સગવડનો નહીં, મેનેજ કઈ રીતે કરવું એનો વિચાર કરીએ
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
હમણાં ‘ઈન્સ્ટાગ્રામ’ માં એક પ્રશ્ર્નોત્તરીમાં સરસ સવાલ પુછાયો કે જિંદગી વિશે કંઈક જણાવો ત્યારે જવાબ અપાયો કે ‘જે જીવવી છે એ જિંદગી નથી, પરંતુ જે જીવાઈ રહી છે એ જિંદગી છે!’ એટલે જે જીવાઈ રહ્યું છે, જે સમય વહી રહ્યો છે એના પર ધ્યાન કેન્દ્રીત કરીએ. એ જવાબમાં બીજી પણ એક મહત્ત્વની વાત એ કહેવાઈ કે ‘જો જીવાઈ રહેલા સમય પર ધ્યાન કેન્દ્રીત કરવું હોય તો પછી કરીશું’, ‘ફરી ક્યારેક’, ‘એક દિવસ’ અથવા સગવડ થશે’ જેવા શબ્દો કે એ શબ્દોમાં રહેલા પલાયનવાદને અથવા ક્ષણને પાછળ ઠેલી દેવાની વૃત્તિને પણ ત્યજવી. કારણ કે મોટાભાગના લોકો આવું બોલીને જીવાઈ રહેલા-વહી રહેલા સમયને હડસેલી દેતા હોય છે.
વાત વિચારવા જેવી છે-સાચી પણ છે. આપણા જ જીવનની વાત કરીશું તો આપણે રોજ આપણી અનેક એવી ઈચ્છાઓને કે કરવાજોગ કામોને પાછળ હડસેલી દેતા રહીએ છીએ. એમાં હવે આપણે એક પલાયનવાદ ઉમેર્યો છે કે ‘ટાઈમ નથી’. કંઈ પણ મજા કરવાની, કોઈ પણ આનંદ કરવાનો હોય કે પરિવારના લોકો સાથેની થોડી ક્ષણ-મિનિટો પણ માણવી હોય તો આપણે બહુ આસાનીથી કહી દેઈએ છીએ કે આપણને સમય જ નથી મળતો! જો કે જીવન એ એવી સતત ચાલતી પ્રક્રિયા છે કે એમાં નિરંતર કશુંક ને કશુંક ચાલતું રહેતું હોય છે.
બીજા શબ્દોમાં આપણા છેલ્લા શ્ર્વાસ સુધી એવું નથી બનવાનું કે એક એવો સમય હશે, જ્યારે આપણી પાસે અઢળક પૈસા હશે, એવી જ અઢળક નિરાંત હશે અને એવું જ મજાનું સ્વાસ્થ્ય હશે! આ તો ઠીક, આપણી પાસે આપણે દોસ્તો કે સ્વજનો પણ બહુ અનિશ્ર્ચિત સમય માટે હોય છે એટલે જો આપણે પેલા ‘એક દિવસ’ અથવા ‘પછી ક્યારેક’ની રાહ જોઈશું તો એ આપણી અત્યંત મોટી ભૂલ કહેવાય. વળી, સગવડ થશે એટલે શું? સગવડની આપણી વ્યાખ્યા શું છે? આર્થિક સગવડ, સમયની સગવડ કે સારા સ્વાસ્થ્યની સગવડ કે પછી સ્વજની સગવડ?
જો આપણે આર્થિક સગવડને જ પ્રાધાન્ય આપવાના હોઈએ તો એ પણ આપણી અત્યંત મોટી ભૂલ છે, કારણ કે આર્થિક પ્રશ્ર્નો પણ આજીવન ચાલુ જ રહેવાના છે. એના માત્ર સ્વરૂપ બદલાતા રહેવાના છે, પરંતુ આપણી ઘટ પૂરી થવાની નથી.
તો પછી કરવું શું?
જો કરવું જ હોય તો હાલમાં આપણી જે સ્થિતિ છે એને શ્રેષ્ઠ સ્થિતિ માનવાનો અભિગમ કેળવીએ પછી એ સ્થિતિને આધારે જીવનને માણીએ.
ખાસ તો આપણા લોકો સાથે જિંદગી જીવી લઈએ, જેથી કાલ ઊઠીને સ્વાસ્થ્યનાં કારણોથી કે અન્ય કોઈ કારણોથી આપણે એમને ન મળી શકીએ કે એમનાથી દૂર થઈ જઈએ તો આપણને વસવસો ન રહી જાય કે આપણે એમની સાથે જીવી ન શક્યા.
જો આ સમયમાં આપણે ક્ષણોને ટાળી દઈશું, પેટભરીને જીવી નહીં લઈએ – આપણને ઈચ્છા છે-આપણે કરવા છે એવાં કામને કરી નહીં લઈએ તો આપણા જીવનનો ઉત્તરાર્ધ ગિલ્ટથી ભરપૂર હશે, કારણ કે એક તબક્કે તો આપણને સમજાશે કે જે સમયને આપણે માણી લેવાનો હતો એ સમયમાં આપણે ફાલતું જેવાં કારણો આગળ ધરીને આપણા જીવનને જીવવાનું ટાળ્યું હતું! અને જ્યારે આ સમજાશે ત્યારે આપણા હાથમાં કશું જ નહીં હોય.
હા કદાચ પૈસા હશે. બનવાજોગ છે કે આપણી પાસે નિરાંત પણ હશે, પરંતુ એ સમયે બધું કરી શકીએ, બધે ફરી શકીએ કે બધું ખાઈ શકીએ એવું સ્વાસ્થ્ય ન પણ હોય આપણી પાસે. અને કદાચ આપણે જેમની સાથે મોટા થયા છીએ અથવા આપણે જેમની સાથે જીવવાનું નક્કી કર્યું હતું એવાં સ્વજનો પણ આપણી સાથે નહીં હોય. ખાસ તો સંતાનો પણ મોટાં થઈ ગયાં હશે, જેમના બાળપણની આપણી પાસે ઝાઝી સ્મૃતિઓ પણ નહીં હોય.
એના કરતાં ‘જે છે તે આજે છે. જે છે તે હમણાં છે’ નો અભિગમ આપણે કેળવવો પડશે. જેથી બીજો કોઈ લાભ થાય કે ન થાય, પરંતુ એક લાભ આપણને જરૂર થવાનો છે કે આપણા જીવનમાં કોઈ ગિલ્ટ-કોઈ અફસોસ નહીં રહે !