ચાલો,આપણે પણ આત્મકથા લખીએ!
આત્મકથા એટલે શું..આત્મકથા એટલે આપ બડાઈ કે બીજા કરતાં પોતા વિશે કઈંક વિશેષ કહેવું છે એટલે ઑટોબાયોગ્રાફી ?લોકપ્રિય કે વિવાદથી ભરપૂર આત્મકથા કેમ લખાય એની રીતસર પાઠશાળા પણ ચાલે છે!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
આપણી જીવાતી પ્રત્યેક ક્ષણમાં – એકમેક સાથેની વાતચીતમાં – આપણા દરેક લખાણમાં – વ્યક્તિ કે અવ્યક્ત વિચાર પાછળ એક કથા હોય છે. દરેકને કંઈક ને કંઈક કહેવું
હોય છે. પરિણામે પહેલાં ધીરે ધીરે સંકેતની ભાષા ને પછી વાચા-લીપી વિકસી.એકબીજા સાથે સંપર્ક સેતુ રચાયો અને એકબીજાની સાથે વાતની લેતી-દેતી શરૂ થઈ . આમાંથી કથા-
જીવનકથા- આત્મકથાનો ઉદ્દભવ થયો એમ કહી શકાય.
આપણે જેના વિશે પ્રથમ સાંભળેલું કે વાંચી એ આત્મકથા એટલે ગાંધીબાપુની ‘સત્યના પ્રયોગો’ ‘અંધારાથી ડરવું નહીં’થી માંડીને ‘ચોરી કરીને ચાકરની બીડી પીવી નહીં,માંસાહાર તથા પરસ્ત્રીગમન વગેરે પાપ છે’ એના પાઠ આપણે આ આત્મકથામાંથી શીખ્યા. આવાં ‘પાપ’ ખેલદિલીપૂર્વક સ્વીકારી સત્યના પ્રયોગો દ્વારા એને કંઈ રીતે સુધારવા એના આ કથામાં પાઠ છે. આમ જુઓ તો આપણે ત્યાં સૌથી વધુ વેંચાતી-વહેંચાતી અને જેનો સૌથી વધુ ઉલ્લેખ થાય છે એ બાપુના સત્યના પ્રયોાગવાળી આ આત્મકથા ખરા અર્થમાં એમનાં જીવનની અડધી કે પોણી પણ કથા નથી. જન્મથી ૧૯૨૦ સુધીની જ એમની જીવનકથા છે. ત્યાર પછી તો દેશની આઝાદી દરમિયાન કેટકેટલીએ ઘટના બની છે, છતાંય મહાત્મા ગાંધીએ એમના સત્યના પ્રયોગોનો ઉત્તરાર્ધ ક્યારેય ન આલેખ્યો…!
ખેર, એ તો બાપુને ગમ્યું તે ખરું, પણ પ્રશ્ર્ન એ છે કે આપણે એટલે કે લોકો આત્મકથા શું કામ લખે છે- શું કામ લખવી જોઈએ ?
પોતાના જીવનમાં કંઈક અગત્યનું બની ગયું છે અથવા તો પોતે ખરેખર બીજાં કરતાં કંઈક વિશેષ કર્યું છે એની જાણ બીજાને કરવી છે એટલે કોઈ આત્મકથા લખવા પ્રેરાય છે કે બીજા કોઈના ઉશ્કેરવાથી પોતાની કથા આલેખે છે.? આવા પ્રશ્ર્નો અનેક છે. કારણ જે પણ હોય,પણ એ ખરું કે મોટાભાગના લોકપ્રિય કે વિવાદાસ્પદ આદમીની આત્મકથા રોમાંચક જરૂર હશે એવી આપણી અપેક્ષા હોય છે. એ જ રીતે, સતત સમાચારમાં રહેતો આદમી એની કથા રોચક બનાવવાનો જરૂર પ્રયાસ પણ કરે છે.
