આધુનિકતા એટલે સ્ત્રીને અપાતો અવકાશ… પણ એવું પુરુષ ક્યારે સમજશે?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
એક મુલાકાતમાં સુધા મૂર્તિ એમના પતિ નારાયણ મૂર્તિ વિશે બહુ સરસ વાત કરે છે કે દરેક સફળ સ્ત્રીની પાછળ એક સમજદાર પુરુષનો ટેકો હોય છે! સુધા મૂર્તિએ આ વાત કહી ત્યારે બીજી પણ કેટલીક વિગત આપી. એમણે ઉમેર્યું હતું: પાછલા બાર દિવસોથી હું સવારે આઠ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી બહાર રહું છું. મારું લંચ પણ મારા વર્ક પ્લેસ પર આવે છે, પરંતુ મૂર્તિએ મને એ વિશે ક્યારેય કશું કહ્યું કે પૂછ્યું નથી કે હું આટલો બધો સમય બહાર શું કરું છું. જો કે ‘હમણાં જ નહીં, મૂર્તિએ જીવનમાં ક્યારેય મને એ વિશે કશું કહ્યું કે ટકોર નથી કરી. આને કારણે જીવનમાં હું અનેક કામ કરી શકી છું. તેમજ અનેક નવી નવી દિશામાં કામ કરી શકી છું.’
સુધા મૂર્તિની આ વાત દરેક પુરુષે સમજવા જેવી છે, કારણ કે સ્ત્રી- ખાસ તો કામ કરતી કે સ્વતંત્ર કરિઅર ધરાવતી સ્ત્રીને પણ જાણ્યે – અજાણ્યે અમુક મર્યાદા તો આવતી જ હોય છે. એ મર્યાદા થોપી બેસાડાયેલી હોય કે સંજોગોને કારણે સર્જાતી હોય એ જુદી ચર્ચાનો વિષય છે, પરંતુ પુરુષ એની પાર્ટનરને કે ઘરની સ્ત્રીને મર્યાદાઓથી અચૂક મુક્તિ અપાવી શકે છે. આખરે કોઈ પણ સ્ત્રી કે માણસને કેવું સમર્થન મળે છે એના પર જ એના સાહસનો કે એની સફળતાનો આધાર રહે છે.
અહીં નારાયણ મૂર્તિ પાસે શીખવા જેવું છે કે સ્ત્રીને સ્વતંત્રતા આપવી એટલે માત્ર એને સારા કપડાં, ઘર, ગાડી કે લેટેસ્ટ આઈફોન લઈ આપવું એ નહીં. એ તો દુન્યવી વાત છે. સ્ત્રી પોતે પણ એ બધુ મેળવી જ શકે, પરંતુ સ્ત્રીને સ્વતંત્રતા આપવી એટલે એને એનું ગમતું કામ કે એ માટેનું પેશન -જુસ્સો પ્રાપ્ત કરી શકે એ માટે યોગ્ય અવકાશ આપવો! પણ મોટાભાગના પુરુષ અહીં જ થાપ ખાઈ જાય છે.
પુરુષ એમ માને છે કે સ્ત્રી અમુક સમયે ઘરે આવી જાય એ અત્યંત મહત્ત્વનું છે. અથવા આ જ વાતને એ જુદી રીતે માનતા હોય છે કે સ્ત્રીનું અમુક સમય પછી બહાર રહેવું યોગ્ય નથી.
શું કામ, ભાઈ? જો સ્ત્રી પાસે
પોતાની કરિઅરનો રોડમેપ તૈયાર હોય
કે પછી કામની અમુક જરૂરિયાત માટે
એણે અમુક સમય બહાર રહેવું પડતું
હોય તો?
વેલ, તો પછી પુરુષે નારાયણ મૂર્તિ જેવો અભિગમ રાખવો પડે. પછી એ કટકટ કરે એ ન ચાલે. વળી, કટકટ કરવી એમાં
કંઈ મર્દાનગી નથી. એ તો નકરો બાયલોચાળો કહેવાય, જ્યાં પુરુષ સ્ત્રીનો સહયાત્રી નહીં, પરંતુ એનો માલિક બનવાનો પ્રયત્ન કરે છે.
વળી, સ્ત્રી પર પ્રતિબંધ લદાયે જ ખોટું એવું નથી. જો એના સંજોગો પ્રતિકૂળ હોય અને જો પુરુષ એને સહાય કે સપોર્ટ નથી કરતો અને સ્ત્રીને સંજોગનો ભોગ બનવા દે તો એ પણ ખોટું છે. આખરે કાન આમથી પકડો કે બીજી તરફથી! વાત તો એ જ થઈ કે પુરુષ તરીકે તમે સ્ત્રીને સ્પેશ આપતા નથી કે એને મોકળાશ મળી રહે એવા પ્રયત્નો કરતા નથી. પાછો એ જ પુરુષ એવી અપેક્ષા રાખે છે કે પત્ની કે સાથી પણ સુધા મૂર્તિ જેવી સ્માર્ટ અને સફળ બને…
તમે પણ જો એવું ઈચ્છતા હો કે તમારી જીવનસાથી સુધા મૂર્તિની જેમ બિઝનેસથી લઈ લેખન- વક્તવ્યોથી લઈ સમાજસેવા કે હવે રાજ્યસભા સુધીની સફર ખેડે તો એ માટે તમારે નારાયણ મૂર્તિ જેવું દિલ રાખવું પડે.
સ્ત્રી અને એની શક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને એને એનું કામ કરવા દેવાનું. એના કામમાં કોઈ દખલ નહીં કરવાની અને એને જરૂરી એવો અવકાશ અને જોઈતાં સંસાધન જો કે આ કામ પહેલી નજરે દેખાય એવું સરળ નથી. કહેવાતા ભણેલા અને પૈસેટકે સધ્ધર પુરુષમાં પણ આ અભિગમનો
અભાવ છે. આખરે આ એક આગવી કરે જ – હિંમત માગી લે છે, જે એ કંઈ બધાનું કામ નથી.