પુરુષ

એક પિતાની મહેલ ને ઝૂંપડી વચ્ચે કચડાતી ઝંખના

નીલા સંઘવી

‘પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય છે?’

કવિ ચંપકલાલ વ્યાસની આ પંકિતઓ આજના જમાનાને અનુરૂપ છે. કવિએ પ્રશ્ન પૂછ્યો છે કે પુત્રોના પાંચ મહેલમાં એક પિતા સમાય? તો એનો જવાબ છે ‘ના’. જે પિતાએ નાનકડી ઓરડીમાં પાંચ પાંચ પુત્રને ઉછેર્યા છે એ જ પુત્રો પગભર અને સમૃદ્ધ થયા પછી એક પિતાને સાચવી શકતા નથી એવા અનેક ઉદાહરણ જોવા મળે છે. એક વૃદ્ધાશ્રમમાં આવા જ એક પિતા સાથે મુલાકાત થઈ. આપણે એમને રમેશભાઈ કહીશું.

વાતની શરૂઆત કરતા અમે પૂછ્યું,
‘રમેશભાઈ, આપને કેટલા સંતાન’
‘ત્રણ દીકરા છે.’
‘ઓહો, ત્રણ દીકરા હોવા છતાં તમારે
અહીં?’

‘જી, એ લોકોને ખાસ કરીને વહુઓને નથી
ફાવતું મારી સાથે.’ રમેશભાઈનું મોઢું
વિલાઈ ગયું.

‘એવું તે શું થયું કે તમારે અહીં આવવું
પડ્યું?’

‘વાત માંડીને કહું’ કહીને રમેશભાઈએ વાત શરૂ કરી :

અમારો હસતો રમતો પરિવાર. હું, મારી પત્ની રમા અને ત્રણ દીકરા. ત્રણે દીકરા ભણવામાં હોંશિયાર. ડાહ્યા પણ ખરા. મમ્મીને ઘરકામમાં મદદ પણ કરે. મારો વ્યવસાય પણ સારો
ચાલતો હતો. શાંતિથી જીવન જીવતા હતા.

ત્રણેય દીકરા મોટા થયા. એક એન્જિનિયર, એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને એક ગ્રેજ્યુએટ… પોતાના વ્યવસાયમાં બહુ સફળ થયા. પછીએ પોતાને મનપસંદ છોકરીઓ સાથે પરણ્યા. ક્રમશ: પરિવાર મોટો થયો ને જગ્યાની cખેંચ વર્તાવા માંડી એટલે મોકો જોઈને મોટો પુત્ર પોતાની જગ્યા લઈને જુદો રહેવા ચાલી ગયો. ઘર લેવાયાં થોડા પૈસા ઘટતા હતા તે મેં તેને આપ્યા. ફરીથી એજ મુશ્કેલી-જગ્યા નાની પડે છે. આ જ કારણ આગળ ધરીને વચલો પુત્ર પણ જુદો થઈ ગયો. એને પણ ઘટતા પૈસાની સગવડ મેં કરી આપી.

હવે ઘરમાં રહ્યા અમે ચાર જણ. નાનો પુત્ર એની પત્ની એ અમે બે. થોડો સમય તો બધું ઠીક ચાલ્યું. પણ પછી નાની પુત્રવધૂને થયું કે બંને મોટી વહુ તો એકલી રહીને જલસા કરે છે, મારે ભાગે જ આ બે વૃદ્ધોને સાચવવાનું? જોકે સાચવવા જેવું કશું હતું નહીં અમે બંને કડેધડે હતાં. અમારું કામ તો અમે જાતે જ કરતા ઉપરાંત એ બંનેને અમે મદદરૂપ પણ થતા હતા. ઘરખર્ચમાં પણ યોગદાન આપતો હતો. આર્થિક, શારીરિક કે માનસિક કોઈપણ રીતે અમે દીકરા-વહુ પર બોજ ન હતા. અમને સાચવવા જેવું કાંઈ હતું જ નહીં. છતાં સમાજમાં પણ બધાને એમ જ કહેતા હતા કે અમે મમ્મી-પપ્પાને સાચવીએ છીએ. બંને મોટા ભાઈ-ભાભી તો છૂટી ગયા અને આ લોકોને સાચવવાનો ગાળિયો અમારા ગળામાં આવી ગયો…. આ અમને બંનેને જરાય ગમતું નહીં, પણ અમે આંખ આડા કાન કરતા હતા. નાહકના ઝઘડા કે મનદુ:ખ કોણ કરે? અમે વિચારતા : આ એક સાથે રહે છે તો વૃદ્ધાવસ્થામાં અટકી જઈએ ત્યારે કોઈક તો આપણી સાથે હોય…પણ ધીરેધીરે વહુની જોહુકમી વધવા માંડી. તે વાતવાતમાં રમાનું અને ક્યારેક તો મારું પણ અપમાન કરવા માંડી. આ વાત મને તેમજ રમાને રુચતી ન હતી. અમે કાંઈ દીકરા- વહુના આશ્રિત ન હતાં.. છતાંયે બંનેનું વર્તન એવું હતું કે જાણે અમે માથે પડેલા મફતલાલ હોઈએ. એક વાર રમાને તાવ હતો. તેથી સવારે ઊઠીને રસોડામા જઈને ચા અને દૂધ ગરમ કરી શકી નહીં. વહુ ઊઠી તેણે જોયું અને જોરથી બૂમ પાડી, ‘મમ્મી, હજુ સૂતા છો.ચા નથી બનાવી, દૂધ પણ ગરમ નથી કર્યું. હમણાં તમારા દીકરાને ચા જોઈશે તો એ બૂમાબૂમ કરશે.’

