પુરુષ

એમએસ ધોની: વૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ

સંપૂર્ણ રિટાયરમેન્ટની લગોલગ પહોંચી ગયેલા માહી વિના દરેક મેદાન સૂનું લાગશે અને ક્રિકેટનો આગામી દરેક યુગ મનોરંજક હશે, પણ ધોનીના યુગ જેવો અદ્ભુત નહીં જ હોય

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

મહેન્દ્રસિંહ ધોનીનું નામ બોલાય ત્યારે તેના વિશે ‘કૂલ કૅપ્ટન’, ‘બેસ્ટ વિકેટકીપર’, ‘બેમિસાલ બૅટર’, ‘બેસ્ટ મૅચ-ફિનિશર’, ‘લાજવાબ સ્ટ્રૅટજી માસ્ટર’, ‘નિર્વિવાદ ખેલાડી’, ‘માર્ગદર્શક’, ‘પ્રેરણામૂર્તિ’, વગેરે…વગેરે. અનેક ઓળખ માનસપટ પર તરી આવે. ‘ન ભૂતો ન ભવિષ્યતિ’. ૪૨ વર્ષના ધોની જેવો ક્રિકેટર અગાઉ ન થયો છે અને ન હવે પછી ક્યારેય થશે. લેજન્ડરી ખેલાડીઓની હરોળમાં સર્વોત્તમ સ્થાને બિરાજમાન ધોનીની અવિસ્મરણીય અને અભૂતપૂર્વ કારકિર્દીનો સંધ્યાકાળ હોય ત્યારે તેના વિશે વારંવાર ચર્ચા કર્યા વિના રહી જ ન શકાય.

એમએસ ધોનીએ બે દિવસ પહેલાં એક વીડિયો પર પોતાના વિચારો પહેલી વાર શૅર કરતી વખતે કહ્યું, ‘મને પાળેલાં પ્રાણીઓ રાખવાનો વર્ષોથી શોખ છે. મને બિલાડી કરતાં શ્ર્વાન વધુ પસંદ છે, કારણકે તેમના નિ:સ્વાર્થ ભાવવાળા પ્રેમથી હું હંમેશાં પ્રભાવિત થાઉં છું. મેં પહેલાં પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું મૅચ જીતીને ઘરે પાછો આવું કે હારીને, મારા ડૉગ તરફથી મને એકસરખો પ્રેમ મળતો હોય છે.’

ધોનીએ આ બહુ સરસ કહ્યું. જોકે તે એ પણ જાણતો હશે તેના કરોડો ચાહકો પણ તેને આવો જ પ્રેમ કરે છે. તે જ્યારે પણ જીત્યો છે અને હાર્યો છે, ત્યારે તેના ફૅન્સે હંમેશાં
તેનું સન્માન જ કર્યું છે. એમાં ખુલાસો કરવાની જરૂર નથી, કારણકે ધોની છે જ એવો કે તેને કોઈ પણ વ્યક્તિ નફરત કે તિરસ્કાર ન કરી શકે. કરોડો લોકોના દિલોદિમાગમાં વસેલા ધોનીની કારકિર્દી જો હવે સાવ નજીકમાં જ હોય તો તેના જેટલી જ ભાવુકતા તેના દરેક ચાહકમાં પણ આવી જ જાય.