બીજી તરફ, રાજનેતાઓની કથા મોટેભાગે કંટાળાજનક હોય છે. એ ખરા અર્થમાં આત્મકથા કરતાં જીવનચરિત્રણ વધુ હોય છે, જેમાં પોતાની પોલિટિકલ ફિલસૂફીને નામે રાજકીય બણગાં વધુ ફૂંક્યાં હોય છે. આવી આત્મ કે જીવનકથા વાચકો માટે ક્ષણભંગુર છે. હા, અપવાદરૂપ નેલ્સન મંડેલાની આત્મકથા (‘લોન્ગરોડ ટુ ફ્રીડમ) કે માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર)ની આત્મકથા તથા એમનાં અન્ય લેખોનું પુસ્તક (‘આઈ હેવ અ ડ્રિમ’ ) વાંચો તો એ બન્ને દિગ્ગજના રાજકીય – સામાજિક સંઘર્ષનો પ્રેરણાત્મક ચિતાર મળે.
જો કે, રાજદ્વારીઓની સરખામણીમાં રાજકીય સમીક્ષકો વધુ સજ્જ હોય છે પોતાની જીવન કે આત્મકથા આલેખવામાં. એમની રાજકીય સમીક્ષાનાં પુસ્તકોમાંય સાંપ્રત જીવનની ઝલક આપણને જોવાં મળે. આમાં ૯૫ વર્ષની આયુએ વિદાય લેનારા પત્રકારઋષિ એવા કુલદીપ નાયરને તમે પ્રથમ મૂકી શકો.એમની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઈન્સ’ અને અન્ય પુસ્તક ‘બિટવિન ધ લાઈન્સ’ તો પત્રકારો માટે ‘ગીતા’ ગણાય.
એમનાથી તદ્દન વિરોધાભાષી ‘લખાણ ધરાવતા તોફાની’ સરદાર ખુશવંત સિંહની આત્મકથા (‘ટ્રુથ- લવ એન્ડ લિટલ મેલિસ’) અનેક રીતે આંચકા આપનારી છે. સ્ત્રી-પુરુષના સબંધને રમતિયાળ છતાં સચોટ શૈલીમાં વ્યકત કરવામાં આ તડફડ સિંહ કોઈનીય શેહ -શરમ રાખતા નહીં. ૯૯ વર્ષે આ પાજીએ આખરી વિદાય લીધી ત્યારે એમના અનેક ટીકાકારોએ હાશકારો લીધો હતો !
હમણાં ફરી આત્મકથા-જીવનકથાનું બજાર ગરમાયું છે. વિશ્ર્વના સૌથી શ્રીમંત ઈ-કાર ‘ટેસ્લા’ તથા ‘ટિવટ્ટર’ના તાજા માલિક ઈલોન મસ્કની જીવનકથા અનેક વાદ-વિવાદોથી ભરપૂર છે. ‘એપલ’ કંપની દર વર્ષે એના લેટેસ્ટ આઈ ફોન ,ઈત્યાદિ માર્કેટમાં મૂકે એના ન્યૂઝ બધે છવાઈ જાય,પણ તાજેતરમાં આ જ દિવસે (૧૨ સપ્ટેમ્બર-૨૩) જાણીતા પત્રકાર-લેખક વાલ્ટર ઈસાકસન લિખિત ૬૫૦થી વધુ પાનાંની ઈલોન મસ્કની બાયોગ્રાફી પ્રગટ થતાં એના
સમાચારને ટીવી-અખબારોએ વધુ ચગાવ્યા… ‘એપલ’ જેવી જબરી કંપનીએ પોતાની પબ્લિસિટીમાં આવી પછડાટ ક્યારેય ખાધી નથી.!
