પુરુષ

આપણને સતત આશ્ર્ચર્યચકિત કરતો ગ્રહ મંગળ

પૃથ્વી પર વસતિ વિસ્ફોટ થયો છે. વૃક્ષો આડેધડ હણાય રહ્યાં છે. લીલોતરી અલોપ થઈ રહી છે. પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે આ બધામાંથી છુટકારો મેળવવા માનવી જ્યાં હવે વસી જવા ઉતાવળો થયો છે એ નવા ઘર પર અલપ-ઝલપ લટાર

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

ધરતીનો કલોઝ-અપ, મંગળની રહસ્યમય દીવાલ

અમુક શબ્દ સાંભળીએ-વાંચીએ તો મન આપમેળે પ્રસન્ન થાય.આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે: મંગળ!

મંગળ શબ્દના અનેક પર્યાયી અર્થ છે. મંગળ એટલે શુભ-પવિત્ર- કલ્યાણકારી- ક્ષેમકારક-ખુશાલીનો અવસર આ ઉપરાંત, આપણા૭ દિવસના સપ્તાહનો એક વાર-દિવસ(જે સોમ અને બુધવારની વચ્ચે આવે) અને આપણા બ્રહ્માંડનો એક ગ્રહ પણ ખરો,જે જયોતિષીઓની નજરે ધરતીથી જોજનો માઈલના અંતરે અંતરિક્ષમાં હોવા છતાં માનવીની ભાગ્યકુંડળી-નસીબ પર સારી-નરસી અસર પાડી શકે!

કામચલાઉ, આ ગ્રહ અને એની અસરને બાજુ પર રાખીએ તો મંગળ નામના અવકાશી પદાર્થ વિશે ઘણી ઘણી રસપ્રદ વાત જાણવા જેવી છે.

આ કોલમ લખાઈ રહી છે ત્યારે આવેલા એક બ્રેકિંગ ન્યૂઝ એ છે કે ‘નાસા’ની એ જાહેરાત મુજબ મંગળ પર એના રોબો યાન ‘પર્સિવારન્સ’ દ્વારા ત્યાંની ધરતીના જે નમૂના એકઠા કરવામાં આવ્યા છે એને પૃથ્વી પર પરત લાવવામાં આવશે .

૧૧ અબજ ડૉલરના ખર્ચે આ MSR (માર્સથી રિર્ટન સેમ્પલ) મિશન ૨૦૩૦માં પૂર્ણ થશે પછી એ નમૂનાના પરીક્ષણથી ખબર પડશે કે મંગળ પર અગાઉ જીવનનું અસ્તિત્ત્વમાં હતું કે નહીં?!

આમેય, ગ્રહ મંગળ વિશે જિજ્ઞાસા જગાડતા અનેક સમાચાર આવતા રહે છે. આ રાતા રંગના ગ્રહ વિશે વિશેષ જાણવા અને એનાં અનેક રહસ્ય ઉકેલવા માનવી પહેલેથી બહુ ઉત્સુક રહ્યો છે.

અમેરિકાની અવકાશી સંશોધન કરતી એજન્સી ‘નાસા’ વર્ષોથી આ દિશામાં સતત પ્રયત્નશીલ રહી છે.

આપણી સ્પેસ સંસ્થા ‘ઈસરો’એ પણ ૧૧ વર્ષ પહેલાં ‘મંગળયાન’ નામે એક સ્પેસક્રાફટ રૂપિયા ૪૫૦ કરોડના ખર્ચે તૈયાર કરીને મંગળ ગ્રહનાં સંશોધન માટે રવાના કર્યું હતું અને ભારત જ એક માત્ર દેશ છે, જેને સર્વપ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં ગોઠવાઈ જવાનો યશ મળ્યો.આમ તો એ યાન માત્ર છએક મહિના જ આ કામગીરી બજાવી શકે એ રીતે આપણે એને તૈયાર કર્યું હતું,પણ બધાના આશ્ર્ચર્ય વચ્ચે ‘મંગળયાન’એ અંતરિક્ષમાં ૯ વર્ષ સુધી ટકી રહીને ત્યાંથી ૧૧૦૦ જેટલી રંગીન તસવીરો અને રાતા ગ્રહ વિશે અવનવી માહિતી એકઠી કરી ‘ઈસરો’ને પહોંચતી કરી !

