મુખ્બિરે ઈસ્લામ : જાનવર આદમી સે જ્યાદા વફાદાર હય: ગીતકારની આ પંક્તિ આજે અક્ષરશ: સાચી પડી રહી છે

-અનવર વલિયાણી
છેલ્લા 64-65 વર્ષોથી દર ગુરુવારે નિયમિત પ્રગટ થતી કોમ – ભાઈબંધ કોમમાં લોકપ્રિય એવી આ ‘મુખ્બિરે ઈસ્લામ’ કટારના વાચકોને જાણકારી હશે કે, અલ્લાહ – ઈશ્ર્વર – પ્રભુએ ‘અશ્રકુલ મખ્લૂકાત એટલે તમામ જીવોમાં સર્વશ્રેષ્ઠ જીવ તરીકે આ જગતમાં માનવજાતને પેદા કરી.
- ઈન્સાન બુદ્ધિનો ભંડાર છે,
- આશ્ચર્યચકિત થઈ જવાય તેવી શોધો ઈન્સાને કરી છે અને હજુ કરી રહ્યો છે અને આ સિલસિલો એકધારી શોધો કયામત – મૃત્યુલોક – ન્યાયના દિવસ સુધી વણથંભી ચાલતી રહેશે. ઈન્શાઅલ્લા (ઈશ્વર – અલ્લાહ ઈચ્છા).
- પરંતુ હયરત – આશ્ચર્ય – અચંબો એ વાતનો છે કે બેસુમાર અક્કલનો આ આદમી આજે તેની બુદ્ધિનો ઈસ્તેમાલ ગેરમાર્ગે કરતો જોવા મળે છે.
- કુરાનની આયત – કથન – વાક્ય – વાણી મુજબ આ ‘કયામતે કુબરા’ અર્થાત્ ન્યાયનો દિવસ; આખરી નિર્ણય – કલયુગના જે સંકેતો દર્શાવવામાં આવ્યા છે, વર્ણવવામાં આવ્યા છે અને તેની જે નિશાનીઓ બતાવવામાં આવી છે તે આજે ચોખ્ખી – સ્પષ્ટ જોવા – અનુભવવા મળી રહી છે ત્યારે થાય છે કે હેવાન (જાનવર) અને આદમી વચ્ચે કોઈ ફરક રહ્યો નથી. બલકે જાનવર માનવીથી વધારે વફાદાર – નિષ્ઠાવાન છે.
- બીજાને બોધ આપવાથી – શીખામણ દેવાથી સમાજ સુધરી જતો નથી. આ સમસ્યાનો હલ તો અલ્લાહતઆલાએ અંતિમ પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમ દ્વારા બતાવ્યો જ છે, જેમ કે તે કોઈપણ જીવને પેદા કરે છે ત્યારે તેના સુખરૂપ જીવનની હિદાયત માટે પહેલો પ્રબંધ કરે છે. માનવજાત માટે તેણે હિદાયત – માર્ગદર્શનની કિતાબો ઉતારી તેમાં છેલ્લી કિતાબ કુરાને મજીદ તો કયામત સુધી સુખી જીવન તરફ દિશા દાખવતું એક મુક્કમલ (સંપૂર્ણ) બંધારણ છે. તેમાં પરવરદિગારે આલમે જે આદેશો આપ્યા છે તે શિર્ફ અને શિર્ફ – માત્ર અને માત્ર માનવજીવનની જાતિ (વ્યક્તિગત) જિંદગીને સુધારવા માટે જ આપ્યા છે, એટલું જ નહીં પરંતુ આપણા મહાન પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમે આ પૃથ્વી પર પધારીને એવું જીવન જીવી બતાવ્યું કે ગરીબથી લઈને માલદાર, આલાંથી અદના, ગોરાથી કાળા પણ તેનું અનુકરણ કરીને પોતાનું જીવન સુધારી શકે. આવું સંપૂર્ણ માર્ગદર્શન મળવા છતાં સમાજ સુધરવાને બદલે બગડતો જાય છે તેનું કારણ શું? આ ગંભીર બાબત સંશોધન માગી લે તેમ છે. આમાં જરૂર કોઈ મહા મોટી ભૂલ થઈ રહી છે અને આ મસમોટી ભૂલ તે એ કે આપણે વ્યક્તિને ભૂલીને સમાજને સુધારવા નીકળ્યા છીએ. આપણે દેશને સુધારવો છે અને દુનિયાને પણ સુધારવી છે, પરંતુ આ દિશાના આપણા તમામ પ્રયત્નોનું કોઈ પરિણામ આવતું નથી. વ્યક્તિ એ સમાજનું એકમ છે. વ્યક્તિના સમૂહમાંથી જ સમાજ બને છે. જ્યાં સુધી વ્યક્તિ સુધરે નહીં ત્યાં સુધી સમાજ કેવી રીતે સુધરી શકે? એટલે સુધરવાના સર્વે પ્રયત્નો આપણી જાત પર થવા જોઈએ. શરૂઆત ઘરથી થવી જોઈએ.
