પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ માનસિક રોગની જનેતા ભય અને ચિંતા

અનવર વલિયાણી

દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જેની પ્રજા ભય અને ચિંતા વિનાની હશે! બેશક ભય અને ચિંતા માનસિક રોગની જનેતા હોઈ, તેમાંથી બહાર નીકળવા ભલા કોણ ઈચ્છતું નહીં હોય?

  • દુનિયાના દરેક દેશના લોકો લેખની શરૂઆતમાં કહ્યું તેમ આ ‘બીમારી’થી પરેશાન છે.
  • તબીબી વિજ્ઞાને અસાધ્ય રોગોની દવા શોધી છે, પણ સતત પ્રયોગો કરતા રહેતા હોવા છતાં અને એક છૂપા, ભિતરને મનોમન કોરી ખાતા ડર જેવી ‘માનસિક’ બીમારીનો ઈલાજ શોધી કાઢવામાં જોઈએ તેવી સફળતા પ્રાપ્ત કરી શકેલ નથી. નિષ્ફળ રહી છે.

માનવજીવનના બે મુખ્ય પાસાં છે એક ભૌતિક અને બીજો રૂહાની.જીવનમાં પ્રાયોરિટી(પ્રાથમિકતા) નું ખૂબ જ મહત્ત્વ છે, તેમાં જો ખોટી પસંદગી કરીએ તો જીવન અસમતોલ બને છે. મોમીનોએ એવી ભૂલ કરી છે. ભૌતિક (મટેરિયલ)ક્ષેત્રને તેમણે પહેલો ક્રમ આપ્યો છેઅને રૂહાની(સ્પ્રિટ્યુઅલ) ક્ષેત્રને તો સગવડિયો બનાવી દીધો છે. આવી ભૂલમાંથી જે અનિષ્ટો પેદા થયા છે, તેનાં પરિણામો નજરની સામે છે.

માલોદૌલત, સત્તા અને શોહરત હાંસલ કરવા માટે આંધળી દોટ મૂકી છે કે તેને પોતાની જાતનું ભાન નથી, આરોગ્યની પરવા નથી, કુટુંબ-કબીલા તો ઠીક પોતાના સર્જનહારને પણ યાદ કરવામાં બેધ્યાન રહે છે. આ વિનાશનો માર્ગ છે. તેમાંથી ઉમ્મતને પાછી વાળવી હોય તો પ્રાથમિકતાને બદલવી જોઈએ.

ભૌતિક પ્રગતિને બીજો અને મઝહબી યાને રૂહાની બાબતોને પહેલો ક્રમ આપવો જોઈએ. મુસ્લિમ સમાજના આલિમો (જાણકારો), કુરાન મજીદ, હદીસ શરીફ અને શરીઆતનું જ્ઞાન ધરાવતા મુફતી સાહેબો, ઉચ્ચ કેળવણી હાંસલ કરેલ બુદ્ધિજીવીઓ વગેરેઓએ આ દિશામાં પહેલ કરવી જોઈએ તો જ ઉમ્મતે મોહમ્મદી સીધા માર્ગે આવી શકશે, જીવન સમતોલ અને સુખી બનશે.

આ સત્ય સનાતન છે. કદી મિથ્યા થવાનું નથી. જેટલું મોડું કરીશું તેટલો ભય અને ચિંતાનો આ રાક્ષસ માનસિક શાંતિ પીંખી નાખશે. ગુનાહોને અટકાવી શકાશે નહીં. હિંસા, આતંકવાદ, જંગ જેવા સંહારને પણ રોકી શકાશે નહીં. આ કોઈ મનઘડત કલ્પના નથી. આવું થઈ શકવાના આસાર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
આવા વિનાશથી બચવાનો માત્ર એક જ ઉપાય છે, રબને-પાલનહાર-રોજી આપનારને સોચી-સમજીને બુદ્ધિપૂર્વક વિચારીને ઓળખીએ.

મોટાભાગની ઉમ્મત (જૂથ, સમૂહ જમાત) પરવરદિગારે આલમ, સૃષ્ટિના સર્જનહારનું નામ લે છે – રટણ કરે છે, દુઆ-બંદગી પણ કરે છે, પરંતુ આવા ઝિક્રે ઈલાહીમાં નેક નિયત અને ખુલુસ (શુદ્ધ નિખાલસતા)નો અભાવ જોવા મળે છે. કથની અને કરણીમાં જમીન-આસમાન જેટલું અંતર સ્પષ્ટ દેખા દે છે. પરિણામે અલ્લાહ કે જે સર્વ શક્તિમાન છે તે સમજવામાં અક્કલનો ઉપયોગ થતો નથી એટલે પરિણામ શૂન્યમાં આવે છે.

દરેક બાબત પર અલ્લાહનો સંપૂર્ણ કાબૂ છે. જન્મ, મરણ, ઉછેર, રોજી, આર્થિક તથા સામાજિક પરિસ્થિતિ વગેરે તેણે નક્કી કરેલ સ્થિતિને બદલવાની બંદાની કોઈ તાકાત નથી, તો પછી પોતાનું ડહાપણ ક્યાં ચાલે? જેના ફરિશ્તા (ઈશ્વરીય દૂત) વરસાદના એક એક બુંદ (ટીપાં)નો હિસાબ રાખતા હોય, જે રોમેરોમમાં વસેલો હોય, જે દરેક જીવનનું સાંભળતો હોય પછી બંદાની દુન્યવી ચિંતાનો ઉકેલ પણ એજ સુઝાડશે. આ હકારાત્મક વિચારસરણીમાં અક્કલનો ઈસ્તેમાલ અનિવાર્ય બની રહેવા પામે છે.

મહાન મનોવૈજ્ઞાનિક ડેલકોર્નેગી તો ત્યાં સુધી કહે છે, કે ચિંતાઓને નિયંત્રણમાં રાખવાનો એક પ્રયોગ એ છે કે ભારી મુશ્કેલી પ્રશ્નોની એક યાદી બનાવો અને તેને આઠ દિવસ ખાનામાં રાખી મુકો. નવમા દિવસે એ યાદી જોશો તો તેમાંથી પોણા ભાગના પ્રશ્નો એની મેળે ઉકલી ગયા હશે. હવે વિચારી જુઓ: કોઈ પણ પ્રયત્ન કર્યા વગર આ પ્રશ્નો કોણ ઉકેલી આપે છે? બેશક! અલ્લાહ સિવાય કોની શક્તિ છે? નિમિત્ત બનનારને કોણ સુઝાડે છે? સિવાય અલ્લાહ!

અલબત્ત ચિંતા-ડરને દૂર કરવાની આ પ્રક્રિયામાં બંદાએ અલ્લાહને નિખાલસતાપૂર્વક યાદ કરતા રહેવું જોઈએ. સ્વભાવને આનંદી રાખી બુદ્ધિનો-સમજનો હરપળે ઉપયોગ કરો. કલ્પનાઓ, અપેક્ષાઓથી દૂર રહો, કારણ કે એ ચિંતા અને ડરની જનેતા છે. સાચી નિય્યતથી પાક પરવરદિગારની મદદ માગી સઘળા પ્રશ્નોનો બોજ એને હવાલે કરી, નિશ્ચિંત બની જાઓ પછી જુઓ ભય, ચિંતામાંથી મુક્ત થઈ શકાય છે કે નહીં?

બોધ:

  • શક્તિને થીજાવી દેનારા
  • ભય અને
  • ચિંતાને જ થીજાવો દો…!
    *

દુનિયા કે અય મુસાફીર,
મંઝીલ તેરી કબર હૈ…!
આ પ્રસંગ તે સમયનો છે જ્યારે ઈસ્લામ તેની ચરમસીમાએ હતો. દુનિયાના મોટાભાગના દેશોમાં ઈસ્લામી શાસન હતું. ન્યાયના એ દિવસોમાં કંઈ કેટલાએ સૂફી ઓલિયા, સંતો, ફકીરો, દરવેશો પણ હતા, જેઓના ઈલ્મો જ્ઞાનથી પ્રજાને સચ્ચાઈનો માર્ગ મળતો તો શાસનકર્તાને નસીહત મળતી.