જ્યારે આપણું કોઈ સ્વજન કે મિત્ર કે આપણને મનપસંદ હોય એ વ્યક્તિ જો કોઈ બીમારી કે ઈજાને કારણે હૉસ્પિટલમાં આઇસીયુમાં કે વેન્ટિલેટર પર હોય તો એ સમય આપણા માટે અસહ્ય બની રહેતો હોય છે, કારણકે એ વ્યક્તિને ગમે ત્યારે ગુમાવી દઈશું એ સંભાવના સ્વીકારવાની આપણી તૈયારી જ નથી હોતી. ધોનીની શાનદાર કરીઅર અત્યારે વેન્ટિલેટર પર છે, ગમે ત્યારે એના પર પૂર્ણવિરામ મુકાઈ શકે. એટલે જ આઇપીએલની છેલ્લી લીગ મૅચમાં બેન્ગલૂરુ સામેની હારને પગલે ચેન્નઈએ આ સીઝનમાંથી એક્ઝિટ કરી ત્યારે ધોની જેટલો ગમગીન હતો એટલી જ ઉદાસીનતા તેના તો શું હરીફ ટીમોના ચાહકોમાં પણ હશે જ. કારણ એ હતું કે ધોની કદાચ છેલ્લી આઇપીએલ રમ્યો છે. ૨૦૨૩ની સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને પાંચમું ટાઇટલ અપાવ્યા પછી ધોની નિવૃત્તિ જાહેર કરવાની તૈયારીમાં જ હતો, પરંતુ અસંખ્ય ચાહકોના પ્રેમને કારણે તેણે એક સીઝન લંબાવવા મનોમન તૈયારી કરી લીધી હતી. એ ચૅમ્પિયનપદ પછી બીજા જ અઠવાડિયે તેણે મુંબઈમાં ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું, મહિનાઓ સુધી આરામ કર્યો અને ફરી પ્રૅક્ટિસ શરૂ કરીને ૨૦૨૪ની આઇપીએલમાં રમવા આવી ગયો હતો.

ધોની હંમેશાં દરેક મૅચ ટીમ ઇન્ડિયાને કે સીએસકેને જિતાડવાના આશયથી જ રમ્યો છે. ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનની ભારતે બે વાર ધુલાઈ કરી એ સહિત આખી ટૂર્નામેન્ટમાં ધોનીએ જે અસલ મિજાજ અને અસલ સ્ટાઇલથી પર્ફોર્મ કર્યું હતું એવો જ તેનો મૂડ અને અસલ સ્ટાઇલ શુક્રવારે બેન્ગલૂરુમાં આરસીબી સામેની મૅચમાં જોવા મળ્યા હતા.

આ છે ધોનીની વૃત્તિ. તે હંમેશાં યુવા વર્ગ માટે માર્ગદર્શક બની રહ્યો છે. ટેસ્ટ-કરીઅર છોડ્યાને દસ વર્ષ અને સમગ્ર આંતરરાષ્ટ્રીય કારકિર્દી છોડયાને પાંચ વર્ષ થઈ ગયા હોવા છતાં ધોનીની હજી પણ કોર્પોરેટ વર્લ્ડમાં જબરી ડિમાન્ડ છે. તેની પાસે ૩૫ બ્રૅન્ડ છે. સોશિયલ મીડિયામાં તેના ૭.૫૦ કરોડથી પણ વધુ ફૉલોઅર્સ છે અને દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. એમ છતાં સાથી ખેલાડીઓમાં (ડ્રેસિંગ-રૂમમાં કે મેદાન પર) તે પહેલા જેવો જ લોકપ્રિય છે. તેની વૃત્તિના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

જેમ ઇન્ટરનૅશનલ કરીઅરમાં તેણે વિરાટ કોહલીને સહજતાથી કૅપ્ટન્સી સોંપી દીધી હતી એ જ રીતે સીએસકેનું સુકાન ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધું છે. સામેવાળી વ્યક્તિ સાથે હંમેશાં વિનમ્રતા બતાવતો ધોની હવે ખૂબ થાકી ગયો છે અને રિટાયર થવા માગે છે, પણ કરોડો ચાહકો તેને પ્રવૃત્તિમય રાખવા માગે છે. ચાહકો તો ઠીક, ભૂતપૂર્વ સાથી ખેલાડી રૉબિન ઉથપ્પાએ પણ વારંવાર કહ્યું છે કે ધોનીની નિવૃત્તિનો સમય હજી નથી આવ્યો. શુક્રવારે ધોનીની તેમ જ શાર્દુલ ઠાકુર અને રવીન્દ્ર જાડેજાની છેલ્લી ઓવરની નિષ્ફળતા બાદ સીએસકેનો પરાજય થયો ત્યાર બાદ કંઈ કેટલાયના હૃદયમાં ડર પેસી ગયો હશે કે ધોની હવે ગમે એ ઘડીએ નિવૃત્તિની જાહેરાત કરી દેશે. જોકે ઉથપ્પાએ એક ઇન્ટરવ્યૂમાં ખાતરીપૂર્વક કહ્યું, ‘મને લાગે છે કે ધોની હજી હમણાં રિટાયર નહીં થાય. ધોની છેલ્લી મૅચ રમ્યો એવું માની લેવાની ભૂલ કોઈએ ન કરવી. મને ગળા સુધી ખાતરી છે કે તે અસલ ફૉર્મમાં કમબૅક કરીને રહેશે.’

