પુરુષ

મિશન જુનિયર વર્લ્ડ કપ: લક્ષ્યાંક છઠ્ઠી ટ્રોફી

સ્પોર્ટસમેન -યશ ચોટાઈ

પ્રિયાંશુ મોલિયા, રુદ્ર પટેલ, રાજ લિંબાણી, કેપ્ટન ઉદય સહરાન,

જુનિયર ક્રિકેટ વર્લ્ડ કપનો જાન્યુઆરી મહિનો ફરી એકવાર આવી ગયો છે. ફરી વાર સાઉથ આફ્રિકા યજમાન છે અને ૧૬ દેશની ટીમ વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે.

વાત એવી છે કે જાન્યુઆરી, ૨૦૨૩માં ગર્લ્સ ક્રિકેટરોનો વર્લ્ડ કપ એટલે કે આઇસીસી વિમેન્સ અન્ડર-૧૯ ટી-૨૦ વિશ્ર્વ કપ સાઉથ આફ્રિકામાં રમાયો હતો જેમાં શેફાલી વર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. યોગાનુયોગ, શુક્રવાર ૧૯ જાન્યુઆરીએ બૉય્સ ક્રિકેટરોનો આઇસીસી મેન્સ અન્ડર-૧૯ વર્લ્ડ કપ પણ દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ રહ્યો છે અને એમાં ભારત સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બન્યા પછી હવે છઠ્ઠી વાર પણ વિજેતાપદ મેળવવા માટે ફેવરિટ છે. છેલ્લે ૨૦૨૨માં ભારતે યશ ધુલના નેતૃત્વમાં જુનિયર વર્લ્ડ કપ જીતી લીધો હતો. એ અગાઉ, ૨૦૧૮માં ભારતે પૃથ્વી શોની કૅપ્ટન્સીમાં, ૨૦૧૨માં ઉન્મુક્ત ચંદના સુકાનમાં, ૨૦૦૮માં વિરાટ કોહલીના તેમ જ ૨૦૦૦માં મોહમ્મદ કૈફના સુકાનમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. ૨૦૦૦ની સાલમાં ભારતને કૈફ ઉપરાંત યુવરાજ સિંહ પણ અન્ડર-૧૯ વર્લ્ડ કપમાંથી જ મળ્યો હતો અને સમય જતાં તેણે સિનિયર ટીમને અનેક મૅચો જિતાડી આપવા ઉપરાંત ૨૦૧૧માં કૅન્સરની બીમારી હોવા છતાં વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી અપાવી હતી.

ટી-૨૦ ફૉર્મેટનો મેન્સ વર્લ્ડ કપ જૂનમાં રમાવાનો છે, પરંતુ એ પહેલાં શુક્રવારથી ટીનેજરો વન-ડે ક્રિકેટના ફલક પર ધમાલ મચાવશે. રાજસ્થાનનો ટૉપ-ઑર્ડર બૅટર ઉદય સહરાન આ ૧૫મા જુનિયર વર્લ્ડ કપમાં ભારતનો કૅપ્ટન છે. તેના પિતા આયુર્વેદ ડૉક્ટર છે. સોલાપુરનો અર્શિન અતુલ કુલકર્ણી સીમ-બોલિંગ ઑલરાઉન્ડર છે અને બૅટિંગમાં ભારતની ઇનિંગ્સની શરૂઆત કરશે.

બીજી ટીમોની વાત કરીએ તો પાકિસ્તાનના જાણીતા ફાસ્ટ બોલર નસીમ શાહનો નાનો ભાઈ ઉબૈદ શાહ જુનિયર વર્લ્ડ કપમાં પાકિસ્તાનના પેસ આક્રમણનો મુખ્ય આધારસ્તંભ છે. ન્યૂ ઝીલૅન્ડનો લેગ-સ્પિનર રહમાન હેકમત એવો ખેલાડી છે જેનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પણ મૂળ અફઘાનિસ્તાનનો વતની છે અને થોડા વર્ષોથી જુનિયર ક્રિકેટમાં ન્યૂ ઝીલૅન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. હેકમત ખૂબ ટૅલન્ટેડ પ્લેયર છે. તે એક સમયે શેન વૉર્નનો સ્ટુડન્ટ હતો અને અફઘાનિસ્તાનના જાણીતા સ્પિનર રાશિદ ખાનથી પણ પ્રભાવિત થઈ ચૂક્યો છે. ઇંગ્લૅન્ડ પાસે લુક બેન્કેન્સ્ટિન છે જે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી સાઉથ આફ્રિકાની આ ટુર્નામેન્ટના ટોચના ખેલાડીઓમાં સ્થાન મેળવી શકે એમ છે.

