ચાલો મોઢું મીઠું કરો, નોખા પપ્પાને બેબી આવી અનોખી
કવર સ્ટોરી -મનીષા પી. શાહ
માતૃત્વ, પિતૃત્વ અને નવજાત શિશુને પ્રથમ સ્પર્શ. આ લાગણી શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. એમાંય જે પશ્ર્ચિમી જગતની ટીકા, કદાચ ન્યાયી કારણે, કરતા આપણે થાકતા નથી, ત્યાં જીવનસાથીની સંવેદનાને પોતે અસહ્ય પીડા સહન કરીને ય અનુભવવા-સમજાવાનો એક અનોખો કિસ્સો તાજેતરમાં બન્યો છે.
ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં રહેતા યુગલ સેલેબ બૉલ્ડન (ઉંમર વર્ષ ૨૭) અને નિયામ બૉલ્ડન (ઉંમર વર્ષ ૨૫)ની વાત કરવી છે. આપણે આ યુગલ હટકે ગણાય કારણ કે સેલેબ એક ટ્રાન્સજેન્ડર પુરુષ છે. આ ટ્રાન્સજેન્ડર વિશે જાણવા-સમજવામાં રસ હોય તો સુસ્મિતા સેનની વેબ સીરિઝ ‘તાલી’ જરૂર જોવી. સંવેદનશીલ કૃતિ છે અને ટ્રાન્સજેન્ડર વેર વાળવા પર ઊતરી આવે તો શું કરે એના પરની મસાલા ફિલ્મ જોવી હોય તો નવાઝુદ્દીન સિદ્દીકીની વેબ-મુવી ‘હડ્ડી’ જોઈ લેવી.
ફરી આવીએ સેલેબ બૉલ્ડનની વાત પર. આ બૉલ્ડન દંપતીએ પુત્રી-રત્નની પ્રાપ્તિ કરી એ મોટી વાત નથી, પરંતુ સેલેબ એટલે કે એક પુરુષ-ટ્રાન્સજેન્ડર પુરુષે પિતા બનીને આખા ઇંગ્લેન્ડને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા.
હકીકતમાં આ કપલમાં પત્ની નિયામ કસુવાવડની બદનસીબીનો સામનો કરવો પડ્યો હતો. ચોથીવાર ગર્ભવતી થવાનું એના માટે જીવલેણ બની શકે એવી સ્પષ્ટ મેડિકલ વૉર્નિંગ મળી ચુકી હતી. હવે કરવું શું? આ યુગલની સંતાન પ્રાપ્તિ માટેની ઝંખના વધુ તીવ્ર બની રહી હતી. જોખમ લેવાનું ય શક્ય નહોતું એવું ય ડૉક્ટરે જણાવી દીધું હતું.
આથી બંનેએ સ્પર્મ ડોનેશન થકી સંતાનને જન્મ આપવાનો નિર્ણય લીધો. એ સમયે પૂરેપૂરા પુરુષ બનવા માટે સેલેબે ટેસ્ટેસ્ટૉરનના ઇંજેક્શન લેવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ હવે રોલ એકદમ બદલાઈ ગયો. પૂર્ણ પુરુષ બનવું નહોતું એટલે તેણે આ ઇંજેક્શન બંધ કરી દીથા. પછી આ કપલે સ્પર્મ ડોનરને મળવાનું શરૂ કરી દીધું.
જોતજોતામાં સેલેબ પ્રેગનન્ટ થઈ ગયો. આ સમાચાર બહાર આવતા લોકો કંઈ પણ બેફામ બોલવા માંડ્યા. સદ્ભાગ્યે બૉલ્ડનના કુટુંબીજનો અને મિત્રોએ તેમને દિલથી પૂરો સાથ આપ્યો. નવ-નવ મહિના સુધી સેલેબે બાળકને પોતાના ગર્ભમાં રાખ્યું અને ૨૦૨૩માં દીકરીને જન્મ આપ્યો. મા કમ બાપ અને નવજાત દિકરીની એકદમ સારી તબિયત વચ્ચે સેલેબે જાહેર કર્યું કે બાળકને જન્મ આપવામાં કંઈ ખોટું કે જોખમી નથી એ હું મારી ટ્રાન્સજેન્ડર જમાતને સમજાવવા માગું છું.
આ સિદ્ધિ અગાઉના પળોજણ સમજાવતા સેલેબે જણાવ્યું કે અમે એકેય વિકલ્પ છોડ્યો નહોતો. મોંઘીદાટ ફર્ટિલિટી ટ્રીટમેન્ટનો ય વિચાર કરી જોયો હતો, પરંતુ અંતે નક્કી કર્યું કે હું સંતાનને જન્મ આપીશ. ટેસ્ટેસ્ટોરન બંધ કરવાની કલ્પના માત્ર કાળજું કંપાવનારી હતી, કારણ કે બાળપણથી હું સંપૂર્ણ પુરુષ બનવાનું સપનું જોતો હતો. આ નિર્ણય મારા આત્મા પર કુઠારાઘાત સમાન હતો પણ અમારી સંવેદના અને સંતોષની ઝંખના માટે મેં એવું કર્યું. ૨૭-૨૭ મહિના સુધી આ ઇંજેક્શન લીધા પછી બંધ કરવાનું શરીરમાં ખૂબ વિચિત્ર રિએક્શન આવતા હતા, ન સમજાય એવી લાગણી થતી હતી.
સદ્ભાગ્યે બૉલ્ડન યુગલને સોશ્યલ મીડિયા થકી વીર્યદાતા મળી ગયો. શક્યતા ઓછી હોવા છતાં ત્રીજા પ્રયાસે સેલેબને ગર્ભ રહ્યો અને પેટનો ભરાવો વધતો જવાથી એની મક્કમતા સૌની નજરે ચડવા માંડી. હૉસ્પિટલમાં ખાનગી રૂમમાં સેલેબની ડિલિવરી કરાવાઈ. કોઈ તબીબી કટોકટી ઊભી થાય તો એના માટે ય બધી સગવડ કરી રખાઈ હતી. અલબત્ત, આ પ્રક્રિયા પડકાર વગરની નહોતી.
અણીના સમયે સેલેબના હૃદયના ધબકારા એકદમ ઘટવા માંડ્યા હતા. એના પછી ડિલિવરી બાદ એ માનસિક હતાશામાં સરી પડ્યો હતો.
પરંતુ હવે એકદમ સાજા થઈ ગયા બાદ સેલેબને ફરી સંતાનને જન્મ આપવો છે. બૉલ્ડર પરિવાર ત્રણ-ચાર બાળક ઇચ્છે છે.