૧૯૯૭ના ખેલરત્ન પુરસ્કાર વિજેતા સચિન તેન્ડુલકરની કરીઅર પચીસ વર્ષ સુધી ચાલી હતી એ પણ ક્રિકેટજગત માટે અને ખાસ કરીને ભારતીય ક્રિકેટ માટે અદ્ભુત બાબત કહેવાય. જોકે બહુ થોડો સમય કૅપ્ટન્સીની જવાબદારી સંભાળનાર સચિન બોલિંગમાં પણ રાબેતામુજબ નહોતો. તે અપેક્ષાના પ્રચંડ પ્રેશર વચ્ચે છેક સુધી અવ્વલ દરજ્જાનો બૅટર બની રહ્યો હતો અને એ જ તેની ભવ્ય કારકિર્દીનું મુખ્ય પાસું હતું. હા, તેની માત્ર હાજરીથી ડ્રેસિંગ-રૂમમાંના સાથીઓ રોમાંચિત થઈ જતા હતા અને કરોડો ચાહકોના દિલમાં લાડલા સચિનની છબી ક્રિકેટિંગ ગૉડ સમાન છે. જોકે માહીની પ્રતિભા લિટલ ચૅમ્પિયનથી જુદી છે. માહી પણ ૨૦ વર્ષની કરીઅર પૂરી કરી ચૂક્યો છે, પરંતુ માહીએ વર્ષોથી અપેક્ષાના પ્રચંડ પ્રેશરમાં કૅપ્ટન્સી, વિકેટકીપિંગ અને બૅટિંગની એકસાથે ત્રણ જવાબદારી અદા કરી છે. સલામ છે ૨૦૦૭ની સાલના આ ખેલરત્ન અવૉર્ડ વિજેતાને.

ધોનીએ પોતે જ કહ્યું છે કે તે સોશિયલ મીડિયાથી દૂર રહે છે એટલે જ સ્ટ્રેસ-ફ્રી કરીઅર માણી રહ્યો છે. જોકે ઑગસ્ટ, ૨૦૨૦માં તેણે ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં ક્રિકેટજગતને ચોંકાવી દીધું હતું. તેણે એમાં લખ્યું હતું, ‘સમગ્ર કારકિર્દીમાં મને અખૂટ પ્રેમ અને સપોર્ટ આપવા બદલ તમારો સર્વેનો આભાર. આજે સાંજે ૭.૨૯ વાગ્યાથી તમે મારી ગણના નિવૃત્ત ખેલાડી તરીકે કરજો.’
ધોનીએ ત્યારે આંતરરાષ્ટ્રીય કારકિર્દીને આ ચોંકાવનારી સ્ટાઇલમાં અલવિદા કરી હતી. આશા રાખીએ તેની આઇપીએલની કરીઅર હજી પણ ચાલુ રહે અને હજી થોડા વર્ષ મેદાન પર એવરગ્રીન, એવર-ફિટ રહીને આપણને તેની અમૃતમય ક્રિકેટિંગ ટૅલન્ટની મોજ કરાવતો રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button