
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
પાલીબહેને કામ ઉપર આવતાં પહેલાં ફોન કરી મારી જન્મકુંડળી તપાસી હતી. (જાણે એ શેઠાણી અને હું નોકરાણી હોઉં એવું મને એણે તે દિવસે ફીલ કરાવેલું.)
‘હેલો…’
મને ફોન ઊંચકતા જરા વાર લાગી એટલે ફોન ઉપર મારી સાસુ બોલતી હોય તેમ કુંજરાતી કુંજરાતી બોલેલી :
‘દુનિયામાં જાણે તને જ કામ હોય છે અને બીજા તો જાણે નવરાં! એક ફોન લેતાં આટલી વાર કરે છે, તો જ્યારે તારા ઘરનો બેલ હું મારાં, ત્યારે તો તું એક કલાક પછી જ બારણું ખોલહે. ખરું ને?’
મેં તાડૂકીને કહ્યું, ‘કોની સાથે કેમ વાત કરવી અને તે પણ પહેલ વહેલી વાર ફોન ઉપર, એની તને જાણ છે ખરી? તું જેને ફોન કરે છે, એ પાંત્રીસ વરસ સ્કૂલમાં શિક્ષિકા અને પછી આચાર્યની પોસ્ટ ઉપર ફરજ બજાવીને રિટાયર થઈ છે અને એનું નામ છે પ્રતિભા શાહ! ચાલીસ વરસની નોકરીમાં એણે કદી કામચોરી કરી નથી, અને કોઈને કરવા દીધી પણ નથી. નોકરી ઉપર ટાઇમસર પહોંચી છે અને સૌથી છેલ્લી શાળામાંથી બહાર નીકળી છે. સમજી? તું મને શું શિસ્ત શીખવવાની? શિસ્ત તો એક શિક્ષકનું ઘરેણું હોય છે! અને હા, મારી સાસુ હજી જીવતી છે. એટલે તું મારી સાસુ બનવાની હિંમત કરતી નહીં. સમજી? ચાલ, હવે જવાબ આપ. તારે શું કામ છે? કોનું કામ છે? ફોન શા માટે કર્યો? મારો નંબર તને કોણે આપ્યો? ભર બપોરે કોઈના ઘરે ફોન ન થાય, એ ન જાણતી હોય તો આજથી જાણજે. મારા સવાલના જવાબ ખૂબ વિચારીને સમય મર્યાદાની અંદર આપજે.’
‘હું કામવાળી પાલી બોલું છું. ગરજ મને નથી એ પેલ્લા જાણી લે. મને તો એક છોડું, તો બીજા હજાર કામ હામેથી મળે છે. બધી હેઠાણી રોજ મને ફોન કરે છે. જેને જેવી કામવાળી જોવે, તેવી હું ઘડીના છઠ્ઠા ભાગમાં મોકલી આપું છું. આ આખો નાનપુરા એરિયા મારો ગણાય. આ એરિયામાં મારું રાજ ચાલે. હમજી?’
મેં ફોન કટ કર્યો. આવી જોડે જો વધારે વાત કરું, તો કદાચ બેહોશ થઈ જઈશ! એવો ધાક મને પાલીની તું… તાં… વાળી હુરતી ભાષાથી લાગ્યો, પણ પાલી જેનું નામ! બીજે દિવસે ઘરે આવીને ડોરબેલ વગાડી ધરાર ઘરમાં આવી, સીધી બોલવા જ માંડી :
‘મેં આટલી હેઠાણી જોઈ. પણ તારા જેવી જબરી કોઈ જોઈ નથી!’
મેં એને કહ્યું, ‘કાલે મેં ફોન કટ કરેલો, તે તને ખબર છે. છતાં તું આજે વગર બોલાવ્યે કેમ અહીં આવી? હું તારા જેવી વધુ પડતી બોલતી અને જેને વાત કરતાં પણ નહીં આવડે, એવાંને ઘરે કામ આપતી નથી. આ તું જે તોછડી ભાષા બોલે, એ તો હું જરા પણ નહીં ચલાવું. મારું નામ રમા છે. તો મને ‘રમાબેન, તમે કેમ છો?’ એવું બોલનાર કામવાળા બેનને જ હું કામે રાખું. સમજી?’