ભારતની પહેલી મૅચ શનિવારે બાંગલાદેશ સામે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) રમાશે.

ભારતીય ટીમમાં કોણ-કોણ છે

ઉદય સહરાન (કૅપ્ટન), આદર્શ સિંહ, અરાવેલી અવનિશ (વિકેટકીપર), રાજ લિંબાણી, રુદ્ર પટેલ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, સચિન ધાસ, ઇનેશ મહાજન (વિકેટકીપર), અર્શિન કુલકર્ણી, મુરુગન અભિષેક, ધનુષ ગોવડા, સૌમ્ય પાન્ડે, આરાધ્ય શુક્લા અને નમન તિવારી.

કઈ ટીમો રમશે?
ફૉર્મેટ કેવું છે? ભારતની મૅચો કોની સામે?
અન્ડર-૧૯ વર્લ્ડ કપની ૧૬ ટીમમાં ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગલાદેશ, આયર્લેન્ડ, નામિબિયા, નેપાળ, સ્કૉટલૅન્ડ અને અમેરિકા સામેલ છે.

ચાર ટીમવાળા ચાર ગ્રૂપ પાડવામાં આવ્યા છે. ભારતવાળા ગ્રૂપ-‘એ’માં બાંગલાદેશ, આયર્લેન્ડ અને અમેરિકા
છે.

દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમ સુપર-સિક્સ સ્ટેજમાં પહોંચશે. એ રાઉન્ડની ૧૨ ટીમને છ-છનાં બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને બંને ગ્રૂપમાં ટોચના બે સ્થાને આવનાર ટીમ સેમિ ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે.

ભારતીય ટીમમાં ગુજરાતી ખેલાડીઓની બોલબાલા: કુર્લાનો મુશીર ખાન પણ મૅચો જિતાડી શકે
અન્ડર-૧૯ વિશ્ર્વ કપ માટેની ભારતીય ટીમમાં ત્રણ ગુજરાતી ખેલાડીઓ છે. બિલિમોરામાં જન્મેલો રાજ લિંબાણી ભારતની જુનિયર ક્રિકેટમાં જાણીતો છે. તે મિડિયમ પેસ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટર છે. રાજકોટમાં જન્મેલો પ્રિયાંશુ સુરેશભાઈ મોલિયા ટીમનો ભરોસાપાત્ર બૅટર છે અને તે બરોડા તેમ જ અન્ડર-૧૯ ટીમ વતી ઘણી મૅચો રમી ચૂક્યો છે. તેણે માત્ર સાત ફર્સ્ટ-ક્લાસ મૅચમાં બે સેન્ચુરીની મદદથી ૪૭૯ રન બનાવ્યા છે. નડિયાદ સાથે સંકળાયેલો રુદ્ર મયૂર પટેલ ટૉપ-ઑર્ડર બૅટર છે. નવેમ્બરમાં આંધ્ર પ્રદેશની એક મૅચમાં તેણે ફક્ત ૪૫ બૉલમાં ચાર સિક્સર અને નવ ફોરની મદદથી ૭૧ રન બનાવીને સિલેક્ટરોના દિલ જીતી લીધા હતા.

મુંબઈ ક્રિકેટના જ નહીં, પણ આઇપીએલના જાણીતા બૅટર સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન લેફ્ટ-આર્મ સ્પિનર તેમ જ રાઇટ-હૅન્ડ બૅટર છે. ઉપનગર કુર્લાનો આ ઑલરાઉન્ડર અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતનો મૅચ-વિનર બનશે તો નવાઈ નહીં લાગે. નમન તિવારી ભારતનો મુખ્ય લેફ્ટ-આર્મ પેસ બોલર છે. તે છેલ્લી પાંચમાંથી ત્રણ મૅચમાં ત્રણથી ચાર વિકેટ લઈ ચૂક્યો છે.
આ જુનિયર વર્લ્ડ કપ મૂળ શ્રીલંકામાં રમાવાનો હતો, પરંતુ થોડા મહિના પહેલાં શ્રીલંકન સરકારે દેશની ક્રિકેટમાં દખલગીરીઓ કરી એને કારણે આઇસીસીએ એના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરીને વિશ્ર્વકપનું યજમાનપદ છીનવીને સાઉથ આફ્રિકાને સોંપી દીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button