મુખ્બિરે ઈસ્લામ : જલતા હુઆ ચીરાગ મગર રોશની નહીં: શું જ્ઞાની અને અજ્ઞાની સમાન હોઈ શકે?

-અનવર વલિયાણી
જ્ઞાન જીવન પ્રકાશ છે. જ્ઞાનથી ક્ષિતિજ વિસ્તૃત થઈ દૃષ્ટિકોણ વિશાળ થાય છે અને તે પ્રગતિના અનેક દ્વારો ખોલે છે.
- પ્રત્યેક ધર્મ, ભદ્ર સમાજ અને સમજદાર વ્યક્તિઓએ જ્ઞાનનો મહિમા ગાયો છે. ઈસ્લામે એક પગલું આગળ વધી જ્ઞાનને કર્તવ્યનિષ્ઠ કરી તેને ઈબાદતનો મરતબો આપ્યો.
દિવ્ય કુરાનના 704 આયતો (શ્ર્લોકો)માં જ્ઞાનનો ઉલ્લેખ છે.
1400- વર્ષ પૂર્વે અલ્લાહે જ્ઞાન ગ્રહણ કરવાનો આદેશ આપ્યો. નમાઝ પઢવાનો અને રોજા રાખવાનો આદેશ તે પછી આપ્યો, પરંતુ પ્રથમ સંદેશ દિવ્ય કુરાનમાં પ્રકરણ ક્રમાંક 96માં 1થી 5 શ્ર્લોકોમાં જ્ઞાન સંપાદન કરવા વિષે છે. કારણ કે જ્ઞાન-સમજ હશે તો ધર્મ અને ક્રિયાકાંડો તર્કથી તોળી આપવાની શંકા રહેશે નહીં.
પવિત્ર કુરાનમાં પ્રથમ શબ્દ પ્રગટ થયો તે હતો ‘ઈક્રા’. અરબી ભાષાના આ શબ્દનો અર્થ થાય છે ‘જ્ઞાન ગ્રહણ કરો.’
ઈન્સાનમાં વિદ્યા-શિક્ષણ ન હોય તો વ્યક્તિ અને પ્રાણીમાં કોઈ ફરક રહેતો નથી તેના કારણે તેના આચાર-વિચાર અને વાણીમાં જડતા, વ્યવહારમાં અસભ્યતા પેસે છે. તેના કૃત્યોમાં નિર્દયતા અને જીવનમાં પછાતપણું હોય છે.
- તફસીરે કબીરમાં પ્રખર ઉપદેશક ફખરૂદ્ીન રાઝીએ શિક્ષિત-અશિક્ષિત વચ્ચે ભેદરેખા દોરતા પવિત્ર કુરાનની આ આયત કે, ‘શું જ્ઞાની અને અજ્ઞાની બરાબર થઈ શકે છે?’ શીર્ષક હેઠળ લખ્યું છે કે,
- આલિમ અને જાહિલમાં એ જ ફરક છે જે નિર્જીવ અને સજીવમાં છે.
- જ્ઞાન આત્માનું પોષણ છે જ્યારે અજ્ઞાન આત્માનો ભૂખમરો છે.
- જેવી રીતે મૃતપ્રાણી ખાવધરાથી પોતાને બચાવી શકતું નથી એ જ પ્રમાણે
- અશિક્ષિત માણસ પિચાસ અને દૂરાચારીથી બચી શકતો નથી.
જ્ઞાન પ્રાપ્તિની પ્રથમ આવશ્યકતા છે શિક્ષણ. વાંચતા જ આવડતું ન હોય તો વાંચન કેમ થાય? જ્ઞાની થવાનો ઉત્તમોતમ માર્ગ છે વાંચન. સ્વસ્થ રહેવા શરીરના સ્નાયુઓને બળવાન રાખવા પડે, અને તે માટે નિયમિત કવાયત કરવી પડે. તેવી જ રીતે મસ્તિષ્ક પણ એક સ્નાયુ જ છે. વાંચન તેની ક્વાયત છે.