‘હમજી ગેઈ. તમને રમલીની જગાએ રમાબેન કે’વાં. પછી હું છે? હાલો, હવે કામની વાતો કરો. બોલો, એક કામના હજાર પ્રમાણે આપહો, તો ત્રણ કામના ત્રણ હજારમાં કપડાં, વાહણ ને કચરા પોતાં કરીને ચાલતી થવાં. ટેમ ટુ ટેમ પગાર પેલ્લી તારીખે જ કરી દેવાનો. નહીંતર કપડાં ખંખેરીને ચાલતી થવાં. મને તો હજાર કામ મળી રેહે!’ (ગરજે ગધેડાને હો બાપ કેહવો પડે! ને મેં એની તોછડાઈ હામે આંખ આડા કાન કરીને એને કામે રાખેલી, એ તો કેમ ભૂલી શકું?)
એક વરસમાં ત્રણ મહિના જેટલી રજા પાક્કી! ક્યારેક જાત્રા કરવા જાય (એક મહિનો), ક્યારેક કોઈને કોઈ હગાંનાં મરણ અને બારમા તેરમા ચાલે. (ફરી એક મહિનો…) ક્યારેક એનો વર ખાટલે પડે, તો રજાનો એક મહિનો પાક્કો. દિવાળી તો એની, હોળી તો એની, હગાં તો એને ત્યાં જ આવે! હગાંવહાલાં તો એકના એક, બે-ચાર વાર મૃત્યુ પામે અને પાછા જીવંત થાય! એક એની વેવાણને એણે ચાર વખત મારી નાખેલી,બોલો!
‘આ વખતે ઉનાળા વેકેશનની તને રજા નહીં જ મળે.’ એટલું મેં હિંમત એકઠી કરીને કહી દીધું, તો એણે બીજે દિવસે એના છોકરા જોડે લાંબી રજા ચિઠ્ઠી મોકલી. જે એણે એના બે ચોપડી પણ નહીં ભણેલા એવા પોયરા પાસે લખાવેલી.
‘તમે એકવાર કીધેલું કે અમારે રજા જોઈતી હોય તો સ્કૂલમાં પહેલાં રજા ચિઠ્ઠી (અરજી) લખીને મોકલવી પડે. પછી સાહેબ રજા મંજૂર કરે, તો જ રજા મળે. તો મેં પણ અરજી મોકલું છું. બે ચોપડીમાં ચાર વાર નાપાસ થયેલા રઘલા પાહે અરજી કરાવી છે. મારે ઉનાળાના તડકામાં કામ થવાનું નથી. એટલે કોઈ બરફવાળી જગાએ (ફિલમમાં બતાવે છે એવી) જવું છે. તો આ વરહે ઉનાળામાં દહ હજાર ઉપાડ અને એક મહિનાની રજા મંજૂર કરી દેવા અરજ. તમે તો જાણો જ છો કે તમે ના કેહો, તો પણ હું રજા તો લેવાની જ છું. આ તો હમજીને રજા આપો, તો તાજીમાજી થઈને આવું અને તમારું કામ બરાબર કરી હકું… ને પૈહા તો હાથનો મેલ! આજે છે, ને કાલે નથી… તો હમજીને પૈહા રઘલા હાથે મોકલજો. જેથી ટિકિટ કપાવાનું ખબર પડે. આ તો તમે કીધેલું કે અરજી કરે તો જ રજા મળે! એટલે મેં અરજી મોકલી છે. મીનાભાભીને જમણે રહે છે, એ માયાબેને તો દહ દહ હજાર મોકલાવી હો દીધા છે. તમારી પાલી તમારી હાથે રેતાં રેતાં અરજી કરતાં હો હીખી ગઈ અને હિસાબ હો હીખી ગઈ…! હાલો ત્યારે, તમે હો ઉનાળામાં જાતે કામ ની કરવું હોય, તો મારી જેમ બરફવાળા પહાડ પર જતાં રે’જો…
તમારી પાલીના પાયલાગણ.’
ઊતરેલું મોઢું લઈ માયાબેન પ્રવેશ્યાં ને હું હમજી ગઈ કે ખિસ્સું તો ખાલી થવાનું જ છે એ વાત નક્કી!
આપણ વાંચો: પ્રથમ મહિલા પદ્મવિભૂષણ: જાનકીદેવી બજાજ