પુરુષ

તમાકુ સામે લડવું જ પડશે !

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આવતી કાલે (૩૧ મે-શુક્રવાર) ‘તમાકુ નિષેષ દિવસ’ છે. વિશ્ર્વભરમાં તમાકુ અનેક પ્રકારના કૅન્સરનું અને કૅન્સરને કારણે થતાં મૃત્યુનું કારણ બન્યું છે. ખાસ તો ઓરલ કૅન્સર અને ફેફસાંના કૅન્સરને કારણે વિશ્ર્વભરમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેક પરિવારો નોંધારા બન્યા છે. એવા સમયે તમાકુનું સેવન પછીએ માવા સ્વરૂપે હોય, સિગારેટ સ્વરૂપે હોય, તપખીર અથવા બજર તરીકે હોય કે ગૂટકા સ્વરૂપે હોય એ ટાળવું અત્યંત જરૂરી બની જાય છે.

ભારતમાં પણ વિશેષ કરીને પુરુષો તમાકુના એક યા અન્ય પ્રકારે બંધાણી છે. એને કારણે ભારતમાં ઓરલ કૅન્સરનું પ્રમાણ અત્યંત વધી રહ્યું છે. તાજા જ આંકડા એમ કહી રહ્યા છે કે પાછલા બે દાયકાની સરખામણીએ ભારતમાં ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના યુવાનોમાં કૅન્સરનું પ્રમાણ ૨૦ ટકા જેટલું વધ્યું છે! બીજી તરફ, ભારત એ યુવાનોનો દેશ છે. એવા સમયે આપણા સૌનું કે આપણી આસપાસના સૌનું તમાકુ મુક્ત રહેવું અત્યંત જરૂરી બની જાય છે.

આ માટે અમે કેટલાક નિષ્ણાતોને પૂછ્યું કે ધારો કે માણસને તમાકુની ટેવ પડી જાય, પણ જો એણે પોતાની જાતને તમાકુની નાગપાશમાંથી છોડવી હોય તો શું કરવું? ’

આ માટે નિષ્ણાતો ત્રણ મુદ્દા પર ધ્યાન રાખવા કહે છે. પહેલો મુદ્દો એ કે જો તમને તમાકુ ખાવાની ટેવ હોય તો તમને તમાકુ કયા સમયે જોઈએ છે અથવા તો કયા સમયે તમને તમાકુની કૈફ આવે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. મોટાભાગના કિસ્સામાં માણસને ત્યારે જ માવો કે ગુટકા ખાવાનો કે સિગારેટ ફૂંકવાની તલપ લાગે છે , જ્યારે માણસ તણાવમાં હોય અથવા તો મિત્રો સાથે હોય
એક્સપર્ટ્સ કહે છે કે તણાવના અને મિત્રોને મળવાના કિસ્સામાં તમારી પાસે બીજા પચાસ એવા વિકલ્પ છે, જેમાં તમે તમાકુને ટાળીને એને બદલે બીજું કંઈ લઈ શકો છો માટે એ શું હોઈ શકે એ વિશે વિચાર કરો અને જો તમે ખરેખર તમાકુથી મુક્ત થવા ઈચ્છતા હશો તો તમાકુની ‘બદલી’ની ચીજ પર વધુ ધ્યાન આપો. જો એમ કરવામાં તમે સફળ રહેશો તો તમે માત્ર છ મહિનાની અંદર તમારી સિગારેટ અથવા માવો કે ગૂટકાની હાનિકારક કુ-ટેવથી મુક્ત થઈ શકશો, જેનો સીધો લાભ તમારા સ્વાસ્થ્યને મળશે.

એક્સપર્ટ્સ એમ પણ કહે છે કે જો તમે એ દિશામાં પ્રયત્ન કરતા હો, પરંતુ તમને સફળતા ન મળે તો પરિવારજનો, સારા મિત્રો કે કાઉન્સેલર્સની પણ મદદ લઈ શકો છો. એમની સાથે આ વિશે સંવાદ – ચર્ચા કરવાથી કે પછી કાઉન્સેલર્સ સાથે બેઠક કરવાથી પણ તમે તમાકુથી મુક્ત થઈ શકો છો. જોકે આમાં શરત એટલી કે તમારા પક્ષે એ સજાગતા અથવા ગિલ્ટ હોવી જોઈએ કે તમે તમાકુનો શિકાર થયા છો, જે તમારા શરીરને નુકસાન પહોંચાડી રહ્યું છે.

ત્રીજી સલાહ એ છે કે જો તમાકુ છોડવાની જરા સરખી પણ તૈયારી હોય તો નિયમિત કસરત, જીમ અથવા યોગ શરૂ કરો. આરોગ્ય નિષ્ણાતોના કહેવા અનુસાર કસરત, જીમ કે યોગ નિયમિત કરવાને કારણે
તમારા શરીર અને સ્વાસ્થ્ય વિશે તમે આપોઆપ સજાગ થાવ છો. તમારી અંદર આપોઆપ એક ‘ફિલ ગુડ ફેક્ટર’- કશુંક સારું થઈ રહ્યું છે એવી લાગણી આવી જાય છે. એને કારણે તમે આપોઆપ એ બધાં હાનિકારક ખાનપાન કે લાઈફ સ્ટાઈલ છોડવા માંડો છે, જે તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. નિયમિત કસરતથી માણસે તમાકુ જ નહીં, મીઠાઈઓ અને સુગર પણ સમૂળગા છોડી દીધાના દાખલા છે.

આપણે અહીં આવ્યા છીએ તો આપણું સ્વસ્થતાપૂર્વક જીવવું અત્યંત જરૂરી છે. આપણા શરીરનો સહેજ સરખો વિકાર આપણને કેટલા બધા ડિસ્ટર્બ કરી શકે છે- ખલેલ પહોંચાડી શકે તો કૅન્સર જેવી બીમારીથી તો આપણને કેટલું બધું નુકસાન થાય? ખાસ તો આપણે કારણે આપણા પરિવારે પણ કેટલું બધું ભોગવવું પડે.. નાનાં સંતાન તો સાવ રઝળી જ પડે!

એટલું યાદ રાખીએ કે કૅન્સર જેવા રોગ્-બીમારી અનેક પ્રકારના આર્થિક ભારણ સાથે આવતાં હોય છે. એના કરતાં આપણી લાઈફ સ્ટાઈલમાં જ જરા ફેરફાર કરીએ તો એ ફેરફાર આપણને અનેક રીતે લાભકારક બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button