
નીલા સંઘવી
જુદા જુદા વૃદ્ધાશ્રમોમાં જઈને ત્યાં વસતા
વૃદ્ધો સાથે વાત કરીને એમનાં મનની વાત
વાચકો સામે રજૂ કરવી એવું ‘મુંબઈ સમાચાર’નું
સૂચન હતું…
શા માટે વડીલોને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે? એવાં ક્યાં કારણ છે, જેને લીધે વયસ્કો પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવાનું પસંદ કરે છે એની વિવિધ વાત અત્યાર સુધી તમને વાચકોને પહોંચાડી.
Also read : એ વહાલનો દરિયો તોફાને ચડ્યો !
જોકે તાજેતરમાં એક નવું જ કારણ જાણવા મળ્યું. લોનાવલાની આજુબાજુના બે-ત્રણ ઓલ્ડ એજ હોમની મુલાકાત લીધી ત્યારે એક વૃદ્ધાશ્રમના મેનેજર સાથે બેસીને વાત કરી રહી હતી ત્યારે મેં જોયું કે એક યુવતી એક વૃદ્ધા સાથે વાતો કરતી ઊભી હતી. થોડીવાર વાતો કર્યા પછી એ યુવતી પેલી વૃદ્ધાને ‘બાય’ કરીને નીકળી ગઈ. પેલાં વૃદ્ધ બહેન ઓફિસ આગળથી પસાર થયાં એટલે મારા રાબેતા મુજબ મેં એમને પૂછ્યું:
‘કેટલા સમયથી અહીં રહો છો?’
‘ત્રણ મહિના થયા’
‘આપના સંતાન?’
‘એક દીકરી છે, જે હમણાં જ મને મળીને
ગઈ. તમે કદાચ જોઈ હશે. મારી સાથે વાતો કરતી ઊભી હતી.
‘હા, હા …આપ બંનેને વાતો કરતા’તા…. તો આપ દીકરીની સાથે નથી રહેતા?’
‘ના, બેન હું અને મારાં પતિ બંને અહીં રહેવા આવ્યા છીએ. અમે કાંઈ હંમેશાં માટે અહીં નથી આવ્યા. ત્રણ-ચાર વર્ષ રહીશું.’
‘ઓહ, એવું કેમ?’
પેલા બહેને વાત શરૂ કરી :
‘વાત એમ છે કે અમારું મકાન રિડેવલપમેન્ટમાં જવાનું છે. ઘણાં વર્ષોથી વાતચીત ચાલતી હતી. હમણાં થોડી વાત આગળ વધી છે. ઘર ખાલી કરવાનું છે. બિલ્ડર ભાડું આપે એટલે ભાડે ઘર લેવાનું વિચાર્યું હતું. બહુ બધાં ઘર જોયા. પણ કોઈ ગમે નહીં તો કોઈનું ભાડું વધારે હોય. બિલ્ડર જેટલા રૂપિયા ભાડા પેટે આપે એમાં ગાંઠના ઉમેરવા પડે. જે જગ્યા ગમી જાય તેમાં આવું જ થતું હતું. અમને જે એજન્ટ ઘર બતાવતો હતો તેનું કહેવું હતું કે મુંબઈમાં હમણાં ભાડાના ઘરની શોર્ટેજ છે, કારણકે બહુ બધાં બિલ્ડિંગ એક સાથે રિડેવલપમેન્ટમાં જઈ રહ્યાં છે આને કારણે ભાડાના ઘરની ભળતી જ ડિમાન્ડ છે અને એટલે ભાડાના ભાવ બહુ જ વધી ગયાં છે. બહુ મહેનત કરી પણ મેળ પડ્યો નહીં. શું કરવું? અમે બંને વિચારમાં પડ્યાં. થયું ગુજરાતના કોઈ ગામમાં જઈને રહીએ. પણ પછી વિચાર્યું ત્યાં એકલાં પડી જઈએ. સાજા-માંદા થઈએ તો અજાણી જગ્યાએ મુશ્કેલી થઈ જાય. હું અને મારા પતિ બંને દ્વિધામાં હતા.
એક દિવસ મારી દીકરી અને જમાઈ મળવા આવ્યા. અમારી ભાડાના ઘરની મુશ્કેલીની વાત જાણીને દીકરી જમાઈ કહે:
‘અરે, એમાં ચિંતા કરવાની શી જરૂર છે? અમારે ત્યાં આવી જાવ…!’
‘એ બન્નેની બહુ જ ઈચ્છા હતી કે અમે તેની સાથે રહેવા જઈએ પણ અમે ના પાડી. દીકરી જમાઈ પર ક્યાં બોજ વધારવો ? હવે શું કરવું તે વિચારતા હતા વિચાર કરતા થયું કે માની પણ લે કે ભાડાનું ઘર મળી પણ જાય તોય ત્યાં પણ પોતાના ઘર જેવાં ખર્ચ તો કાયમ જ રહે ને ? એ બધી માથાકૂટમાં પડ્યા વગર અમને થયું કે મકાન બનતા જે ચાર-પાંચ વર્ષ લાગે તે દરમિયાન વૃદ્ધાશ્રમમાં જઈને રહીએ તો કેવું ? અંતે વૃદ્ધાશ્રમમાં રહેવાનો વિચાર કર્યો.
‘દીકરી – જમાઈએ આ વૃદ્ધાશ્રમ શોધી કાઢ્યો. આ જગ્યા અમને પણ ગમી ગઈ… અને અમે અહીં રહેવા આવી ગયા.’ માજીએ કહ્યું. ‘પણ, તમે અહીં આવ્યા તો તમારાં ઘરનો આટલો બધો સામાન ક્યાં રાખ્યો? એ તો અહીંની એક રૂમમાં આવી ન શકે.
‘બહેન, અમારાં ઘરનો જે સામાન હતો તે ઘણો જૂનો થઈ ગયો હતો. હવે જે નવું ઘર મળશે તેમાં આમ પણ આ સામાન રાખવાનો નથી. બધું ફર્નિચર નવું જ કરાવીશું તેથી બધો સામાન કાઢી નાખ્યો. થોડો સામાન વેચી નાખ્યો. બાકીનો કામવાળી બાઈ, વોચમેન જેમને જોઈતો હતો તેમને આપી દીધો. આખરે એ બધાં વર્ષોથી અમારી સંભાળ રાખતા હતા.
Also read : વાત એક મનોવિકૃત વૃદ્ધની…
થોડાં વાસણ-કૂસણ જોઈતા હતા તે પેક કરીને દીકરીના ઘરે મૂકી દીધાં. બાકી રહ્યાં કપડાં અને પુસ્તકો. એ અમે અહીં સાથે લઈ આવ્યા. અહીં ડબલ વોર્ડરોબ આપેલા છે તેમાં બધું આસાનીથી મૂકી શકાય છે. અહીં અમને બહુ ગમે છે. તૈયાર ચા-પાણી-નાસ્તો-જમવાનું મળી રહે. સમવયસ્કોની કંપની મળી રહે. સાજે-માંદે ડોક્ટરની સારવાર મળી રહે.
માજીએ સંતોષનો શ્વાસ લેતા વાતને વિરામ આપ્યો.