પુરુષ

પુરુષોની મેન્ટલ હેલ્થની પ્રાઈડ ક્યારે?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

છેલ્લાં બે-ત્રણ વર્ષથી ભારતમાં ‘પ્રાઈડ મંથ’નું બહુ ચાલી નીકળ્યું છે. એક સમય હતો જ્યારે પ્રાઈડ રેલીઓ મુંબઈ કે દિલ્હી જેવાં શહેરોમાં જ થતી. હવે સુરત – વડોદરા જેવાં શહેરોમાં પણ થઈ રહી છે. આગામી સમયમાં દહાણુ અને ધોળકામાં પણ થાય તો નવાઈ નહીં.

જોકે, જૂન એ કંઈ માત્ર પ્રાઈડ મંથ નથી. આ મહિનો પુરુષોની મેન્ટલ હેલ્થ માટેનો પણ મહિનો છે, જેની આપણે ત્યાં લગીર ચર્ચા નથી થઈ કે થતી, પરંતુ વિદેશમાં પુરુષોની વધતી જતી આત્મહત્યા, એનામાં વધતા જતાં વ્યસનના પ્રમાણ કે પછી વધતી જતી માનસિક બીમારીઓ વિશે ખૂલીને ચર્ચાઓ થઈ રહી છે અને તેનાં કારણો જાણીને તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, આપણે સૌએ એ સ્વીકારવું પડશે કે આપણે પરિવાર તરીકે
પુરુષના ઉછેર તેમજ સમાજ તરીકે પુરુષ સાથેના વર્તનને લઈને અત્યંત નીંભર
રહ્યા છીએ. આપણે અત્યંત સફળતાપૂર્વક એવી વ્યવસ્થા ગોઠવી શક્યા છીએ કે જેમાં પુરુષને નાનપણથી એવું ઠસાવી દેવાયું છે કે વ્યક્ત થવું, ફરિયાદો કરવી કે રડવું એ સ્ત્રીનાં કામ છે! એટલે જ પાંચ વર્ષનું બાળક સહેજ વાતમાં રડી પડે તો આપણે સહજતાથી બોલી ઊઠીએ છીએ કે ‘આમ છોકરીઓની જેમ રડવા
શું બેઠો?’

છોકરી રડે તો એ પાછો જુદી ચર્ચાનો વિષય છે, પરંતુ પુરુષને આ
રીતે નાનપણથી આવી અભિવ્યક્તિ દ્વારા શરમજનક સ્થિતિમાં મૂકવો કે
‘એને આપણાથી આ ન કરાય’ જેવી સ્પર્ધામાં મૂકવો એ એને ભવિષ્યના
માનસિક પડકારો તરફ ધકેલવાનો ધંધો છે. દુ:ખની વાત એ છે કે આ ધંધો સામાજિક- આર્થિક કે ભૌગોલિક રીતે દેશના તમામ વર્ગમાં પુરબહારમાં ચાલી રહ્યો છે.

આવું જ કંઈક એની જવાબદારીઓ લઈને આપણે કરતા હોઈએ છીએ. આપણે કિશોરોને કે યુવાનોને કાચી ઉંમરથી ઘોંચપરોણા શરૂ કરી દઈએ કે કાલ ઊઠીને તારે આ બનવું પડશે કે કાલ ઊઠીને તારે ઘરની કે પરિવારની આ જવાબદારીઓ ઉઠાવવી પડશે અથવા તો તું સારી નોકરી કે કામ મેળવશે તો જ ઘરનું ઘર લઈ શકાશે અથવા કાર લઈ શકાશે, ઈત્યાદિ, ઈત્યાદિ પણ, યાર, આવું કરીને આપણે પુરુષનાં મનમાં આડકતરી રીતે ખલેલ પહોંચાડીએ છીએ. એ પણ ગંભીરતાથી એવું માનતો થઈ જાય છે કે એનું જીવન એ જવાબદારીઓનો ભારો છે. એણે હંમેશાં પરફોર્મ કરતા રહેવું પડશે અને એ પરફોર્મ કરતા રહેવાની એની સાયકોલોજી એને એક એવી સ્પર્ધામાં ધકેલી મૂકે છે કે જયાં પુરુષે સતત પોતાની જાતને સાબિત કરતા રહેવું પડે છે.

વળી, પ્રોફેશનલ(વ્યવસાયિક) ફ્રન્ટની તો વાત જ જુદી. અહીં તો આપણે પુરુષને જાદૂગર કે. લાલનો ‘વોટર ઑફ ઈન્ડિયા’ નો ઘડો જ માનીએ છીએ એટલે વ્યવસાયિક ફ્રન્ટ પર લેબર લો કે હ્યુમન રાઈટ્સના પણ ચીંથરા ઊડી જાય અને પુરુષનો કસ નીકળી જાય એ રીતે તેને ટાર્ગેટ્સ અપાય છે.

અંતત: થાય છે શું ? તો કે બાળપણથી આપણે તો રડી જ ન શકીએ, આપણે તો ફરિયાદ જ ન કરી શકીએ કે આપણે કામ નહીં કરીશું તો આપણું ઘર પળવારમાં ધ્વસ્ત થઈ જશે એમ સમજેલો પુરુષ મનમાં ને મનમાં પીડાય છે. ઓવરથિકિંગને રવાડે એ ચઢી જાય અને ક્યારેક તો એવા ડિપ્રેશનમાં જતો રહે છે કે એને માટે મૃત્યુ અત્યંત સહજ વાત બની જાય છે.

-અને આમાં વાંક કોનો?

પરિવારનો- સમાજનો કે વ્યવસાય પરના અભિગમનો જ! આખરે કોણે એને આટલો બધો ત્રાસ આપ્યો? આખરે કોણે એનો ઉછેર ખોટો કર્યો? આખરે કોણે એને અભિવ્યક્ત થવું એ પાપ છે એના મનમાં ઘુસાડી દીધું છે?

અલ્યા ભાઈ, બાળક નાનું હોય એટલે એ એને થતી તકલીફ એ રડીને જ વ્યક્ત કરવાનું છે. એ એની અભિવ્યતિ જ છે. એ કંઈ ભાષામાં સહજતાથી વ્યક્ત થવાનું નથી અને તે વાત એ ભાષામાં અભિવ્યક્તિ કરતાં શીખે એ પહેલાં તો આપણે એની અભિવ્યક્તિને ટૂંપો આપી દઈએ છીએ! આવું દુષ્કૃત્ય પુરુષની ટીનએજમાં કે એની યુવાવસ્થામાં થાય છે.

એટલે ભાઈ, ‘મર્દ કો દર્દ નહીં હોતા હૈ’ એ તો ફિલ્મી ડાયલોગ છે. મર્દને જે માનસિક દર્દ થાય છે એ વિશે કોઈ નથી જાણતું. આશ્ર્ચર્યની વાત તો એ છે કે મર્દ એની અડધી જિંદગી માનસિક પરિતાપમાં વીતાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…