પુરુષલાડકી

મેલ મેટર્સ : નવા વર્ષના સંકલ્પ? અલ્યા, ગો વિથ ધ ફ્લો!

  • અંકિત દેસાઈ

નવું વર્ષ આવે કે તરત જ આપણા મનમાં એક જ વિચાર આવે છે, ‘આ વર્ષે હું નવો સંકલ્પ કરીશ અને મારું જીવન બદલી નાખીશ.’ આપણે વજન ઓછું કરવા, ફિટ રહેવા, નિયમિત થવા, નવી ભાષા શીખવા, પુસ્તકો વધુ વાંચવા કે કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સર કરવા જેવા અનેક સંકલ્પો કરીએ છીએ, પરંતુ દર વખતે આપણે પ્રારંભે શૂરાની જેમ સંકલ્પો સાથે વર્ષ શરૂ કરીએ અને બે-ત્રણ કે પાંચ દિવસમાં એ સંકલ્પોનું કાસળ કાઢી નાખીએ છીએ!

ઈનશોર્ટ, આપણે સંકલ્પ પૂરા નથી કરી શકતા એ આપણા સૌનું સત્ય છે. એથીય આગળ વધીને અને એક પ્રશ્ન થયો કે આપણે દર વર્ષે જે સંકલ્પ લઈએ છીએ એ આપણને ખરેખર ખુશ કરે છે કે એનાથી આપણો સ્ટ્રેસ વધે છે?

આવો સવાલ કેમ થયો એ હવે તમને સમજાવું. સામાન્ય રીતે, આપણે નવા વર્ષના સંકલ્પોને એક પ્રકારનું દબાણ સમજીએ છીએ. આપણે સમાજમાં અન્ય લોકોને જોઈએ છીએ કે એ બધા કેટલા સફળ છે અને પછી આપણે પણ એમની જેવા બનવાની ઇચ્છા રાખીએ છીએ, પરંતુ દરેક વ્યક્તિ અલગ હોય છે અને દરેકની સફળતાની વ્યાખ્યા અલગ હોય છે. તો પછી આપણને આપણી અંદર સતત કશુંક ખૂટતું કેમ જણાય છે? શું આપણે જે પામ્યા હોઈશું એ બીજાને માટે સપનું નહીં હોય?

સી, નવા વર્ષના સંકલ્પ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ જ્યારે આપણે આ સંકલ્પોને એક ‘ટુ ડુ લિસ્ટ’ અથવા આપણા જીવનની અધૂરપ માનીએ છીએ ત્યારે આપણે તણાવમાં પડીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે જીવન એક યાત્રા છે અને આપણે આ યાત્રાનો આનંદ માણવો જોઈએ.

કેટલીક વાર આપણે આપણા જીવનને એક પ્રોજેક્ટ સમજી લઈએ છીએ, જેને આપણે પૂર્ણ કરવાનો છે. આપણે એક ચોક્કસ પરિણામ મેળવવાની ઇચ્છા રાખીએ છીએ અને આપણે એ ભૂલી જઈએ છીએ કે જીવન અનિશ્ચિત છે અને આપણે હંમેશા આપણાં લક્ષ્યો સુધી પહોંચી શકીએ એવું શક્ય પણ નથી ને જરૂરી પણ નથી.

જીવનમાં અમુક આયોજન કરવા જરૂરી છે, પરંતુ આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે જીવન એક પ્રવાહ છે. આપણે આ પ્રવાહ સાથે વહી જવું જોઈએ. જ્યારે આપણે વહેતાં પાણીની જેમ જીવીએ છીએ ત્યારે આપણે વધુ ખુશ અને સંતુષ્ટ રહીએ છીએ.

અલબત્ત, આનો અર્થ એ નથી કે આપણે કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ. માત્ર આપણા પ્રયત્નોને એક બોજ ન બનાવવો જોઈએ. આપણાં લક્ષ્ય તરફ આગળ વધવા માટે મહેનત કરવી જોઈએ, પરંતુ આપણે આપણી આસપાસની દુનિયાનો આનંદ માણવાનું પણ ભૂલવું ન જોઈએ.

નવા વર્ષના સંકલ્પો કરવાને બદલે, આપણે આ વર્ષે આપણા જીવનમાં શું સારું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આપણા પરિવાર, મિત્રો અને આપણાં કામ પર આભાર માની શકીએ. આપણી જાતને થોડો સમય આપી શકીએ અને આપણા શોખને પૂરા કરી શકીએ.

જ્યારે આપણે વહેતાં પાણીની જેમ જીવીએ છીએ ત્યારે આપણે આપણી જાતને વધુ સારી રીતે જાણી શકીએ છીએ. આપણે આપણી શક્તિઓ અને નબળાઈઓને સમજી શકીએ છીએ. આપણી જાતને સ્વીકારી શકીએ છીએ અને આપણા જીવનનો આનંદ માણી શકીએ છીએ.

  • તો આ નવા વર્ષે, નવા સંકલ્પો કરવાને બદલે, આપણે વહેતાં પાણીની જેમ જીવવાનો પ્રયાસ કરીએ. આપણી જાતને અને આપણી આસપાસની દુનિયાને સ્વીકારીએ અને આપણા જીવનનો આનંદ માણીએ.

આ પણ વાંચો…મેલ મેટર્સ -: છાકટા થવામાં ને આનંદ કરવામાં ફરક છે

હા, આપણામાં પણ અમુક ક્ષતિ હશે જ અને જો એ ક્ષતિઓ દેખાય તો એના પર કામ પણ કરવાનું. ખાસ તો નવું નવું શીખતા જવાનું અને નવી આદતો પાડવાની, પરંતુ એ બધું જ સ્ટ્રેસ વિના – ત્રાસ વિના કરવાનું તો જ આપણે આ જીવનને માણી શકીશું, નહીંતર જીવન આપણે માટે ટાસ્ક થઈ જશે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button