પુરુષ

મુખ્બિરે ઈસ્લામ : જ્ઞાનીઓના પણ જ્ઞાનમાં વૃદ્ધિ કરનાર એક લા’જવાબ પ્રસંગ

  • અનવર વલિયાણી

આ પ્રસંગ એ સમયનો છે જ્યારે ખિલાફત (રાજાશાહી)નો જમાનો ચાલી રહ્યો હતો. દેશના એક ન્યાયી, દયાળુ ખલિફા (સત્તાધીશ, રાજા) જુદાં જુદાં રાજ્યોના પ્રવાસે લોકોનું જીવન ધોરણનો અભ્યાસ કરવા નીકળ્યા હતા.

માર્ગમાં એક વૃદ્ધ વ્યક્તિને અલ્લાહની ઈબાદતમાં તલ્લીન થયેલો જોયો. બાદશાહે તેની પાસે જઈ પૂછ્યું કે, તમે મારું આ મોટું સૈન્ય જોઈ કેમ ભયભીત થયા નહીં?

એ ઝઈફ વૃદ્ધે કહ્યું કે તમારા લશ્કર કરતાં ખુદાની ફોજ વધારે મોટી છે, હું અલ્લાહ સાથેની એકાગ્રતા છોડી તમારા તરફ નજર કરતે તો પછી મારા રબ પાસેથી મારી ઈચ્છા પૂર્ણ ન થતે!

બાદશાહે તે શખસને કહ્યું કે, જો તમોને કબૂલ હોય તો મારી શાહીમાં તમોને સામીલ કરું, મારા કાર્યમાં સહાયક થાવ.

આ સાંભળીને તેણે કહ્યું કે, મારા માટે ચાર વસ્તુઓની ખાતરી આપો તો તમારી વાત સ્વીકારવા તૈયાર થાઉં, એ ચાર વસ્તુઓ છે કે –

  1. નેઅમત (ઈશ્વરની દેણગી), સુખ જાય નહીં, સદા રહે.
  2. સ્વાસ્થ્ય કે કોઈ દિવસ બીમારી આવે નહીં.
  3. એવી યુવાની કે વૃદ્ધાવસ્થા આવવાનું નામ ન લે.
  4. એવી ઝિન્દગી કે મોત આવે નહીં.

બાદશાહે કહ્યું કે એ ચારે વસ્તુઓ પર ઈન્સાન તાકાત રાખતો નથી.

એ શખસે કહ્યું કે એ ચારે વસ્તુઓ પર મારો રબ કુદરત ધરાવે છે અને તમે પણ તેના તાબેદાર છો.

બાદશાહે કહ્યું કે ખરેખર તમે સાચી વાત કરી છે. પછી તેઓ આગળના પ્રવાસે નીકળી ગયા.

રસ્તામાં એક આલિમ (જાણકાર જ્ઞાની)ની મુલાકાત થઈ. વાતચીત થતા આલિમે સવાલ કર્યો કે, આપ બતાવો કે,

  • એ બે વસ્તુ કઈ છે જે હંમેશાં ફરતી રહે છે?
  • એ બે વસ્તુ કઈ છે જે જગતના આરંભથી છે?
  • એ બે કઈ ચીજ છે જે એકબીજાની પાછળ આવે છે? અને
  • એ બે વસ્તુ કઈ છે જે આપસમાં શત્રુ છે?

બાદશાહ સલામતે જવાબ આપ્યો કે

  • જે ફરતા રહે છે તે ચાંદ-સૂરજ છે.
  • જે કાયમ્‌‍ છે તે જમીન – આસમાન છે.
  • જે એકબીજાની પાછળ આવે છે તે રાત-દિવસ અને
  • જે દુશ્મન છે તે મોત-હયાત `જીવન – મૃત્યુ.’

બાદશાહનો જવાબો સાંભળી આલિમે કહ્યું કે, ખરેખર આપ બુદ્ધિશાળી સુલતાન છો.

માર્ગમાં આગળ વધતા તેમણે જોયું કે એક વૃદ્ધ કેટલીક માનવ ખોપરીઓ લઈને આમતેમ ફેરવીને કુતુહલ થઈ જોતો હોય છે.

  • આપ જોઈ જ્ઞાની બાદશાહ અજબ થયા અને ઝઈફને પૂછયું કે,
  • અય બંદેખુદા! આ મુરદાની ખોપરીઓ શા માટે ફેરવી ફેરવીને જુએ છે?
  • વૃદ્ધે જવાબ આપ્યો કે –
  • હું એ જોઈ રહ્યો છું કે આમાં અમીર (શ્રીમંત) કોણ છે અને ગરીબ કોણ છે?

આ વાત સાંભળી બાદશાહ વિચારવા લાગ્યા કે ખરેખર આ વાત તો મારી નસીહત માટે છે કે મરવા પછી ન કોઈ અમીર છે કે ન કોઈ ગરીબ! બધાયનો એકસરખો હાલ છે, એક જેવો અંત.

બાદશાહ સલામત ત્યાંથી આગળ વધ્યા તો એક કોમને જોઈ કે તેઓ બધાય સંપ-સલાહથી રહેતા હતા અને પરવરદિગારની ઈબાદત કરતા. કોઈની પણ કોઈ બુરાઈ કરતું નહોતું.