- શેરે ખુદા, અમીરૂલ મુઅમીન કહે છે કે, ‘વાંચનથી વ્યક્તિ સમતૂલ રહે છે. * અન્યોથી એક તસુ ઉંચેરા રહેવું હોય તો પ્રતિષ્ઠિત લેખકોના પુષ્કળ પુસ્તકોનો અભ્યાસ કરે. વાંચન પછી મંથન અને જીવનમાં તેનું ગુંથન. પરંતુ યુનેસ્કોના માનવ વિકાસ સમિતિના અહેવાલ મુજબ કડવી વાસ્તવિકતા છે કે એક મુસ્લિમ વર્ષમાં આદિથી અંત સુધી એક પુસ્તક પણ વાંચતો નથી. તેની સામે યુરોપિયનો 35 અને ઈઝરાઈલીઓ 40 પુસ્તકો વાંચે છે.’
- અરબ સંસ્કૃતિ વિકાસના અહેવાલ મુજબ યુરોપિયનો સરેરાશ 200 કલાક ત્યારે મુસ્લિમો માત્ર છ મિનિટ વાંચન માટે ફાળવે છે.
- જ્ઞાન સંપાદન નિરંતર અને નિતાંત પ્રવાસ છે જે માતાની ગોદથી જીવનના અંતિમ શ્ર્વાસ સુધી ગતિમાન રહે છે.
- જેની જ્ઞાન પિપાસા લુપ્ત થઈ ગઈ છે તે જાણે ‘જલતા હુઆ ચીરાગ મગર રોશની નહીં..!’ સમાન છે.
- હઝરત મહમ્મદ સાહેબ કહે છે કે, ‘જે દિવસે જ્ઞાન વૃદ્ધિ ન થઈ તે દિવસે જાણે જીવ્યા નહીં.’
- જ્ઞાની તારાઓમાં ‘14વી કા ચાંદ’ સમાન છે.
- શહીદ કરતા જ્ઞાની વિશેષ સન્માનીત છે.
- શહીદ તેની તલવારથી થોડા શત્રુઓનો સંહાર કરી શકે ત્યારે જ્ઞાની તેની કલમથી જ્ઞાનનો પ્રકાશ પ્રસારી દેશ-દુનિયામાં નવો પ્રાણ પ્રેરી શકે.
શેરે ખુદા હઝરત અલી સાહેબને પૂછવામાં આવ્યું કે જ્ઞાન કોની પાસેથી પ્રાપ્ત કરવું?
આપ અલી અલૈયહિ સલ્લામે કહ્યું કે, નાત-જાત-ધર્મ રાષ્ટ્રિયતા-રંગ વગેરેની સીમાઓ વગર કોઈ પણ જ્ઞાનીથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.
- જ્ઞાન ખોવાયેલો ખજાનો છે તેને ત્વરીત શોધી કાઢો
પયગંબર હઝરત સુલેમાન અલૈયહિ સલ્લામે અલ્લાહ સમક્ષ શહેનશાહત માટે યાચના કરી. - અલ્લાહે આપની પસંદગી માટે ફરિશ્તા (દૂત, પ્રતિનિધિ) જીબ્રઈલ દ્વારા ત્રણ પર્યાય પાઠવ્યા:
1- શોહરત (ખ્યાતિ, પ્રસિદ્ધિ),
2- સંપત્તિ,
3- જ્ઞાન…! આ ત્રણમાંથી એકની પસંદગી કરવા જણાવ્યું.
- આપ હઝરત સુલેમાન (અ.સ.) શૌહરત અને સંપત્તિ ઠુકરાવી દઈ જ્ઞાન પર મન બનાવ્યું.
-શોહરત અને સંપત્તિનો અસ્વીકાર થતા હઝરત જીબ્રઈલે તેમને પોતાની સાથે પાછા વળવા જણાવ્યું. તેઓ કહે અલ્લાહે જ્યારે અમારું સર્જન કર્યું ત્યારે અમોને જ્ઞાન પાછળ જવાનો આદેશ આપ્યો હતો તેથી હવે અમે જ્ઞાન પાછળ જ રહીશું.