બીજી તરફ, આપણે ત્યાં વાત કરીએ તો હોલીવૂડની જેમ બોલીવૂડ સેલિબ્રિટીસની જીવનકથાનાં પુસ્તકો લોકોની નજરે પહેલાં ચઢે છે. બે વર્ષ પહેલાં જાણીતી ફિલ્મસ્ટાર નીના ગુપ્તાની પ્રગટ થયેલી આત્મકથા
‘સચ કહું તો..’ લાંબો સમય ચર્ચામાં રહી. એક અભિનેત્રી તરીકે લગ્નસબંધમાં બંધાયા વગર એ કુંવારી માતા બની.. પુત્રીને એકલે હાથે સિંગલ મધર તરીકે ઉછેરી તથા અંગત જીવનમાં ‘હું કંઈ એટલી બધી બોલ્ડ નથી’ એવું ઉમેરીને પણ ફિલ્મઉદ્યોગના દંભની વાત નીના ગુપ્તાએ એની આત્મકથામાં સહજતાથી રજૂ કરી છે.
આથી વધુ સહજતા ને નિખાલસતા રિષિકપૂરે એની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’ માં દર્શાવી છે. અમિતાભ સાથે અનેક સફળ ફિલ્મો કર્યા પછી ‘ફિલ્મની સફળતામાં અમિતજી ક્યારેય એના સહયોગીને શ્રેય આપતા નથી’ એના દાખલા આપીને એ વાત ડંખ સાથે રિષિએ એની આત્મકથામાં કરી હતી. એ જ રીતે, પોતાના ગ્રેટેસ્ટ ‘શો-મેન’ પિતા રાજકપુરની હિરોઈન (નરગિસ – વૈજયંતિમાલા) પ્રત્યેની તીવ્ર આસક્તિની – એમની અફેર’ ની પણ વાત ખુલ્લમખુલ્લા’માં રિષિએ બિન્ધાસ્ત કરી છે..!
જો કે વૈજયંતિમાલાએ ‘આ વાત પુસ્તક માટે એક પબ્લિસિટી સ્ટંટ છે’ એવો જાહેરમાં જોરદાર વિરોધ કર્યો ત્યારે વિવાદ વધુ વકર્યો હતો !
બીજી તરફ, ગત ૨૬ સપ્ટેમ્બરના જેમની ૧૦૦મી વર્ષગાંઠ એના લાખો ચાહકો આનંદભેર ઉજવી એ સદાબહાર અભિનેતા દેવ આનંદે પણ એમેની આત્મકથા ‘રોમાન્સિંગ વીથ ધ લાઈફ’માં ઝિન્નત અમાન પ્રત્યેની પોતાની ચાહતના શબ્દો ચોર્યા વગર એકરાર કર્યો ત્યારે ઝિન્નતે એ વાતનો ઈન્કાર પણ નહોતો કર્યો !
આવી તો વાદ-વિવાદભરી અનેક આત્મકથાઓ (ગુજરાતી સહિત !) આપણે ત્યાં છે, જેની વાત ફરી ક્યારેક ,પણ આ બધા વચ્ચે આપણે એ પણ જાણી લઈએ કે આત્મકથા (કે પછી જીવનકથા કે જીવનચરિત્ર) લખવી એક કળા છે અને બીજી ક્ળાઓની જેમ આ પણ શીખી શકાય છે !
અમેરિકામાં તો ઑટોબાયોગ્રાફી કેવી રીતે લખવી એના રીતસર ક્લાસ ચાલે છે. ઘેરબેઠા સંખ્યાબંધ લોકો ૧૫ થી ૨૫ ડૉલર ચૂકવીને આવા ઓન્લાઈન -વર્ચ્યુલ વર્ગ ભરીને આત્મકથા કે જીવનચરિત્ર લખવાના પાઠ શીખી શકે છે. પોતાના જીવનમાં આવેલી સાચુક્લી વ્યક્તિઓને કંઈ રીતે પાત્રરૂપે પેશ કરીને તમારી આત્મકથા તમે રસપ્રદથી લઈને ઈચ્છો તો વિવાદાસ્પદ પણ કેવી રીતે બનાવી શકો એવી અવનવી ‘ટ્રિક્સ’ પણ અહીં શીખવવામાં આવે છે..!(સંપૂર્ણ )