આવા એક વલીઓ અલ્લાહ હઝરત અમીર મઆવિયા રહમતુલ્લાહ અલયહેની સેવામાં નજરાનથી એક શખસ આવ્યો. તેની ઉંમર બસો વર્ષની હતી. તેને હઝરત અમીર મઆવિયાએ પૂછ્યું કે, ‘તમે આ દુનિયાને કેવી જોઈ?’

જવાબમાં તે શખસે કહ્યું, ‘થોડાંક વર્ષો મુસીબતમાં વીત્યાં, થોડાક વર્ષો સુખ અને રાહતમાં પસાર થયા. આમ દિવસ અને રાત તેની રફતારથી પસાર થતાં રહ્યાં. અય અમીર! પેદા થવાવાળા પેદા થતાં રહે છે અને મરવાવાળા મરી રહ્યા છે. બાળકો પેદા ન થાય તો મખ્લુક (સૃષ્ટિ) નામશેષ થઈ જાય, મોત ન હોય તો દુનિયામાં રહેવાની જગ્યા મળે નહીં. સૃષ્ટિના સમતુલન માટે આ ક્રમ એક વ્યવસ્થિત યોજના હેઠળ જારી છે અને કયામત સુધી જારી રહેશે.’

આવનાર આંગતુકનો જવાબ સાંભળીને અમીર મઆવિયાએ તે શખસને પૂછ્યું કે-‘તમારી કોઈ જરૂરત હોય તો કહો, હું તેને પૂરી કરી આપીશ!’
અમીરના આ સવાલના જવાબમાં એ શખસે કહ્યું – આપ મારી વિતેલી જિંદગીના દિવસો પાછા આપી શકો છો?’ તેના જવાબમાં અમીર મઆવિયાએ કહ્યું કે- ‘એ મુમકીન (સંભવિત) નથી.’
ત્યારે એ શખસે કહ્યું કે, ‘આપ મારા મોતને રોકી શકો છો?’
તેના જવાબમાં અમીરે કહ્યું- એ મારા માટે અશક્ય છે.’

મતલબ એ કે, કોઈપણ અમીર સમ્રાટ, સત્તાધિશ, શક્તિશાળી… કોઈ કહેતા કોઈપણ ઈન્સાનની વિતેલી જિંદગીના દિવસો ન પાછા આપી શકે છે, ન તો તેના મોતને એક પળ માટે પણ રોકી શકે છે.

પયામે – મર્ગસે અય દિલ
તેરા ક્યું દમ નીકલતા હય,
મુસાફિર રોઝ જાતે હય
યેહ રાસ્તા ખૂબ ચલતા હય…

  • જેને સાયન્ટિસો આજ સુધી વિજ્ઞાન સમજતા હતા તેઓ પણ આજે સ્વીકાર કરતા થઈ ગયા છે કે આ સૃષ્ટિના સર્જનહાર કોઈ અદ્ભુત, નિરાકાર, શક્તિશાળી છે.

સાપ્તાહિક સંદેશ:

  • સૃષ્ટિના સર્જકે નક્કી કરેલ આયુષ્ય દરમિયાન આખેરત; મૃત્યુલોકનો સામાન તૈયાર કરી લો.
  • સામાનનો સરળ અર્થ થાય છે, અલ્લાહતઆલાએ આપેલ આજ્ઞા પર સાચા અર્થમાં અમલ કરવો, માર્ગ પર ચાલવું. આ કર્મ મોતને સુધારે છે.

આપણ વાંચો:  મુખ્બિરે ઈસ્લામઃ `જિંદગી કા સફર’ સમજી લેવાનો સમય: શું અલ્લાહ ઈન્સાન જાત પરથી પોતાનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે…?

સંબંધિત લેખો

Back to top button