બાદશાહે એ લોકોના ઘરની સામે જ કબ્રસ્તાન જોઈને કહ્યું કે-

  • અય નેક લોકો! તમોએ ઘરની સામે શા માટે કબરો બનાવી છે?

તેઓએ જવાબ આપ્યો કે –

  • `એટલા માટે કે હંમેશાં મોત યાદ રહે!’

બાદશાહે કહ્યું-

  • તમારા મકાનોના દરવાજા કેમ નથી?

તેઓએ જવાબ આપ્યો કે-

  • અમારામાં કોઈ ચોર કે બદમાશ નથી.
  • તમારી કોમનો કોઈ આગેવાન કેમ નથી?
  • અમે આપસમાં કોઈ પર જુલ્મ કરતા નથી!
  • કોઈ કાઝી (ન્યાયકર્તા) કેમ નથી?
  • અમે લડતા – ઝઘડતા નથી!
  • કોઈ બાદશાહ કેમ નથી?
  • અમો કોઈ વસ્તુ વધારે ઈચ્છતા નથી એક સરખા રહેવા ઈચ્છીએ છીએ!
  • તમારા લોકોનો માલ એકસરખો કેમ છે?
  • અમો આપસમાં એકસરખી વહેંચણી ઈન્સાફથી કરીએ છીએ!
  • શા માટે તમો એકમત ધરાવો છો?
  • એક જ રાહ ગ્રહણ કરી છે અને કોઈની કોઈ બુરાઈ કરતા નથી. ન પાછળથી ગીબત (નિંદા) કરીએ છીએ!
  • તમે ગુસ્સે થતા નથી તેનું કારણ શું?
  • આજીજી અને નમ્રતાને ગ્રહણ કરેલ છે!
  • બધા કરતાં તમારા કોમના લોકોની ઝિન્દગી લાંબી હોય છે, તેનું કારણ શું?
  • અમે લોકોના હક બરાબર અદા કરીએ છીએ, જુલમથી છેટા રહીએ છીએ!
  • તમો શા માટે દુ:ખી, ગમગીન થતા નથી?
  • અમો બલા પર સબ્ર કરીએ છીએ. આફત આવવાની અગાઉ દિલને દૃઢ (મક્કમ) રાખીએ છીએ!

અત્યંત જિજ્ઞાસુ બાદશાહે તે શખસ પર આફરીન થઈ છેવટનો એક પ્રશ્ન પણ પૂછી નાખ્યો કે

  • તમારા માલ પર આફત કેમ આવતી નથી?
  • અમો અલ્લાહ સિવાય કોઈ પર તવક્કલ (ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા) રાખતા નથી. ઉપરાંત
  • ભલાઈ – બુરાઈનો આધાર ગ્રહ પર નથી રાખતા. અમોને ખાતરી છે કે જે થાય છે તે અલ્લાહની મસલેહત (ભેદ – ઈચ્છા) મુજબ હોય છે.

લોક અભ્યાસાર્થે જગત પ્રવાસે નીકળેલા આ રહમદિલ જ્ઞાનિ બાદશાહે અનુભવ્યું કે જે થાય છે તે અલ્લાહની ઈચ્છાને આધીન જ હોય છે. ભલાઈ અને બુરાઈ વચ્ચેની ભેદરેખાને ઈન્સાને સમજી લેવાની જરૂર છે.


ઈન્સાન કી ઔલાદ હૈ, ઈન્સાન બનેગા

કુરાન કહે છે કે તમામ કુદરત અને તાકાત સૃષ્ટિના સર્જક અલ્લાહતઆલાની છે.

  • જો બધી જ તાકાત અને કુદરત અલ્લાહની છે તો પછી શા માટે ઈન્સાન હોદ્દો, મકામ (સ્થાન) અને કુદરત મેળવવા માટે દરેક મિનિટે બીજાની પાસે દોડે છે?

ફરમાવવામાં આવ્યું છે કે-

  • બધી જ ઉમ્મત – પ્રજા આપસમાં ભાઈ ભાઈ છે.

ત્યાર પછી ફરમાવે છે કે –

  • હવે જ્યારે તમે બધા એકબીજાના ભાઈ ભાઈ છો તો પછી લડાઈ – ઝઘડો અને ક્રોધ – ગુસ્સો શા માટે?
  • તો હવે બધા જ એકબીજા સાથે સંપીને – પ્રેમથી રહો. આમીન (તથાસ્તુ, ઈશ્વર સૌનું ભલું કરે.)

સાપ્તાહિક સંદેશ

ઈર્ષા, હસદ કરવાથી બચતા રહો. બુરાઈ બોલનારા હસદખોરોનો અમલ અર્થાત્‌‍ વહેવાર – આચરણ કરનારાઓનો કાર્ય છઠ્ઠા આસમાન સુધી પણ પહોંચતો નથી, તેને રસ્તામાંથી તેના મોં પર પટકી દેવામાં આવે છે. તે (ઈર્ષાખોર) દુનિયા અને આખેરત (મૃત્યુલોક) બંનેમાં પરેશાન રહે છે, દુનિયામાં પોતાના હસદના કારણે અને આખેરતમાં અઝાબ, દુ:ખ, કષ્ટ, વિપત્તિ, યાતના, સજાના કારણે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button