નવેક વર્ષની આવી પૈસા ‘વસૂલ’ નિષ્ઠાપૂર્ણ કામગીરી પછી ‘મંગળયાન’ અને આપણા ‘ઈસરો’ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે એટલે કે એ સ્વૈચ્છિક ‘નિવૃત્ત’ થઈ ગયું છે. ..!

આવા આ રાતા રંગના પ્લેનેટનો જરા કલોઝ-અપ ઝીલીએ તો
માર્સ એટલે કે મંગળ સૂર્યથી ચોથે સ્થાને આવેલો ગ્રહ છે. એ સૌરમંડલનો બીજો સૌથી નાનો ગ્રહ છે. જો કે, એ બુધ કરતાં પણ
મોટો છે.

આ મંગળ ગ્રહની સતહ-ધરતી-માટી એકદમ લાલચોળ છે (રેડ ‘ઓક્સાઈડ’ ધાતુને લીધે) અને એટલે જ એને લાલ કે રાતા રંગના ‘ગ્રહ’ તરીકે ઓળખ મળી છે.ગ્રીકની પુરાણકથાઓ અનુસાર માર્સને યુદ્ધના ‘દેવતા’ કહેવામાં આવે છે. મંગળ પર અવારનવાર કલાકો સુધી ઘટ્ટ ધૂળનાં વંટોળ પણ ફૂંકાતાં રહે છે. પૃથ્વી અને મંગળ વચ્ચે સરેરાશ અંતર ૧૧૧.૩૯ મિલિયન કિલોમીટર છે. (૧ મિલિયન=૧૦ લાખ)

આપણી ધરતી પરથી નરી આંખે જોઈ શકાય છે એવા મંગલ ગ્રહનો દિવસ આપણા કરતાં ૩૭ મિનિટ લાંબો છે. એને સૂર્યની આસપાસ એક પ્રદિક્ષણા લેતા ૬૮૭ દિવસ લાગે છે એટલે આપણે ત્યાં ૩૬૫ દિવસે ૧ વર્ષ પૂરું થાય છે તો મંગળનું ‘હેપી ન્યૂ યર’ ૬૮૭ દિવસે આવે!

સૂર્યની ભ્રમણકક્ષામા લંબગોળ પ્રદિક્ષણા લેતા આ ગ્રહનું સરેરાશ તાપમાન ૫૫ સેલ્શિયસ ડિગ્રી રહે છે અને આપણી પૃથ્વીની જેમ જ ત્યાં પણ ઋતુ પલટાતા શિયાળામાં એનું તાપમાન ૧૩૩ ડિગ્રી સુધી ઘટી પણ જાય છે.

પૃથ્વીની સરખામણીએ મંગળ ઘણો નાનો છે, પરંતુ આપણી જેમ ત્યાં સમુદ્ર ન હોવાથી એનો જમીન વિસ્તાર પૃથ્વીથી વધુ છે. કુદરતી અકસ્માતોથી સર્જાયેલા ત્યાંના પર્વતો તો આપણા હિમાલયથી પણ ખાસ્સા ઊંચા છે. અંતરિક્ષનાં અન્ય કોઈ ગ્રહો કરતાં આ રાતા ગ્રહ વિશે આપણે પૃથ્વીવાસીએ સૌથી વધુ સંશોધન કર્યાં છે.