હવે આ સુધરવું એટલે શું? એ સમજી લઈએ. માનવીના વાણી, વર્તન અને આચરણમાં સ્વભાવનું અનેરું મહત્ત્વ છે. અંગત ઈચ્છાઓ અને સ્વભાવને સાચી દિશા તરફ વાળવાનો પ્રયત્ન કરીએ એ સુધારાનું પહેલું સોપાન ગણાય. સ્વભાવને હકારાત્મક અને હસમુખો રાખવો એ બીજી જરૂરિયાત છે. હવે સુધારા તરફ વધુ આગળ વધવા માટે આપણી જાત સાથે પ્રમાણિક બનવું જોઈએ. આચાર, વિચાર, આહાર અને વિહારમાં પારદર્શક પ્રમાણિકતા કેળવવી જોઈએ. દાખલા તરીકે ખોટું બોલ્યા હોઈએ તો તેનો અહેસાસ થાય, હિસાબમાં જાણે-અજાણ્યે અનહકની કમાઈ આવી ગઈ હોય તો પાછા આપો નહીં ત્યાં સુધી ચેન ન પડે. આ અને આવી બીજી પ્રમાણિકતા કેળવીએ ત્યારે જ મોટા ગુનાઓથી બચી શકાય. હવે વ્યવહાર સુધીના પ્રયોગો પણ એટલા જ મહત્ત્વના છે. બીજાઓની નબળાઈના ગીત ગાવા આસાન છે, પરંતુ બીજાઓની ટીકા કરવાનો મોકો આવે અને તમે જીભને રોકી લ્યો ત્યારે તમારી સજનતા દીપી ઊઠે છે. સદાચારના આવા અસંખ્ય ઉદાહરણો ગણાવી શકાય. રોજિંદા જીવનમાં બનતી નાની નાની બાબતો મોટા પરિવર્તન શરૂ કરવાનું પ્રથમ પગથિયું હોય છે. પોતાના અવગુણોને સતત નજર સમક્ષ રાખવા – સુધારવા માટે પ્રયત્ન અત્યંત જરૂરી છે. ટ્રેનમાં વિન્ડો સીટ મળે ત્યારે પહોળા થઈને બેસવું અને બીજાઓની અગવડતાઓનો ખ્યાલ ન કરવો એ પણ ગુનાહિત કૃત્ય છે. આવી નાની ગણાતી બાબતોનું વ્યવસ્થિત નિરીક્ષણ કરીને દરેક દિવસે કંઈક નવું સમજીને સુધરવાની મક્કમ ઈચ્છાથી જીવનમાં સજનતા અને વ્યવહારશુદ્ધિ કેળવી શકાય છે. દરેક વ્યક્તિ આવા વ્યવહારશુદ્ધિના આગ્રહી બનીને પોતાની જાતને સુધારે તો સમાજને સુધરતા કેટલી વાર? સમાજ સુધરે એટલે દેશ સુધરે અને દેશ સુધરે એટલે દુનિયા સુધરે. આવા ફેરફારો કંઈ રાતોરાત થઈ શકે નહીં, પરંતુ આપણે સમજી લેવું જોઈએ કે સમાજ સુધારણાની આ એક જ ગુરુચાવી છે અને એટલે જ પરવરદિગારે અખ્લાક (ચારિત્ર્ય) સાથે સદાચારી જીવન જીવવાની ભરપૂર હિદાયત કરી છે. આજ માનવ ધર્મ છે,
માનવતાનો ધર્મ છે – ગુણ છે. ધર્મમાં કોઈ કર્મકાન્ડ નથી. સદાચાર જીવનનું જ મહત્ત્વ છે. વિચારી જુઓ. સર્જનહારે બતાવેલ આ સીધા રસ્તાને મૂકીને સમાજના દૂષણોને સુધારવાનો બીજો કોઈ વિકલ્પ છે ખરો? જો હોય તો જરૂર સૂચવશો. આ પણ ઈબાદત (ઈશ્ર્વર – અલ્લાહની પ્રાર્થના – દુઆ – બંદગી અદા કર્યામાં લેખાશે.
આજના યુગનો તકાજો
- પાખંડી લોકોથી દૂર રહેવું.
- અહંકારીઓથી છેટા રહેવું
- અસત્યનો ત્યાગ કરવો
- કલ્યાણને માર્ગે જ ચાલવું
- ખુદાની તરફ આગળ વધવું
સાપ્તાહિક સંદેશ
- ‘… એકવાર મેં અલ્લાહત્આલા પાસે યાચના કરી કે, યા રબ! તારી પાસે કઈ રીતે અને કયા રસ્તે સરળતાથી પહોંચી શકાય?
- અલ્લાહે કહ્યું કે, ‘આ વાત તો ઘણી જ સરળ અને સહેલી છે.
‘જો તું મમતારૂપી મિથ્યાભિમાનનો તારા માથે ઊઠાવેલો ભાર નીચે મૂકી દે તો ઝડપથી મારી પાસે પહોંચી શકીશ…!’ – પયગંબર હઝરત ઈબ્રાહીમ (સલ.) - સમજદાર દેખાતા મૂર્ખથી બચો.
- નાદાનને હોંશિયાર – સમજદાર સમજવાની ભૂલ કદી પણ કરશો નહીં. તે તમને માર્ગથી ભટકાવી દેશે.
આપણ વાંચો: કેટલીક મૂર્ખતાભરી મહેચ્છા…: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી