તમારી જેમ તમારી પત્નીને પણ દોસ્તારો હોઈ શકે…
પ્રેમિકા કે પત્નીને મર્યાદાના પાંજરામાં પૂરવામાં કશી મર્દાનગી નથી.
એની મરજી મુજબ જીવવા દે કે જોઈતી મોકળાશ આપે એ જ સાચો પુરુષ!
મેલ મેટર્સ – અંકિત દેસાઈ
પુરુષ માટે સાયકોલોજીકલી અમુક વાત સ્વીકારવી હંમેશાં મુશ્કેલ હોય છે. એમાંની એક છે પત્ની કે પ્રેમિકાની બીજા પુરુષો સાથે મિત્રતા… પુરુષને પોતાને હંમેશાં સ્ત્રી મિત્રો આકર્ષતી હોય છે અને જેઠાલાલ બબિતાને જોઈને છંદે ચઢે એ રીતે પોતે છંદે ચઢતો હોય છે, પરંતુ એની પત્ની કે પ્રેમિકા જો કોઈક પુરુષ સાથે સહજ રીતે પણ દોસ્તી રાખતી હોય તો પતિ કે પ્રેમી તરીકે પુરુષ હંમેશાં વિચિત્ર ફીલ કરે-અનુભવે અથવા તો એ અસહજ થઈ જાય છે.
એવું કેમ , ભાઈ? ક્યાં એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહીં હો શકતે? થઈ જ શકે. અને થતાં જ હોય છે, પરંતુ એ ત્યારે જ જ્યારે લડકા ઔર લડકી દોસ્ત હોય! લડકી ઔર લડકા દોસ્ત થાય ત્યારે કહેવાતા મોડર્ન કે બીજાની સ્વતંત્રતાનો આદર કરનારાઓ ડબ્બામાં પુરાઈ જતાં હોય છે!
પુરુષની આ માનસિકતા સદંતર ખોટી છે. એના પ્રેમની કે એના લગ્નની શરૂઆત પહેલાં પણ પત્ની કે પ્રેમિકાનું જીવન હોય છે એનો સ્વીકાર કરવો રહ્યો. વળી, જો પોતે કહેવાતા મોડર્ન હોય અને પત્ની કે પ્રેમિકા ભણેલી હશે કે પોતાની કરિઅર સંભાળતી હશે તો પછીથી પણ એને અમુક મિત્રો થવાના અને મિત્રો એ મિત્રો જ હોય છે. એ કંઈ સ્ત્રી કે પુરુષના ફોર્મમાં હોતા નથી! જો કે, અમુક કહેવાતા આધુનિક અને કહેવાતા ભણેલા, પણ માત્ર ડિગ્રીધારી હોય એવા પુરુષો પણ પ્રેમને નામે કે સિક્યુરિટીને નામે પત્ની પર અમુક નિયંત્રણો લાદી લેતા હોય છે. આ નિયંત્રણમાં સિક્યુરિટીનો પ્રશ્ર્ન ઓછો અને પોતાની નબળી- નાની માનસિકતા વધુ જવાબદાર હોય છે કે બાઈ માણસને તે વળી પુરુષ મિત્રો કેવા?
આ તો ઠીક, અમુક એવા પણ કિસ્સા જોયા છે કે સ્ત્રીને પુરુષ મિત્રો હોઈ શકે એ સંભાવના સ્વીકારવાની વાત તો દૂર, પરંતુ લગ્ન પછી અમુક પુરુષો એવું પણ સ્વીકારવા રાજી નથી હોતા કે સ્ત્રીને પોતાનું સર્કલ હોઈ શકે છે અને લગ્ન પછી સમયાંતરે એ સર્કલની પાર્ટીઝમાં કે એમના કોઈ પણ ગેધરિંગમાં જઈ શકે છે… પછી ભલેને મુંબઈમાં કે મુંબઈમાં પણ સોબો-ઉપનગરમાં પણ કેમ ન રહેતા હોય!
અહીં સ્ત્રીને નહીં, પરંતુ કોઈ ગાયને પરણીને લાવ્યા એમ કેટલાક પુરુષ ઘરની જવાબદારીને નામે સ્ત્રીને એના સર્કલથી દૂર કરી દેતો હોય છે. પાછો પ્રાઉડલી એવું કહેતો પણ હોય છે કે આવા ધંધા પરણ્યા પછી ન શોભે!
શું કામ ન શોભે, ભાઈ? સ્ત્રી પરણીને તમારે ઘરે આવી એટલે પછી એના ભૂતકાળને કે લગ્ન પહેલાંના એના જીવન કે મિત્રોને એણે દફનાવી દેવાના?
આ પણ આયર્ની છે- વિધિની વક્રતા છે કે પુરુષ ભલે ગમે એટલો મોડર્ન થશે કે ગમે એવો બોલ્ડ હશે, પરંતુ જ્યારે પણ પોતાની પાર્ટનરના મિત્રો કે ખાસ તો એના પુરુષ મિત્રોની વાત આવે ત્યારે એ અત્યંત પછાત થઈ જાય છે. આખા દિવસમાં બીજી કોઈ બાબતે એનું ધ્યાન નહીં રાખતો હોય કે પિરિયડસ વખતે એને એક મિનિટ પૂરતી મદદ સુધ્ધાં નહીં કરતો હશે, પરંતુ ભાઈસાહેબ પત્ની કે પ્રેમિકાના પુરુષ દોસ્તોની વાત આવે ત્યારે પઝેસિવ થઈ જાય છે… અરે, પસેઝિવનેસ -સ્વામીપણું આને નહીં કહેવાય. આ તો પછાતપણું કહેવાય. માનસિક દેવાળિયું કહેવાય. બાકી પુરુષ ખરા અર્થમાં જો પઝેસિવ હોય તો કિચનમાં થોડી મદદ કરે – પત્ની ઑફિસથી થાકીને આવે ત્યારે એને પાણીનો ગ્લાસ ધરે કે એને હંમેશાં મોટીવેટ કરે કે તારા જીવનનું ધ્યેય એ માત્ર આપણા લગ્ન કે સંસાર કે ઘરને સાચવવું જ નથી. તારી સ્કૂલના, કોલેજના કે પછી ઓફિસના ફ્રેન્ડ્સ -કલિગ્સ સાથે ગેધરિંગ કે આઉટિંગ પણ કરી જ શકે. તારી અમુક સ્પેશમાં હું સ્વાભાવિક જ અપ્રસ્તુત-જરૂરી નથી રહેવાનો. તો હું ન હોઉં તો તારે પણ અમુક જગ્યાએ જવાનું ટાળવું એવું નહીં. તું તારે જા!
અલબત્ત, આવું કહેવા માટે કે આવું સ્વીકારવા માટે એક કરેજ-નૈતિક હિંમત જોઈએ. ખરું પૌરુષત્વ પણ આ જ છે. બાકી, કોઈને મર્યાદાના પાંજરામાં પૂરવામાં કશી મર્દાનગી નથી. બીજાને પણ એમની મરજી મુજબ જીવવા દે કે એના આગવા વિશ્ર્વમાં વિહરવા દે-જોઈતી મોકળાશ આપે એ જ સાચો પુરુષ. અને તો જ આપણે ખરા આધુનિક .. નહીંતર તો પછાત!