રમાએ તાવનું કારણ આપ્યું તો વહુ બરાડી :

‘અરે, એવાં ક્યાં મરવા પડ્યા છો કે ઊભા ન થયાં. હટ્ટાકટ્ટા તો છો મજાના ચાર ટાઈમ ખાવ છો ને ઊભા નથી થવાતું ?’આ સાંભળીને હું ભડક્યો,: ‘એની તબિયત સારી નથી તે દેખાતું નથી તને?. એ કાંઈ તારી નોકરાણી નથી કે બૂમાબૂમ કરે છે.’મારી વાત સાંભળીને વહુએ મારા દીકરાને કહ્યું, ‘જોયુંને, કેવો ગુસ્સો કરે છે મારી ઉપર. હવે હું આ લોકોની સાથે નહીં રહું.’આ બધા ઝઘડાની અસર રમાની તબિયત પર થઈ. એને હાર્ટએટેક આવી ગયો. એ એટેક જીવલેણ સાબિત થયો. રમા ગઈ, હું એકલો થઈ ગયો.

તેરમાની વિધિ પતી પછી ત્રણેય દીકરા અને ત્રણેય વહુ બેઠા હતા ત્યારે નાની વહુએ કહ્યું: જુવો, આજ સુધી મેં મમ્મી -પપ્પાને સાચવ્યા. હવે મમ્મી પણ નથી તો પપ્પાને હું એકલી નહીં સાચવી શકું, હવે તમે લોકો લઈ જાવ પપ્પાને. પણ મોટા બેમાંથી કોઈ મને સાથે રાખવા તૈયાર ન હતા. છેવટે ત્રણેયે તોડ કાઢ્યો કે ત્રણેયને ઘેર ચાર-ચાર મહિના રહેવું, પણ વહુઓએ આ વાતનો વિરોધ કર્યો. રમાના જવાથી હું બહુ દુ:ખી હતો. આમ છતાં સંતાનોએ કરેલ વ્યવસ્થા મુજબ એક એક મહિને લબાચા લઈને આ ઘરથી ઓલા ઘરે અલકચલાણું રમવા જેવી પરિસ્થિતિ થઈ. જેમ તેમ કરતા વર્ષ કાઢ્યું. રમાની ગેરહાજરીથી બહુ જ ઉદાસ હતો. એવું લાગતું હતું કે દીકરા કે વહુઓ મારું કોઈ નથી. મેં વિચાર્યું, મારે શા માટે આવી ઓશિયાળી જિંદગી જીવવી જોઈએ? ઈન્ટરનેટ, ગૂગલ તેમજ લાગતાવળગતા સ્નેહીઓ, મિત્રો પાસેથી સારા વૃદ્ધાશ્રમની શોધ આદરી અને હું અહીં આવી ગયો…..

‘તમે અહીં ખુશ છો? સવાલના જવાબમાં રમેશભાઈ કહે : ‘ખુશ છું એમ નહીં કહું. પણ દુ:ખી નથી. બાકી પરિવાર સાથે રહેવાનું વધારે ગમે, પણ ખુદ આપણો જ પરિવાર આવો નગુણો હોય ત્યારે ન છૂટકે તમારે છોડવો પડે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button