પ્રેમ, સેક્સ અને લગ્ન એ ત્રણેય બાબતો જુદી છે

મેલ મેટર્સ -અંકિત દેસાઈ
ક્રિકેટર શિખર ધવન પાછલા દિવસોમાં અત્યંત ખબરમાં રહ્યો હતો. તેનું કારણ વર્લ્ડકપ નહોતો કારણ કે શિખર આમેય વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો નથી. પરંતુ તે ખબરોમાં રહ્યો તેના છૂટાછેડાને કારણે, જેને દિલ્હીની કોર્ટે માન્ય રાખ્યા બાદ શિખરને તેના દીકરાને મળવા દેવાની કોર્ટ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ દેશભરમાંથી શિખરના સમર્થનમાં લોકોની ટ્વિટ્સ કે સ્ટેટ્સ આવ્યા હતા. જોકે કેટલાક કિસ્સામાં લોકોની સાંત્વના એ માત્ર સોશિયલ મીડિયા ઈવેન્ટ કે માત્ર શબ્દોનો ગુલદસ્તો જ બની જતો હોય છે, જેનાથી વેઠનાર વ્યક્તિને ઝાઝો ફરક નથી પડતો હોતો. શિખરના કિસ્સામાં એવું જ બન્યું છે, જ્યાં કુલ બે
વર્ષ સરખી રીતે ન ચાલી શકેલા તેના લગ્નજીવને પાછલા એક દાયકામાં તેના જીવનમાં ઝંઝાવાત ફેલાવી દીધો છે અને શિખરનું માનસિક, શારિરીક કે આર્થિક સ્તર પર અત્યંત ધોવાણ
થયું છે.
એવું ઘણા પુરુષો સાથે બનતું હોય છે. કે જીવનમાં તેઓ યોગ્ય પાત્રની પસંદગીમાં થાપ ખાઈ જાય છે અને પછી તેમનું આખું જીવન કારાગાર બની જાય છે. અલબત્ત, એવું જ કંઈ સામે પક્ષેય થતું હોય છે.
આખરે આપણે પુરુષસત્તાક સમાજમાંથી આવીએ છીએ. વળી અન્યાય કે હરેઝમેન્ટને કોઈ જાતિ નથી હોતી. પરંતુ સાથે એ પણ એટલી જ સાચી કે લગ્ન સંબંધના કે છૂટાછેડા સંબંધના કિસ્સામાં સ્ત્રીઓને જેટલી સુરક્ષા મળે, તેમને જેટલો લોકોનો ટેકો મળે એવી સુરક્ષા કે ટેકો પુરુષોને મળતા નથી. અહીંય જોકે અમુક અપવાદ તો હોવાના જ. પરંતુ સામાન્યત: આપણે ત્યાં એવી જ માનસિકતા છે કે અન્યાય તો પુરુષ જ કરી શકે. સ્ત્રીઓ ક્યારેય અન્યાય કે હરેઝમેન્ટ કરી જ નહીં શકે. અને એટલે જે સમાજ પુરુષ દ્વારા થતાં વખતે આક્રમક બનતો હોય છે એ સમાજ પુરુષ અન્યાયનો, ખાસ કરીને લગ્ન જીવનના અન્યાય કે ત્રાસનો ભોગ બને છે ત્યારે લોકો એવું માને કે કહે છે કે એ તો એમની પર્સનલ મેટર છે!’
અનીવેઝ, હવે આપણે એ યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ભારતની વિધાનસભાઓમાં લવ મેરેજ એકટ’ કે લવ જેહાદ એક્ટ’ જેવી બાબતો પર ચર્ચ થઈ રહી છે અને ભારતની સુપ્રીમ કોર્ટમાં સેઈમ સેક્સ મેરેજ પર ડિબેટ ચાલી રહી છે. એવામાં સામાન્ય લગ્નજીવનમાં જો પુરુષને કે પુરુષના પરિવારને કાયદાઓનો હવાલો લઈને પ્રતાડિત કરતા હોય ત્યારે ઝાઝા લોકોનું ધ્યાન નહીં જાય કે એવા મુદ્દા ચર્ચાનો વિષય નહીં બને એ સ્વાભાવિક છે. એટલે હાલ પુરતું તો આવા કિસ્સામાં સામાજિક સંગઠનો, નારીવાદી સંગઠનો, રાજકીય સંગઠનો કે પછી કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓ પાસે આવા મુદ્દે કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. એટલે આવા સમયે પુરુષનું પોતે જ જાગૃત હોવું અત્યંત મહત્ત્વનું બની જાય છે.
આ આખા કિસ્સામાં સૌથી પહેલી બાબત તો પુરુષે એ સમજવાની છે કે આપણે ત્યાં લગ્નવ્યવસ્થાને અત્યંત
ખોટી રીતે સમજવામાં આવી છે. અલબત્ત, જેતે સમયે અમુક વ્યવસ્થાઓની જરૂર હશે, પરંતુ હવેના પુરુષે એ સમજી લેવાનું છે કે જીવનમાં પ્રેમ, સેક્સ અને લગ્ન એ ત્રણેય એક જ બાબત નથી.
એ ત્રણેય જૂદી બાબતો છે. એટલે જ એ ત્રણેય બાબતોની એકબીજામાં ભેળસેળ કરવાની જરૂર નથી. પ્રેમને સંબંધ છે આત્મા સાથે, સેક્સને સંબંધ છે શરીર સાથે લગ્નને સંબંધ છે પરિવાર સાથે. એટલે જીવનમાં આ ત્રણેય બાબતો સાથે પનારો પાડવાનો આવે ત્યારે થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવવી.
એક માત્ર લગ્ન પાસે આ ત્રણેય બાબતોથી અપેક્ષા રાખી શકાય નહીં. કારણ કે ત્રણેય બાબતોની રિક્વાર્યમેેન્ટ જૂદી જૂદી
હોય છે અને ત્રણેય બાબતોની કેર જૂદી જૂદી રીતે કરવાની હોય.
લગ્ન પછી પ્રેમ કરી શકાતો એ એક સમયે આપણી મહાન સમાજિક વ્યવસ્થાનો ભાગ હતો એટલે શક્ય હતું. બાકી, હવે મલાડ, મુલુંડ કે મીરારોડ રહેતી ન્યૂએજ જનરેશનમાં શક્ય નથી કે ભાઈ પહેલાં પરણી જાઓ. પછી બીજી વાત! ઈનશોર્ટ પ્રેમ, સેક્સ અને લગ્ન એ જૂદી જૂદી બાબત છે. એટલે એ ત્રણેયને એકમાં જ જોડીને ભવાડા કરવા યોગ્ય નથી. એને માટે જરૂર છે થોડી અલર્ટનેસથી, જેથી કંઈ નહીં તો એટલું તો થઈ શકે કે કોઈનું જીવન નર્કસમું ન બની જાય. અને ખાસ તો કોઈ વ્યક્તિ તેની ઈન્ડિવિજ્યુઆલિટી જ ખોઈ બેસે! આ વિશે વિગતે વાત કરવી પડશે. એટલે જ આવતા ગુરુવારે પૂરું કરીએ.