ગયા વર્ષ -૨૦૨૩ સુધીમાં ૪૩ જેટલાં ‘માર્સ મિશન’ના પ્રયાસ થયા છે, જેમાંથી ૧૮ જેટલાં સફળ નીવડ્યાં તો ૨૫ને નિષ્ફળતા પણ મળી. ‘સોફટ લેન્ડિંગ’ તરીકે ઓળખાતાં ૧૮ જેટલાં માનવરહિત યાને મંગળની ધરતી પર ઊતરાણ કર્યું આમાં ૧૯૭૬માં અમેરિકાનું ‘વાઈકિંગ-વન’ યાન સર્વપ્રથમ મંગળની ધરતી પર લેન્ડ થયું પછી ત્યાંથી જ મંગળની ૧૪૦૦ વધુ તસ્વીરો પૃથ્વી પર પાઠવી… આ ઐતિહાસિક ઘટના પછી ‘વાઈકિંગ-ટુ’એ પણ મંગળની સફળ મુલાકાત લીધી હતી. પછી તો બીજાં ૮ જેટલાં યાન મંગળને ‘મળી’ આવ્યાં, જેમાં બે વર્ષે પહેલાં તો લાલ ચીનનું યાન ‘ઝુરોંગ’ ( ચીનના અગ્નિદેવતા) પણ મંગળની રાતી-લાલ ધરતીને ‘હેલ્લો’ કહી આવ્યું. આમ જોવા જાવ તો માનવવસતિ વિહોણા મંગળ પર સૌથી વધુ વસતિ છે ત્યાં લેન્ડ થયેલાં ચાર-પાંચ રોબો યાનની છે..!

આ રાતો ગ્રહ નાનાં નાનાં ‘આંચકા’ આપવા માટે જાણીતો છે. છેક ૨૦૧૨થી મંગળ પર લેન્ડ થયેલા ‘નાસા’ના ‘રોવર ક્યૂરોસિટી’ દ્વારા ત્યાંથી અનેક તસ્વીરો મળી છે.એમાંની કેટલીક તસવીરોમાં મંગળની ધરતી પર ખડકો વચ્ચે બરાબર કંડારેલો એક ‘દરવાજો’ નજરે ચઢે છે ! આ દરવાજો કોઈ અકસ્માતે સર્જ્યો કે ત્યાં વસતા ‘મંગળ’વાસીઓએ બનાવ્યો એની જોરદાર ચર્ચા-વિચારણા આજે પણ અવિરત ચાલે છે!

આપણે કોઈ પણ ગ્રહના ખબર-અંતર લેવા એની આસપાસની ભ્રમણકક્ષામાં ઉપગ્રહ કે પછી પારકી-અજાણી ધરતી પર રોવર (મિની મોટરકાર જેવું રોબો યંત્ર) ઉતારીએ છીએ,જે ત્યાંના આસપાસના વિસ્તારમાં ફરી ભૌગોલિક પરીક્ષણ કરીને સૌપ્રથમ જળની શોધ કરે છે. ત્યાં પાણીસ્રોત મળે તો એ ધરતી પર જીવસૃષ્ટિની સંભાવના વધી જાય છે અને જો ‘જળ છે તો જીવન છે’ એ સિદ્ધાંત અનુસાર ત્યાં ભવિષ્યમાં માનવવસાહત વસી શકે તેવી શક્યતા પણ વધી જાય.

મંગળને લઈને જે અતિ મહત્ત્વનું ગણાતું એક સંશોધનનું તારણ એ કહે છે કે ત્યાં જળ પણ છે! આમ તો એ ગ્રહ પર પાણી હોવાની અને ન હોવાની પણ અનેક થિયરી ખગોળશાસ્ત્રીઓ વચ્ચે સતત ચર્ચાતી રહે છે,પરંતુ આ વખતે ત્યાં પાણી હોવાના થોડા વધુ નકકર પ્રમાણ મળ્યા છે.

મંગળના વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૯૬ % છે,જ્યારે ઑક્સિજન માંડ ૦.૨% છે માટે ત્યાં ઑક્સિજન સિલિન્ડર વગર થોડી પળ માટે પણ જીવી ન શકે.. આ માહોલમાં મંગળ પર પાણી હોવાની શક્યતા માનવી માટે અચ્છે દિનના વાવડ ગણી શકાય !