- ખરેખરા જ્ઞાની હંમેશાં પ્રતિષ્ઠિત હોય છે.
- જ્ઞાનીની ખ્યાતિ દેશ-વિદેશમાં પ્રસરે છે. વળી તેમને તેમના જ્ઞાનનો પુરસ્કાર પ્રાપ્ત થતો રહે છે તેથી સંપત્તિવાન પણ હોય છે.
-અલ્લાહના અંતિમ સંદેશવાહકને પૂછવામાં આવ્યું કે આપ કઈ બાબત પર સૌથી વિશેષ ગર્વ લઈ શકો છો?
- પ્રત્યુત્તરમાં આપે કહ્યું કે, ‘અલ્લાહે મને શિક્ષક તરીકે પ્રગટ કર્યો તેનો મને સૌથી વિશેષ ગર્વ છે.’
- ‘અલ્લાહના સંદેશ’ જગતને પાઠવી તેના વાસીઓને સદ્માર્ગ ચીંધુ છું
- ‘માનવજાતની સેવા કરવાની તક આપવા માટે અલ્લાહનો આભારી છું.’
- સુઘડ સમાજ ઘડતરમાં શિક્ષકની અદ્વિતિય ભૂમિકા છે. ગુરુ બીના જ્ઞાન નહીં.
ઈસ્લામ ધર્મજ્ઞાન સાથે વ્યવહાર જ્ઞાનને પણ તેટલું જ પ્રાધાન્ય આપે છે. આ જ્ઞાન વગર જીવન ચાલી જ ન શકે. વિકાસ ન થઈ શકે. ધાર્મિક જ્ઞાન એક જ ધર્મના અનુયાયીઓ પર્યંત સીમિત હોય છે, જ્યારે દુન્યવી જ્ઞાન સંપૂર્ણ જગતને આવરી લે છે. 2+2 જગતના કોઈ પણ ખુણે ચાર જ થાય અને આ સચ્ચાઈ સ્વીકૃત છે. વ્યવહારુ જ્ઞાનનું મહત્ત્વ પયગંબર સાહેબના જીવનના એક પ્રસંગ પરથી સાબિત થાય છે:
- બદરના યુદ્ધમાં મુસ્લિમોનો વિજય થયો અને 70 યુદ્ધ કેદીઓ પકડાયા. દેખીતુ છે કે આ કેદીઓ મુસ્લિમ નહીં હતા તેથી તેમને ઈસ્લામ વિશે જ્ઞાન નહીં હતું, પરંતુ વ્યવહારુ જ્ઞાનમાં પાવરધા હતા.
- પ્રત્યેક કેદી 10 મુસ્લિમ બાળકોને લખતા-વાંચતા, હિસાબ-કિતાબ, વિજ્ઞાન વગેરે શીખવે તેવી સજા કરવામાં આવી.
- કેદીઓએ આ શર્ત સહર્ષ સ્વકારી અને ઈસ્લામિક વાતાવરણમાં રહેતા તેનાથી પ્રભાવિત થઈ, દીન અને દુનિયાનો સુમેળ કરવા પ્રેરિત થયા.
શિક્ષણનીતિ વિષયક પવિત્ર કુરાનમાં એક આયત (શ્ર્લોક, કથન, વાક્ય) આવી તે સંદર્ભનું જ્ઞાન ઈન્સા-અલ્લાહ પ્રસ્તુત લેખના બીજા ભાગમાં જાણવાનો પ્રયત્ન કરીશું.
-આબિદ લાખાણી
સાપ્તાહિક સંદેશ:
લોકો પર એક વખત એ આવવાવાળો છે જ્યારે માત્ર લોકોના બયાન કરવાવાળો દરબારમાં માન પામશે.
-હઝરત અલી (અ.સ.)
આપણ વાંચો: વિશેષ: ઈસાની નજરમાં… માતા સામે જોઈ રહેલા બાળકની નિર્દોષતા