ ધ્યાન ખેંચે એવું છે. એ જ રીતે, હ્રિતિક રોશનનાં બન્ને પુત્રનાં નામ છે રિહાન અને રિધન. આ બન્ને મૂળ અરબી નામ છે. નીલ નિતિન મુકેશે એની દીકરીને નામ આપ્યું છે નુરવી (મૂળ સંસ્કૃત શબ્દ. અર્થ: સ્વર્ગ જેવું સુખ) લીસા રેએ એની જોડકી પુત્રીને સૂફી અને સોલીઈલ કહે છે.

(‘સોલીઈલ’ એક હોટેલનું નામ છે, જ્યાં લીસા સગાઈ પછી એના ભાવિ પતિ સાથે રહી હતી !) કોંકણા સેન – રનવીર શૌરીના પુત્રનું નામ છે હરુન,જેનો એક અર્થ છે શાંતિ. બાય ધ વે, કોંકણા-રનવીરના લગ્નજીવનમાં શાંતિને બદલે કંકાશ વધી ગયો પરિણામે એ બન્નેએ હવે તલાક લીધા છે.!

બીજી તરફ, જેમ પેલી ન્યૂ યોર્કની લેડી ટેલર હન્ફ્રે તગડી ફી લઈને સંતાનનાં નામ સૂચવે છે તેમ આપણે ત્યાં ઘણી જાણીતી હસ્તિઓ જ્યોતિષી અને અંકશાસ્ત્રીઓની સલાહ લઈને સંતાનનાં નામે રાખે છે. આવાં મા-બાપની વિશેષ ઈચ્છા હોય છે કે બાળકનું નામ ગ્રહ-રાશિની દ્રષ્ટિએ નસીબવંતુ હોવા ઉપરાંત ધ્યાનાકર્ષક હોવું જરૂરી છે. કેટલાંક તો વળી નામમાં દેવી-દેવતાનાંય નામના અંશ આવે એનો આગ્રહ રાખે છે. અમુક તો કહે છે કે હિબ્રુ-રોમન કે પછી લેટિન અને ઈસ્લામી છાંટવાળા નામ હોય તો ઉત્તમ !

જો કે આ બધા વચ્ચે આપણી હિન્દી ફિલ્મોનાં કેટલાંક કિરદાર-પાત્રોનાં સદાબહાર નામ વિસરી જઈએ એ કેમ ચાલે? ઉદાહરણ તરીકે…
વિજય ( અમિતાભ-દેવ આનંદ) –
રાજુ ( રાજ કપૂર – દેવ આનંદ) –
પ્રેમ ( સલમાન ખાન) અને રાહુલ
( શાહરુખ ) …તમને જાણીને નવાઈ પણ લાગશે કે અમિતજીની ૨૨ ફિલ્મમાં એમનું નામ છે ‘વિજય’! એ જ રીતે, શાહરુખે પણ એની ૧૨ ફિલ્મમાં ‘રાહુલ’ના નામે અભિનય કર્યો છે. એમાંય, એનું રાહુલ નામ તો એવું લોકપ્રિય થઈ ગયું હતું કે ફિલ્મો ઉપરાંત આ નામ જાહેરખબરોમાંય ગૂંજતું
રહ્યું છે!
બોલો, હવે તમે કહેશો કે નામ મેં ક્યા
રખ્ખા હૈ ?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button