(પીવાના શોખીનો તો મજાકમાં કહે છે કે ત્યાં માત્ર વ્હીસ્કી લઈ જવાની પાણી તો ત્યાં છે ને ?!)
આમ જુઓ તો,ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ આપણા સૌરમંડળ ઉપરાંત અનંત બ્રહ્માંડમાં અન્ય ૫૦૦૦થી વધુ ગ્રહ છે. જો કે એમાંથી બહુ ઓછા- માંડ ૬૫ ગ્રહ વિશે જ આપણે જાણીએ છીએ અને વાસ્તવિકતા એ પણ છે કે આપણી ધરતી સિવાય અન્ય ગ્રહમાં જીવસૃષ્ટિ પાંગરી નથી(અથવા તો પાંગરી છે તો આપણે એનાથી સાવ અજાણ છીએ !). ખગોળવિજ્ઞાનીઓ કહે છે તેમ જ્યાં એ પાંગરી શકે એવી શક્યતા ધરાવતા બે જ ગ્રહ છે અને એ છે મંગળ તથા શુક્ર.. જો કે આ બન્નેની પ્રકૃતિ પૃથ્વીથી ભિન્ન છે.એ બન્નેના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ અનેક ગણું છે. કુદરતી વાતાવરણને લીધે પૃથ્વી પર પાણી ટકી રહે છે,પણ મંગળ પર જે પણ પાણી છે તે બરફ રૂપે છે અને થોડું ઘણું વાદળ સ્વરૂપે છે. બીજા શબ્દોમાં કહો તો આપણા નવા ઘર મંગળનો પ્રાકૃતિક માહોલ કૃત્રિમ રીતે આપણી ધરતી જેવો બનાવવો પડે. આના માટે ‘ટેરાફોર્મિંગ’ કરવું પડે.કોઈ પણ ગ્રહના વાતાવરણને સમગ્ર રીતે પલટી નાખવાની પ્રક્રિયા એટલે ‘ટેરાફોર્મિંગ’.. આમ તો એ ક્રિયા અતિશય કડાકૂટભરી છે,પણ આપણી આજની વૈજ્ઞાનિક સિદ્ધિ- પ્રગતિ જોતાં એ સાવ અશક્ય તો નથી જ!

આ બધા વચ્ચે,હમણાં ઈલોન મસ્ક પણ ઝળક્યા છે
વિશ્ર્વના સૌથી પાંચ શ્રીમંતની યાદીમાં આવતા ઈલોન મસ્ક એમની રીતિ-નીતિ અને પ્રકૃતિને લીધે વાર-તહેવારે અવનવા વાદ -વિવાદ-વિખવાદના કેન્દ્રમાં જ રહે છે.

પોતાની ‘સ્પેસએક્સ’ કંપની દ્વારા અવકાશી સંશોધન કરવા-પોતાનાં ઉપગ્રહો તરતાં મૂકવાથી માંડીને ખુદ પોતાના અવકાશયાનમાં અંતરિક્ષ યાત્રા કરનારા ઈલોન મસ્કને જેટલો ઈલેકટ્રિક વ્હીકલમાં રસ છે એટલી જ દિલચશ્પી એમને સ્પેસ ટેક્નોલોજિમાં પણ છે.પાડોશી મંગળ ગ્રહમાં જીવન પાંગરી શકે એવી શક્યતાઓ વચ્ચે ઈલોન મસ્કે તો એ દિશામાં બીજા કરતાં વિશેષ ઝડપે આગળ વધવાનું જાહેર સુધ્ધાં કરી દીધું છે. ઈલોને તો અનેરા સંશોધન-શોધખોળ દ્વારા મંગળની કલાઈમેટ ચેન્જ કરવા- વાતાવરણ પલટાવવાના પ્રયોગો કરવા પોતાની ટીમને પાંચ વર્ષની ડેડલાઈન આપીને તાકીદ પણ કરી દીધી છે કે આ કામ તો થવું જ ‘જોઈએ’ ઈલોન મસ્કનો જુસ્સો-ઉમંગ ને નિષ્ઠા જાણનારા એના પ્રતિસ્પર્ધીઓ પણ સ્વીકારે છે કે ‘મસ્ક હૈ તો મુમકિન હૈ!’
( સંપૂર્ણ )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો